જે થવું હોય એ થાય, મને શું ફેર પડે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જે થવું હોય એ થાય,
મને શું ફેર પડે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ડર હમ કો ભી લગતા હૈ રસ્તે કે સન્નાટે સે,
લેકિન એક સફર પર એ દિલ અબ જાના તો હોગા,
કુછ બાતોં કે મતલબ હૈ ઔર કુછ મતલબ કી બાતેં,
જો યે ફર્ક સમઝ લેગા વો દીવાના તો હોગા.
-જાવેદ અખ્તરમાણસની વૃત્તિ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, ગતિ, મતિ અને નીતિ ક્યારે બદલાય એ કોઈ કહી શકતું નથી. માણસ ગમે ત્યારે પોતાની વાતથી પલટી મારી શકે છે. માણસ એટલી આસાનીથી ખોટું બોલી શકે કે સત્ય પણ શરમાઈ જાય ! આ દુનિયામાં બધું જ શક્ય છે, માત્ર માણસને પૂરેપૂરો ઓળખવો શક્ય નથી. કાચિંડો રંગ બદલતો રહે છે. માણસ જે રીતે રંગ બદલે છે એ જોઇને તો કાચિંડાને પણ આઘાત લાગે! કાચિંડાનો રંગ અને માણસનો ઢંગ ગમે તે ઘડીએ બદલાઈ જાય છે. પાવરમાં હોય એ માણસ પોતાને સર્વસ્વ માનવા લાગે છે. હું ધારું એમ જ થાય, હું કહું એમ જ બધા કરે. મારી ઇચ્છા વગર કંઇ ન થાય એવું સમજવાવાળા લોકોની કમી નથી. એક માણસની અંદર ઘણા બધા માણસો જીવતા હોય છે. આપણા બધાની અંદર એક નાનકડો રાજકારણી જીવતો હોય છે. એ પોતાના ફાયદા-નુકસાનનું સતત વિચારતો રહે છે. એક ગણિતશાસ્ત્રી પણ જીવતો હોય છે. જે હિસાબકિતાબ લગાવતો રહે છે. એક નાનકડો આતંકવાદી પણ આપણામાં હોય જ છે, જે સતત ઉત્પાત મચાવતો રહે છે. માણસ ક્યારેક બીજાને તો ક્યારેક પોતાને પણ ડેમેજ કરતો રહે છે. આપણે બધા ક્યારેય એ વિચારીએ છીએ કે, હું મને જ કેટલું નુકસાન પહોંચાડું છું? આપણા અમુક વર્તનથી બીજાને તો અસર થતા થશે, આપણને તો થતી જ હોય છે!
આપણું બધું જ વર્તન બીજાના આધારે ચાલતું હોય છે. આપણે તૈયાર પણ બીજાને સારા લાગવા માટે થતા હોઇએ છીએ. બીજા લોકો આપણને સારા કહે એ માટે આપણે ભલાઇનાં કામો કરતા રહીએ છીએ. દરેકને પોતાની ઇમેજની પડી હોય છે. ઇમેજની ફિકર હોય એમાં કંઈ ખોટું નથી. ધ્યાન માત્ર એટલું રાખવાનું હોય છે કે, હું કરું છું એ સાચું અને સારું તો છેને? એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, દુનિયા કેટલી બધી સ્વાર્થી થઇ ગઇ છે? દરેક માણસ પોતાનું જ વિચારે છે? બધું ખાડે જવા બેઠું હોય એવું તમને નથી લાગતું? સંતે સહજતાથી સામો સવાલ કર્યો, તું બીજાનું કેટલું વિચારે છે? તને બીજાની કેટલી ચિંતા છે? તું બીજા માટે શું કરે છે? સંતે ઉમેર્યું કે, દરેક માણસનું એક વાતાવરણ હોય છે. આપણે પણ આપણી આજુબાજુના લોકોમાં ઠંડી કે ગરમી ફેલાવતા રહીએ છીએ. ગુસ્સે થઇને આપણે આપણી અંદરના વાતાવરણને બહાર ધકેલીને બહારના વાતાવરણને પણ તંગ કરી દઇએ છીએ. આપણી આજુબાજુમાં તો સરવાળે એ જ હોવાનું જે આપણે ફેલાવતા રહીએ. કેટલાંક લોકો એવા હોય છે જેની નજીક જતા આપણને હૂંફ વર્તાય છે. આવું કેમ થાય છે? એનું કારણ એનામાં રહેલી હૂંફ જ હોય છે!
માણસ બેઝિકલી સ્વાર્થી પ્રાણી છે. પોતાનું હિત વિચારવામાં કશું ખોટું નથી. આપણે બસ આપણા ફાયદા માટે કોઇને નુકસાન પહોંચાડતા ન હોવા જોઇએ. આપણે ઘણી વખત બોલીએ છીએ કે, જે થવું હોય એ થાય, મને શું ફેર પડે છે? એ વખતે આપણે એમ શા માટે નથી વિચારતા કે, મને ફેર કેમ પડતો નથી? અમુક વખતે ફેર પડવો જોઇએ. ફેર ન પડે તો સમજવું કે આપણી અંદર કંઇક સુકાતું જાય છે. દરેક વખતે પોતાનો સ્વાર્થ વિચારવાનો હોતો નથી. એક છોકરીની આ વાત છે. એ બીજાના ભલા માટે સેવા કરતી. જાત ઘસીને પણ એ લોકોનું સારું થાય એવું કંઇક ને કંઇક કરતી રહેતી. એક વખત તેના મિત્રે તેને પૂછ્યું, આ બધું તું શા માટે કરે છે? લોકોની ભલાઇ માટે? એ છોકરીએ કહ્યું કે, ના હું લોકોના ભલા માટે નથી કરતી પણ હું મારા ભલા માટે કરું છું. હું લોકો માટે કામ કરું છું, કારણ કે મારે મારી અંદરના માણસને જીવતો રાખવો છે. હું માણસ છું. મારે માણસની જેમ રહેવું છે. દરેકને મહાન થવું છે, માણસ થવું નથી. માણસ ગમે એટલો મહાન થઇ જાય પણ એનામાં જો માણસાઇ ન હોય તો એ મહાનતાનો કોઇ મતલબ રહેતો નથી.
કુદરતે માણસમાં સંવેદના મૂકી છે. સંવેદના તો જ સાર્થક થાય જો આપણે દરેકે દરેક ઘટનાને અનુભવીએ. સારા પ્રસંગોએ ચહેરો ખીલી જાય તો ખરાબ પ્રસંગોએ આંખ ભીની પણ થવી જોઇએ. માણસે સંબંધોમાં પણ ક્રાઇટેરિયા નક્કી કરી નાખ્યા છે. પારકા અને પોતાના એમ બે ભાગમાં લોકોને વહેંચી નાખ્યા છે. હા, દરેક માણસ પોતાના નથી હોતા પણ પારકાયે આખરે માણસ તો હોય જ છેને? જે આપણા સગાં નથી કે વહાલાં નથી, એની સાથે આપણું વર્તન કેવું હોય છે? માણસ જેવું હોય છે ખરું? કેટલાંક લોકો તો જાણે સાવ તુચ્છ હોય એવું વર્તન આપણે કરતા હોઇએ છીએ. આપણે જ્યારે કોઇની ઔકાત જોઇને એની સાથે સંબંધ રાખીએ છીએ ત્યારે આપણી ઔકાત પણ છતી થતી હોય છે. એક ધનવાન માણસ હતો. એ સમજુ પણ હતો. એના બંગલે એક વોચમેન કામ કરતો હતો. ધનવાન માણસ તેને પૂછતો રહેતો, કેમ છે? મજામાં છેને? ઘરે બધા બરાબર છેને? વોચમેનની માતા ગામડે રહેતી હતી. મા બીમાર પડી એટલે વોચમેન તેના ગામડે ગયો. જે સિક્યોરિટી એજન્સીએ વોચમેનને મોકલ્યો હતો એણે બીજો વોચમેન ગોઠવી આપ્યો. ઘણા દિવસ થઇ ગયા પણ ગામડે ગયેલો વોચમેન પાછો ન આવ્યો. ધનવાન માણસે સિક્યોરિટી એજન્સીને ફોન કર્યો અને પૂછ્યું કે, પેલા વોચમેનનું શું થયું? સિક્યોરિટી એજન્સીવાળાએ કહ્યું કે, એની તો કંઇ ખબર નથી, એ ગયો પછી શું થયું એ તો ભગવાન જાણે! પેલા માણસે પૂછ્યું કે, તમને એમ નથી થતું કે, એનું શું થયું હશે? તમે લોકોના બંગલાના રક્ષણ કરવાના કામ સાથે જોડાયેલા છો, તમારે તમારા માણસનું પણ રક્ષણ ન કરવું જોઇએ? તેણે વોચમેનનો નંબર શોધીને એને ફોન કર્યો અને કહ્યું કે, કેમ છે હવે તારી માતાને? હું તારા માટે કંઇ કરી શકું? વોચમેને કહ્યું કે, તમે મારી માના ખબર પૂછ્યા એ જ મારા માટે ઘણું છે. અત્યારે તો એવું થઇ ગયું છે કે, કોઇને કંઇ કહીએ તો પણ એને એવું જ લાગે છે કે, હમણાં રૂપિયા માંગશે! માણસને દરેક વખતે રૂપિયાની જરૂર નથી હોતી. ક્યારેક થોડાક શબ્દો એવું કામ કરી જતા હોય છે જે લાખો રૂપિયા પણ ન કરી શકે.
ક્યારેક કોઇનો સારો અનુભવ થાય ત્યારે લોકો કહે છે કે, દુનિયામાં સારા માણસો પણ પડ્યા છે! માણસને માણસના કેવા ખરાબ અનુભવો થયા હોય છે કે, આવો વિચાર આવી જાય છે? માણસ તો સારો જ હોવો જોઇએને? કમનસીબી એ છે કે, સારા માણસોની સંખ્યા ઘટતી જાય છે. આપણે બધા હવે સારા માણસો પણ વાર્તાઓ, ફિલ્મો અને વેબ સીરિઝોમાં શોધવા લાગ્યા છીએ. મોબાઇલ પર કોઇ સારી વાત વાંચીને કે કોઇ સંવેદનશીલ ક્લિપ જોઇને આપણે કહીએ છીએ કે, વાહ! કેટલી સારી વાત છે! વાત સારી જ હોય છે પણ આપણે એવું કેમ નથી કરતા કે કોઇને દાદ દેવાનું મન થાય! આપણે ક્યારેક એવું પણ કરવું જોઇએ જેનાથી આપણને આપણી જાતને પણ વાહ કહેવાનું મન થાય! થોડુંક વિચારજો કે, આપણે છેલ્લે એવું શું કર્યું હતું જેનાથી આપણને આપણું ગૌરવ થાય? કોઇ આપણી પીઠ થપથપાવે એ માટે આપણે ઘણું બધું કરતા હોઇએ છીએ પણ આપણને આપણી જ પીઠ થપથપાવવાનું મન થાય એવું આપણે કેટલું કરીએ છીએ? ક્યારેક કોઇ સાથે કંઇક ન થવાનું થઇ જાય તો પણ આપણું રૂંવાડુંયે ફરકતું નથી! જો એવું થાય તો સમજવું કે આપણાં રૂંવાડાંયે જડ થઇ ગયાં છે. માણસે સમચે સમયે ચેક કરતા રહેવું જોઇએ કે, હું માણસ છું તો માણસની જેમ જીવું તો છુંને? જીવવું અને જીવી જાણવું એનો ફર્ક જે સમજે છે એ જ સાચો અને સારો માણસ છે!


છેલ્લો સીન :
તમને કોઇનાથી ફેર ન પડતો હોય તો એક વાત યાદ રાખજો કે, એક સમય એવો આવશે જ્યારે તમારાથી પણ કોઈને કંઇ ફેર નહીં પડે!                                -કેયુ.

(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 જૂન, 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *