સોશિયલ મીડિયા : સંબંધોનો સૌથી મોટો દુશ્મન – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોશિયલ મીડિયા

સંબંધોનો સૌથી મોટો દુશ્મન

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

માણસ માણસ વચ્ચેનું અંતર સતત વધતું જાય છે.

મોબાઇલ જ્યારથી આવ્યો છે ત્યારથી સાંનિધ્ય અને સંવેદનાને ગ્રહણ લાગ્યું છે.

મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે સંબંધો પાતળા પડી રહ્યા છે.

દાંપત્ય જીવનનો સૌથી મોટો દુશ્મન જો કોઇ હોય તો એ સોશિયલ મીડિયા છે.

સોશિયલ મીડિયાની લતના કારણે ડિવોર્સ થઇ રહ્યા છે.

કોની સાથે ચેટ કરતી હશે કે કરતો હશે એ વિચાર પતિ-પત્ની વચ્ચે શંકાના બીજ રોપે છે.

ખાનગીમાં ફોન ચેક પણ થાય છે અને હેક પણ થાય છે!

———-

જે પોષતું તે મારતું, એ ક્રમ દિસે છે કુદરતી. કવિ કલાપીની આ રચના ઘણા સંદર્ભોમાં વાપરી શકાય એમ છે. થોડુંક લાંબું વિચારો તો એવું કહી શકાય કે, મોબાઇલનું પણ કંઇક આવું જ છે. સમજી વિચારીને વાપરો તો મોબાઇલ ખૂબ કામની ચીજ છે પણ બુદ્ધિને અભેરાઇ પર ચડાવીને આડેધડ મચ્યા રહો છો એ પતન નોતરવા માટે પણ પૂરતું છે. ગયા અઠવાડિયે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છ-સાત કલાક બંધ રહ્યા એમાં હોહા થઇ ગઇ! થોડીકવાર તો ઘણાને લાગ્યું કે, જાણે સર્વસ્વ લૂંટાઇ ગયું. મજા તો એ ફરીથી ચાલુ થયું એ પછી આવી. જે મિમ્સ વહેતા થયા એ મજેદાર હતા. કેટલાંક સટિક પણ હતા. એક કંઇક એવું હતું કે, સોશિયલ મીડિયા બંધ રહેતા પત્નીએ ઘણા લાંબા સમય બાદ પતિ સાથે શાંતિથી વાત કરી અને તેઓ સારા સ્વભાવના હોવાનો દાવો કર્યો હતો! આ તો થઇ મજાકની વાત, રિઅલ લાઇફમાં પણ સોશિયલ મીડિયાના કારણે પતિ પત્ની ઓછી વાતો કરતા હોવાનું બહાર આવી રહ્યું છે. પતિ પત્ની સાથે બેઠા હોય ત્યારે બંને પોતપોતાના મોબાઇલ સાથે મંડેલા હોય છે. ક્યારેક કંઇક ઇન્ટરેસ્ટિંગ લાગે તો એક-બીજાને બતાવે છે, બાકી તો બંને પોતપોતાની મસ્તીમાં જ હોય છે.

મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે આપણા દેશ સહિત દુનિયામાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે. અમેરિકાની ફેમિલી લો પ્રેક્ટિશનર મેકેન્લી ઇરવીન મોબાઇલના કારણે થતા ડિવોર્સને ‘ડિજિટલ ડિવોર્સ’ કહે છે. યુનિવર્સિટી ઓફ હોસ્ટનના ડો. હેલન લી લિન કહે છે કે, અમેરિકામાં છેલ્લા દસ વર્ષમાં ડિવોર્સના કેસિસમાં 13 ટકાનો વધારો થયો છે. તેમાથી અડધોઅડધ કેસોમાં ડિવોર્સનું કારણ મોબાઇલ અને સોશિયલ મીડિયા છે. આપણે ત્યાં આવા અભ્યાસો ઓછા થાય છે. આપણે ત્યાં લોકો પડ્યું પાનું નિભાવી પણ લે છે અને જિંદગી જેમ જીવાય એમ જીવી લે છે. આપણે ત્યાં ડિવોર્સ ભલે ન થાય પણ મોબાઇલના કારણે ઘરોમાં માથાકૂટો તો થાય જ છે. અમેરિકામાં હવે તમારી લવ અને મેરેજ લાઇફને મોબાઇલથી કેવી રીતે બચાવવી એના લેસન અપાવવા લાગ્યા છે. આપણને બધાને પણ એ કામ લાગે એવા છે. રિલેશનશીપ એક્સપર્ટસ કહે છે કે, એક તો લોકો પાસે સંબંધો માટે હવે બહુ ઓછો સમય બચે છે. જેટલો સમય હોય છે એટલો પણ તેને વાપરતા આવડતો નથી. લોકો હાથે કરીને પોતાના રિલેશન્સને દાવ પર લગાડે છે. એક સાવ સીધો સાદો સવાલ એ છે કે, તમારા માટે તમારો મોબાઇલ તમારી પત્ની, પતિ કે સ્વજનથી વધુ મહત્વનો છે? એનો જવાબ દરેકે પોતાની પાસેથી જ મેળવવાનો છે.

મોબાઇલ કેવી રીતે દાંપત્ય જીવન બરબાદ કરે છે એના વિશે તો હવે લગભગ બધાને ખબર છે. આપણે એમાં બહુ પડવું નથી. એના કરતા એનાથી બચવું કઇ રીતે એની થોડીક વાતો કરીએ. થોડીક ટિપ્સ છે, થઇ શકે તો ટ્રાય કરજો. સૌથી પહેલી વાત તો એ કે, ઘરે જાવ ત્યારે ડેટા ઓફ કરી દો. ઘરના લોકોને જ સમય આપો. આવું કહીએ ત્યારે સૌથી પહેલી દલીલ એ થાય કે, ઘરે જ ટાઇમ મળે છે, કામ પર હોઇએ ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થોડા થાય છે? વેલ, એનો બીજો ઉકેલ એ છે કે, એક ચોક્કસ સમય નક્કી કરો કે, અડધો કલાક કે એક કલાકથી વધારે સમય નહીં બગાડું. એક યુવાન તો એલાર્મ મૂકીને મોબાઇલ જોવાનું શરૂ કરતો. ટાઇમ પૂરો થાય એટલે મોબાઇલ મૂકી દેવાનો. ઘણા લોકો પોતાના કામ કે ધંધાની દુહાઇ દઇને એવું કહેતા હોય છે કે, મારે તો મોબાઇલ જોયા વગર ચાલે જ નહીં. મોટાભાગે તો એવું હોતું નથી પણ માનો કે એવું હોય તો પણ જરૂર હોય એટલું જ જુઓ. તમે મોબાઇલ વાપરવાનું બંધ કે ઓછું કરશો એટલે લોકો આપોઆપ સમજી જશે કે, એ અવેલેબલ નહીં હોય. મોટા ભાગે તો આપણે જ બીજા લોકોને આપણી પર્સનલ સ્પેસમાં આવવાની છૂટ આપતા હોઇએ છીએ. કોઇ પણ વ્યક્તિ ગમે ત્યારે વીડિયો કોલ કરી લે એવું થોડું ચાલે? આપણે ત્યાં હવે એક નવો ટ્રેન્ડ એ જોવા મળે છે કે, કોઇ યુવતી રસોઇ બનાવતી હોય ત્યારે કિચનમાં વીડિયો કોલ જોડી ફોનને સામે ગોઠવીને રસોઇ કરવાની સાથે વાતો કરતી રહે છે. આવું કરનાર વ્યક્તિ બીજાનો સમય તો બગાડે છે અને પોતાનું કામ પણ એન્જોય કરી શકતી નથી. બહેતર એ છે કે, એવા સમયે તમે તમારું કોઇ ગમતું સંગીત સાંભળો અને પોતાની સાથે રહેવાનો પ્રયાસ કરો.

લગ્ન જીવનને સ્વસ્થ રાખવા માટે જે સૌથી મોટો ઉપાય કહેવામાં આવે છે એ એવો છે કે, બેડરૂમમાં મોબાઇલને લઇ જ ન જવો. આપણે તો મોડે સુધી મોબાઇલ મચડતા રહે છે. કપલ્સ હવે ફિઝિકલ રિલેશન પછી પણ સૂતા પહેલા મોબાઇલ ચેક કરી લે છે. એક ટાઇમ નક્કી કરી લો કે આ સમયે ડેટા બંધ કરી દઇશ. તમારા નજીકના લોકોને પણ પ્રેમથી કહી દેવાનું કે, આ સમય પછી હું મેસેજ જોતા કે જોતી નથી. ફોન પર વાત કરવાની હોય તો પણ કામ પૂરતી જ વાત કરો. આપણે ત્યાં લોકો ફોન પર અડધો કલાક – કલાક ગપ્પા હાંકતા હોય છે. ઘણા લોકો વાત શરૂ કરતા પહેલા જ કાનમાં ઇયર પ્લગ ખોસી દે છે, બાકી તો ફોન કાને રાખીને હાથ દુખવા ન માંડે?

એક બીજી વાત. તમે જ્યારે તમારા પાર્ટનર સાથે વાત કરો ત્યારે હાથમાં ફોન ન રાખો. તેની આંખમાં આંખ પરોવીને અને બને તો તેનો હાથ હાથમાં લઇને વાત કરો. તમને એની વાતમાં રસ છે, તમે એને ધ્યાનથી સાંભળો છો એવું નાટક નથી કરવાનું પણ ખરેખર ધ્યાનથી એની વાત સાંભળવાની છે. નાટક પકડાઇ જતું હોય છે. સુખી અને સ્વસ્થ લવ લાઇફ માટે એક બીજાને એવો અહેસાસ હોય એ જરૂરી છે કે, મારી લાઇફમાં તારાથી વધુ ઇમ્પોર્ટન્ટ બીજું કશું જ નથી. માનો કે ખરેખર કંઇક ઇમ્પોર્ટન્ટ હોય અને ફોન પર મેસેજ કે બીજું કંઇ કામ કરવાનું હોય તો એ વિશે તમારા પાર્ટનર સાથે ખુલ્લા દિલે સાવ સાચી વાત કરો કે તમે શું કરી રહ્યા છો? પતિ કે પત્ની ચૂપચાપ કંઇક કરતા હોય છે ત્યારે એવી શંકા ગયા વગર નથી રહેતી કે કોની સાથે ચેટ કરતો હશે કે કરતી હશે? શંકાનો કીડો એક વખત સળવળે પછી એ શાંત થતો નથી અને છેલ્લે એક-બીજાના ફોન ચેક કરવા સુધી જાય છે. કપલ એક બીજાનો ફોન ચેક જ નથી કરતા, હવે તો હેક કરતા પણ થઇ ગયા છે.

આજના કપલમાં હવે સૌથી વધુ ઝઘડા મોટા ભાગે મોબાઇલ વિશે થવા લાગ્યા છે. હવે તું આ મોબાઇલને મૂકીશ? તને શું મળી જાય છે તારો સમય અને મગજ બગાડીને? તને અમારા કોઇમાં રસ જ ક્યાં છે? મોબાઇલથી દૂર રહેવાની વાતો બંનેને લાગુ પડે છે. ક્યાંક પત્ની મોબાઇલ સાથે ચોંટેલી રહે છે તો ક્યાંક પતિ ફોન છોડતો નથી. સાઇકિયાટ્રિસ્ટ એવું પણ કહે છે કે, તમે જેવું કરશો એવી જ આદતો તમારા સંતાનોને પડશે. તમે જો એવું ઇચ્છતા હોવ કે તમારા સંતાનો ફોનથી દૂર રહે તો પહેલા તમે એવું કરો. આપણે બધાએ હવે ડિજિટલ ડિસિપ્લિન શીખવી પડશે. આપણા સંબંધોની ગાડી આડે પાટે ચડી જાય એ પહેલા જાગી જવું એ જ સમજદારી છે.

હા એવું છે!

એક રસપ્રદ અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જેનું મગજ કોઇ જાતના ઉદ્દેશ વગર વારેવારે અહીં તહીં ભટકતું રહે છે, એવા 85 ટકા લોકો પોતાની જિંદગીથી જ દુ:ખી હોય છે, મજાની વાત એ છે કે એને પોતાને પોતાના દુ:ખના કારણની પણ ખબર હોતી નથી!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 ઓકટોબર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

1 Trackback / Pingback

  1. સોશિયલ મીડિયા : સંબંધોનો સૌથી મોટો દુશ્મન – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ - My Gujarat News

Leave a Reply