પોતાના ડોકટર બનવા જશો તો ગંભીર દર્દી બની જશો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કોરોના કાળમાં સેલ્ફ મેડિકેશનનું પ્રમાણ વધી ગયું

પોતાના ડોકટર બનવા જશો

તો ગંભીર દર્દી બની જશો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

—–0—–

તમે ડોકટરને પૂછ્યા વગર કોઇ દવા પેટમાં પધરાવો છો?

આનો જવાબ જો હા હોય તો, તમે તમારી તંદુરસ્તી સાથે ચેડાં કરી રહ્યા છે.

દરેક માણસે ક્યારેકને ક્યારેક પોતાની રીતે દવાઓ ખાધી જ હોય છે.

કોરોના કાળમાં સેલ્ફ મેડિકેશનના પ્રમાણમાં જબરો ઉછાળો આવ્યો છે.

હાય હાય મને કોરોના થઇ જશે તો? એવા ભયે લોકો ગોળીઓ ગળ્યે રાખે છે.

લોકોને ડોકટર પાસે જવામાં પણ ડર લાગવા માંડ્યો છે.

ગૂગલિંગે લોકોને એવા એવા અવળા ધંધે ચડાવી દીધા છે કે

લોકો હાથે કરીને પોતાની જ હાલત ખરાબ કરી રહ્યા છે.

—–0—–

હમણાની એક સાવ સાચી ઘટના છે. એક ભાઇને સામાન્ય શરદી થઇ. તેણે ડોકટર પાસે જવાને બદલે ગૂગલમાં સર્ચ કર્યું કે, શરદી થઇ હોય તો કઇ દવા લેવી? ગુગલે હજારો સાઇટ સામે ધરી દીધી. એક સાઇટ ખોલીને આ ભાઇએ એન્ટીબોયોટિક દવા શોધી કાઢી. મેડિકલ સ્ટોરમાંથી દવા લઇ આવીને પોતાની રીતે જ ફાંકવા માંડી. બે દિવસમાં હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થઇ ગઇ. આખા શરીરે ખંજવાળ આવવા માંડી. આખરે ડોકટર પાસે જવું પડ્યું. ડોકટરે સારી ભાષામાં ખખડાવ્યા કે, આવા ધંધા કરવાનું કોણે કીધું હતું? હસીને એમ પણ કહ્યું કે, તમે બધા જો આમ ગૂગલ કરીને પોતાની સારવાર કરવા લાગશો તો અમે શું કરીશું? આપણે જો આપણી આસપાસમાં નજર કરીએ તો આવા ઘણા લોકો મળી આવશે. એ પોતે તો આવું કરતા જ હશે, બીજાને પણ ઊંધા રવાડે ચડાવે છે. તમે એને જરાકેય એમ કહો કે, મને ગળામાં સહેજ ઇરિટેશન જેવું થાય છે એટલે એ તરત જ કહેશે કે, પેલી ટેબલેટ લઇ લો!

કોરોનાના કાળમાં સેલ્ફ મેડિકેશનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે એવું અનેક સર્વે કહે છે. દરેકના મનમાં એક ભય છે કે, મને કોરોના થઇ જશે તો? થોડુંક શરદી જેવું લાગે કે જરાકેય ટેમ્પરેચર ફીલ થાય એટલે તરત જ લોકો પેરાસેટામોલ, ક્રોસિન, ડોલો, લેમોલેટ જેવી દવા લઇ લે છે. અમુક લોકો તો કેટલીક દવા પોતાના ખીસામાં જ રાખીને ફરતા થઇ ગયા છે. ચણા મમરાની જેમ દવાઓ ફાંકવી એ પોતાના શરીર સાથે ગંભીર ચેડાં કરવા જેવું કૃત્ય છે. કોરોનાના સમયમાં દેશી વૈદું તો હવે ઘર ઘરની કહાની બની ગયું છે. આપણા દેશનો લગભગ તમામ વ્યકિત દેશી ઓસડિયાં કે ઉકાળોના પ્રયોગો કરી રહ્યો છે. દેશી નુસખાઓ તો હજુ ઠીક છે, એનું કારણ એ છે કે, એ ફાયદો ન કરે તો પણ નુકશાન તો નથી જ કરતા, પણ આંખો મીંચીને દવા ખાવી એ તો મૂર્ખામી સિવાય બીજુ કંઇ જ નથી. કોરોનાના કાળમાં લોકો ડોકટર પાસે દવા લેવા જતા ડરે છે. આ ડર સાવ ખોટો પણ નથી. દવાખાને દર્દીઓ જ આવવાના છે. કોને કઇ બીમારી છે અને કોનો કેવો ચેપ લાગી જશે એ કહેવું પણ અઘરું છે. એના ઉકેલ એ છે કે, ડોકટરને ટેલિફોનિકલી કનસલ્ટ કરીને એ કહે એ દવા લો. હવે તો ડોકટરોને પણ આ રીતે સારવાર કરવાનું ફાવી ગયું છે.

સેલ્ફ મેડિકેશનમાં વોટ્સએપ યુનિવર્સિટીએ પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે. રોજે રોજ કોઇને કોઇ ફોરવર્ડ આવતા રહે છે. ડુંગળીનો રસ, લસણની પેસ્ટ, લીમડાનો ગળો, આદુનો અર્ક સહિત જાતજાતના નુસખાઓની ભરમાર છે. એક આયુર્વેદના નિષ્ણાતે કહેલી આ વાત છે કે, દેશી પ્રયોગો પણ સાવધાની રાખીને કરવા જોઇએ. અમે આયુર્વેદ દવા આપીએ છીએ એ પણ જે તે વ્યક્તિની પ્રકૃતિ જોઇને આપીએ છીએ. વાત્ત, પિત્ત અને કફની પ્રકૃતિ મુજબ સારવાર કરવાની હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ ક્યારે શું ખાવું અને ક્યારે શું ન ખાવું એની વિગતો આપવામાં આવી છે. ઉકાળાનું પણ પોતાનું સાયન્સ છે. ક્યા પદાર્થને કેટલી માત્રામાં લેવો એની સમજ હોવી પણ જરૂરી છે. આયુર્વેદના પ્રયોગો પણ જો આડેધડ કરવામાં આવે તો નુકશાન થઇ શકે છે.

ગૂગલમાં જે આપેલું હોય છે એ સૌથી પહેલા તો કેટલું ઓથેન્ટિક છે એ સૌથી મોટો સવાલ છે. કોઇપણ માણસ કંઇ પણ લખે એટલે એ ગૂગલ પર ચડી જાય છે. લોકો એ જાણવાની પરવા પણ નથી કરતા કે, જે સાઇટ એ જુવે છે એ કેટલી ભરોસાપાત્ર છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમયે સમયે દુનિયાને સાવચેત કરતું રહે છે કે, ડોકટરની સલાહ લીધા વગર તમારા પેટમાં કંઇ ન પધરાવો. દુનિયાના દરેક દેશમાં આ વિશે સર્વે થયા છે. આપણા દેશમાં થયેલો એક સર્વે એવું કહે છે કે, ગામડાની સરખામણીમાં શહેરોમાં લોકો પોતાની રીતે દવા લેવાનું પ્રમાણ ઘણું વધારે છે. શહેરોમાં સેલ્ફ મેડિકેશનમાં એક નવી પેટર્ન પણ જોવા મળી. લોકોને કંઇ થાય એટલે એ ડોકટર પાસે જાય છે. ડોકટરની સલાહ મુજબ દવા લે છે. સાજા થઇ જાય છે. ફરી વખતે જ્યારે અગાઉ જેવા જ સિમ્પટમ્સ ફીલ થાય ત્યારે લોકો બીજી વખત ડોકટર પાસે જવાને બદલે અગાઉ જે દવા આપી હોય એ જ ફરીથી ખાવા માંડે છે. લોકો પ્રિસ્કિપ્શન સાચવી રાખે છે! લોકો હવે દવાઓના નામો મોઢે રાખવા માંડ્યા છે. શરીદી જેવું લાગે છે તો આ દવા લો, તાવ આવ્યો હોય ત પેલી દવા લઇ લો, પેટમાં દુ:ખતું હોય તો આ ટેબલેટ ગળી જાવ, ડાયેરિયા જેવું લાગે છે તો પણ દવા હાજર છે! ઘણા લોકોના તો ઘરમાં જ નાનું દવાખાનું હોય છે. કંઇ થાય એટલે તરત જ દવાનો ડબો ખોલીને બેસી જાય છે! દવાની એક્સપાયરી ડેટ જોવાની તસ્દી પણ લીધા વગર દવા ખાવા માંડે છે. ફર્સ્ટ એઇડમાં કંઇ વાગી ગયું હોત તો એની સામાન્ય પાટીપીંડી જેટલી વ્યવસ્થા રાખવાની હોય છેદવાખાનું ખોલવાનું નથી.

કોઇ ડોકટરને પૂછો તો એ તેની પાસે સેલ્ફ મેડિકેશનના કારણે બીમાર પડીને સારવાર લેવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ કહેશે. એક ડોકટરે એવું કહ્યું કે, દવાની ક્યાં કરો છો, પોતાના હાથે ઇન્જેકશન લઇ લે એવા લોકો પણ પડ્યા છે. એમાંયે ઘરમાંથી એકાદેય વ્યક્તિ મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલી હોય તો બધા જાણે એ ડોકટર હોય એમ એને પૂછીને દવા ખાવા માંડે છે. આપણે ત્યાં મેડિકલ સ્ટોરમાં જઇને લોકો પૂછે છે કે, પેટમાં ગરબડ જેવું લાગે છે, કઇ દવા લેવાય? મેડિકલ સ્ટોરવાળા પાછા દવા આપી પણ દે છે. એટલિસ્ટ એ લોકોએ તો કહેવું જોઇએ કે, ભાઇસાબ ડોકટર પાસે જઇ આવો, આમ દવા ન ખવાય! ડોકટરો એક બીજો બળાપો પણ ઠાલવે છે. ડોકટર કહે છે કે, કોઇ દર્દી અમારી પાસે દવા લેવા આવે એટલે અમે એની તપાસ કરીને દવા લખી આપીએ છીએ. ઘરે જઇને એ પહેલું કામ દવાનું નામ લખીને ગૂગલ પર સર્ચ કરે છે. એ દવાની સાઇડ ઇફેક્ટથી માંડીને ઝીણી ઝીણી વિગતો વાંચશે અને પછી અમારી પાસે આવીને સવાલો પૂછશે. એટલું જ નહીં, દવાની સાઇડ ઇફેક્ટ પણ પોતાનામાં શોધશે. એકને તો કહેવું પડ્યું હતું કે, ભાઇ બધાને દવાની સાઇટ ઇફેક્ટ ન થાય! અમુકને દવા ખાધા પછી એસીડીટી થાય, અમુકને ન પણ થાય!

સો વાતની એક વાત કે, પોતાની જાત ઉપર દયા ખાઇને પણ પોતાના ડોકટર ન બનો. લેને કે દેને પડ જાએંગે. ઘણા લોકો પોતે નથી કરતા હોતા પણ બીજાને ધડ દઇને દવાના નામ આપી દે છે. કોઇને ઊંધા રસ્તે ચડાવવા એ પણ સારી વાત નથી. બીજુ કોઇ આવું કરતું હોય તો એને પણ રોકો. ડોકટરોને એનું કામ કરવા દો. ડોકટરો જે કહે એની સામે સવાલો કરો એમાંયે હજુ વાંધો નથી પણ શંકા તો ન જ કરો. આપણે ત્યાં ડોકટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એના વિશે એક ડોકટરે હળવાશમાં એવું કહ્યું કે, આજના જમાનામાં લોકોનું ચાલે તો ભગવાનને પણ છોડે એમ નથી, તો પછી અમે તો શું ચીજ છીએ? ડોકટર ગૂગલથી દૂર રહો એ જ બધાના હિતમાં છે. બાય ધ વે, તમારા દિલ પર હાથ મૂકીને કહેજો, તમે કેટલી વખત તમારી રીતે જ દવા ખાધી છે?    

હા, એવું છે! :

ઇન્ટ્રોવર્ટ એટલે કે અંતર્મુખી લોકોનું એક લક્ષણ એ છે કે, એને ફોન પર લાંબી વાત કરવાનો કંટાળો આવે છે. હા, એને મેસેજ કરવાનું વધુ ફાવે છે, કારણ કે તેઓ રાઇટિંગમાં સારા હોય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 09 જૂન 2021, બુધવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply