બે ઘડી વિચાર કરો! માણસને મોત જ ન આવતું હોત તો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

બે ઘડી વિચાર કરો!

માણસને મોત જ

ન આવતું હોત તો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

કોઇને કોઇ કારણોસર ન્યૂઝમાં રહેતા એલન મસ્કે કહ્યું કે, મોત તો આવવું જ જોઇએ.

મોત જ્યારે આવશે ત્યારે હું એનું સ્વાગત કરીશ! દુનિયાના ભલા માટે  મોત જરૂરી પણ છે!

માણસને મોત ન આવતું હોત તો ધરતી પર પગ મૂકવાની જ જગ્યા ન હોત!

એ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ પેદા થઇ જાત!

મોતનો ખયાલ માણસને મર્યાદામાં રાખે છે. મોતનો ડર ન હોત તો માણસ છકી જાત

અને મન ફાવે એમ કરતો હોત!

———–

નામ એનો નાશ છે. જન્મ એનું મૃત્યુ છે. માણસ જ નહીં દુનિયાનો કોઇ જીવ કાયમી નથી. વહેલું કે મોડું બધાએ આ જગત છોડીને જવાનું છે. મોત ડરામણો શબ્દ છે. મોતનું નામ પડે એટલે ભલભલા મરદને પરસેવા વળી જાય છે. મોત વિશે ઘણા મહાનુભાવોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ઘણા તો વળી જિંદગીને જ સજા ગણાવતા આવ્યા છે. કૃષ્ણબિહારી નૂરે લખ્યું છે કે, જિંદગી જેસી કોઇ સજા હી નહીં, ઔર ક્યા જુલ્મ હૈ પતા હી નહીં! એમ તો એવું પણ કહેવાતું રહ્યું છે કે, મોતનો ઇલાજ છે પણ જિંદગીનો કોઇ ઇલાજ નથી. જિંદગી અને મોત વિશે દરેક માણસની પોતાની માન્યતાઓ હોય છે.

ટેસ્લાથી માંડીને ટ્વિટર સુધી અને કમ્યુનિકેશનથી માંડીને સ્પેસ ક્રાફ્ટ સુધીના બિઝનેસમાં બોલબાલા ધરાવતા દુનિયાના નામી ધનાઢ્ય એલન મસ્ક આમ તો જે કંઇ બોલે છે તેની ચર્ચાઓ જામતી હોય છે. એલન મસ્કે મૃત્યુ વિશે પણ મજેદાર વાત કરી છે. તેણે કહ્યું કે, મૃત્યુ તો થવું જ જોઇએ. મારું મૃત્યુ આવશે ત્યારે હું તેનું સ્વાગત કરીશ. માણસ સાજો નરવો હોય ત્યારે આવી વાતો કરતો હોય છે. મોત જ્યારે સામે આવીને ઊભું હોય ત્યારે માણસ કેટલો સ્વસ્થ રહી શકે એ સૌથી મોટો સવાલ છે. એવું નથી કે, બધા મોતથી ડરતા જ હોય, ઘણા લોકોમાં મોતના સહજ સ્વીકારની ખુમારી હોય છે. એલન મસ્કે કહ્યું કે, તે રેડ પ્લેનેટ માર્સ પર મરવા ઇચ્છશે! માણસ ધારે એ સ્થળે મોત આવતું નથી. હા, છેલ્લા દિવસોમાં માણસ પોતાની ગમતી જગ્યાએ ચાલ્યો જાય તો વાત જુદી છે. અલબત્ત, છેલ્લી ઘડી ક્યારે આવે એ ક્યાં નક્કી હોય છે?

વેલ, મસ્કની વાત પછી જે મુદ્દાની ચર્ચા થઇ રહી છે એ એવો છે કે, જો માણસનું મોત જ ન આવતું હોત તો? આ સવાલ માત્ર તર્કનો છે. ઘણાને એમ પણ થાય કે, મોત આવવાનું જ છે તો પછી એના વિશે તર્ક શા માટે કરવા જોઇએ? કરવાવાળા મજા ખાતર અને જિંદગીની સમજ ખાતર પણ મોત વિશે તર્ક વિતર્ક કરતા રહે છે! તમને મોત કેવી રીતે આવે તો ગમે એવું કોઇ પૂછે ત્યારે મોટા ભાગનો લોકો એવો જવાબ આપતા હોય છે કે, ફટ દઇને આવી જાય એવું! રીબાઇ રીબાઇને નથી મરવું! કોઇ માણસ હસતો રમતો અને ખાતો પીતો ગુજરી જાય ત્યારે પણ લોકો એવું કહેતા હોય છે કે, આવું મોત તો નસીબદારને જ મળે!

માણસ જો મૃત્યુ પામતો જ ન હોત તો પૃથ્વી ઉપર તો શું દરિયામાં પણ પગ મૂકવાની જગ્યા ન હોત! બીજી વાત એ કે, શક્તિશાળી લોકો કાયમ રાજ કરતા હોત. બીજા કોઇનો વારો જ ન આવવા દેત! લોકો કદાચ ભગવાન કે કુદરતને પણ ન માનતા હોત! ઇશ્વરે દુનિયાની રચના કંઇક સમજી વિચારીને જ કરી હશેને? એક થિયરી એવી પણ છે કે, મોત માણસને સારા માણસ બનાવે છે. મોહથી મુક્ત પણ કરે છે. એક દિવસ બધું છોડીને જ જવાનું છે તો પછી ક્યાં સુધી બધું પકડી રાખવાનું? અલબત્ત, માણસને બધી ખબર હોવા છતાં પણ એ કશું છોડવા તૈયાર જ નથી હોતો! માણસની માનસિકતા જીવે ત્યાં સુધી આધિપત્ય ભોગવવાની જ હોય છે. જેમ જેમ સમય જાય છે, વિજ્ઞાન વિકસે છે તેમ તેમ માણસનું આયુષ્ય લંબાતું જાય છે. કેટલાંક વિજ્ઞાનીઓએ તો એવા દાવાઓ પણ કર્યા છે કે, માણસ ધીમે ધીમે અમરત્ત્વ પામતો જશે. જો કે, આ દાવામાં કોઇ દમ નથી. કુદરતે અમુક શક્તિઓ પોતાના હાથમાં જ રાખી છે. કુદરતની પ્રક્રિયામાં જબરજસ્ત બેલેન્સિંગ છે.

દુનિયાના કેટલાંક ભાગો એવા છે જ્યાં માણસ આરામથી સો – સવાસો વર્ષ જીવે છે. એ લોકો પણ અંતે મરે તો છે જ. મોતની વાત આવે ત્યારે ઇતિહાસ અને શાસ્ત્રોના ઉદાહરણો આપવામાં આવે છે. ભીષ્મને ઇચ્છા મૃત્યુનું વરદાન હતું પણ અમરત્ત્વનું તો નહોતું જ! ભીષ્મએ પણ એક તબક્કે વિદાય માગી લીધી હતી. ક્યારેક એવો સવાલ પણ થાય કે, માણસને જિંદગીથી પણ સંતોષ થતો હોય છે? ઘણા લોકોના મોઢે એવું સાંભળવા મળે છે કે, મેં તો મારી જિંદગી ભરપૂર જીવી લીધી છે, હવે મોત આવી જાય તો પણ કોઇ પરવા નથી. હાલી ચાલી શકાય એમ ન હોય અને વેજિટેબલ જેવી હાલત થઇ જાય ત્યારે એવું બોલવાવાળો લોકો પણ છે કે, હવે તો ઉપરવાળો બોલાવી લે તો સારું! દરેક માણસની જિંદગીમાં ક્યારેક એવી પળો આવતી હોય છે જ્યારે જિંદગી અઘરી લાગે. જિંદગી થોડીક આડી અવળી કે ઊંચી નીચી થઇને પાછી સરખી પણ થઇ જતી હોય છે.

માણસ લાંબું જીવવા માટે કેટલું બધું કરતો હોય છે? ખાવા-પીવામાં ધ્યાન રાખે. કસરત કરે. સારા સ્વાસ્થ્યના તમામ નિયમો પાળે. આવું બધું કરનારો વ્યક્તિ પણ અચાનક કોઇ સામાન્ય કારણસર વિદાય લે ત્યારે બેફામ રીતે જીવતા માણસો એવું પણ કહેતા હોય છે કે, બહુ કેરફૂલ રહીને એણે શું મેળવી લીધું? એના કરતા મજા કરી હોત તો! માણસ પોતાના વ્યસનો અને ખરાબ આદતો છાવરવા માટે પણ આવા ઉદાહરણો આપતો હોય છે. સાચી વાત એ છે કે, આહાર અને વિહાર લાંબી જિંદગી માટે નહીં તો પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સ્વસ્થ રીતે જીવવા માટે જરૂરી છે.

મોત વિશે ખરેખર શું માનવું જોઇએ? એના વિશે બેસ્ટ થોટ એ છે કે, મોતનો વિચાર જ ન કરો, જીવવાના જ કારણો શોધો. મોતનો વિચાર કરનારા વારેવારે મરતા હોય છે. મોત તો જે દિવસે આવવાનું હશે ત્યારે આવશે, જિંદગી તો આવેલી જ છે. મોતથી ડરનારા જિંદગી જીવી જ શકતા નથી. આપણી ફિલોસોફી આત્મામાં માને છે. જે છૂટે છે એ શરીર છે, આત્મા તો અમર છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે, આત્મા અમર છે. આત્માને અગ્નિ બાળી નથી શકતો, પાણી ભીંજવી નથી શકતું અને વાયુ સૂકવી શકતો નથી. આપણી ફિલોસોફી મોક્ષની ફિલોસોફી છે. મૃત્યુને સુધારવાની અને સ્વર્ગ માટે ભાથું બાંધવાની ફિલોસોફી છે. સરવાળે તેમાં મોતનો ખયાલ તો છેજ!  ગમે તે કહીએ પણ વેસ્ટર્ન ફિલોસોફી જિંદગીની ફિલોસોફી છે. તેમાં જીવી જાણવાની વાત છે. જિંદગી જ એવી રીતે જીવો જેનાથી તમને જીવતા જીવ જ સ્વર્ગની અનુભૂતી થાય. અલબત્ત, એવું થઇ શકતું હોત તો તો વાત જ ક્યાં હતી? આપણે બધા કેટલી બધી પળોજણ લઇને બેઠા હોઇએ છીએ? જિંદગી એવી જીવો કે મોત આવે ત્યારે કોઇ અફસોસ ન થાય. હળવા રહો. બહુ ભારે રહેવાનો કે મારા વગર બધું અટકી જશે એવું માનવાનો કોઇ મતલબ હોતો નથી. તમે પહેલું વાક્ય સાંભળ્યું છેને કે, અમારા વગર બધું અટકી જશે એવું માનવાવાળા લોકોથી કબ્રસ્તાનો ભર્યા છે. જિંદગી એવી રીતે જીવો કે મોતનો વિચાર જ ન આવે. દુનિયા સારી જ છે, શરત એટલી જ કે આપણે સારા હોવા જોઇએ. આપણે આપણી જાત સાથે વફાદાર હોવા જોઇએ. દરેકે દરેક માણસનો જન્મ કોઇ ઉદ્દેશ સાથે થયો છે. એ ઉદ્દેશ નાનો હોય કે મોટા, જીવી જાણવું એ જ મોટી અને મહત્ત્વની વાત છે. જિંદગી તો એવી રીતે જીવો કે દરેક માણસને કહેવાનું મન થાય કે, જિંદગી તો એ જીવે છે! તમે તમારી જિંદગી બરોબર જીવો છોને?  ન જીવતા હોવ તો હજુ કંઇ મોડું થયું નથી. જીવવા માંડો. દરેક ક્ષણ જીવો. કુદરતે જિંદગી તો જીવવા માટે જ આપી છે. જિંદગી બાંહો ફેલાવીને તૈયાર જ ઊભી છે, તમે હાથ ફેલાવો એટલી જ વાર છે! જિંદગીને ગળે વળગાડીને કહો, લવ યુ જિંદગી!

હા, એવું છે!

માફ કરી દેવાનો મહિમા આખા જગતમાં જાણીતો છે. અલબત્ત, એક અભ્યાસમાં એવું સાબિત થયું છે કે, કોઇ તમને હર્ટ કરે ત્યારે તેને મનમાંને મનમાં ગાળો દેવાથી અથવા તો એને કોસવાથી હર્ટ થવાથી થયેલું દર્દ અને પેઇન ઝડપથી ઘટે છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 મે 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply