પાંદડા જેવા હોય એ સંબંધો ખરી જ જવાના! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પાંદડા જેવા હોય એ

સંબંધો ખરી જ જવાના!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને, પ્રીતમ!

ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ તારે કાજ નથી?

આ નૂર વિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,

એક પંખી ટહુકી ઊઠ્યું તો લાગ્યું કે તું નારાજ નથી.

-મકરંદ દવે

જિંદગીની અમુક ઘટનાઓ આપણા અસ્તિત્વ સાથે જડાઇ જતી હોય છે. આપણી હયાતી રહે ત્યાં સુધી એ આપણો પીછો છોડતી નથી. સંબંધો ક્યારેક એવો આઘાત આપે છે, જે આપણી સમજ બહાર હોય છે. મારી સાથે એણે આવું કર્યું? મને એણે આવો સમજ્યો? દગો, વિશ્વાસઘાત, છેતરપિંડી, બેવફાઇ આપણને અંદરથી તોડી નાખે છે. આપણે ભાંગી જઇએ છીએ. વેરાયેલા ટુકડાઓને ફરીથી ભેગા કરીને તૂટેલાં અસ્તિત્વને જોડવાના પ્રયાસો કરીએ છીએ. થોડીક વેદના, થોડીક પીડા, થોડુંક દર્દ, થોડાક નિસાસા અને થોડાક તરફડાટ પછી તૂટેલું અસ્તિત્વ જોડાઇ પણ જાય છે. આપણા એ જ અસ્તિત્વને જ્યારે આપણે સામે રાખીને જોઇએ છીએ ત્યારે આપણું જ અસ્તિત્વ આપણને થોડુંક બદલાયેલું લાગે છે. કોઇ માણસ એમ ને એમ જડ બનતો નથી. એની લાઇફમાં એવી ઘટનાઓ બનેલી હોય છે, જેણે ધીમે ધીમે બધી જ સંવેદનાને શોષી લીધી હોય છે.

એક છોકરો હતો. એકદમ જડ. એને કંઇ જ ન સ્પર્શે. કોઇનાથી કંઇ ફેર ન પડે. એક છોકરીને તેની સાથે પ્રેમ થયો. છોકરીને એ સમજાતો નહીં કે, એ કેમ એવો છે? છોકરી ગમે તે કહે તો પણ એને કોઇ ફેર ન પડે. એક વખત છોકરીએ તેને પૂછ્યું, ‘તું કેમ આવો છે? તને કેમ કંઇ સ્પર્શતું નથી? કેમ કંઇ રોમાંચ થતો નથી? કેમ સાવ સૂકો લાગે છે?’ છોકરાએ કહ્યું, ‘તને મારા વિશે કંઇ ખબર નથી. મને મારી લાઇફમાં બદમાશ લોકો જ મળ્યા છે. ઘરના પણ ઘાતકી હતા અને બહારના પણ બદમાશ હતા. મને એવા અનુભવો થયા છે કે, મને હવે કોઇ ઉપર ભરોસો બેસતો નથી. મારી સાથે બનેલી ઘટનાઓએ મને જડ બનાવી દીધો છે.’ છોકરીએ કહ્યું, ‘ખરાબ ઘટનાઓએ તને નઠારો બનાવી દીધો એ વાત સાચી, પણ સારી ઘટનાઓ તને સજીવન અને સાત્વિક નહીં બનાવે એવું કેમ માને છે? ખરાબ બન્યું છે તો હવે પછી ખરાબ ન બનવા દે, જે સારું છે એને શા માટે રોકે છે? તેં ખરાબને પકડી રાખ્યું છે અને સારાને તું આવવા નથી દેતો, તો પછી સારો, સરળ કે સહજ કેવી રીતે બની શકીશ?’ જ્યારે બહુ બધા ખરાબ અનુભવો થયા હોય ત્યારે સારા અનુભવો માટેના પ્રયાસ વધારી દેવા જોઇએ. જિંદગી પણ ક્યારેક બેલેન્સ ઇચ્છતી હોય છે. ખૂબ તડકો લાગે ત્યારે આપણે છાંયો શોધીએ છીએ ને? તરસ લાગે ત્યારે પાણી ઝંખીએ છીએ. આપણે એવું તો નથી કહેતા કે, બહુ તડકો જોયો છે એટલે હવે મને છાંયા પર ભરોસો નથી! તરસ વધે એમ પાણી વધુ શોધવું જોઇએ.

સંબંધો જિંદગી માટે શ્વાસ જેટલા જ જરૂરી છે. સંબંધ જ જિંદગીની સાર્થકતા છે. નવરા પડીએ ત્યારે કોઇ ચહેરાની જરૂર પડે છે. આંખની પણ એક તરસ હોય છે. પોતાની ગમતી વ્યક્તિને જોવાની તરસ! પ્રેમની પણ એક તરસ હોય છે. ક્યારેક એવું બને છે કે, આપણે જે માટલાં પાસેથી તરસ છીપાવવાની ધારણા રાખી હોય એનાથી નથી છીપાતી. દરેક સુંદર ઘડા પાણીથી ભરેલા જ હોય એવું જરૂરી નથી. ઘણા માટલાં ખાલી જ હોય છે. એની પાસેથી તરસ છીપાવવાની આશા રાખીએ તો અધૂરી જ રહેવાની છે. એક યુવાનની આ વાત છે. ખૂબ જ સુખી ઘરનો છોકરો. એ પોતાના મિત્રોને મજા કરાવે. આખો દિવસ ફ્રેન્ડ્સથી ઘેરાયેલો જ રહે. સમય ક્યારેય એકસરખો રહેતો નથી. એ છોકરાના પિતાની ફેક્ટરીમાં આગ લાગી. ધંધો ઠપ થઇ ગયો. દેવું ચૂકવી શકાય એમ નહોતું. બધું વેચી દીધું. સાવ નાનકડા ભાડાના ઘરમાં રહેવા જવું પડ્યું. જેવી હાલત બદલાઇ કે મિત્રો ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. કોઇ બોલાવતું નહીં. એને પીડા થવા લાગી. આ તે કેવું? આવા સંબંધો?

એક દિવસ એ યુવાન સંત પાસે ગયો. સંતને બધી વાત કરી. સંતને કહ્યું કે, ‘બધા જ મારાથી દૂર થઇ ગયા છે.’ સંતે કહ્યું, ‘હા, એ તો એવું જ હોય. આ સામે ઝાડ છે એને જો. એમાં એકેય પાંદડું નથી. હમણાં જ પાનખર પૂરી થઇ છે. પાનખરમાં બધા જ પાંદડા ખરી ગયા. વસંત હતી ને ત્યારે આખું ઝાડ પાંદડાઓથી લદાયેલું હતું. જેવી પાનખર આવી કે પાંદડા એક પછી એક ખરી ગયા.’ અમુક મિત્રો, અમુક સંબંધો પાંદડા જેવા હોય છે. જેવી પાનખર આવે કે એ બધા ખરી જાય છે. જિંદગીમાં પણ ક્યારેક પાનખર જેવો સમય આવવાનો. પાનખર આવે ત્યારે માણસો પરખાઇ જતા હોય છે. બીજી એક વાત યાદ રાખવા જેવી છે. ગમે એવી પાનખર આવે ને તો પણ ડાળીઓ ક્યારેય સાથ નથી છોડતી! કેટલાંક સંબંધો ડાળીઓ જેવા હોય છે, એને સમય કે સિઝનથી કોઇ ફેર પડતો નથી. સંતે કહ્યું, ‘આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણી આજુબાજુમાં છે એમાંથી કેટલા પાંદડા છે અને કેટલી ડાળીઓ છે? પાંદડા વધુ હોવાના, ડાળીઓ ઓછી જ હોવાની! જે હવે સાથે નથી અથવા તો જે ચાલ્યા ગયા છે એની ચિંતા ન કર. જે છે એની માવજત કર! પાંદડાઓનું તો એવું છે ને કે વસંત આવશે એટલે પાછા આવી જશે!’ ઝાડની જિંદગીમાં પાંદડાની અવરજવર ચાલતી રહે છે. પાનખરમાં કોઇ ઝાડને તમે રોતું જોયું છે? ખરાબ સમયમાં થોડાક લોકો દૂર થઇ જાય એનાથી દુ:ખી થવાનું થોડું હોય?

આપણે દુ:ખી થઇએ છીએ, એનું એક કારણ એ પણ છે કે, આપણે આપણી જિંદગીમાં આપણને પસંદ ન હોય એવું સ્વીકારી શકતા નથી. આપણને બધું સારું જ જોઇએ છે. કંઇ ખરાબ થાય એટલે આપણે માથા પછાડવા લાગીએ છીએ, ફરિયાદો કરવા લાગીએ છીએ. પીડા, દુ:ખ, દર્દ અને વેદનાથી મુક્ત થવાનો એક રસ્તો એનો સ્વીકાર કરવાનો છે. સુખનો સ્વીકાર હોય તો દુ:ખને જાકારો ક્યાંથી ચાલવાનો? જાકારો આપવાથી પણ દુ:ખ કંઇ હટી તો જવાનું જ નથી. એનો તો સામનો જ કરવો પડે. સામનો કરતાં પહેલાં સ્વીકાર કરવો જરૂરી છે. મારી સાથે આવું કેમ થયું? મેં એવા તે શું પાપ કર્યાં હતાં? હું તો બધાનું ભલું કરું છું, તો પણ મારી સાથે આવું થાય છે? આપણે જે દુ:ખ, મુશ્કેલી, પરેશાની કે પડકાર આવ્યો હોય તેની સામે ઝઝૂમીએ છીએ, વલોવાઇએ છીએ. આપણે સ્વીકારી જ નથી શકતા કે જિંદગીમાં આવું પણ થાય! સ્વીકાર કરીને એમાંથી બહાર નીકળવાનું હોય છે. આપણે જેને પોતાના માનતા હોઇએ એ દૂર ચાલ્યા જાય, ગમે એટલી દિલથી મહેનત કરી હોય તો પણ નિષ્ફળતા મળે, જેને સાવ અંગત માન્યા હોય, એ જ અધૂરા નીવડે, ભરોસો પણ છેતરામણો સાબિત થાય, એ સ્વીકારવાની તૈયારી રાખો. જેટલી ઝડપથી સ્વીકાર કરીએ એટલી ઝડપે આપણે એમાંથી બહાર આવી શકીએ છીએ. પાણીમાં પડ્યા પછી બહાર નીકળીએ કે તરત જ આપણે સુકાઇ જતાં નથી. વાર લાગે છે. કોરા થવા માટે આપણે ટુવાલથી શરીર લૂછીએ છીએ. જિંદગીમાં પણ અમુક તબક્કે નક્કી કરવું પડતું હોય છે કે, સુકાવવા દેવું છે કે લૂછી નાખવું છે? પંપાળ્યે રાખવું છે કે ખંખેરી નાખવું છે? સારું હોય એને પંપાળો તો સુખ મળશે. ખરાબ, નઠારું હોય એને પંપાળવાનું ન હોય, એને ખંખેરી જ નાખવાનું હોય!

એક ફિલોસોફર હતા. તેમણે કહ્યું કે, ‘આપણી આજુબાજુમાં સંબંધોના દીવા પ્રગટેલા જ હોય છે. આપણને એમ થાય કે, મારી આજુબાજુમાં કેટલા બધા દીવા છે. હું તો રોશનીથી ઘેરાયેલો છું. મહત્ત્વનું એ છે કે, અંધારું થાય ત્યાં સુધી એમાંથી કેટલા દીવા પ્રજ્વલિત હોય છે?’ દીવાનું કામ, દીવાનું તાત્પર્ય અને દીવાનું મહાત્મ્ય અંધારામાં જ સમજાય છે! આપણી જિંદગીમાં અમુક લોકો અખંડ દીવા જેવા હોય છે! અંધકાર ન લાગે એના માટે એકાદ-બે દીવા પણ પૂરતા હોય છે. દિવસે પ્રગટેલા દીવાઓથી કોઇ ફેર પડતો નથી, કોઇ પ્રકાશ મળતો નથી. ક્યારેક તો એ તાપ આપે છે અને ક્યારેક આગ પણ લગાડે છે!

છેલ્લો સીન :

માણસની ખરી અને સાચી ઓળખ ક્યારેય છૂપી રહેતી નથી. આપણે જેવા હોઇએ એવા થોડાક વહેલાં કે થોડાક મોડા ઓળખાઇ જવાના જ છીએ!        કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 માર્ચ 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply