તું જે છે એ જ રહે, બદલવાની જરૂર નથી – કૃષ્ણકાંત ઉનડકટ

તું જે છે એ જ રહે,

બદલવાની જરૂર નથી

-કૃષ્ણકાંત ઉનડકટ

અબ ક્યા બતાએં ટૂટે હૈં કિતને કહાં સે હમ,

ખુદ કો સમેટતે હૈં યહાં સે વહાં સે હમ,

મિલતે નહીં હૈં અપની કહાની મેં હમ કહીં,

ગાયબ હુએ હૈં જબ સે તેરી દાસ્તાં સે હમ.

-રાજેશ રેડ્ડી

માણસ દેખાતો હોય છે એક પણ હકીકતે એક માણસની અંદર બે માણસ જીવતા હોય છે. એક જે બહારથી નજરે પડતો હોય એ અને બીજો જે અંદર જીવતો હોય એ. ભાગ્યે જ કોઇ માણસ બહાર હોય એવો અંદર હોય છે. બહારથી હસતો માણસ અંદરથી રડતો હોય છે, બહારથી મીઠું મીઠું બોલતો માણસ અંદરથી ભસતો હોય છે, બહારથી નિર્દોષ દેખાતો માણસ અંદરથી કાવતરાં ઘડતો હોય છે, બહાર ટોળામાં દેખાતો માણસ અંદરથી સાવ એકલ હોય છે, બહારથી રણકતો માણસ અંદરથી સાવ બોદો હોય છે, બહારથી ભર્યોભર્યો દેખાતો માણસ અંદરથી સાવ ખોખલો હોય છે, બહારથી સુંદર દેખાતો માણસ અંદરથી કોહવાઇ ગયેલો હોય છે. ચહેરાની કરચલીઓ ઢાંકવા માણસ મેકઅપ કરે છે, આંખના કુંડાળા છુપાવવા માણસ ગોગલ્સ ચડાવી લે છે. ઠઠારો કરનાર માણસ અંદરથી કેટલો નઠારો છે એ કળવું મુશ્કેલ છે. માણસ ક્યારેય પૂરેપૂરો કળાતો જ નથી.

ક્યારેક એ વિચાર કરજો કે, આખા દિવસમાં આપણે ખરેખર કેટલા ખુશ હોઇએ છીએ? આપણા ચહેરા ઉપર જે હાસ્ય હોય છે એ કેટલું નેચરલ હોય છે? કોઇને સારું લગાડવા માટે કે સારા દેખાવવા માટે આપણે કૃત્રિમ, નકલી અને આર્ટિફિશિયલ હસતા હોય છે. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી તો હમણાં આવી, માણસે તો પોતાની અંદર ક્યારનીયે આ બેનંબરી કળા ડેવલપ કરી લીધી છે. આપણે સતત કોઇને કળવાનો પ્રયાસ કરીએ છીએ. મૂડ જોઇને વાત કરીએ છીએ. હથોડો મારવા લોઢું ગરમ થાય એની રાહ જોઇએ છીએ. આપણે બધું જ માપતા રહીએ છીએ, એટલે જ કંઇ પામી શકતા નથી. ટ્રાન્સપરન્સીની વાતો કરીએ છીએ અને અંદર જ એક દીવાલ રચી દઇએ છીએ. આપણે ઉદાસી અને બદમાશીના માણસ બનતા જઇએ છીએ. આપણી અંદર ચાલતો ધૂંધવાટ અને ઉકળાટ એના પુરાવા છે. માણસ હવે વતાવવા જેવો નથી રહ્યો. જરાકેય કંઇક કહીએ તો સીધો ભડકો થાય છે. પોતે પણ દાઝે છે અને બીજાને પણ દઝાડે છે.

આપણે બધાએ દુનિયા જેવું થવું છે. પોતાના જેવું બહુ ઓછા લોકોને રહેવું છે. કોઇને જોઇને આપણે આપણા આદર્શો નક્કી કરીએ છીએ. કોઇને સાંભળીને આપણે આપણા સિદ્ધાંતો બનાવીએ છીએ. કોઇને જોઇને આપણે પ્રેમ કરીએ છીએ. આપણું બધું જ કોઇના પર આધારિત થઇ ગયું છે. જાણે આપણે કોઇનું રમકડું ન હોઇએ! કોઇ ખુશ રાખે તો આપણે ખુશી થઇ જઇએ. કોઇ છંછેડે કે તરત જ લાલચોળ થઇ જઇએ. કોઇ વખાણ કરે કે તરત જ ફૂલાઇ જઇએ. બધું જ કોઇના પર ડિપેન્ડન્ટ! આપણામાં આપણું શું છે? ક્યારેક એવી જગ્યાએ જજો, જ્યાં માણસે બનાવ્યું હોય એવું કંઇ જ નજરે ન ચડે. એક ફિલોસોફર હતો. એ ક્યારેક રણમાં તો ક્યારેક જંગલમાં ચાલ્યો જતો. એવા સ્થળે જ્યાં માણસે બનાવેલું કંઇ જ નજરે ન ચડે. ઝૂંપડી પણ નહીં અને રસ્તો પણ નહીં. એક વખત એક છોકરીએ તમને સવાલ કર્યો. તમે આવી જગ્યાએ જઇને કરો છો શું? ફિલોસોફરે કહ્યું કે, અહીં આવીને હું વિચારું છું કે, હું કેટલો નેચરલ રહ્યો છું? મારી જાતને યાદ અપાવું છું કે, હું પણ પ્રકૃતનો અંશ છું. મારે પણ સહજ રીતે ઉગવાનું, ખીલવાનું અને જીવવાનું છે. હળવાશ અને કુમાશને સજીવન રાખવાની છે. કેટલા માણસો નૈસર્ગિક હોય છે? આપણે આર્ગેનિકની બહુ વાતો કરવા લાગ્યા છીએ પણ એ ક્યાકેય વિચારતા નથી કે, હું પોતે કેટલો ઓર્ગેનિક છું? આપણી ઓરિજનાલિટી તો આપણે ક્યારનીયે ગુમાવી દીધી છે!

એક છોકરીની આ વાત છે. એ બહુ સારી હતી. બધા પર વિશ્વાસ મૂકતી હતી. તેના એક-બે છોકરા તેના મિત્ર હતા. તેણે છોકરી સાથે બદમાશી કરવાનો પ્રયાસ કર્યો. છોકરીએ એને ફાવવા ન દીધા પણ એને છોકરા જાત પર નફરત થઇ ગઇ. એ કોઇ છોકરાને પછી પોતાની નજીક જ આવવા દેતી નહોતી. એક સારો છોકરો તેના ક્લાસમાં હતો. કોઇ કામ સબબ તેને પેલી છોકરી સાથે વાત કરવાનું થયું. છોકરી સીધી રીતે વાત કરતી નહોતી. એક વખત છોકરાએ પૂછયું કે, તું ખરાબ બિહેવ કેમ કરે છે? છોકરીએ કહ્યું, હું પેલા આવી નહોતી. ખરાબ અનુભવો થયા પછી આવી થઇ ગઇ. મેં કોઇનો વિશ્વાસ કરવાનું જ હવે બંધ કર દીધું છે. છોકરાએ હસીને કહ્યું કે, એનો મતલબ તો એ થયો કે, તું જેવી છે એવી રહેતી નથી. વિશ્વાસ કરવાનું શા માટે બંધ કરે છે? ધ્યાન એટલું જ રાખ કે, આંખો મીંચીને કોઇના પર વિશ્વાસ ન કર. એના માટે જરૂરી એ છે કે, સૌથી પહેલા તો તું તારી જાત પર વિશ્વાસ રાખ. તું જે કરે છે એ તો પલાયનવૃતિ છે. તું તારાથી ભાગીને ક્યાં જવાની? એના કરતા સારી વાત એ છે કે, પાછી તારી પાસે આવી જા અને જેવી છે એવી રહે. દુનિયાના રંગ એટલા ચડવા ન દે કે તારો ઓરિજનલ રંગ જ ગાયબ થઇ જાય.

આપણા સ્ટાન્ડર્ડ ડબલ થતા જાય છે. એક દુનિયા માટેના અને એક પોતાના માટેના! આપણને નાટક બહુ ફાવવા લાગ્યા છે. રોજ સવાર પડેને આપણે બધા જ કોઇને કોઇ પાત્રમાં આવી જઇએ છીએ. બહાર તો ઠીક છે, ઘરમાં પણ આપણે પતિનું કે પત્નીનું પાત્ર ભજવવા લાગ્યા છીએ. આપણે એ વિચારવાની જરૂર છે કે, આપણા સંબંધો પણ કેટલા નેચરલ રહ્યા છે? બે મિત્રો હતા. એક વખત એક મિત્રને રૂપિયાની જરૂર પડી. તેણે મિત્રને કહ્યું કે, મને મદદ કરીશ? પેલા મિત્રએ ચોખ્ખી ના પાડી દીધી. હું રૂપિયા ઉછીના દેવામાં માનતો નથી. હું કોઇને રૂપિયા ઉછીના આપતો નથી. તેના મિત્રએ કહ્યું, યાર તું કેટલો બધો નેચરલ છે? મેં અગાઉ જેટલા લોકો પાસે રૂપિયા માંગ્યા એ બધાએ કોઇને કોઇ બહાના કાઢ્યા હતા. હમણા ખેંચમાં છું, મેળ પડે એમ નથી, હું પણ લોન લઇને ચલાવું છું, મારું પણ માંડ માંડ ચાલે છે, બધા કોઇને કોઇ બહાના કાઢતા હતા. તું એક જ એવો છે જે સાચું બોલી દે છે કે મારે નથી દેવા. તેના મિત્રએ કહ્યું, તારી પાસે ખોટું નહોતું બોલવું. તને ના પાડીશ તો તને ખરાબ લાગશે એવું વિચારીને મેં કોઇ ખોટું બહાનું કાઢ્યું હોય તો કદાચ તને તો ખરાબ ન લાગત પણ હું ખોટું બોલ્યો એનું મને ખરાબ લાગત એનું શું? તું એટલો સમજુ છે કે, સાચી વાત સમજ્યો. બીજું કોઇ હોય તો ખરાબ લગાડી દે. મને ખુશી એ વાતની છે કે, તું પણ નેચરલ છે. આપણે બહાના કાઢીએ છીએ, ખોટું બોલીએ છીએ. સાચી વાત છુપાવીએ છીએ અને આપણું રુંવાડુંયે ફરકતું નથી. આપણે કેટલા જડ થતા જઇએ છીએ કે, કોઇનું દિલ દુભાવીને, કોઇનું અપમાન કરીને, કોઇને નીચા દેખાડીને આપણને કંઇ જ થતું નથી, સામા પક્ષે કોઇ આપણને હર્ટ કરે ત્યારે આપણે હચમચી જઇએ છીએ! આપણને ડબલ સ્ટાન્ડર્ડ કેટલું બધું માફક આવી ગયું છે નહીં? જિંદગી જીવવાની મજા માણવી હોય તો નેચરલ રહો, ઓર્ગેનિક રહો, પ્યોર રહો. મગજને કાવાદાવા, ચાલબાજી અને ષડયંત્રોમાં વ્યસ્ત ન રાખો. ફ્રી થઇ જાવ, બધા જ તનાવથી, બધી જ ઉપાધિઓથી, તમે નેચરલ થશો તો જ નેચર સાથે તાદાત્મય સાધી શકશો, તો જ જિંદગી જીવવા જેવી લાગશે. મન અને મગજમાંથી નકામું ઇરેઝ કરી નાખો. ખોટા વિચારો, ઉશ્કેરાટ, ગુસ્સો, નારાજગી, ઉદાસી ખંખેરી નાખો, એ પછી જે બચશે એ ખુશી, આનંદ અને હળવાશ જ હશે. આખરે તો એ જ બહાર આવવાનું છે જે અંદર હશે. ચહેરાને ગમે એટલો સજાવશો તો પણ જો અંદરથી શાંતિ નહીં હોય તો એ વલવલાટ વર્તાઇ આવવાનો જ છે!   

છેલ્લો સીન :

દિલ ડંખે એવું ક્યારેય ન કરવું. એવું કરશો તો એ આખી જિંદગી ડંખતું રહેશે. અફસોસ, વેદના કે વસવસા સાથે જીવવું સહેલું હોતું નથી.                          –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 19 ડિસેમ્બર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું જે છે એ જ રહે, બદલવાની જરૂર નથી – કૃષ્ણકાંત ઉનડકટ

    1. વફાદારી, પ્રામાણિકતા, નિખાલસતા અને પોતાની વ્યક્તિ જેવી છે એવી જ સ્વીકાર. બદલવાનો પ્રયાસ નહીં અને આધિપત્યની કોશિશ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *