શું આપણે બધા ધીમે ધીમે ‘બહેરા’ થતા જઇએ છીએ? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

શું આપણે બધા ધીમે ધીમે

‘બહેરા’ થતા જઇએ છીએ?

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હમણા એવું કહ્યું કે,

વિશ્વમાં દર ચારમાંથી એક વ્યક્તિની સાંભળવાની શક્તિ ક્ષીણ થશે. 

આપણે ક્યારેય ચેક કરીએ છીએ કે

આપણને બરાબર સંભળાય તો છેને?

*****

સાંભળવા વિશે એક બીજી વાત એ પણ છે કે,

હવે કોઇ કોઇની વાત સાંભળતું નથી.

એના કારણે સંબંધો દાવ પર લાગવા માંડ્યા છે!

*****

અરે સૂનો, હા કહો… તને બરાબર સંભળાય તો છેને? કુદરતે માણસને જેટલી ઇન્દ્રિયો આપેલી છે એમાં માણસ જો સૌથી વધુ બેદરકાર હોય તો એ છે શ્રવણેન્દ્રિય. આપણે ક્યારેય ચેક કરીએ છીએ કે, મને બરાબર સંભળાય છે કે નહીં? મારા કાન હન્ડ્રેડ પર્સન્ટ કામ કરે છે કે નહીં? ગુજરાતીમાં એક કહેવત છે કે, આંખ આડા કાન કરવા પણ આપણે કાન માટે પણ આંખ આડા કાન કરતા રહીએ છીએ! કહેવાનો મતલબ એ છે કે, કાનની આપણે જરાયે ચિંતા કરતા નથી. ગઇ તારીખ 3 માર્ચે વર્લ્ડ હિયરિંગ ડે ઉજવાઇ ગયો. બીજા ડે ની જેટલી નોંધ લેવાય છે એટલી વાતો હિયરિંગ ડેની થતી નથી. આવા દિવસો તો ક્યારે આવીને જતા રહે છે એની પણ આપણને ખબર પડતી નથી. આ દિવસે આખી દુનિયાના સ્વાસ્થ્યની ચિંતા કરતી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, 2050 સુધીમાં આખી દુનિયાના ચારમાંથી એક માણસની સાંભળવાની શક્તિમાં ખામી સર્જાશે. આંકડામાં વાત કરીએ તો લગભગ દુનિયાના લગભગ 250 કરોડ લોકોની શ્રવણશક્તિમાં ઘટાડો થશે. અત્યારે દર પાંચમાંથી એક માણસને સાંભળવાની નાની મોટી તકલીફ છે. આ પાંચમાંથી એક આપણે તો નથીને? સાંભળવાના ઇસ્યૂમાં સૌથી મોટો પ્રોબલેમ એ છે કે, થોડુંક ઓછું સંભળાતું હોય ત્યારે માણસને અંદાજ પણ આવતો નથી. થોડુંઘણું ઓછું સંભળાય એનાથી માણસને બહુ ફેર પડતો નથી એટલે ચાલી જાય છે. અલબત્ત, જો બેદરકાર રહેવાય તો બહેરાશ વધી પણ શકે છે. 2018ના એક અભ્યાસ મુજબ ભારતમાં બેહરાશનું પ્રમાણ 6.3 ટકા જેટલું હતું.

હવે સવાલ એ છે કે, સાંભળવાની શક્તિ ઘટવાના કારણો શું? સંક્રમણ, કાનના રોગ, જન્મજાત ખામી, ઘ્વની પ્રદૂષણ સહિત અનેક કારણો છે. અમુક કારણો કુદરતી છે, એમાં માણસ કંઇ કરી શકે નહીં. જો કે મોટા ભાગના કારણો આપણે હાથે કરીને ઊભા કરીએ છીએ. અત્યારે જેની સામે લાલબત્તી ધરવામાં આવે છે એ છે હેડ ફોન અને ઇયર ફોનનો સતત વધી રહેલો ઉપયોગ. અત્યારે મોટા ભાગના યંગસ્ટર્સના કાનમાં ઇયર પ્લગ ભરાવેલા હોય છે. ટુ વ્હીલર પર જતા છોકરા છોકરીઓ કાનમાં ઇયર પ્લગ ભરાવીને લાઉડ અવાજમાં મ્યુઝિક સાંભળતા હોય છે. એને પાછળ આવતા વાહનોના હોર્ન સંભળાતા નથી. તેના કારણે અકસ્માતો થાય છે. લોકો હવે કામ કરતા કરતા પણ કંઇકને કંઇક સાંભળતા રહે છે. કાનના નિષ્ણાતો કહે છે કે, ઇયર ફોનમાંથી નીકળતા ચુંબકીય તરંગો બહેરાશ ઉપરાંત જાત જાતની બીમારીઓ નોતરે છે. ઇયર ફોનમાં બેકટેરિયા હોય છે જે કાનને નુકશાન પહોંચાડે છે. માણસની સાંભળવાની ક્ષમતા 80-85 ડેસિબલ હોય છે. આપણા દેશના ઘણા વિસ્તારોમાં એટલો બધો અવાજ આવતો હોય છે કે કાનના પડદા ફાટી જાય. આપણે વોટર અને એર પોલ્યુશન વિશે જેટલા સજાગ છીએ એટલા નોઇસ પોલ્યુશન માટે નથી. સતત મોટા અવાજો આવતા હોય ત્યાં ક્યાંય એવી નોંધ નથી હોતી કે, અહીં રહેવું તમને બહેરા બનાવી શકે છે!

સાંભળવાની વાત નીકળી છે ત્યારે સાંભળવાને જરાક બીજા અર્થમાં પણ સમજવાની જરૂર છે. આજે હાલત એવી થઇ ગઇ છે કે, કોઇ કોઇની વાત સાંભળતું નથી. પતિ પત્નીની ઝઘડામાં સૌથી મોટો સવાલ એક બીજાની વાત સાંભળવાને લઇને જ હોય છે. તું મારી કોઇ વાત સાંભળતો જ નથી અથવા તો તારે મારી કોઇ વાત સાંભળવી જ ક્યાં છે? વાત સાંભળવામાં ન આવે ત્યારે વાત કહેવાનું બંધ થઇ જાય છે. કમ્યુનિકેશન ગેપ એ આજની સૌથી મોટી સમસ્યા છે. દરેકને પોતાની વાત કોઇને કહેવી છે પણ કોઇ સાંભળવાવાળું નથી. ડિપ્રેશનથી માંડીને આપઘાત સુધીના કારણોમાં મનમાં ઘૂંટાતી અને ક્યારેય ન કહી શકાતી વાતો જવાબદાર હોય છે. મોટા ભાગના લોકોને એ ફરિયાદ હોય છે કે, મારી વાત કોઇ સાંભળતું નથી. એક ખામોશી, એક ચૂપકીદી અને એક સન્નાટો બધામાં જીવવા લાગ્યો છે. એ સન્નાટો દિવસેને દિવસે મોટો થતો જાય છે. ખાલીપાનું સામ્રાજ્ય વિસ્તરતું જ જાય છે.

તમે તમારી વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળો છો? કોઇ કંઇ વાત કરતું હોય ત્યારે આપણું કેટલું ધ્યાન હોય છે? હિયરિંગ ઇમ્પેર્ડ કરતા પણ વધુ ખતરનાક હિયરિંગ ઇગ્નોરન્સ હોય છે. એક બીજી વાત, દિલની વાત સાંભળવાની પણ છે. આપણામાંથી કેટલા લોકો દિલની વાત સાંભળે છે? દિલની વાત સાંભળવાના કાન આપણી પાસે છે? આપણે તો દિલને પણ મૂંગુ કરી દીધું છે. ન સાંભળવાનું આપણે સાંભળતા રહીએ છીએ અને સાંભળવાનું હોય ત્યાં બેદરકાર રહીએ છીએ. જે લોકો એવી ફરિયાદ કરે છે કે, મારી વાત કોઇ સાંભળતું નથી એણે પોતાની જાતને એ સવાલ પણ પૂછવો જોઇએ કે, મેં કેટલાની વાત સાંભળી છે? આપણે બધાએ સાંભળવાની કલા માટે સાવચેત અને સજાગ થવાની જરૂર છે એવું નથી લાગતું?

*****

પેશ-એ-ખિદમત

અપને ખોએ હુએ લમ્હાત કો પાયા થા કભી,

મૈં ને કુછ વક્ત તેરે સાથ ગુજારા થા કભી,

આપ કો મેરે તઆરુફ કી જરૂરત ક્યા હૈ,

મૈં વહી હૂં કિ જિસે આપ ને ચાહા થા કભી.

-મઝહર ઇમામ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 21 માર્ચ 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ) 

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: