સાચું કહેજો, તમને કઇ વાતનો ડર લાગે છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સાચું કહેજો, તમને કઇ

વાતનો ડર લાગે છે?

દૂરબીન કૃષ્ણકાંત ઉનડકટ

———-

દરેક માણસ અત્યારે કોઇને કોઇ વાતથી ડરી રહ્યો છે. કોરોના પછી લોકોના ડરમાં વધારો થયો છે. 

કેટલો ડર વાસ્તવિક છે અને કેટલો ડર કાલ્પનિક છે? મોટા ભાગનો ડર આપણે પેદા કરેલો છે. 

જે છે નહીં અને કદાચ જે થવાનું પણ નથી એવી બાબતોથી આપણે બધા ડરી રહ્યા છીએ. 

મનોચિકિત્સકો કહે છે કે, ખોટો ડર છોડી દો. આખી દુનિયા અત્યારે જબરજસ્ત માનસિક યાતના ભોગવી રહી છે, 

એમાંથી નીકળવાનો એક રસ્તો એ છે કે વધુ પડતા વિચારો ન કરો. 

ઓવરથિંકિંગ જિંદગી બગાડી નાખશે!

​​ ———-

ડર કે આગે જીત હૈ, એવું કહેવાતું અને સંભળાતું રહે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે, ડરથી આગળ નીકળવું કેમ? અત્યારે આખી દુનિયાને પજવતી કોઇ પરેશાની હોય તો એ ડર છે. દરેક માણસને કોઇને કોઇ ભય સતાવી રહ્યો છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વમાં જે સર્વે અને અભ્યાસો થયા છે તેમાં એક વાત એવી બહાર આવી છે કે, માણસ માનસિક રીતે નબળો પડી ગયો છે. દુનિયાના સાયકોલોજિસ્ટોનું કહેવું છે કે, કોરોના તો વહેલા કે મોડો ચાલ્યો જશે પણ એની માનિસક અસરોથી મુક્તિ મળવામાં બહુ વાર લાગવાની છે. મનોચિકિત્સકો પાસે અત્યારે જે કેસો આવે છે એમાં સૌથી વધુ ફરિયાદો ડરની છે! એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. લોકો આવીને કહે છે કે, અમને ડર લાગે છે. તેને સવાલ કરીએ કે, શેનો ડર લાગે છે? તો એવો જવાબ મળે છે કે, એ તો ખબર નથી, બસ ડર લાગે છે!

લોકોને કેવા કેવા ડર લાગે છે? સૌથી મોટો ડર એનો છે કે જે છે એ રહેશે તો ખરુંને? કેટલાંયે લોકોને નોકરી જવાનો ડર છે? કોરાના દરમિયાન ઘણા લોકોએ નોકરી ગુમાવી હતી, તેમાંથી મોટા ભાગનો લોકોને પાછી નોકરી મળી પણ ગઇ છે. થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને લોકો પાછા નોકરીમાં ગોઠવાઇ ગયા છે. નોકરી પાછી મળી ગઇ હોવા છતાં પણ લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે, હવે આ નોકરી તો સલામત રહેશેને? તેમણે ક્યારેય એવી કલ્પના જ કરી નહોતી કે અમારી સાથે પણ આવું થઇ શકે છે. નોકરીમાંથી કાઢી મૂકાયા એ આઘાત આસાનીથી પચતો નથી. ધંધાર્થીઓને એનો ડર છે કે, ધંધા પાછા બરોબર ચાલુ તો થઇ જશેને? બચત હતી એ વપરાઇ ગઇ છે. કોરોનાની સારવારમાં ઘણા લોકો સાવ કડકા થઇ ગયા છે. માંડ માંડ થોડાક રૂપિયા ભેગા થયા હતા એ એક ઝાટકે વપરાઇ ગયા. જેમણે સ્વજનો ગુમાવ્યા છે એને સવાલો થાય છે કે, જિંદગી આવી રીતે ખતમ થઇ જાય? એમાંયે જેના ઘરમાંથી જુવાનજોધ વ્યક્તિએ વિદાય લીધી છે એના માટે જિંદગી જીવવાની કોઇ મજા જ નથી રહી.

સૌથી મોટો ડર સંબંધોનો છે. રિલેશનશીપ દાવ પર લાગેલી છે. મારી વ્યક્તિ મારી જ રહેશેને? એ બીજા કોઇની થઇ નહીં જાયને? મોબાઇલ ફોન ખાનગીમાં ચેક થતા રહે છે. ઘરે જતા પહેલા વોટ્સએપ ચેટ ડિલિટ કરવી પડે છે. નિર્દોષ સંબંધ હોય તો પણ છુપાવવા પડે છે. વફાદારીની પણ સાબિતીઓ આપવી પડે છે. વિશ્વાસ ઉઠતો જાય છે. વિચારમાં હોઇએ તો પણ પોતાની વ્યક્તિને એવો ડાઉટ જાય છે કે, એના મનમાં શું વિચારો ચાલતા હશે? અધૂરામાં પૂરું આપણા સહુની આજુબાજુમાં એવી ઘટનાઓ બનતી રહે છે જે શંકા કરવા પ્રેરતી રહે છે. સંબંધો હવે સીધા રહ્યા નથી. સંબંધો આડા, ઊભા અને ત્રાસા બાંગા થઇ ગયા છે.

આપણા સમાજની કમનસીબી એ છે કે, જે વાતો નગેટિવ હોય, ખરાબ હોય અને આઘાત આપતી હોય એ જ વાતો ચર્ચાતી રહે છે. સારું હોય એ તો કોઇને દેખાતું જ નથી. દુનિયામાં એવા લોકોની કમી નથી જે પ્રેમથી રહે છે. જે જિંદગીને પૂરેપૂરી જીવે છે. માણસ દિવસેને દિવસે વધુને વધુ અધીરો થતો જાય છે. મનોચિકિત્સકો કહે છે, જસ્ટ રિલેક્સ. લાઇફને સિરિયસલી લો પણ એટલી બધી પણ સિરયસલી નહીં લઇ લ્યો કે જીવવાની મજા જ ચાલી જાય. મનમાંથી બધા ભય કાઢી નાખો.

જે સર્વે અને અભ્યાસ થયા છે એમાં સૌથી રસપ્રદ વાત શું છે એ ખબર છે? લોકો વાસ્તવિક કરતા કાલ્પનિક ભયથી વધુ પીડાઇ રહ્યા છે. જે થવાનું નથી એના વિશે એવો ભય મનમાં પાળી રાખે છે જે તેને ચેન લેવા નથી દેતું. એક વાત સમજવા જેવી છે. જિંદગીમાં ચેલેન્જિસ આવવાની જ છે. એ ચેલેન્જિસ આવે ત્યારે એની ચિંતા કરજોને, ત્યારે એના સોલ્યુશન શોધજો, જ્યાં સુધી પડકારો આવે નહીં ત્યાં સુધી એને પંપાળો નહીં. માણસમાં એવી તાકાત છે કે, એ જિંદગીના પડકારોને પહોંચી વળે. તમે તમારી જિંદગી ઉપર નજર કરશો તો તમને પણ સમજાશે કે, તમે અત્યાર સુધીમાં કેટલી ચેલેન્જનો સામનો કર્યો છે. મોટા ભાગના લોકો સ્ટ્રગલ કરીને જ આગળ આવ્યા હોય છે.

આપણા દિલ અને દિમાગ પર આજુબાજુનું વાતાવરણ બહુ અસર કરતું હોય છે. અત્યારે માત્ર આપણા દેશનું જ નહીં, આખી દુનિયાનું વાતાવરણ જ નિરાશા ઉપજે તેવું છે. આપણે ત્યાં કોરોના અત્યારે હળવો છે પણ ત્રીજી લહેર તો હજુ તોળાઇ જ રહી છે. બે વેક્સિન લઇ લીધી હોય, પૂરતું ધ્યાન રાખતા હોઇએ, તો પણ મન હજુ મુક્ત થઇ જ શકતું નથી. આપણી નજીક કોઇ છીંક થાય તો પણ આપણે થથરી જઇએ છીએ. ઘણા લોકો એવું વિચારીને બહાર જવા લાગ્યા છે કે, ડરી ડરીને ક્યાં સુધી જીવવું. આવું વિચારીને પણ પાછા ડરતા તો હોય જ છે.  

જિંદગી જીવવાની પૂરી મજા ન આવવાનું એક કારણ એ પણ છે કે, આપણે બધાએ છેલ્લા દોઢ વર્ષથી એકેય તહેવાર દિલ ખોલીને ઉજવ્યો નથી. તહેવારો આપણી મોનોટોનસ જિંદગીને બ્રેક આપે છે. આપણને રિફ્રેશ કરે છે. અત્યારે તો ફેમિલી સાથે ભેગા થવામાં પણ ધ્યાન રાખવું પડે છે. તહેવારો ઉજવાતા નથી અને પ્રસંગો થતાં નથી. મેરેજ જેવા ફંકશનોમાં પણ ધ્યાન રાખવું પડે છે. આ બધી બાબતો એવી છે જેની આપણને ખબર પડતી નથી પણ આપણને બહુ મોટી અસર કરતી હોય છે. સબ કોન્સિયસ માઇન્ડમાં ઘણું બધું ચાલતું રહે છે. એ ભય પેદા કર્યે રાખે છે.

છેલ્લે એ વાત કે એમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી? બેસ્ટ રસ્તો એ છે કે, કોઇ બાબતમાં ઓવરથીકિંગ ન કરો. વિચારો કરતા રહેશો તો એમાં ઘેરાતા જ જશો અને વિચારોના વમળોમાં ક્યારે ફસાઇ જશો તેની ખબર પણ નહીં પડે. જિંદગીને વહેવા દો. એમ કંઇ બગડી જવાનું નથી, કંઇ ખતમ થઇ જવાનું નથી. પોતાની જાત ઉપર ભરોસો રાખો. એક વખત કંઇક બૂરું થયું હોય એટલે ફરીથી એવું થશે એવું માની કે ધારી લેવાની કંઇ જરૂર નથી. કોઇ મુશ્કેલી, સમસ્યા, ઉપાધિ કે ચેલેન્જ આવી ન હોય ત્યાં સુધી એના વિચારો ન કરો. આપણે તો ચિંતા આવે એ પહેલા જ એને નોતરી લીધી હોય છે. રોજ સવારે એવો નિર્ણય કરો કે, જિંદગીને મસ્તીથી જીવવી છે. ખોટી ચિંતા કરવી નથી. લાઇફ ઇઝી છે, આપણે બસ એને ઇઝી રાખવી પડે છે. આપણે જ જો એને ગૂંચવી નાખીએ તો જિંદગી અઘરી જ લાગવાની છે!

હા, એવું છે! :

આખી દુનિયામાં અમુક જુઠાણોઓ સતત ચાલતા જ રહે છે. એવું જ એક જુઠાણું એ છે કે, માણસ એના મગજનો દસ ટકા જ ઉપયોગ કરે છે. આ વાત સાચી નથી. માણસ પોતાની ક્ષમતા મુજબ મગજનો પૂરેપૂરો ઉપયોગ કરતો જ હોય છે. એક અભ્યાસ એવું કહે છે કે, માણસ સૂતો હોય ત્યારે પણ તેનું મગજ દસ ટકા એક્ટિવ હોય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 ઓગસ્ટ 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply