કરી કરીને હું કેટલું કરું, કોઇ લિમિટ તો હોયને? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કરી કરીને હું કેટલું કરું,

કોઇ લિમિટ તો હોયને?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એકાંત વ્યર્થ છે જો સ્વયંને જ ના મળાય,

શું કામની એ ભીડ જો અથડાઇ ના જવાય?

જોયા કરું હું એને, એ જોયા કરે મને,

એવું મળ્યું ન કોઇ મને આઇના સિવાય.

-ભાવિન ગોપાણી

સંબંધની સાથે અપેક્ષાઓ જોડાયેલી છે. વાજબી અપેક્ષાઓને સંતોષવામાં પણ આપણને કોઇ પ્રોબ્લેમ હોતો નથી. અપેક્ષાઓ જ્યારે હદ બહાર જાય ત્યારે ઉકળાટ સર્જાય છે. આપણને એમ થાય છે કે, મારે જ બધું કરવાનું? મારાથી થાય એટલું તો હું કરું છું પણ મારીયે કોઇ હદ હોયને? પોતાના લોકો માટે દરેક માણસ એનાથી જેટલું થાય એટલું કરતા હોય છે. દરેકની ક્ષમતા અને શક્તિ અલગ અલગ હોય છે. ઘણાને કરવું હોય છે પણ કરી શકતા નથી. ઘણા કરી શકે એમ હોય તો પણ કરતા નથી. એક ફેમિલીની આ વાત છે. એ પરિવારનો એક યુવાન પૈસેટકે ખૂબ આગળ વધી ગયો. બધાને એમ હતું કે, એ યુવાન ધીમે ધીમે બધાને તારી દેશે. એવું થયું નહીં. એ યુવાને કોઇ માટે કંઇ જ કર્યું નહીં. એક વડીલે તેને કહ્યું કે, ભગવાને તને આટલું બધું આપ્યું છે તો તારે તારાથી થાય એટલું કરવું જોઇએ. આ વાત સાંભળીને યુવાને કહ્યું કે, હું બધાનું કરવા બેસું તો નવરો જ ન પડું. લોકોની અપેક્ષા તો વધતી જ જવાની છે. વડીલે કહ્યું કે, દીકરા અપેક્ષા પોતાના લોકો પાસે જ હોવાની. તું આગળ વધ્યો છે એટલે તારી પાસે અપેક્ષા તો રહેવાની જ છે.

અમુક લોકો એવા પણ હોય છે જે પહેલેથી એવું ઇચ્છતા હોય છે કે, ભવિષ્યમાં જો હું કંઇ બનીશ તો મારા લોકો માટે મારાથી બને એટલું કરી છૂટીશ. એક યુવાનની વાત છે. એને ઠીકઠાક નોકરી મળી. પોતાનું સારી રીતે ચાલતું હતું. ખાસ કંઇ ન હોવા છતાં પણ એ યુવાન બધા માટે જેટલું થાય એટલું કરતો. સાથોસાથ એવું પણ બોલતો કે, બધાના આશીર્વાદથી જ હું જે કંઇ છું ત્યાં સુધી પહોંચી શક્યો છું. દરેક માણસને પોતાના વિશેની પણ થોડીક માન્યતાઓ હોય છે. પોતાના લોકો માટે કંઇક કરી છૂટવાનો એક સંતોષ હોય છે. આપણે કોઇનું એટલા માટે જ નથી કરતા કે લોકો આપણને સારા કહે, આપણે આપણા સંતોષ માટે પણ ઘણું બધું કરતા હોઇએ છીએ.

સૌથી મોટો સવાલ એ હોય છે કે, આપણી પાસે જે હોય છે અથવા તો આપણે જે મેળવ્યું છે એને આપણે કેટલું સમજીએ છીએ. આપણે જો એને ઓછું જ સમજીએ તો આપણે કોઇના માટે કંઇ ન કરી શકીએ. એક ધનવાન માણસ હતો. સાત પેઢી બેઠાં બેઠાં ખાય તો પણ ખૂટે નહીં એટલું એના પાસે હતું. એક વખત એક સંસ્થાના ટ્રસ્ટીઓ ડોનેશન લેવા માટે તેની પાસે આવ્યા. ધનવાને કહ્યું કે, મારી પાસે ક્યાં એટલું છે કે હું બધાને વહેંચતો ફરું? તેણે એમ પણ કહ્યું કે, મેં મારી મહેનતથી બધું મેળવ્યું છે, એ કંઇ લૂંટાવવા માટે નથી. આવા જ એક બીજા કિસ્સો છે. એક ધનવાન માણસ હતો. એક સંસ્થાના લોકોએ એવું વિચાર્યું કે, આપણે આપણી સંસ્થા માટે દાન લેવા તેની પાસે જઇએ. એક ડાહ્યા ટ્રસ્ટીએ તેની પાસે જવાની ના પાડી. બીજા લોકોએ તેને કારણ પૂછ્યું. એ ટ્રસ્ટીએ કહ્યું કે, એ માણસ પોતાના લોકો માટે કંઇ નથી કરતો તો પારકા માટે શું કરવાનો? જે પોતાના લોકો સાથે પારકા જેવો વ્યવહાર કરતા હોય એ પારકા લોકોને ક્યારેય પોતાના બનાવી શકતા નથી.

કોઇના માટે કંઇક કરવામાં પણ આપણને જાતજાતના અનુભવો થતા હોય છે. બે ભાઇઓની આ સાવ સાચી વાત છે. એક ભાઇ ખમતીધર હતો. બીજો ભાઇ નબળો હતો. ખમતીધર ભાઇ સારો હતો. એ પોતાના ભાઇને તમામ મદદ કરતો હતો. નબળો ભાઇ પછી તો મોટા ભાઇની મદદને પોતાનો અધિકાર જ સમજવા માંડ્યો. નબળા ભાઇની પત્નીએ એક વખત તેને કહ્યું કે, ભાઇ આટલી મદદ કરે છે તો તમે પણ કંઇક કરોને? તમારે કોઇ બિઝનેસ કરવો હોય તો પણ એ મદદ કરે એમ છે. પત્નીની વાત સાંભળીને એણે કહ્યું કે, મારે કોઇ બિઝનેસ નથી કરવો. એવી ઉપાધિઓ કોણ વહોરી લે? બાકી રહી ભાઇના મદદની વાત, તો એ કંઇ થોડો કોઇ મહેરબાની કરે છે? પોતાના લોકોનું તો બધા જ કરતા હોય છે? આ વાત સાંભળીને પત્નીએ એટલું જ કહ્યું કે, તમે પોતાના લોકોનું કેટલું કરો છો? આપણામાં એક કહેવત છે કે, મીઠાં ઝાડના મૂળિયા ન ખવાય!

કોઇ માટે કેટલું કરવું અને આપણા માટે કોઇ કંઇ કરતું હોય તો એને કેટલું કરવા દેવું એ આપણે જ નક્કી કરવું પડતું હોય છે. એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક ભાઇ પોતાની બહેન અને બનેવીને મદદ કરતો હતો. બનેવીને કોઇ ધંધામાં સફળતા મળતી નહોતી. આખરે બનેવીને પોતાના ધંધામાં થોડીક બરકત આવી. પત્નીનો ભાઇ મદદ કરવા આવ્યો ત્યારે એણે બહુ સલુકાઇથી કહ્યું કે, તમે અમારા માટે બહુ કર્યું છે. હવે અમને વાંધો આવે એમ નથી. તકલીફ હશે તો તમને ચોક્કસ કહીશ. એ પછી તેણે કહ્યું કે, મારે તમને એક વાત કરવી છે કે, તમે અમારા માટે આટલું બધું કર્યું છે છતાંયે ક્યારેય એવું વર્તાવા નથી દીધું કે હું તમારા માટે કરું છું. તમે તો ક્યારેય કોઇને ખબર પણ પડવા નથી દીધી કે તમે આટલું કરો છો. સાચું કહું તો એ મહાનતા છે. માણસ હોવાનો ગુણ છે. ઘણા લોકો મદદ તો કરતા હોય છે પણ એનો ઢંઢેરો એટલો પીટે કે લેનારને એમ થાય કે આની પાસેથી મારે ક્યાં લેવા પડ્યા?

લાયક માણસ પાસેથી મદદ મળવી એ પણ નસીબનો જ એક હિસ્સો છે. દિવસો બધાના બદલાતા રહે છે. આપણે માનીએ કે ન માનીએ, દુનિયામાં એવું ઘણું બધું હોય છે જે સમજાતું નથી. જે અતિશય સુક્ષ્મ હોય છે. એક ભાઇને મદદની જરૂર પડી. તે જ્યારે સારી પરિસ્થિતિમાં હતો ત્યારે એણે ઘણાને મદદ કરી હતી. એને એવું હતું કે, મેં જેને મદદ કરી છે એ બધા તો મને મદદ કરશે જ ને? જો કે એણે ધાર્યુ હતું એવું કંઇ થયું નહીં. જેણે જેણે મદદ કરી હતી એ બધાએ કોઇને કોઇ બહાનું બતાવીને મોઢું ફેરવી લીધું. અચાનક એક માણસ જેને એ ઓળખતો નહોતો અને જેની સાથે એને ખાસ એવો કોઇ સંબંધ પણ નહોતો એણે આવીને તેને મદદ કરી. આ જોઇને તેને એક મિત્રએ કહ્યું કે, તેં જેને મદદ કરી હતી એ બધા બદમાશ જ નીકળ્યાને? તારી ભલમનસાઇનો બધાએ લાભ લીધો! પેલા મિત્રએ કહ્યું ના એવું નથી, મેં મારા સારા સમયમાં કોઇની મદદ કરી હતી એટલે કુદરતે મારા ખરાબ સમયમાં મને મદદ કરવા માટે કોઇને મોકલી આપ્યો. આપણે સારું કરીએ ત્યારે આપણે જ્યાં સારું કર્યું હોય ત્યાંથી જ પડઘો પડે એવું જરૂરી નથી. આપણે સારા માણસ હોઇએ તો સારા અનુભવો ગમે ત્યાંથી થાય છે. ઘણી વખત આપણી જિંદગીમાં એવું થતું હોય છે જે આપણને ચમત્કાર જેવું લાગે, હકીકતે એ આપણા સારાપણાનો જ કુદરતે આપેલો બદલો હોય છે. સારા રહો તો સારું થશે જ! ઘણા હિસાબો ચોપડા વગર પણ લખાતા અને નોંધાતા હોય છે!    

છેલ્લો સીન :

એટલા સંવેદનશીલ પણ ન બનો કે લોકો તમને મૂરખ સમજીને તમારો ગેરફાયદો જ ઉઠાવતા રહે! થોડાક ચાલાક ન રહીએ તો કોઇ પોતાની ચાલાકી આપણી પર વાપરી જાય છે.  -કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 29 ઓગસ્ટ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *