જિંદગી પાસેથી આખરે તને અપેક્ષા શું છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી પાસેથી આખરે

તને અપેક્ષા શું છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જોઇ લે ભૂતકાળ મારા ભાગનો,

ક્યાં હતો અવકાશ વાટાઘાટનો?

એ મથે છે વાદળો સળગાવવા,

આશરો જેને હતો વરસાદનો!

-ભાવેશ ભટ્ટ

કોઇ માણસ એવો નહીં હોય જેને પોતાની જિંદગી વિષે વિચારો આવતા ન હોય. આપણે બધા એવા વિચારો કરતા જ હોઇએ છીએ કે, મારી જિંદગી કેવી છે? તમને તમારી જિંદગી કેવી લાગે છે? જિંદગી વિશે દરેકના વિચારો અલગ અલગ હોવાના. દરેકની જિંદગી જુદી હોય છે. જિંદગીનું પણ અંગુઠાની છાપ જેવું જ છે, બે વ્યક્તિની જિંદગી ક્યારેય એક સરખી નહીં હોવાની. સરવાળે તો જિંદગી જેવી છે એવી છે. આપણે આપણી જિંદગીને સુધારી શકીએ છીએ પણ જે હકીકત છે એ બદલાવી શકતા નથી. માણસનો જન્મ એના હાથની વાત નથી. જન્મ જો માણસના હાથમાં હોત તો દરેક વ્યક્તિ સુખી સંપન્નના ઘરે જ જન્મવાનું પસંદ કરત. આપણે એવું માની લેતા હોઇએ છીએ કે, રૂપિયાવાળાની જિંદગી બહુ સરસ હોય છે. એવું હોતું નથી. એના દુ:ખો જુદા હોય છે. સુખ જો સંપત્તિથી મળતું હોત તો કોઇ ધનવાન દુ:ખી ન હોત અને કોઇ ગરીબ સુખી ન હોત. સુખ અને દુ:ખને સંપત્તિ સાથે કંઇ સંબંધ જ નથી. સુખને તો માત્રને માત્ર એની સાથે જ સંબંધ છે કે, તમે તમારી જિંદગીને કેવી માનો છો? તમારી પાસે છે એને તમે કેટલું ભોગવી જાણો છો? દરેક ક્ષણને તમે કેટલી માણો છો?

એક ધનવાનને ત્યાં પાર્ટી હતી. પાર્ટીમાં મોટા મોટા માણસો આવ્યા હતા. દરેક એક બીજાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરતા હતા. માર્કેટ અને નફા-ખોટની વાતો કરતા હતા. પાર્ટી એન્જોય કરતા હોય એવું કોઇના ચહેરા પર વર્તાતું નહોતું. પાર્ટી પૂરી થઇ. બધા મહેમાનો ચાલ્યા ગયા. એ પછી જે લોકો ત્યાં કામ કરતા હતા એ લોકો, વેઇટર, વોચમેન વિગેરે ભેગા થયા. જે ખાવા-પીવાનું બચ્યું હતું એમાંથી તેણે પાર્ટી કરવાનું શરૂ કર્યું. એક માણસે પોતાના ફોનમાં ગીત મુક્યું અને બધા નાચવા લાગ્યા. દરેક માણસ પોતાની મસ્તીમાં હતો. જેણે પાર્ટી આપી હતી એ માણસ ઘરમાંથી બધું જોતો હતો. તે બહાર આવ્યો. તેને જોઇને બધા નાચતા-ગાતા બંધ થઇ ગયા. માલિકે કહ્યું, ચાલુ રાખો, ચાલુ રાખો, સાચું એન્જોય તો તમે જ કરો છો! અમે તો માત્ર વ્યવહારો પતાવ્યા હતા. હું તો એ જોવા આવ્યો છું કે, ખુશી કે સુખ કોને કહેવાય? એક વોચમેને કહ્યું કે, સુખ અને ખુશી આને જ કહેવાય પણ તમને કોણ રોકે છે? આવી જાવ નાચવા! તમે નહીં આવી શકો. અમારા જેવા નાના લોકો સાથે થોડું નચાય? તમારા સ્ટેટસનું શું? સાચી વાત એ છે સાહેબ કે, તમારું સ્ટેટસ જ તમને સુખ અને ખુશીની અનુભૂતિ થવા દેતું નથી. જિંદગીને બહુ ગંભીરતાથી લઇ લો છો તમે બધા! એક બીજા માણસ તરફ આંગળી ચિંધીને વોચમેને કહ્યું કે, આ તમારો ડ્રાઇવર છે, એ જ્યારે કાર ચલાવતો હોય ત્યારે એ જ અદાથી અને એ જ આનંદથી કાર ચલાવતો હોય છે કે, આ કાર મારી છે. તમે શું કરો છો? કાર તમારી હોવા છતાં તમે પાછળ બેસીને ફોન પર ઉત્ત્પાત જ કરતા હોવ છો. ડ્રાઇવરે કહ્યું કે, આની વાત સાચી છે. ક્યારેક તો બહાર જતા હોઇએ ત્યારે મને પણ તમને કહેવાનું મન થાય છે કે, સાહેબ થોડીવાર ફોન અને બઘો ઉકળાટ મૂકી દોને, બહાર તો જુઓ, કેવું સરસ વાતાવરણ છે. ઓફિસ જતી વખતે એક ગાર્ડન આવે છે, ત્યાં છોકરાઓ રમતા હોય છે એ દ્રશ્ય કેવું અદભૂત હોય છે? હું તો કાર, ડ્રાઇવ અને બહારનું બધું વાતાવરણ પૂરેપૂરું એન્જોય કરું છું, આ બધું જ તમારું હોવા છતાં તમે તો ઉપાધિમાં જ હોવ છો! માલિકે કહ્યું, સાચી વાત છે. તમે બધા એન્જોય કરો એટલું કહીને એ ચાલ્યા ગયા. તેના ગયા પછી ડ્રાઇવરે કહ્યું કે, એને વાત સાચી લાગે છે છતાં એ કંઇ કરી શકતા નથી. એને એવું ન થયું કે, હું પણ આ બધાની સાથે એન્જોય કરું! આ જ વાત છે, આપણે ઘણી વખત જિંદગીને સમજતા હોઇએ છીએ તો પણ એને માણી શકતા નથી! જે લોકો જિંદગી વિશે બહુ વિચાર કરતા હોય કે જિંદગી વિશે ડાહી ડાહી વાતો કરતા હોય એ પણ સરસ જિંદગી જીવતા હોય એવું જરૂરી નથી. જે જિંદગી જીવી જાણે છે એ જિંદગી વિશે વિચારો ન કરે તો પણ વાંધો આવતો નથી. શીખવું એને જ પડે છે જેને આવડતું નથી!

જિંદગી ક્યારેય સુખ આપતી નથી. જિંદગી પાસેથી સુખ છીનવવું પડે છે. જે એવું નક્કી કરે છે કે, મારે મજામાં રહેવું છે, મારે કોઇ ભાર રાખવો નથી, મારે દરેક પળને મહેસૂસ કરવી છે, મારે દરેક ઘટનાનો અહેસાસ માણવો છે, એને જિંદગી જીવતા કોઇ રોકી શકતું નથી. જેને ફરિયાદો જ કરવી છે, જેને અફસોસ જ કરવો છે, જેને આક્ષેપો જ કરવા છે, જેને રોદણાં જ રડવા છે, એને કોઇ સુખી કરી શકવાનું નથી. સુખ અને દુ:ખ આપણા બે હાથની બે મુઠ્ઠીમાં છે. તમે કઇ મુઠ્ઠી ખુલી રાખો છો એના પર જ સુખ કે દુ:ખનો આધાર હોય છે. એક યુવાન હતા. જિંદગીથી કંટાળેલો. એને બધા જ સ્વાર્થી લાગતા અને બધું જ નક્કામું લાગતું. એક વખત એ એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, કંટાળી ગયો છું બધાથી. ક્યાંય સુખ કે શાંતિ જેવું લાગતું જ નથી. સંતે પૂછ્યું, અહીં આવવામાં કોઇ તકલીફ તો નહોતી પડીને? પેલા માણસે કહ્યું, રસ્તાઓ બહુ ખરાબ છે. ડ્રાયવર્ઝનના કારણે કંટાળો આવી ગયો. સાવ સાચું કહું તો માંડ માંડ પહોંચ્યો. થાકીને ટેં થઇ ગયો. તેણે પછી ઓન વે કઇ કઇ મુશ્કેલીઓ પડી તેની માંડીને વાત કરી. એ બેઠો હતો ત્યાં જ એક બીજા ભાઇ આવ્યા. સંતે તેને પણ પૂછ્યું, અહીં આવવામાં કોઇ તકલીફ તો નથી પડીને?  પેલા માણસે કહ્યું કે, હવે એ તકલીફોને યાદ કરવાનો શુ મતલબ છે? એ તો બધું ગયું.  હા, ઓન વે, એક નાનકડી હોટલ આવે છે. એની ચા બહુ મસ્ત હોય છે. એની રેકડી છે ત્યાંથી જે વ્યૂ આવે છે એ અદભૂત છે. ચા પીતા પીતા એ વ્યૂને જોવાની મજા જ કંઇક જુદી છે. સંતે પહેલા માણસ સામે જોયું અને પૂછ્યું, તારી સમસ્યાનો કોઇ ઉકેલ તને મળ્યો? તારા મગજમાંથી રોડના ખાડા નથી જતા અને આના મગજમાં પેલી ચાની મજા છે!  બસ આ જ ફર્ક છે, રસ્તો તો એક જ છે, નજરિયો જુદો જુદો છે. બધાની જિંદગી તો એક જ છે, જિંદગીની સમજ જુદી જુદી છે. ભેદ જે પારખી શકે છે એ જ સુખી છે.

જિંદગી આપણા સંબંધો અને આપણા કામોથી બને છે. રિલેશન અને કરિયર એ બંને લાઇફના મુખ્ય પાસાઓ છે. આ બંનેમાં પણ એક હકીકત એ છે કે, સંબંધો ક્યારેય એક સરખા રહેવાના નથી અને કરિયરમાં પણ અપ-ડાઉન્સ આવવાના જ છે. જિંદગીમાં સીધી લીટીનું કંઇ છે જ નહીં. આપણે ધાર્યું હોય એવું થવાનું નથી. જે થાય છે એને આપણે કેટલું આપણી જિંદગી અને ખુશી તરફ વાળી શકીએ છીએ એ મહત્ત્વનું છે. હવા બદલે એમ સઢ બદલતા આવડે તો જ હોડી આગળ ચાલે. જિંદગી બહુ સરળ છે, આપણે જો એની સાથે વહેતા રહીએ તો! કંઇ રોકવા જશો તો પણ કંઇ રોકાવાનું નથી. જે થવાનું છે એ થવાનું છે. જે સંબંધ તૂટવાનો છે એ તૂટવાનો છે. જે નિષ્ફળતા મળવાની છે એ મળવાની છે. આપણે ધ્યાન એટલું જ રાખવાનું હોય છે કે, એના માટે જવાબદાર આપણે ન હોવા જોઇએ. સંબંધોમા આપણી સાઇડ ક્લિયર અને ઓનેસ્ટ હોવી જોઇએ. સંબંધ કોઇના કારણે તૂટે તો એના માટે આપણે જવાબદાર નથી. નિષ્ફળતા ભલે મળે, આપણા પ્રયાસોમાં કોઇ કમી ન હોવી જોઇએ. આપણને ખબર હોવી જોઇએ કે, મેં બેસ્ટ પ્રયત્નો કર્યા છે, રિઝલ્ટ દર વખતે સારું જ હોય એવું જરૂરી નથી. જિંદગી પાસે એવી અપેક્ષા ન રાખો તે એ તમારી ઇચ્છા મુજબ ચાલશે. જિંદગીને કહો કે, તારા દરેક રૂપનો સ્વીકાર છે. તારા દરેક રંગને આવકાર છે. મજામાં રહેવું તો મારા હાથમાં છેને? હું દરેક સ્થિતિમાં મજામાં રહીશ. જિંદગી સરસ જ છે, જો આપણે માનીએ તો!

છેલ્લો સીન :

જિંદગી સાથે આપણો એટિટ્યુડ કેવો છે? એ જેવો હશે એવી જ જિંદગી બનવાની છે! જિંદગી સામે બખાળા કાઢશો તો એ પણ ધૂરકીયા કરશે. જિંદગી સામે હસશો તો એ પણ તમને ગળે વળગાડી લેશે.                                     -કેયુ

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 02 જાન્યુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

2 Comments

Leave a Reply