એના ચહેરા પરથી જરાયે લાગે કે એ આવું કરી શકે? : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

એના ચહેરા પરથી જરાયે

લાગે કે એ આવું કરી શકે?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને,

ફરી પાછી મેં પકડી એ જ કેડીને,

મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા,

સતત એ રાગ એનો એ જ છેડીને.

-હરીશ ધોબી

આ દુનિયામાં કદાચ સૌથી વધારે કંઈ અઘરું હોય તો એ માણસને ઓળખવો છે. માણસ સતત બદલાતો રહે છે. દરેક શ્વાસમાં માણસની અંદર કંઇક ઉમેરાય છે અને દરેક ઉચ્છ્‌વાસમાં કંઈક ઠલવાય પણ છે. માણસના વિચારો અને અનુભવો માણસને સતત બદલતા રહે છે. માણસ ક્યારે કેવું વર્તન કરે એ નક્કી નથી હોતું. માણસને ઘણી વાર તો એ પણ ખબર નથી હોતી કે, હું આવું વર્તન શા માટે કરું છું? મારી અંદર એવું તે શું ચાલી રહ્યું છે જે મને આવું વર્તન કરવા મજબૂર કરે છે? ઘણા લોકોના મોઢેથી આપણે એવું સાંભળીએ છીએ કે, મને જ સમજાતું નથી કે મારાથી આવું કેમ થઇ ગયું? માણસ પર ક્યારેક શેતાન સવાર થઇ જાય છે તો ક્યારેક એ સંત જેવું વર્તન પણ કરે છે. ક્યારેક કોઇનું ઘાતકી કૃત્ય જોઇને આપણા મોઢામાંથી શબ્દો સરી પડે છે કે, કોઇ માણસ આવું કેવી રીતે કરી શકે? આપણી આજુબાજુમાં જ એવા લોકો હોય છે જેને જોઇને એવો જ સવાલ થાય કે, તારાથી આવું કેમ થાય છે? તને કંઇ કર્યા કે બોલ્યા પહેલાં કોઇનો જરાકેય વિચાર નથી આવતો?

આ દુનિયામાં એવા માણસો બહુ ઓછા છે જે `એકધારા’ હોય! ગમે એવી પરિસ્થિતિમાં એ એકસરખા જ રહે! માણસ સમય મુજબ બદલાય છે. સંજોગો ક્યારેક એને હવામાં ઉડાડે છે તો ક્યારેક જમીનદોસ્ત કરી દે છે. આપણે કહીએ છીએ કે, એનામાં તો બહુ હવા ભરાઇ ગઇ છે ! સત્તા અને સંપત્તિ માણસની મતિ બદલાવી નાખે છે. એક યુવાનની આ વાત છે. એક વખત એ મિત્રોના ગ્રૂપમાં એવું બોલ્યો કે, જોજોને, મારોય સમય આવશે! તેના મિત્રએ કહ્યું, સમય આવશે એટલે શું? તારી પાસે પૈસો આવશે, તારો પડ્યો બોલ ઝિલાશે, તારું ધાર્યું થશે, બધા તારાથી ડરશે, તારી પાસે સત્તા હશે, તું જેને ધારે તેને હેરાન કરી શકીશ, તું ઇચ્છે એનું સારું કરી શકીશ, એવું જને? જરાક એટલું પણ વિચારજે કે એ સમયે તું માણસ રહીશ ખરો? તું આજે સારો માણસ છે, તારા માટે એટલું પૂરતું નથી? આપણે માત્ર સારા માણસ રહેવું હોતું નથી. આપણે તો શક્તિશાળી બનવું હોય છે! માણસનું સાચું મૂલ્ય એ જ્યારે ટોચ પર હોય ત્યારે કેવું વર્તે છે એના પરથી જ વર્તાતું હોય છે ! મહત્ત્વાકાંક્ષા હોય એ સારી વાત છે પણ એટલુંય નક્કી કરવાનું હોય છે કે, કોઇ સ્થાને પહોંચ્યા પછી આપણે કરવું છે શું? આપણા ઇરાદાઓ આખરે શું હોય છે?

