જિંદગી જીવતાં શીખવાડે એ જ સાચો ગુરુ છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી જીવતાં શીખવાડે
એ જ સાચો ગુરુ છે!


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આપણે કેટલું બધું શીખીએ છીએ પણ જિંદગી જીવવાનું શીખતા નથી! એના વગર દરેક શિક્ષણ અધૂરું છે!


હવે કેટલા શિક્ષકો ગુરુ કહેવાનું મન થાય એવા હોય છે?

શિક્ષકો વિદ્યાર્થીઓથી દૂર થઇ ગયા છે એના માટે સમાજ પણ કંઇ ઓછો જવાબદાર નથી!


તમે કોને ગુરુ તરીકે માનો છો? એનામાં એવું શું છે જે તમને નમન કરવા પ્રેરે છે?

તમારા ગુરુ તમે જ બની શકો ખરા?


———–

આજે ગુરુપૂર્ણિમા છે. ગુરુવંદનાનો દિવસ. આ અવસરે હમણાં જ વાઇરલ થયેલા બે વીડિયોની યાદ આવે છે. બિહારમાં પાંચ વર્ષના વિદ્યાર્થીને તેના શિક્ષકે એટલો માર્યો કે એ માસૂમ બાળક બેહોશ થઇ ગયો. બીજા વીડિયોમાં એક વિદ્યાર્થી જોવા મળે છે જે ગુસ્સામાં આંગળી બતાવે છે અને જાણે ઇશારામાં એવું કહેતો ન હોય કે હું જોઇ લઇશ! આ વીડિયો સાથે એવા શબ્દો લખવામાં આવ્યા હતા કે, કોણ કહે છે કે શિક્ષકની જોબ સેઇફ છે? આ છોકરો ગમે તે દિવસે વેર લેશે! આપણે ત્યાં શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. ગુરુપૂર્ણિમા હોય કે ટીચર્સ ડે હોય આપણે સહુ ગુરુનો મહિમા ગાઇએ છીએ. ગાવો જ જોઇએ, શિક્ષક હંમેશાં આદરણીય જ રહેવા જોઇએ. શિક્ષકની વાત આવે એટલે ચાણક્યએ કહેલા શબ્દો યાદ આવ્યા વગર ન રહે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ!
અત્યારના સમયમાં શિક્ષકની ભૂમિકા ધરમૂળથી બદલાઈ ગઇ છે. આજનો ગુરુ પ્રોફેશનલ છે, એ નોકરી કરે છે. પેઢી સુધારવી, બાળકના ભવિષ્યને આકાર આપવો કે રિયલ સેન્સમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બનવાની ભાવના ઓછી જોવા મળે છે. વાંક માત્ર શિક્ષકોનો જ નથી. સમાજે પણ શિક્ષકને ક્યાં પહેલાં જેવો રહેવા દીધો છે? આ બધા વચ્ચે એક હકીકત એ છે કે, હજુયે સ્ટુડન્ટ્સ પર સૌથી વધુ પ્રભાવ ટીચરનો જ રહે છે. એમાંયે હાઇસ્કૂલ સુધી તો દરેક બાળકની જિંદગીમાં શિક્ષકની ભૂમિકા જ સૌથી વધુ મહત્ત્વની હોય છે. પાયો જેવો રચાશે એવો જ માનસિક વિકાસ થશે. પાયો નબળો રહી ગયો તો વિકાસને બદલે વિકાર જન્મતા વાર નથી લાગતી!
હવે ગુરુની વ્યાખ્યા બહુ બ્રોડ થઇ ગઇ છે. ગુરુના હવે અનેક પ્રકાર પડી ગયા છે. હવે માત્ર શિક્ષક જ ગુરુ રહ્યા નથી. હવે ધર્મગુરુઓ છે, મેનેજમેન્ટ ગુરુઓ છે, યોગ ગુરુઓ છે, વેલ્થ ગુરુ છે, યોગ ગુરુ છે, લાઇફ ગુરુ છે! હવે તો એવું થતું જાય છે કે, જે કોઇ વ્યક્તિ જે કંઇ શીખવતી હોય તો એની આગળ ગુરુ લગાડી દે છે. ધર્મગુરુઓની બોલબાલા તો આપણે ત્યાં પ્રાચીન સમયથી રહી છે. ધર્મ બહુ સેન્સેટિવ સબજેક્ટ છે અને ગુરુઓ તો વળી એનાથી પણ ચાર ચાસણી ચડે એવા છે! બધા એવા છે એવું કહેવાનો મતલબ નથી પણ સાચા અને સારા ગુરુને શોધવા એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું અઘરું કામ છે. જે લોકો ભગવાનની જેમ પૂજાતા હતા એવા ઘણા લોકો અત્યારે જેલમાં છે. ખેર, આપણે ગુરુના કેરેક્ટર ઉપર વાતો નથી કરવી, વાત કરવી છે આપણી જિંદગીમાં કંઇક ઉમેરો કરતા ગુરુઓની!
આજે ગુરુપૂર્ણિમાના અવસરે તમારી નજર સામે ક્યો એવો ચહેરો છે જેને વંદન કરવાનું તમને મન થાય છે? કોણે તમને રસ્તો ચીંધ્યો છે? કોણ તમને આંગળી ઝાલીને આગળ લઇ ગયું છે? એ જ તમારો સાચો ગુરુ છે. એ કોઇ પણ હોઈ શકે! મા-બાપ કે મિત્ર પણ હોય શકે! ગુરુની તો દરેકને જરૂર પડે જ છે. કંઇક શીખવા માટે, કંઇક સમજવા માટે અને ખાસ તો જ્યારે ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે ગુરુની આવશ્યક્તા ઊભી થાય છે. સાચો ગુરુ દીવાદાંડીનું કામ કરે છે. ગુરુનાં કર્મો પણ શાસ્ત્રોમાં બતાવાયાં છે, ગુરુએ પણ એક તબક્કે ખસી જવાનું હોય છે. છોડી દેવાનું હોય છે. આપણે ત્યાં દરેક સંબંધમાં પકડી રાખવાની ભાવના વધુ રહે છે. ગુરુદક્ષિણાનો પણ આપણે ત્યાં સારો એવો મહિમા છે. એક વાત સમજવા જેવી છે કે, ગુરુ પણ આખરે માણસ જ છે. એનામાં પણ દુન્યવી ભાવનાઓ અને લાલસાઓ રહેવાની જ છે. દ્રોણાચાર્ય જેવા મહાન ગુરુએ પણ જો એકલવ્યનો અંગૂઠો માંગી લીધો હોય તો પછી આજના ગુરુઓની તો વાત જ ક્યાં કરવી?
અત્યારના હાઇટેક જમાનામાં એક નવા ગુરુની પણ બોલબાલા છે અને એ છે ગૂગલ ગુરુ. આજનો યંગસ્ટર્સ કંઇ પણ હોય તો તરત જ ગૂગલ ગુરુના સહારે જાય છે. એમાં કશું જ ખોટું નથી. ગૂગલના પ્રતાપે અવળે રસ્તે ચડી ગયાના પણ ઓછા કિસ્સા નથી. ગૂગલમાં વાંચીને ઘણા લોકો પોતાના ગાઇડ બની જાય છે. હદ તો એ વાતની છે કે, પોતાની સારવાર માટે પણ ગૂગલે કહેલા રસ્તા અપનાવે છે અને પછી ભેખડે ભરાય છે. ગૂગલ પર કેટલો ભરોસો કરવો એ દરેકે પોતાની રીતે નિર્ણય લેવાનો છે. ગૂગલ જે આપે છે એ ઇન્ફર્મેશન છે, નોલેજ નથી. જિંદગી માટે સમજ, ડહાપણ અને જ્ઞાનની જરૂર પડે છે. જિંદગી જીવવા માટે વાંચન અને અનુભવની આવશ્યક્તા રહે છે.
ગુરુની વાત નીકળી છે ત્યારે એક વાત પણ કહેવાનું મન થાય છે. તું જ તારો ગુરુ બન! દરેક માણસ યુનિક છે. આપણે બધા જ એક-બીજા કરતાં જુદા છીએ. એક જ લૉજિક દરેકને લાગુ ન પડે. તમારી જિંદગીને તમારાથી વધુ સારી રીતે કોઇ સમજી ન શકે. કોઇની મદદ લો પણ છેલ્લે તો તમારો રસ્તો તમે જ નક્કી કરો. એક હદથી વધારે કોઇના પર આધાર રાખવો જોખમી હોય છે. સૌથી વધુ સમજણની જરૂર સંબંધો બાંધવા, નિભાવવા અને ટકાવી રાખવા માટે પડે છે. તમારા સંબંધો કેટલા સક્ષમ છે? જિંદગી દિવસે ને દિવસે વધુ ને વધુ કોમ્પ્લિકેટેડ બનતી જાય છે. માણસ જલદીથી હતાશ અને નાસીપાસ થવા લાગ્યો છે. સેલ્ફ કાઉન્સેલિંગનો કન્સેપ્ટ પણ અપનાવવા જેવો છે. આપણી જાતને પટાવતા, સમજાવતા અને મનાવતા આપણને કેટલી આવડે છે? આપણે ક્યારેય વિચાર્યું ન હોય અેવી ઘટનાઓ જિંદગીમાં બનતી રહે છે. અપ અને ડાઉન્સ આવતા જ રહેવાના છે.
તમારી લાઇફમાં એવી કઇ વ્યક્તિ છે જેને તમે ગુરુપદે સ્થાપી શકો છો? જો એવી વ્યક્તિ હોય તો તમે નસીબદાર છો. ગુરુ આપણામાં શ્રદ્ધા રોપવા જોઇએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ પાતળી ભેદરેખા છે. સમજવામાં જરાયે થાપ ખાઇએ તો આપણે જ આપણી અધોગતિ નોતરી બેસીએ છીએ. હવે એક બીજી વાત, તમે પણ કોઇના ગુરુ હોઈ શકો છો! જેને તમારામાં શ્રદ્ધા છે એના તમે ગુરુ છો. ગુરુ કંઇ અલગ દુનિયાના માણસ હોતા નથી. આપણા ઉપર પણ ઘણાને ભરોસો હોય છે. દરેકમાં એક નાનકડો શિષ્ય જીવતો હોય છે અને એક નાનકડો ગુરુ પણ બિરાજમાન હોય છે. કોઇ માર્ગદર્શન, સલાહ કે મદદ માટે આવે ત્યારે સાચો માર્ગ બતાવવો એ પણ નાનીસૂની વાત નથી. ગુરુપૂર્ણિમાની અવસરે ગુરુની ભૂમિકાને વ્યાપક રીતે સમજવાની જરૂર છે.
આપણે ત્યાં ફોરેનના ડેઝની ઉજવણી થવા લાગી છે. ભલે થાય, પણ એક વાત ધ્યાનમાં લીધી છે? આપણે ત્યાં ગુરુપૂર્ણિમા જેવો દિવસ ઉજવાય છે એવો દિવસ બહુ ઓછા દેશોમાં ઉજવાય છે. હા, ટીચર્સ ડે છે પણ ગુરુનું શું? દરેક ટીચર ગુરુ નથી હોતો અને દરેક ગુરુ ટીચર હોય એવું જરૂરી નથી. ગુરુપૂજનની પરંપરા એ આપણી ઓળખ છે. સાચો ગુરુ એ છે જે જિંદગી જીવતાં શીખવાડે છે. આપણે બધું શીખીએ છીએ, બસ જીવતાં શીખતા નથી! બધું શીખવાડવાવાળા છે, બસ જીવતા શીખવાડવાવાળાની કમી છે! ગુરુ એ છે જે ગોવિંદ સુધી લઇ જાય, જે આપણને આપણી ઓળખ કરાવે, જે ભટકવા અને અટકવા ન દે! આપણી જિંદગીને બહેતર બનાવનાર તમામ ગુરુજનોને વંદન કરીએ!
હા, એવું છે!
શિક્ષણ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, એજ્યુકેશન હવે માત્ર ડિગ્રી પૂરતું અને નોકરી કરવા પૂરતું મર્યાદિત થઇ ગયું છે. માણસ હવે માત્ર ભણે છે. ભણવામાં અને ગણવામાં બહુ મોટો ભેદ છે. આપણામાં અગાઉ એવું બોલાતું કે, ભણી-ગણીને મોટો થયો છે. હવે કેટલા લોકો ગણીને પણ મોટા થાય છે?
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 જુલાઈ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply