દરેક વખતે મારે જ જતું કરવાનું? – કૃષ્ણકાંત ઉનડકટ

દરેક વખતે મારે

જ જતું કરવાનું?

-કૃષ્ણકાંત ઉનડકટ

અબ ખુશી હૈ ન કોઇ દર્દ રુલાને વાલા,

હમ ને અપના લિયા હર રંગ જમાને વાલા,

ઉસ કો રૂખસદ તો કિયા થા મુજે માલૂમ ન થા,

સારા ઘર લે ગયા ઘર છોડ કે જાને વાલા.

-નિદા ફાઝલી

સંબંધ બાંધવા, સંબંધ રાખવા, સંબંધ ટકાવવા અને સંબંધ બચાવવા માટે માણસ પોતાનાથી થઇ શકે એ બધું કરતો હોય છે. સંબંધ બધાને વહાલા હોય છે. એક તંતુ મળેલો હોય છે. હાથ છૂટે, સાથ છૂટે ત્યારે એક અધૂરપ સર્જાતી હોય છે. ઘણું બધું ભૂલતા બહુ વાર લાગતી હોય છે. ચહેરા ઘડીકમાં વિસરાતા નથી. કોઇ દૂર ચાલ્યું જાય એ પછી પણ એનો ચહેરો નજર સામેથી હટતો નથી. આંખો બંધ કરીએ અને એની તસવીર રચાઇ જાય છે. આપણા દરેકની જિંદગીમાં અમુક એવા સંબંધો હોય છે જે આપણે તોડવા નહોતા છતાં તૂટી ગયા હોય છે. ક્યારેક કોઇક મળે ત્યારે આપણને એમ થાય છે કે, આની સાથે હું આખી જિંદગી સંબંધ રાખીશ. એ થોડા જ સમયમાં ઓઝલ થઇ જાય છે. આપણી જિંદગીમાંથી કેટલા બધા ચહેરા ગાયબ થઇ ગયા હોય છે?

જૂની તસવીરો ક્યારેક હાથમાં આવે ત્યારે કેટલાંક ચહેરા તાજા થઇ જાય છે. એની સાથેની ક્ષણો, એની સાથેનો સંવાદ અને એની સાથેનો વિવાદ બધું જ એક સામટું જીવતું થઇ જાય છે. વિચાર આવે છે કે, કેમ એ દૂર થઇ ગઇ? અથવા તો એ કેમ દૂર થઇ ગયો? જે થયું એના માટે કોણ જવાબદાર છે? ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, એને કંઇ જતું જ નહોતું કરવું તો પછી શું થાય? એ પોતાને જ સાચો માનતો હતો. ક્યારેક એવું પણ થાય છે કે, મેં થોડુંક જતું કરી દીધું હોત તો? તો કદાચ આજે એ સાથે હોત, તો કદાચ આ કડવાશ છે એ ન હોત, તો કદાચ એ યાદ આવે ત્યારે તેને ફોન કરી શકાતો હોત! હવે તો એનું પ્રોફાઇલ પિક્ચર જોઇને સંતોષ માનવો પડે છે. એનું સ્ટેટસ જોઇને સારું લાગે છે કે પેઇન થાય છે એ નક્કી નથી થતું! પહેલા એક અધિકાર હતો. એને કહી શકાતું હતું કે, આવું પ્રોફાઇલ પિક્ચર શું મૂક્યું છે? બદલી નાખને! એ બદલી પણ જતું. હજુયે મનમાં બોલાય જાય છે કે પ્રોફાઇલ પિક્ચર ભંગાર છે પણ હવે એ પિકચર બદલતું નથી. ક્યાંથી બદલે? આપણે જ બધું સ્થિર કરી નાખ્યું હોય છે. બોલતા ન હોઇએ છતાં એ જોઇ લેવાતું હોય છે કે, એણે મારું સ્ટેટસ જોયું?  આપણા એકશનનું રિએકશન આપણને અમુક લોકો પાસેથી જ જોઇતું હોય છે. એક તરફ આખી દુનિયા હોય છે અને એક તરફ એક વ્યકિત હોય છે. છેલ્લે તો આપણને એક વ્યક્તિથી જ ફેર પડતો હોય છે. એ ખુશ તો હું ખુશ, એ રાજી તો હું રાજી. વાંધા પડે ત્યારે એમ નથી થતું કે, એ દુ:ખી તો હું વ્યથિત. એ ઉદાસ તો હું પરેશાન. વાંધો પડે, તકરાર થાય ત્યારે માણસ પોતાની વ્યક્તિને હેરાન કરવા પર ઉતરી જતો હોય છે. એ સમયે આપણને જરાયે એવો વિચાર નથી આવતો કે, આ વ્યક્તિને ખુશ રાખવા માટે મેં કેટલું બધું કર્યું છે અને હવે હું એને જ હેરાન પરેશાન કરું છું. આપણે બતાડી દેવું હોય છે. તેં મારું સારું રૂપ જ જોયું છે, હવે તેને મારા ખરાબ રૂપની પણ ખબર પડશે. હું જ્યાં સુધી સારો છું ત્યાં સુધી જ સારો છું કે હું જ્યાં સુધી સારી છું ત્યાં સુધી જ સારી છું. આપણે કંઇ જ જતું નથી કરી શકતા. આપણે બધું જ ગણવા લાગીએ છીએ. મેં એના માટે કેટલું કર્યું છે? એના પાછળ સમય, શક્તિ અને રૂપિયા વાપરવામાં મેં ક્યારેય વિચાર નથી કર્યો. આપણે ગણાતા રહીએ છીએ અને ગાંઠો બાંધતા રહીએ છીએ.

ક્યાં, ક્યારે અને કેટલું જતું કરવું એની આપણને ખબર હોવી જોઇએ. બધા માટે જતું કરીએ નહીં તો કંઇ નહીં પણ જેના માટે જતું કરવા જેવું હોય એના માટે જતું કરવામાં કંઇ ખોટું નથી. એક છોકરો અને છોકરી પ્રેમમાં હતા. છોકરો પોતાની પ્રેમિકાની તમામ વાતો માનતો. કંઇ પણ થાય તો જતું પણ કરી દેતો. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તને એવું નથી લાગતું કે દર વખત તું જ જતું કરે છે? મિત્રએ જવાબ આપ્યો, હા દર વખતે હું જ જતું કરું છું, કારણ કે મારે એને જવા દેવી નથી. આપણે પોતાના લોકોનું જતું કરી દઇએ છીએ. ગમે એવી છે મારી છે. ગમે એવો છે મારો છે. એનું જતું નહીં કરું તો કોનું કરીશ? એ મારી પ્રોયોરિટી છે. એના માટે કંઇ પણ. આમ તો હું કંઇ બાંધી જ રાખતો નથી તો પછી જતું કરવાનો સવાલ જ ક્યાં આવ્યો? જતું કરીને માણસ પોતાની વ્યક્તિને જકડી રાખતો હોય છે. દરેક પ્રેમીને કે પતિ-પત્નીને એવું થતું જ હોય છે કે, મારે તારી સાથે મારે ઝઘડવું નથી. તારી સાથે સરસ રીતે જ રહેવું છે પણ ઝઘડો થઇ જાય છે, વાંધો પડી જાય છે. એ વખતે આપણે કેવી રીતે વર્તીએ છીએ એ મહત્ત્વનું હોય છે.

જતું કરવામાં કશું જ ખોટું નથી. જે જતું કરીએ એ વાજબી હોવું જોઇએ. ઘણું બધું એવું પણ હોય છે જે જતું કરી શકાતું નથી. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ નાની નાની વાતોમાં માથાકૂટો કરતો રહે. ઝઘડો ન થાય એ માટે પત્ની દર વખતે જતું કરી દે. આપણે જતું કરીએ એની સામેની વ્યક્તિને પણ કદર હોવી જોઇએ. વાજબી જતું કરો પણ ગેરવાજબી હોય ત્યાં કહેવું પણ પડે કે, આ યોગ્ય નથી. પતિ જ્યારે ન કરવા જેવું કરવા લાગ્યો ત્યારે પત્નીએ નક્કી કર્યું કે, હવે હું જતું નહીં કરું. બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ. ઘરના સભ્યોને વાત કરી ત્યારે બધાએ કહ્યું કે, તું જતું કરી દે. પત્નીએ આ વાત સાંભળીને કહ્યું કે, દર વખતે મારે જ જતું કરવાનું? એણે ક્યારેય કંઇ જતું નહીં કરવાનું? હું દસ વાર જતું કરું તો એણે એકાદી વાર તો જતું કરવું જોઇએને?

આપણે બધા ક્યારેકને ક્યારેક તો જતું કરતા જ હોઇએ છીએ. જતું કરીને આપણે કોઇ મહેરબાની નથી કરતા. આપણે આપણી વ્યક્તિને સાચવતા હોઇએ છીએ. માણસથી ક્યારેક અયોગ્ય વાત, ગેરવાજબી વર્તન કે ન કરવા જેવું કૃત્ય થઇ જતું હોય છે. એ જતું કરી દેવા જેવું હોય તો જતું કરી દો. એ જો જતું કરી દેવા જેવું ન હોય તો વાત કરો. સંબંધોમાં પણ અમુક તબક્કે ચોખવટ અને સ્પષ્ટતા જરૂરી બનતી હોય છે. વાત કરો. તક પણ આપો. જો એ વ્યક્તિને ખરેખર સંબંધની કદર હશે તો એનામાં પરિવર્તન જોવા મળશે જ. જો કઇ બદલાવ જોવા ન મળે તો એક વાત સમજી લેવી પડે કે, એ એવો જ છે અથવા તો એ એવી જ છે. દરેક માણસ બદલે એવું જરૂરી નથી. જતું કરવાની એક હદ નક્કી કરી રાખવી પડે છે. એ હદ પૂરી થાય ત્યાં સંબંધોમાં પણ ધ એન્ડનું પાટિયું મારી દેવું પડતું હોય છે. સતત પીડાતા, કણસતા અને વલવલતા રહેવાનો કોઇ અર્થ નથી હોતો. સંબંધ સજીવન હોવો જોઇએ. મરી ગયેલા સંબંધો ધીમે ધીમે કોહવાઇ જતા હોય છે અને એમાંથી ક્યારેય સુગંધ પ્રગટતી નથી. સંબંધ તૂટે ત્યારે થોડીક તટસ્થતાપૂર્વક એટલો વિચાર કરી લેવાનો હોય છે કે, જે થઇ રહ્યું છે એના માટે હું તો જવાબદાર નથીને? આપણે કહીએ છીએ કે, એક હાથ તાળી નથી વાગતી, થોડો ઘણો વાંક બંનેનો હોય છે. હા, એવું હોય છે પણ થોડા ઉપર જ્યારે ઘણો વાંક હાવી થઇ જાય છે ત્યારે રસ્તા ફંટાઇ જતા હોય છે. જિંદગીમાં દરેક સંબંધ ખૂબ જ મહત્ત્વનો હોય છે પણ સામેની વ્યક્તિને પણ એની ખબર અને કદર હોવી જોઇએ.

છેલ્લો સીન :

એના માટે બધું જ કરો જે તમારા માટે કંઇ પણ કરવા તૈયાર છે. એના માટે કંઇ ન કરો, જેને તમારા કંઇ પણ કરવાથી કોઇ ફેર પડતો નથી.             –કેયુ

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 ડિસેમ્બર 2021, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

2 Comments

Leave a Reply