એક યુવાન હતો. તે જ્યાં કામ કરતો હતો ત્યાં એનો બોસ માથાભારે હતો. એ બધાને પોતાના ઇશારે નચાવતો હતો. તેની જબરજસ્ત ધાક હતી. બોસનું વર્તન જોઇને એ યુવાને તેના મિત્રને કહ્યું કે, મને બોસ બનવા દેને, પછી જોજો કે ડર કોને કહેવાય! તેના મિત્રએ કહ્યું કે, તારે ધાક પેદા કરવી છે કે બેસ્ટ રિઝલ્ટ જોઇએ છે? કામ ડરાવીને પણ કરાવી શકાય છે અને લાગણીથી પણ કરાવી જ શકાય છે. તું પણ જો અત્યારના બોસ જેવું જ કરવાનો હોય તો પછી તારામાં અને એનામાં ફેર શું છે? આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે જે શીખવાનું હોય છે એ નથી શીખતા અને ભળતુંસળતું જ શીખી લઇએ છીએ!આપણી આજુબાજુમાં જે ઘટનાઓ બને છે તેમાંથી પણ આપણે શું શીખીએ છીએ, શું ગ્રહણ કરીએ છીએ, એ જ મહત્ત્વનું હોય છે.

આજના જમાનામાં એક માન્યતા એવી પણ બહુ ચાલે છે કે, સારા અને સીધા રહેવામાં બહુ માલ નથી. લોકો તમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લે છે. સાવ એવું નથી. સારા રહેવાથી બીજું કંઈ તો થાય કે ન થાય પણ આપણો આત્મા આપણને ડંખતો નથી. એક છોકરી સંત પાસે ગઇ. તેણે સંતને સવાલ કર્યો કે, સારા રહેવાથી ફાયદો શું? સંતે કહ્યું કે, રાતે સારી ઊંઘ આવી જાય! સારી ઊંઘ આવે એટલે સવાર પણ સારી પડે. સવાર સારી હોય એટલે દિવસ સારો જાય. જિંદગી આખરે તો દિવસોની જ બનેલી હોય છે. ખરાબ થવાથી આખો દિવસ તમારા દિમાગમાં એ જ વિચારો ચાલતા રહે કે, કોને કેવી રીતે પાડી દેવો? કોણ શું કરે છે તેની પર જ નજર રહે. જ્યારે તમે બીજા પર નજર રાખવા માંડો છો ત્યારે તમે તમારા પરથી નજર હટાવી દો છો. આપણને સતત એવું થયા રાખે છે કે બધા મારી સામે કાવતરાં કરી રહ્યા છે. ઘણા તો વળી એવું પણ માનવા લાગ્યા હોય છે કે કોઇનાથી હું સહન થતો નથી. બધા મારાથી બળે છે. બધા મારી ઇર્ષા કરે છે. બહુ ઓછા લોકો એવું વિચારે છે કે, જેને જ કરવું હોય એ કરે, મારે એ જ ધ્યાન રાખવું છે કે, મારે શું કરવું છે! તમે તમારો માર્ગ પકડી રાખો. બીજાના રસ્તાઓ જોવા જશો તો તમારો માર્ગ પણ ચૂકી જશો!

માણસ બધું ગુમાવે એ પછી પણ ટકી રહેતો હોય છે પરંતુ જે માણસ ભરોસો ગુમાવે છે એ છેલ્લે એકલો હોય છે. પોતાના લોકો સાથે રમત કરીને કોઇ જીતતો નથી. એને એવું લાગતું હોય છે કે, મેં મારું ધાર્યું કર્યું પણ એને એ ખબર નથી હોતી કે, એણે શું ગુમાવ્યું! કોઇએ આપણા પર શ્રદ્ધા મૂકી હોય એ તૂટે ત્યારે ઘણું બધું તૂટતું અને છૂટતું હોય છે. હવેનો જમાનો શોર્ટકટનો છે. માણસ ચહેરા પર મહોરાઓ ચડાવીને ફરતો રહે છે. ઘણા લોકો તો એમાં એવા માહેર હોય છે કે, આપણે નક્કી જ ન કરી શકીએ કે આટલા બધા ચહેરામાં સાચો ચહેરો કયો છે? હકીકતે તો કોઇ ચહેરો સાચો હોતો જ નથી! બધા જ ચહેરા ખોટા હોય છે! એક ભલો ભોળો દેખાતો માણસ હતો. તેણે પોતાની કંપનીમાં મોટું કૌભાંડ કર્યું. બધાને ખબર પડી એ પહેલાં તો એ ફોરેન ભાગી ગયો. તેના વિશે ઓફિસમાં એવી વાતો થવા લાગી કે, એના ચહેરા પરથી જરાયે લાગતું હતું કે, એ માણસ આવું કરી શકે? આપણને પણ ઘણી વખત આપણા નજીકના લોકોના વર્તન પરથી એવું થાય છે કે, એણે આવું કર્યું !

ટેક્નોલોજીના આજના જમાનામાં લોકોને ફિલ્ટરની સારી ફાવટ આવી ગઇ છે. હોય નહીં એવા દેખાવવાની અને હોય એને છુપાવવાની સારી એવી કુનેહ લોકોએ કેળવી લીધી છે. સોશિયલ મીડિયામાં જુઓ અને રૂબરૂ મળો ત્યારે એ નક્કી ન થાય કે આ બેમાંથી સાચું રૂપ કયું? ઘણી વખત સાચું હોય એ ત્રીજું જ હોય છે! એક છોકરો નાટકબાજ હતો. સોશિયલ મીડિયા પર જાતજાતનાં ગતકડાં કર્યાં રાખે. તેની લાઇફમાં એક છોકરી આવી. છોકરાને પોતાના વિશે જાતજાતના ભ્રમ હતા. છોકરાએ કહ્યું કે, મને લોકોને મૂરખ બનાવતા સારી રીતે આવડે છે. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું, દુનિયાને ભલે તું મૂરખ બનાવે પણ તારા પોતાના લોકોને મૂરખ બનાવવાની ભૂલ ક્યારેય ન કરતો. એનું કારણ એ છે કે, જે લોકો દૂર છે એ તો દૂર જ રહેવાના છે પણ જે નજીક છે એ દૂર ચાલ્યા ગયા તો સાવ એકલો પડી જઇશ! જે પોતાના લોકોને છેતરે છે એ અંતે તો પોતાને જ છેતરતા હોય છે. ચાલાકી બહુ ચાલતી નથી. ઓળખાઇ જાય છે. ચાલાકી, બદમાથી કે ઉસ્તાદી કરીને આપણને થોડોઘણો ફાયદો થઇ જાય પણ એના કારણે જેનું દિલ દુભાય છે, જેને હર્ટ થાય છે એનો અંદાજ આપણને ક્યારેય નથી આવતો! એક સાવ સાચો કિસ્સો છે. એક મિત્રને તેનો દોસ્ત છેતરી ગયો. એના રૂપિયા ઓળવી ગયો. મિત્રને જ્યારે ખબર પડી ત્યારે તેણે એવું કહ્યું કે, રૂપિયા ગયા એનો ગમ નથી, દુ:ખ એ વાતનું છે કે મારા દોસ્તે આવું કર્યું. છેતરાવામાં વાંધો નથી, બસ, એ વ્યક્તિ આપણી ન હોવી જોઇએ! પોતાના જ છેતરે ત્યારે બહુ પેઇન થાય છે! પોતાના લોકો સાથે રમત રમવા જેવું ખતરનાક કામ કોઈ નથી! રમત તો કદાચ જીતી જશો પણ પોતાના માણસને હારી જશો!

છેલ્લો સીન :

ભૂલ સુધારવાનો મોકો અને સમય પૂરો થઇ જાય એ પહેલાં માણસને પોતાની ભૂલ સમજાઈ જવી જોઈએ. ભૂલ સમજવામાં અને સ્વીકારવામાં મોડું થઇ જાય તો પસ્તાવા સિવાય કંઈ બચતું નથી! -કેયુ.

(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 31 જુલાઈ, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply