થોડીક વાત, આપણામાં ઘર કરી જતી ચિત્ર-વિચિત્ર માન્યતાઓની! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

થોડીક વાત, આપણામાં ઘર કરી

જતી ચિત્ર-વિચિત્ર માન્યતાઓની!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

નાના હોઇએ ત્યારે આપણા મન અને મગજમાં ચિત્ર-વિચિત્ર માન્યતાઓ બંધાતી હોય છે.

ટ્રેનનું એન્જિન ચલાવે એ એન્જિનિયર કહેવાય, બહેનને મારીએ તો હાથમાં કાંટા ઉગે,

માણસ મરી જાય પછી તારો બની જાય, સત્તર સિંગો એટલે સત્તર શિંગડાવાળું પ્રાણી અને

આવી કેટલી બધી માન્યતાઓ નાના હોઇએ ત્યારે મનમાં ઠસી જાય છે.

જેમ જેમ મોટા થઇએ તેમ તેમ સમજ આવે અને ખબર પડે કે આપણે માનતા હતા એ તો ખોટું હતું.

કાશ, આટલી સમજ મોટા થયા પછી ઘર થઇ જતી માન્યતાઓ વિશે આવતી હોત તો કેટલું સારું હતું?

 ———-

તમને બચપણની એવી કઇ વાત યાદ છે જે તમને રોમાંચિત કરી દે છે? અમુક વાતો એવી પણ હશે જેના વિશે વિચારીને તમને પોતાને એમ થતું હશે કે, નાના હતા ત્યારે કેવા ઇડિયટ હતા? આટલીયે ખબર પડતી નહોતી! હકીકતે નાના હોઇએ ત્યારે આપણે ઇડિયટ, મૂરખ કે બેવકૂફ નથી હોતા, ભોળા હોઇએ છીએ. મોટા કહે એને સાચું માની લેતા હોઇએ છીએ. અમુક ખોટા ખયાલો બાંધી લેતા હોઇએ છીએ. જિંદગી હજુ શરૂ થતી હોય છે. કોઇ અનુભવો હોતા નથી. ભાથું હજુ બંધાઇ હોય છે. એવા સમયમાં તો જે નજર સામે આવે અને જે કાને સંભળાય એ સાચું માની લેતા હોઇએ છીએ. છોકરું તોફાન ન કરે એ માટે મા-બાપ, બાવાની કે પોલીસની બીક બતાવે છે. એ સમયે બાળકના મગજમાં ચિતરાઇ ગયેલો બાવો તેને ડરાવતો રહે છે. જિંદગીના દરેક મુકામ પર આપણને જુદા જુદા અનુભવો થતા રહે છે. આપણે જે જોયે છીએ, સાંભળીએ છીએ અને અનુભવીએ છીએ એના આધારે આપણામાં કોઇને કોઇ માન્યતા ઘડાતી અને રોપાતી હોય છે.

સોશિયલ મીડિયા પણ ગજબની ચીજ છે. એમાં જાત જાતનું કંઇકને કંઇક ચાલતું જ હોય છે. બધું બકવાસ નથી હતું, ઘણું બધું મજેદાર પણ હોય છે. ક્યારેક અતિતના એવા કોઇ છેડે આપણને ખેંચી જાય છે જ્યારે આપણે કોઇક જુદી જ દુનિયામાં જીવતા હતા. આજકાલ એક રસપ્રદ સવાલ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે. વોટ ઇઝ ધ ડમ્બેસ્ટ થિંગ યુ બિલીવ્ડ એઝ અ ચાઇલ્ડ? મતલબ કે તમે નાના હતા ત્યારે કેવી માન્યતા તમારા મગજમાં ઘર કરી ગઇ હતી? સોશિયલ મીડિયા પર સવાલ પૂછનાર વ્યક્તિ પહેલા તો પોતે નાનો હતો ત્યારે જે માનતો હોય એના વિશે લખીને એ સવાલ પૂછે છે કે તમે આવું કંઇ માનતા હતા? ચલો, એક ઉદાહરણ જોઇએ. એક યુવાને સોશિયલ મીડિયા પર એવું સ્ટેટસ અપલોડ કર્યું કે, હું નાનો હતો ત્યારે એવું જ માનતો હતો કે, ટ્રેનનું એન્જિન જે ચલાવતો હોય એને એન્જિનિયર કહેવાય. તમે નાના હતા ત્યારે આવું કંઇ માનતા હતા? તેના ફ્રેન્ડસ અને ફોલોઅર કમેન્ટસમાં જાતજાતના જવાબો આપે છે.

આ આખી ઘટનામાં જો સૌથી વધુ કંઇ રસપ્રદ હોય તો એ જવાબો છે. જે જવાબો હોય છે એ ચાઇલ્ડ સાઇકોલોજી પણ છતી કરે છે. બીજી રીતે જોઇએ તો આ પેરેન્ટિંગનું એક લેસન પણ છે. બાળક નાનું હોય ત્યારે કેવી કેવી માન્યતાઓ બાંધી લેતું હોય છે, એ દરેક મા-બાપે સમજવા જેવી વાત છે. બીજી વાત કરતા પહેલા આવા જ એક કિસ્સામાં કમેન્ટસમાં જે જવાબો મળ્યા હતા તેના ઉપર આપણે નજર ફેરવી લઇએ. નાના હશો ત્યારે તમારી જિંદગીમાં પણ કદાચ આવું કે આના જેવું કંઇક તો બન્યું જ હશે. તમે પણ તેની સાથે રિલેટ કરી જ શકશો. એક યુવાને એવું લખ્યું કે, હું નાનો હતો ત્યારે એમ જ માનતો કે, સિવિલ એન્જિનિયર સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતા હશે પણ મને એ સમજાતું નહોતું કે, હોસ્પિટલમાં તો ડોકટર હોય તો આ સિવિલ એન્જિનિયર શું કરતા હશે? બીજા એક ભાઇએ એવું લખ્યું કે, છાપાંઓમાં એવું છપાતું કે, તાજેતરમાં આવું થયું, આ વાંચીને હું એવું જ માનતો કે તાજેતર કોઇ ગામનું નામ છે અને ત્યાં જ બધું થાય છે. એવું તો ઘણા લોકો નાના હતા ત્યારે માનતા કે, કોઇ ફળનું બી ગળી જઇએ તો પેટમાં ઝાડ ઉગે. એક કમેન્ટ એવી હતી કે, ગાયનેકોલોજિસ્ટ એટલે ગાયના ડોકટર. બેનને મારીએ તો હાથમાં કાંટા ઉગે. એકે તો હદ જ કરી, તેણે લખ્યું કે, હું તો એમ જ માનતો હતો કે, સ્પીડ બ્રેકરની નીચે ગટરની પાઇપલાઇન હોય છે!

આવું તો બીજું ઘણું બધું છે. બધું વાંચીને છેલ્લે તો એમ જ થાય કે, સો ઇનોસન્ટ! મોટા થઇએ પછી ધીમે ધીમે ખબર પડતી જાય કે આપણે માનતા હતા એ ખોટું હતું. પોતાના પર જ હસવું આવે કે આપણે કેવું કેવું માનતા હતા. બચપણનું બધું યાદ રહેતું નથી. બચપણને કદાચ એટલે સારું લાગે છે કે, મોટા ભાગનું ભૂલી જવાય છે. બે ઘડી વિચાર કરો કે, જિંદગીમાં જે કંઇ બને છે એ કશું જ ભૂલી શકાતું ન હોત તો? માણસ કેટલો દુ:ખી હોત? જિંદગીમાં સુખી થવા માટે એવું કહેવાતું રહ્યું છે કે, ભૂલતા શીખો. આપણે યાદ રાખતા શીખીએ છીએ પણ ભૂલતા શીખતા નથી!

બાળપણની માન્યતાઓ વિશેની સોશિયલ મીડિયાની પોસ્ટ અંગે એક મિત્રએ સરસ વાત કરી. તેણે કહ્યું કે, બચપણની માન્યતાઓમાં તો નિર્દોષતા હોય છે પણ મોટા થયા પછી જે માન્યતાઓ ઘર કરી જતી હોય છે એનું શું? એ માન્યતાઓમાં જડતા હોય છે. આપણે માનતા હોઇએ એને આપણે વળગી રહીએ છીએ. હું જ સાચો, આમ જ હોય, આમ જ કરવાનું, આવી રીતે જ રહેવાનું! મોટા થયા પછીની માન્યતાઓમાં તો એ સમજાતું જ નથી કે, મારી માન્યતા ખોટી છે. જનરેશન ગેપ એ બીજું કંઇ નથી પણ યંગસ્ટર્સની અને વડીલો વચ્ચેની માન્યતાઓનો જ કલેશ છે. સંતાનોને જ્યારે એમ કહેવામાં આવે કે, અમે નાના હતા ત્યારે આમ કરતા, તમારા જેવા જલસા નહોતા. આપણે આપણી માન્યતાઓ સાથે કોઇ કોમ્પ્રોમાઇઝ જ નથી કરતા.

આપણને તો એ પણ નથી સમજ પડતી કે, મારી આ માન્યતા ખોટી છે, ગેરવાજબી છે, અયોગ્ય છે. મારો કક્કો જ ખરો. એ કક્કામાં ભલેને પછી જ્ઞ પહેલા આવતો હોય! ઘણી માન્યતાઓ તો રીત રિવાજના નામે ચાલી આવતી હોય છે. સંસ્કૃતિ અને પરંપરાના નામે પણ ઘણું બધું ચાલતું રહે છે. સારું હોય એ અપનાવવું જ જોઇએ અને ચાલુ પણ રાખવું જોઇએ, સાથોસાથ દરેક તબક્કે એને હકીકતના એરણ પર પણ ચડાવવું જોઇએ કે, આજના યુગમાં આ જરૂરી છે કે પછી હટાવી દેવા જેવું છે? પેલી વાર્તા સાંભળી છે? એક સંત હતા. તેણે એક બકરી પાળી હતી. બકરી તેને બહુ વહાલી હતી. સંત પ્રવચન કરતા હોય ત્યારે બકરી તેને ખલેલ પહોંચાડતી. સંતે તેના શિષ્યને કહ્યું કે, બકરીને સામેના ઝાડ સાથે બાંધી દો. રોજનો આ ક્રમ થઇ ગયો. એક દિવસ સંત ગુજરી ગયા. તેની ગાદી બીજાએ સંભાળી. ગુરૂ બકરી બાંધતા તો એની પાછળ કોઇ મર્મ હશે. એવું વિચારી એ પણ બકરીને બંઘાવતા હતા. મહારાજો બદલતા રહ્યા. બકરીઓ પણ બદલતી રહી પરંતું બકરીને ઝાડે બાંધવાની પરંપરા બંધ ન થઇ. ધીમે ધીમે તો બકરી જ પૂજાવવા લાગી! મરી ગયેલી બકરીઓની નાની નાની પ્રતિમાઓ પણ બનાવમાં આવી. લોકો બકરીની પ્રતિમાને ઘરે લાવી મંદિરમાં મૂકવા લાગ્યા. કોઇએ એ વિચારવાની તસ્દી જ ન લીધી કે, આ બકરીને બાંધવામાં શા માટે આવતી હતી? માત્ર પ્રવચન વખતે ખલેલ ન પહોંચાડે એટલે જ બકરી બંધાતી હતી. આ કહેવાનો અર્થ એ જ છે કે, ક્યારેક શાંતિથી એ પણ વિચારવું જોઇએ કે આપણામાં કોઇ માન્યતા કે ગ્રંથી તો નથી બંધાઇ ગઇને? કરૂણતા એ વાતની જ છે કે, બચપણની માન્યતા તો મોટા થઇએ પછી સમજાઇ જાય છે, મોટા થયા પછી બંધાતી માન્યતાઓ શ્વાસ છૂટે ત્યાં સુધી છૂટતી નથી!     

હા એવું છે!

ફાયર એલાર્મની શોધ શા કારણે કરવામાં આવી એ તમને ખબર છે? માણસ સૂતો હોય ત્યારે એટલે કે ઊંઘમાં ધૂમાડાની ગંધ પારખી શકતો નથી. ઊંધતા હોઇએ ત્યારે આગની તરત જ જાણકારી મળી જાય એ માટે ફાયર એલાર્મની શોધ કરવામાં આવી હતી.

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 સપ્ટેમ્બર 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply