જિંદગી દરેક ઉંમરે જુદી જુદી રીતે સમજાય છે! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


જિંદગી દરેક ઉંમરે જુદી
જુદી રીતે સમજાય છે!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા,
અમે ભીતર ઊઘડવાનો કસબ શીખી ગયા,
ગમા ને અણગમાના ભારથી એવું થયું,
સવાલો ખુદને કરવાનો કસબ શીખી ગયા.
-લક્ષ્મી ડોબરિયા


કોઈ તમને એમ પૂછે કે, તમે જિંદગીને સમજો છો, તો તમે શું જવાબ આપો? આપણને એવું લાગતું હોય છે કે હું જિંદગીને સમજી શક્યો છું પણ કદાચ જિંદગી પૂરેપૂરી ક્યારેય સમજાતી નથી. માંડ થોડીક સમજાય ત્યાં એ નવું રૂપ ધારણ કરી લે છે. જિંદગી આમ તો ગેઇમ જેવી જ હોય છે. એક સ્ટેજ પાર કરો ત્યાં બીજું અઘરું સ્ટેજ આવી જાય છે. ક્યારેક એવું લાગે કે હવે બધું સેટ છે ત્યાં જ કંઇક એવું બને છે કે ક્યાંય ધ્યાન ન પડે! એક ધડાકે સેટ હોય એ બધું જ અપસેટ થઇ જાય! દુનિયામાં જેનો જરાયે ભરોસો ન થઇ શકે એવી કોઇ ચીજ હોય તો એ જિંદગી છે. એનો મતલબ જરાયે એવો નથી કે, જિંદગીમાં ખરાબ જ થાય છે. જિંદગીમાં આપણે ન ધાર્યું હોય એવું સારું પણ અણધાર્યું જ થાય છે. આપણને ક્યારેક તો કોઇ ચમત્કાર થયો હોય એવું લાગે! તમે વિચાર કરજો. તમે આજે જે કંઇ પણ છો એની તમે કલ્પના કરી હતી? મોટા ભાગના સફળ લોકોએ એવું કહ્યું છે કે, અમને તો સપનામાંયે નહોતું કે આટલી સફળતા મળશે! જિંદગી રસ્તો બતાવતી ગઇ અને અમે ચાલતા ગયા, સફર સરસ રહી. હજુ જ્યાં છીએ એ મંઝિલ છે કે નહીં એ પણ ખબર નથી. જે સફળ હતા, જેના નામના સિક્કા પડતા હતા તેવા લોકો પણ અંધકારમાં ગરકાવ થઇ જાય છે. આવું કેમ થાય છે? માણસ સફળ થાય ત્યારે છકી જાય છે. નિષ્ફળ જાય ત્યારે તૂટી જાય છે. કંઇ પણ થાય, છેલ્લે બધી વાત નસીબ પર આવીને અટકી જાય છે!
એક સંગીતકારે કહેલી આ સાવ સાચી વાત છે. એ સફળ છે. એને મોં માંગ્યા દામ મળે છે. તેને પૂછ્યું કે, તારી સફળતાનું કારણ શું છે? તેણે એવું કહ્યું હતું કે, મહેનત અને નસીબ! મહેનત એટલા માટે કે એના વગર તો કંઇ મળવાનું જ નથી. નસીબ એટલા માટે કે, મને ખબર છે કે ઘણા એવા સંગીતકાર છે જે મારા કરતાં પણ ટેલેન્ટેડ છે. એ મારા કરતાં ક્યાંય સારું વગાડે છે પણ એને કોઇ ઓળખતું પણ નથી. આપણી આજુબાજુમાં જ એવા કેટલાંયે લોકો હોય છે જે ખરેખર ટેલેન્ટેડ હોય છે પણ એને ક્યાંય ચાન્સ જ મળતો નથી. ઘણા ઓછા ટેલેન્ટેડ માણસોને એવા મોકા મળી જાય છે કે, એના સિતારા રાતોરાત ચમકી જાય છે! આ બધું શું છે? અલ્ટિમેટલી તો એ જિંદગીના જ કિસ્સા અને હિસ્સા છે જે ક્યારેય પૂરેપૂરા સમજી શકાતા નથી!
એક વૃદ્ધ માણસ હતો. એની જિંદગી એકંદરે સારી રહી હતી. સારા હોદ્દા પર નોકરી કરી હતી. પરિવારમાં પણ કોઇ ખાસ ઇશ્યૂ આવ્યા નહોતા. એક વખત તેના દીકરાના દીકરાએ તેને સવાલ કર્યો. તમારી જિંદગી કેવી રહી? તમે જિંદગીને સમજી શક્યા છો? દાદાએ કહ્યું કે, હું જિંદગીને એટલી સમજી શક્યો છું કે, જિંદગી સમજવાની નહીં પણ જીવવાની ચીજ છે. હા, દરેક માણસ પોતાની જિંદગીને સમજવાનો સતત પ્રયાસ કરતો જ હોય છે. મેં પણ કર્યો છે. જિંદગીના અલગ અલગ પડાવ હોય છે. અલગ અલગ મુકામ હોય છે. એ બધા જ પડાવ અને મુકામ પર જિંદગી જુદી જુદી રીતે સમજાય છે. જેમ જેમ ઉંમર વધે એમ એમ જિંદગીનો અર્થ બદલાતો પણ રહે છે. મોટા થઇએ પછી ક્યારેક એવું લાગે છે કે, પેલો નિર્ણય કર્યો ન હોત તો સારું હતું. આમને બદલે તેમ કર્યું હોત તો કદાચ જિંદગી જુદી હોત. સાચી વાત એ હોય છે કે એ ઉંમરે એ જ સાચું લાગતું હોય છે. ભૂલો કોઇ જાણીજોઇને નથી કરતું. ભૂલો થઇ જતી હોય છે. ભૂલો થઇ જાય એનો પણ વાંધો નથી. ભૂલો જ્યારે સમજાય છે ત્યારે ઘણી વેદના, પીડા, દર્દ થાય છે. કોઇનું દિલ દુભાવવું હોતું નથી પણ દુભાવાઈ જાય છે, કોઇને છેતરવા હોતા નથી પણ છેતરાઇ જાય છે, ક્યારેક કંઇક સારું કરવાનો ઇરાદો હોય અને એને ખોટી રીતે લઇ લેવામાં આવે છે. તમે જેને પ્રેમ કરતા હોવ એ જ તમને નફરત કરવા લાગે! આપણો કોઇ વાંક ન હોય એને સજા મળે! આવું થતું હોય છે, બધાની સાથે નાનુંમોટું આવું થયું જ હોય છે. દાદાએ છેલ્લે દીકરાને એટલું કહ્યું કે બને ત્યાં સુધી ખુલ્લા દિલે જીવજે અને દિલ ડંખે એવું કંઈ ન કરતો. દિલ ડંખે ત્યારે સાવચેત થઇ જજે, કારણ કે એ પછી આખી જિંદગી કનડતું રહે છે!
તમને ક્યારેય એવું થાય છે કે આમ ન કર્યું હોત તો સારું હતું? આ મારાથી ખોટું થઇ ગયું? કોઇ ગિલ્ટ, કોઇ અફસોસ, કોઇ રિગ્રેટ, કોઇ વસવસો છે જે દિલના કોઇ ખૂણે થોડો થોડો ડંખતો રહે છે? જો એવું કંઇ હોય તો જાતને પણ માફ કરી દેવી જોઇએ. માણસ છીએ. ક્યારેક જાણતા તો ક્યારેક અજાણતા ભૂલ થઇ જાય છે. જેને હર્ટ કર્યું હોય એની માફી માંગી શકાય તો સારી વાત છે. ઘણી વખત એવું પણ થાય કે આપણે તો માફી માંગી લઇએ પણ કરગરવા છતાં પણ માફી ન મળે! સતત સંભળાવવામાં આવે, યાદ અપાવવામાં આવે કે તેં આ ખોટું કર્યું છે! તો પણ પોતાની જાતને માફ કરી દેવામાં કોઈ ખોટું નથી.
એક સંત હતા. એક વખત તેઓ જેલમાં સત્સંગ માટે ગયા. સંતે કહ્યું કે, નાનાં મોટાં પાપ કે ગુના દરેક માણસ કરતો જ હોય છે. તમે કાયદાની ચોપડીમાં જેને ગુના ગણવામાં આવ્યા છે એવી ભૂલો કરી છે. દુનિયામાં બીજી ઘણી એવી ભૂલો છે જેની કાયદાના ચોપડામાં નોંધ સુધ્ધાં નથી. એવા ગુનાની સજા વધુ આકરી હોય છે. કોઇનું દિલ દુભાવવું એ કાયદાકીય રીતે કોઇ ગુનો નથી પણ એ ગંભીર અપરાધ છે. આપણે સતત કોઇનું બૂરું ઇચ્છતા રહીએ છીએ. બૂરું ઇચ્છવું એ બૂરું કરવા જેટલું જ ખરાબ કૃત્ય છે પણ એની કોઇ સજા થતી નથી. તમારી સજા તો વહેલી કે મોડી પૂરી થઇ જશે પણ તમે ધારો તો તમારા મનથી અત્યારે જ મુક્ત થઇ શકો એમ છો. હવે હું કોઈ ભૂલ નહીં કરું, હવે હું કોઇ ગુનો નહીં કરું એનો સંકલ્પ એ જ મુક્તિનું પહેલું પગથિયું છે. જિંદગી દરેક તબક્કે માણસને માણસ બનવાની તક આપતી રહે છે. આપણે એ તક ઝડપતા હોતા નથી. જિંદગી સરવાળે તો સરળ જ હોય છે. આપણે જ તેને ગૂંચવી નાખીએ છીએ. આપણે આપણા ફરતે જ જાળાં રચતા રહીએ છીએ અને પછી આપણે જ તેમાં જકડાઇ જઇએ છીએ. જિંદગી સામે ફરિયાદો કરીએ છીએ. જિંદગી સામે ફરિયાદો કરશો તો પણ કોઇ સાંભળવાનું નથી. સાંભળવી તો છેલ્લે તમારે પોતે જ પડશે અને તેનો ઉકેલ પણ તમારે પોતે જ શોધવો. જિંદગીને એટલી ન ગૂંચવો કે અઘરી લાગે. હળવા રહો, હસતા રહો અને પોતાની જાત સાથેની નિર્દોષતા જાળવી રાખો તો જિંદગી જીવવાની મજા આવશે! જિંદગી પણ નેચરલ અને ઓર્ગેનિક રહેવી જોઇએ. આપણે કેટલા નેચરલ છીએ? બહારથી તો ટાપકટિપક કરીને સારા દેખાઇ રહીશું પણ અંદરથી શું? અંદર તો રઘવાટ અને ધૂંધવાટ છે. આપણી અંદર જે ચાલતું હોય છે એના માટે આખરે તો આપણે જ જવાબદાર હોઇએ છીએ! જાત સાથેની પણ એક પ્રામાણિકતા હોય છે, વફાદારી હોય છે, એ નહીં હોય તો ઉચાટ અને ઉકળાટ જ રહેવાના છે! જિંદગીને જીવવા જેવી રહેવા દેવી એ આપણા હાથની વાત છે અને તેના માટે જરૂરી છે કે હાથે કરીને જિંદગીને અઘરી અને અટપટી ન બનાવીએ!
છેલ્લો સીન :
દુનિયામાં જો ખરાબ, બદમાશ, લુચ્ચા, સ્વાર્થી, નાલાયક માણસ ન હોત તો આપણને ક્યારેય સારા માણસનું મૂલ્ય સમજાત જ નહીં! નેગેટિવિટી છે એટલે જ પોઝિટિવિટીની કિંમત સમજાય છે! – કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 02 ઓક્ટોબર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: