તારામાં સમજણ જેવું કંઈ છે કે નહીં? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

તારામાં સમજણ જેવું
કંઈ છે કે નહીં?


ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


એમ શાને થાય છે કે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ,
હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈ.
-રિષભ મહેતા


તમે સમજુ છો? તમને કોઈ આવો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? આમ તો દરેક માણસ પોતાને સમજુ જ સમજતો હોય છે. એમાં પણ કંઇ વાંધો નહીં! દુનિયા અને જિંદગીની ચેલેન્જીસ સામે છેલ્લે તો આપણને આપણી સમજણ જ કામ લાગતી હોય છે. જિંદગીમાં પળેપળે બેલેન્સ રાખવું પડતું હોય છે. એક યુવાનની આ વાત છે. એ ગમે ત્યારે ગમે તેવું વર્તન કરે. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તું કંઈ પણ કર એ પહેલાં થોડોક વિચાર તો કર! મિત્રની વાત સાંભળીને તેણે કહ્યું કે, જિંદગી શું વિચારી વિચારીને જ જીવવા માટે છે? મિત્રએ કહ્યું, હા, વિચારીને જ જીવવું પડે છે, એનું કારણ એ છે કે આપણે આપણા દરેક વર્તનનાં પરિણામો ભોગવવાં પડે છે. અગ્નિમાં હાથ નાખો તો દાઝવાના જ છો. આપણે નાના હોઇએ ત્યારે વડીલો આપણને કહેતા હોય છે કે, આમ કરાય અને આમ ન કરાય. ઘણાને આ વાત ગળે ઊતરતી નથી. એ તો અનુભવ કરે અને પછડાટ ખાય પછી જ તેને એ વાતનું ભાન થાય છે કે, વડીલ જે કહેતા હતા એ સાચું હતું. એક દીકરાએ એના પિતાને પૂછ્યું, તમે કહો એ સાચું અને તમે કહો એ ખોટું, એવું મારે શા માટે માની લેવું જોઇએ? તેના પિતાએ કહ્યું કે, એટલા માટે કે અમે એ કરી ચૂક્યા છીએ! અમે ભૂલો ભોગવી છે એટલે જ ઇચ્છીએ છીએ કે, તું આવી ભૂલો ન કરે!
દરેક માણસને ભૂલ કરવાનો પણ અધિકાર હોય છે, અલબત્ત, એનો મતલબ એ નથી કે, હાથે કરીને ભૂલ કરવી! માણસથી અજાણતા ભૂલ થઇ જાય એ સ્વાભાવિક છે પણ ઝેરની જેમ ભૂલનાં પણ પારખાં ન હોય. જોઇએ તો ખરા શું થાય છે એવું વિચારીને ઘણા લોકો આંધળુંકિયાં કરતા હોય છે. છૂટેલું તીર, બોલેલા શબ્દો અને કરેલું વર્તન ક્યારેય પાછાં વળતાં નથી, એટલે જ કહે છે કે, તીર છોડતા પહેલાં નિશાન બરાબર તાકી લેવું અને બોલતા પહેલાં તેનાં પરિણામો સારી રીતે વિચારી લેવાં. જિંદગીમાં ક્યારેક એવું થતું હોય છે કે, આપણને કંઈ સમજાય જ નહીં. જે થઈ રહ્યું હોય છે એ જોઇને આપણી બુદ્ધિ બહેર મારી જાય છે. એક છોકરીની આ વાત છે. એ જોબ કરતી હતી. અચાનક જ એને કહી દેવાયું કે, હવે તમારા કામની જરૂર નથી. છોકરીએ સવાલ કર્યો કે, મારો વાંક શું? મારાથી કંઇ ભૂલ થઇ? છોકરીને કહ્યું કે, ના તારાથી કોઇ ભૂલ નથી થઇ, તારો કોઇ વાંક નથી. કંપની પોતાનું કામ ઘટાડે છે એટલે તમને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. એ છોકરી ડિસ્ટર્બ થઇ ગઇ. અમુક સંજોગો જ એવા હોય છે કે માણસ ડિસ્ટર્બ થઇ જાય. એ છોકરીને જાતજાતના વિચારો આવવા લાગ્યા કે, ઘરના લોકો અને મિત્રો શું માનશે? એ તો એવું જ સમજવાનાને કે, આને કામ આવડતું નહીં હોય, કામમાં કોઇ ધડા નહીં હોય, કામમાં કંઇક લોચા માર્યા હશે, બાકી કંઇ એમ થોડા કોઇને નોકરીમાંથી કાઢી મૂકે? આ બધી વાત તેણે પોતાની એક ફ્રેન્ડને કહી. તેની ફ્રેન્ડે કહ્યું કે, કોણ શું વિચારશે એની ચિંતા કરવા બેસીશ તો અપસેટ જ રહીશ. લોકો તો એને મનમાં આવે એવું જ વિચારવાના છે. મહત્ત્વનું એ નથી કે, લોકો શું વિચારશે, ઇમ્પોર્ટન્ટ એ છે કે, તું તારા વિશે શું વિચારે છે? તને ખબર છે કે, તારો કોઇ વાંક નથી. તારા માટે આટલું જ પૂરતું છે.
જિંદગીનો કોઇ પ્રસંગ હોય ત્યારે સૌથી વધુ મહત્ત્વનું એ જ હોય છે કે, આપણે શું વિચારીએ છીએ? આપણને દુનિયાની સમજ હોય એના કરતાં પણ વધુ જરૂર એની હોય છે કે, આપણને આપણી સમજ હોય! તમને તમારી કેટલી સમજ છે? આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું અમુક પ્રકારનું વર્તન કેમ કરું છું? હું જે કરું છું એ સાચું અને સારું તો છેને? આપણને ઘણી વખત તો એ ખબર જ નથી હોતી કે, આપણે શું કરીએ છીએ? શા માટે કરીએ છીએ? એવું કરવા પાછળ ખરેખર આપણો ઇરાદો શું હોય છે? એક યુવાનનો આ સાવ સાચો કિસ્સો છે. એને તેની પત્ની સાથે કોઇ ને કોઇ વાતે પ્રોબ્લેમ થાય. રોજ ઝઘડા ચાલતા રહે. એક વખત તેની પત્નીએ તેને પૂછ્યું કે, તારે કરવું છે શું? તું કહીશ કે, તને મારી સાથે પ્રોબ્લેમ શું છે? એ માણસ કંઇ ન કહી શક્યો. આખરે પત્નીએ કહ્યું કે, તને ખબર છે તારી નિષ્ફળતાનું ફ્રસ્ટ્રેશન તું મારી પર ઉતારે છે? મને ખબર છે કે, તું ખરાબ સમયમાંથી પસાર થાય છે એટલે હું તારું ધ્યાન રાખું છું. તું પણ તારા પર થોડોક કંટ્રોલ રાખ. હું તારાથી કંટાળીશ તો શું થશે? હું મારા પિયર ચાલી જઇશ. તારી સાથે ડિવોર્સ લઇ લઇશ. એ પછી તારું શું થશે? દરેક વાતમાં મગજ ન ગુમાવ. સાથે હોઈશું અને પ્રેમથી રહીશું તો આ સમય પણ પસાર થઇ જશે. પતિએ આખરે કબૂલ્યું કે, મને જ ખબર નથી પડતી કે, હું શું કરી રહ્યો છું. સાવ સાચું કહું તો હું મને જ સમજાતો નથી. જે માણસ પોતે જ પોતાને ન સમજી શકતો હોય એ બીજાને શું સમજી શકવાનો છે? પત્નીએ કહ્યું કે, તો પ્લીઝ તું મારી વાત માન. મગજ પર કંટ્રોલ રાખ. વાતેવાતમાં ઉશ્કેરાઇ ન જા. એ યુવાનનો ખરાબ સમય પૂરો થયો એ પછી તેણે પોતાના મિત્રોને એવું કહ્યું હતું કે, મારી વાઇફ સમજુ છે કે એણે મને સાચવી લીધો. બાકી એ પણ મને છોડીને ચાલી ગઇ હોત. આપણને કોઇ સહન કરતું હોય એની પણ આપણને કદર હોવી જોઇએ. કરુણતા એ વાતની છે કે, આપણને કદર નથી હોતી.
એક પતિ-પત્ની હતાં. પત્ની કરિયર ઓરિએન્ટેડ હતી. એનું કામ એના માટે પ્રાયોરિટી હતું. કામ હોય ત્યારે એ કોઇની પરવા ન કરતી. એક વખત તે બીમાર પડી. એના પતિએ એનું ખૂબ જ ધ્યાન રાખ્યું. બીમાર હતી તો પણ પત્નીને ચિંતા તો એના કામની જ હતી. પતિ તેને સમજાવતો કે, કામ તો થઇ રહેશે, પહેલાં સાજી થઇ જા! પત્ની ધીમેધીમે સાજી થઇ રહી હતી. અચાનક જ તેને વિચાર આવ્યો કે, મારા માટે તો મારા હસબન્ડે રજા લીધી છે. એ મારું કેટલું ધ્યાન રાખે છે! તેને એવો વિચાર આવી ગયો કે, એ બીમાર હોય તો હું મારા કામને જતું કરું ખરું? હું એના માટે રજા લઉં ખરી? તેને ભૂતકાળના એક-બે પ્રસંગ પણ યાદ આવી ગયા જ્યારે પતિને તાવ હતો અને એ દવા આપીને કામ પર ચાલી જતી. પત્નીએ આખરે પતિને પૂછ્યું, તને તારા કામની ચિંતા થતી નથી? પતિએ કહ્યું, કામની ચિંતા થાય છે પણ એનાથી વધુ તારી ચિંતા થાય છે! કામ તો થશે. હું કામ નહીં કરું તો મારું કામ બીજું કોઇ કરી લેશે પણ તારું ધ્યાન નહીં રાખું તો બીજું કોઇ તારું ધ્યાન રાખવા આવવાનું નથી! આપણા સંબંધો, આપણો પ્રેમ અને આપણી જિંદગી વિશે આપણને પૂરતી સમજણ હોવી જોઇએ. ઘણી વખત આપણે કરવા જેવું હોય એ કરતા નથી અને ન કરવા જેવું હોય એ કરતા રહીએ છીએ. આપણે આખરે શું કરવા ધારતા હોઇએ છીએ? જેને સાચા રસ્તાનો ખ્યાલ નથી રહેતો એને મંઝિલે પહોંચી ગયા પછી એ સમજાય છે કે, આ મંઝિલ તો ખોટી છે? મંઝિલ નક્કી કરતા પહેલાં પણ એ વિચારવું જોઇએ કે, મંઝિલની મારી ચોઇસ સાચી તો છેને? મંઝિલે પહોંચી ગયા પછી પાછળ જોઇએ ત્યારે પોતાનું કોઇ ન હોય તો મંઝિલે પહોંચવાનો કોઈ મતલબ નથી.


છેલ્લો સીન :
વિચારોની પણ એક રિધમ રહેવી જોઈએ. વિચારો જો લય ખોઈ બેસે તો જિંદગીમાં પ્રલય સર્જાય છે! – કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 11 સપ્ટેમ્બર,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
[email protected]

Be the first to comment

Leave a Reply