મારાથી એની ભૂલ માફ જ થઇ શકતી નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારાથી એની ભૂલ માફ

જ થઇ શકતી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોઇ મારી આંખમાં તરતું હશે, કોઇ મારા શબ્દમાં રમતું હશે,

હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના, કોઇ નક્કી જાગરણ કરતું હશે.

-ગોવિંદ ગઢવી

આપણે બધા મનમાં સતત કંઇક ઘૂંટતા રહીએ છીએ. સતત કંઇક ચાલતું રહે છે. અંદર કોઇને કોઇ વલોપાત ચાલતો જ રહે છે. એક વિચાર શરૂ થાય પછી એ સતત લંબાતો જાય છે. આપણને સૌથી વધુ વિચાર શેના આવે છે? આપણે આપણા કેટલા વિચાર કરીએ છીએ અને બીજા વિશે કેટલા વિચારો કરીએ છીએ? આપણા વિચારોનું કેન્દ્ર શું હોય છે? આપણી સાથે કંઇક બને પછી આપણે તેને વાગોળતા રહીએ છીએ. આપણા સુખ અને દુ:ખનો આધાર એના પર હોય છે કે, આપણે આપણા મનમાં શું સંઘરી છીએ. જિંદગીમાં જે કંઇ બને છે એ એનું વજન લઇને આવતું હોય છે. કોઇ ઘટના થોડીક તો કોઇ ખૂબ ભારે હોય છે. એ ઘટનાઓ આપણને ભારેખમ બનાવી દે છે. આપણને આપણો જ ભાર લાગવા માંડે છે. અમુક વખતે કંઇ જ કરવાનું મન થતું નથી. કંઇ કરવાનો કોઇ મતલબ જ નથી લાગતો. એવો વિચાર આવે છે કે, શું ફેર પડે છે? કોને ફેર પડે છે?

એક પતિ-પત્ની હતા. બંને પહેલા તો બહુ પ્રેમથી રહેતા હતા. ધીમે ધીમે બંને વચ્ચે પ્રોબ્લેમ થવા લાગ્યા. નાની નાની વાતોમાં ઝઘડા થતાં હતા. પત્નીને એવું લાગવા માંડ્યું કે, એને મારી કંઇ પડી જ નથી. એને બસ પોતાની વાતમાં જ રસ હોય છે. પત્ની એક વખત તેના પ્રોબ્લેમ વિશે તેની ફ્રેન્ડને વાત કરતી હતી. તેણે કહ્યું કે, એવું લાગે છે જાણે જીવવાની મજા જ ચાલી ગઇ. પહેલા મને એના માટે ઘણું બધું કરવાનું મન થતું હતું. હવે કંઇ જ મન થતું નથી. આમ કરીશ તો તેને ગમશે, આવું કરીશ તો તે ખુશ થશે, એવા વિચારો આવતા હતા. હવે એવું થાય છે કે, હું એના માટે ગમે તે કરીશ તો પણ એને કંઇ ફેર પડવાનો નથી. આપણી વ્યક્તિને જ્યારે આપણા કંઇ કરવાથી ફેર નથી પડતો ત્યારે આપણને પણ કંઇ કરવાનું મન થતું નથી. માણસ પોતાની વ્યક્તિના મોઢા ઉપર નાનકડું સ્માઇલ જોવા માટે પણ કેટલું બધું કરતો હોય છે? એક સરપ્રાઇઝ માટે કેટલી મહેનત કરતો હોય છે? સરપ્રાઇઝ તો એક ક્ષણનું જ હોય છે. ખબર પડે ત્યારે એક જર્ક વાગે છે. એક છોકરી તેના લવરને સરપ્રાઇઝ આપવા માટે કેટલા દિવસોથી પ્લાનિંગ કરતી હતી. તેની ફ્રેન્ડે કહ્યું કે, તું શું આટલી બધી મથે છે? એને રોમાંચ થશે તો પણ થોડી જ ક્ષણોમાં વિસરાઇ જશે. આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું, તારી વાત સાચી છે પણ એ જે એક ક્ષણ હશેને એ મારા માટે અમૂલ્ય હશે. જિંદગીમાં છેલ્લે તો જે કંઇ બને છે એ એક ક્ષણમાં જ બને છે. ક્ષણમાં જ સાક્ષાત્કાર થાય છે. ક્ષણમાં જ સપનું સાકાર થઇ જાય છે. ક્ષણમાં જ દિલ તૂટી જાય છે. એ જે ક્ષણ હોય છે એ આપણી આખી જિંદગી પડઘાતી રહે છે. સુખ પણ છેલ્લે તો સારી ક્ષણો વાગોળવામાં જ હોય છેને? દુ:ખનું પણ એવું જ છે. કોઇના માઢે બોલાયેલો એક શબ્દ આખી જિંદગી પજવતો રહે છે. કોઇએ કરેલું એક વર્તન સતત પડઘાતું રહે છે.

કેટલીક ઘટનાઓ એવી બને છે કે, જે એક વારના આંસુથી ખતમ થતી નથી. એ જ્યારે યાદ આવે છે ત્યારે આંખો ભીની કરી દે છે. કેટલાંક જખ્મ એવા હોય છે જે ઘડીકમાં રુઝાતા નથી. એ દૂઝતા રહે છે. પજવતા રહે છે. સતાવતા રહે છે. ક્યારેક રડતા તો ક્યારેક ડરાવતા પણ રહે છે. એક છોકરી સાથે એના મિત્રએ દગો કર્યો. મિત્ર ઉપર ભરોસો રાખીને તેને એક કામ સોંપ્યું હતું. મિત્રએ એ કામ તો ન કર્યું પણ એનું જે સિક્રેટ હતું એ પણ જાહેર કરી દીધું. એ બહુ દુ:ખી થતી હતી. તેની ફ્રેન્ડે કહ્યું કે, એને માફ કરી દે. આ વાત સાંભળીને એ છોકરીએ કહ્યું કે, મારાથી એની ભૂલ માફ થઇ જ શકતી નથી. મન તો થાય છે કે, એને માફ કરી દઉં પણ પછી વિચાર આવે છે કે, એને શા માટે માફ કરવો જોઇએ? તેની ફ્રેન્ડે કહ્યું કે, તારા માટે! એણે જે કર્યું છે એ પીડામાંથી મુક્તિ મેળવવા માટે! હળવા થઇ જવા માટે! આપણે કોઇને માફ કરીએ છીએ ત્યારે એનું તો જે થવું હોય એ થાય, આપણે મુક્ત થઇ જતા હોઇએ છીએ.

એક યુવાનની આ વાત છે. તેના દોસ્તે તેની સાથે છેતરપિંડી કરી. એ બહુ ડિસ્ટર્બ થયો. આ પીડામાંથી મુક્ત થવા માટે તે એક સંત પાસે ગયો. સંતને બધી વાત કરી. સંતને કહ્યું કે, એણે જે કર્યું એ ભલે કર્યું, હું તો એને માફ કરી દેવા પણ તૈયાર છું પણ એ માફી માંગે તોને? યુવાનની વાત સાંભળીને સંતે કહ્યું કે, એક તો એણે તારી સાથે ખોટું કર્યું છે, બીજું એ કે એનો એનો કોઇ પસ્તાવો પણ નથી, તો પછી તું શા માટે આટલો દુ:ખી. હેરાન અને પરેશાન થાય છે? જેને કોઇ અફસોસ ન હોય એના માટે આપણે વિચારો કરીને દુ:ખી થવું એ મૂર્ખામી છે. અમુક વ્યક્તિ જ્યારે આપણો હાથ છોડીને બીજા રસ્તે ચાલ્યો જાય પછી આપણે એ રસ્તા તરફ જોતા રહીએ તો પણ એ પાછો આવવાનો નથી. એને એના રસ્તે જવા દેવો અને આપણે આપણા રસ્તે આગળ વધી જવું એ જ યોગ્ય માર્ગ છે.

આપણી જિંદગીમાં એવું બનતું જ હોય છે કે, આપણે જેને યાદ કરી કરીને કોસતા હોઇએ છીએ એને આપણા વિચારો કે વર્તનથી કોઇ ફેર પડતો હોતો નથી. આપણે એને દિવસમાં દસ વાર યાદ કરીને ગાળો દેતા હોઇએ છીએ અને એણે આપણી હયાતી સુદ્ધાં ભૂલાવી દીધી હોય છે. જે આપણને ભૂલી જાય એને આપણે યાદ રાખીને બેસીએ તો એમાં વાંક એનો હોતો નથી, આપણો જ વાંક હોય છે. આપણે જ પકડીને બેસતા હોઇએ છીએ. આપણે નક્કી કરવાનું હોય છે કે, શું યાદ રાખવું અને શું ભૂલી જવું. નક્કામા ફોટા આપણે આપણા ફોનની ગેલેરીમાંથી શોધી શોધીને ડિલીટ કરી દઇએ છીએ પણ મનમાંથી જે હટાવવા જેવું હોય એને હટાવતા જ નથી. હટાવશો નહીં તો એ વારેવારે નજર સમક્ષ આવતું જ રહેવાનું છે. એનાથી પીડા તો તમને જ થવાની છે. બે દોસ્ત જુદા પડ્યા પછી એક ખૂબ જ દુ:ખી રહેતો હતો. દુ:ખી મિત્રને ખબર પડી કે, એ તો મારાથી જુદા પડ્યા પછી જલસા કરે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તું પણ મજા કરને, તને કોણ રોકે છે? તને તો તું જ રોકે છે! આપણે જ આપણને રોકતા હોઇએ છીએ. આપણે જ આપણી ફરતે બેડીઓ બાંધી દીધી હોય છે. આપણે એવું કહીએ છીએ કે, આ બેડીઓ એના કારણે બંધાયેલી છે. આપણે બાંધેલી બેડીઓ આપણે જ ખોલી શકીએ. એ વાતથી જરાયે ઇન્કાર થઇ ન શકે કે, આપણા સુખનો આધાર કોઇ હોય છે. કોઇ હોય અને એનાથી આપણને સુખ મળે એ સારી વાત છે પણ એ નહોય ત્યારે તેનાથી મુક્ત થઇ જવામાં જ માલ હોય છે. કોઇ આપણા સુખનું કારણ બને ત્યાં સુધી વાંધો નથી પણ કોઇ આપણા દુ:ખનું કારણ તો ન જ બનવા જોઇએ. આપણી જિંદગીમાં અમુક લોકો એવા આવી જતા હોય છે જે માફીને પણ લાયક નથી હોતા, એ બધા ભૂલી જવાને જ લાયક હોય છે. યાદ કરવા જેવા ન હોય એને ભૂલી જવા એ જ જિંદગીમાં સુખ શાંતિ માટે બહેતર હોય છે!

છેલ્લો સીન :

માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે એ વેદના, પીડા અને દર્દમાંથી મુક્ત થઇ જઇએ છીએ.        –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 18 જુલાઇ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: