સોશિયલ મીડિયા સાથે તમે કેવી રીતે ‘ડીલ’ કરો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોશિયલ મીડિયા સાથે તમે

કેવી રીતે ‘ડીલ’ કરો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

————-

સોશિયલ મીડિયા હવે આપણી જિંદગીનો એક ભાગ જ બની ગયું છે.

બધાને ખબર છે કે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ આપણો સમય, શક્તિ અને મગજ બગાડે છે

છતાં પણ મોબાઇલ છૂટતો નથી. વેલ, તમને ખબર છે,

સોશિયલ મીડિયાનો યુઝ કરવાની દરેકની પોતાની એક આગવી રીત હોય છે!

મેસેજ વાંચવાથી માંડીને ડિલિટ કરવા સુધીની દરેકની પોતાની આદત હોય છે.

તમે સોશિયલ મીડિયા સાથે કેવી રીતે પેશ આવો છો એનો કોઇ દિવસ વિચાર કર્યો છે?

———————

“લોકોને પણ બીજો કોઇ ધંધો નથી, સવારના પહોરમાં ગૂડ મોર્નિંગના મેસેજો ફટકારી દે છે. સવારે ઉઠીને મોબાઇલ ચેક કરીએ ત્યારે કેટલા બધા નક્કામા મેસેજ આવી જ ગયા હોય.” એક મિત્રએ તેના દોસ્ત સામે બળાપો ઠાલવ્યો. આ વાત સાંભળીને તેના મિત્રએ સવાલ કર્યો, તું પોતે પણ બધાને રોજ સવારે ગુડ મોર્નિંગના મેસેજિસ મોકલે છે એનું શું? મિત્રએ જવાબ આપ્યો, એ તો હું બધા મને ગુડ મોર્નિંગના મેસેજો મોકલે છે એનું વેર લેવા માટે મેસેજ કરું છું! એ મને ફટકારે તો હું શા માટે ન ફટકારું? તમને ખબર છે, ઘણા લોકો ખરેખર આવું કરતા હોય છે. સોશિયલ મીડિયા પર મળતા મેસેજને ટેકલ કરવાની દરેકની પોતાની આગવી રીત હોય છે. માર્ક કરજો, તમે પણ જવાબો આપવાથી માંડીને મેસેજ ડિલિટ કરવા સુધીના કામોમાં એક ચોક્કસ પેટર્નને ફોલો કરતા હશો.

તમે વોટ્સએપ પર આવતા બધા જ કામના અને નકામના મેસેજ વાંચો છો? વાંચો છો તો ક્યારે વાંચો છો? અમુક લોકોને એવી આદત હોય છે કે, એ તમામે તમામ મેસેજ વાંચે છે. એને ખબર હોય કે આના મેસેજમાં કંઇ દમ નહીં હોય, તો પણ એ વાંચે તો ખરા જ! આવા લોકોના મનમાં એવું હોય છે કે, કંઇક કામનું હશે તો? બધા એવું કરતા નથી. અમુક લોકો વારફરતી બધા જ મેસેજિસ સિલિક્ટ કરીને વાંચ્યા વગર જ માર્ક એઝ રીડ કરી નાખે છે. અમુક લોકોને મેસેજ હોય તો વાંચ્યા વગર કે ડિલિટ કર્યા વગર ચેન પડતું નથી, તેની સામે અમુક એવા લોકો પણ હોય છે જેના વોટ્સએપમાં હજારો મેસેજ વાંચ્યા વગરના પડ્યા હોય તોયે એના પેટનું પાણીયે હલતું નથી. તેઓ એવું માને છે કે, આપણે કંઇ થોડા બધા માટે નવરાં છીએ કે બધાને જવાબ આપતા ફરીએ. તમે બધાને જવાબ આપો તો લોકો વળી તેમને ઓલવેઝ એવેલેબલ પણ ગણી લેતા હોય છે. આપણને ફૂરસદ મળે, બીજું કંઇ કામ ન હોય ત્યારે આરામથી મેસેજ જોઇએ. તમે માર્ક કરજો, અમુક લોકો તમે કંઇ પૂછ્યું હોય તો ત્રણ ચાર દિવસે રિપ્લાય કરશે અને સાથોસાથ એમ પણ કહેશે કે, મેં તો તમારો મેસેજ આજે જ જોયો! આવું કરીને પણ લોકો પોતાનું ઇમ્પોર્ટન્સ જતાવવાનો પ્રયાસ કરતા હોય છે. આમ ભલેને ચોવીસેય કલાક ઓનલાઇન દેખાડતા હોય પણ જવાબ તો તેમની ઇચ્છા થાય ત્યારે જ આપશે. બીજી તરફ એમને કંઇ કામ હશે તો તમને મેસેજ પર મેસેજ કરશે, ક્યારેક તો તમને ફોન કરીને પણ કહેશે કે તમને એક વોટ્સએપ કર્યું છે. જરાક જોઇ લેજોને, પછી રિપ્લાય કરજો!

અમુક લોકોને ના કહેવાની ફાવટ હોતી નથી. મેસેજિસ ગમતા ન હોય તો પણ એ કહી શકતા નથી કે, તમે મને કારણ વગરના મેસેજ ન મોકલો. સામા પક્ષે એવા લોકો પણ છે જેને તમે કોઇ નકામો મેસેજ મોકલો કે તરત જ તમને સામે મેસેજ ફટકારશે કે આવા મેસેજ મને મોકલવા નહીં. આવા લોકોને કોને કેવું લાગશે એનાથી કોઇ ફેર પડતો નથી. જેને જેવું લાગવું હોય એવું લાગે! ના પાડવા છતાંયે મેસેજ કરવાવાળાને એ બ્લોક કરી દેતા પણ અચકાતા નથી. બીજી તરફ એવા લોકો છે જે એવું વિચારે છે કે, ના પાડીએ તો ખોટું લાગી જશે. એના કરતા ડિલિટ કરી નાખવાના, એમાં ક્યાં ઝાઝી વાર લાગવાની છે? એક ભાઇ છે. એની આદત જરાક જુદી છે. કોઇ તહેવાર આવતો હોય એના આગલા દિવસે જ એ એની ફોનબુકમાં હોય એ તમામે તમામને મેસેજ કરી દે કે, મહેરબાની કરીને મને હેપી ફલાણો ફલાણો તહેવાર એવા મેસેજ કોઇએ કરવા નહીં. એના મિત્રએ તેને કહ્યું હતું કે, તેં જેને આવો મેસેજ કર્યા છે એ બધા કંઇ તને મેસેજ કરવાના નહોતા, તેં બધાને મેસેજ ફટકારીને તારી હાજરી પુરાવી દીધી! તહેવારોમાં વળી ઘણા એવું પણ વિચારે છે કે, વારે તહેવારે કોઇ યાદ કરે એ સારી વાત નથી? જે લોકોને મેસેજ કરવાવાળું કોઇ નથી અથવા તો ઓછા છે એ લોકોને કોઇ મેસેજ કરે એ ગમતું પણ હોય છે. પ્રોબ્લેમ મોટા ભાગે ફોરવર્ડેડ મેસેજોના જ હોય છે. આવ્યું નથી એને ફોરવર્ડ કર્યું નથી. લોકો બર્થડે વીશના મેસેજો પણ ફોરવર્ડ કરી દે છે!

આવો જ એક ઇશ્યૂ છે વીડિયો કોલનો! માણસ ક્યાં હશે, વાત કરી શકે એમ હશે કે નહીં, કઇ અવસ્થામાં હશે એ વિચાર્યા વગર ઘણા લોકો વીડિયો કોલ કરી દે છે. તમને ઓનલાઇન જોયા એટલે થયું કે ચાલો તમારું મોઢું જોઇ લઉં! વીડિયો કોલનો એટિકેટ છે. પહેલા મેસેજ કરીને પૂછો કે, તમને મારી સાથે વીડિયો કોલથી વાત કરવી ફાવશે? આપણે એવી બધી ચિંતા કરતા નથી. નહીં ફાવે એમ હોય તો નહીં ઉપાડે એવું વિચારીને ઘણા ફોન ઠપકારી દે છે. વીડિયો કોલ એ એક રીતે જોવા જઇએ તો કોઇની પ્રાયવસીનો સીધેસીધો ભંગ છે. ઘણાને એ ઇરિટેટિંગ લાગે છે. નજીકના સગા કે મિત્ર હોય તો વાત જુદી છે, બાકી વીડિયો કોલ એ ત્રાસ છે. તમારે ફોન સામે સતત જોવું પડે છે. ન જુઓ તો ખરાબ લાગી જાય કે આનું તો ધ્યાન જ નથી!

વોટ્સએપમાં ગ્રૂપનું પણ મોટું ટેન્શન છે. લોકો પહેલા તો સીધા જ આપણને એડ કરી દેતા હતા. હવે નવા ફીચર મુજબ પહેલા પરવાનગી માંગે છે. અમુક લોકો ગ્રૂપની રિકવેસ્ટ મોકલે ત્યારે સ્વીકારવી કે ન સ્વીકારવી તેનું પણ ટેન્શન થાય છે. ન સ્વીકારીએ તો માઠું લાગી જાય છે. સ્વીકારીએ અને પછી એક્ટિવલી પાર્ટિસિપેટ ન કરીએ તો પણ ઘણા ટોણાં મારે છે કે, તમે તો ભઇ મોટા માણસ, જવાબ દેવાનો પણ ટાઇમ નથી! ગ્રૂપ લેફ્ટ કરો તો પણ ઘણાને વાંધા પડે છે. એમાંયે વળી દરેકને એક ફેમિલી ગ્રૂપ તો હોય જ છે. એક રીતે જોઇએ તો આખા ફેમિલીની બધી ખબર પડી જાય પણ ફેમિલીના ગ્રૂપમાં મોટા ભાગે નકામી વાતો અને ઠઠ્ઠા મશ્કરી જ થતી હોય છે. ઘણાને એમાં મજા પણ આવતી હોય છે. ઘણા બિચારા એ જ વિચારતા હોય છે કે, આનાથી છૂટકારો કેવી રીતે મેળવવો?  એક ભાઇએ વોટ્સએપ પર પ્રોફાઇલ પિકચરમાં જ લખ્યું હતું કે, હું આખા દિવસમાં થોડીક વાર જ વોટ્સએપમાં સાઇન ઇન થાવ છું અને મેસેજ ચેક કરું છું એટલે કંઇ અરજન્ટ હોય તો મને મેસેજ કરવાને બદલે ફોન જ કરી લેવો!

સાઉન આઉટ થવામાં પણ ઘણાને ડર લાગે છે. જાણે કંઇક છૂટી જવાનું ન હોય! આજે મોટા ભાગના લોકોને એમ છે કે, આપણે સોશિયલ મીડિયા પર તો હોવા જ જોઇએ, નહીં હોઇએ તો પાછળ રહી જશું. દરેકના મનમાં એવી એવી માન્યતા હોય છે કે, આપણું મગજ ચકરાઇ જાય! બાય ધ વે, તમે કઇ રીતે સોશિયલ મીડિયા સાથે ડીલ કરો છો? ગમે એ રીતે કરતા હોવ, એમાં કોઇ વાંધો નથી, ધ્યાન એટલું રાખજો કે એનાથી કોઇ ટેન્શન કે પ્રેશર ઊભું ન થાય! આપણને અણસાર પણ ન આવે એ રીતે આપણે બધા તણાવનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા અને મોબાઇલ વાપરો પણ એના કારણે કોઇ માનસિક બીમારીનો ભોગ બની ન જવાય એની કાળજી રાખજો!      

હા, એવું છે!

મોબાઇલના ઉપયોગ વિષે જાત જાતના સર્વે અને રિસર્ચ થતાં રહે છે. એક અભ્યાસ મુજબ જે લોકો મોબાઇલ ફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે એ લોકો જે મોબાઇલનો ઓછો ઉપયોગ કરે છે તેની સરખામણીમાં 90 ટકા વધુ સ્ટ્રેસ અનુભવે છે. સારા માનસિક સ્વાસ્થ્ય માટે મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવાની સલાહ માનસશાસ્ત્રીઓ આપે છે.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 ડિસેમ્બર 2021, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply