ગૂડ બાય 2020 : આવું વર્ષ કુદરત ક્યારેય ન બતાવે! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ગૂડ બાય 2020 : આવું વર્ષ

કુદરત ક્યારેય ન બતાવે!

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

હાશ, આખરે 2020નું વર્ષ પૂરું થવાનું છે.

વર્ષે આખી દુનિયાનીહાલત ખરાબ કરી નાખી!

આખા વર્ષને એક ખરાબ સપનું

ગણીને ભૂલી જવામાં માલ છે!

*****

યે સાલ લે ગયા, કિસી કે અપને ઔર કિસી કે સપને!

દરેકે કંઇકને કંઇ તો ગૂમાવ્યું છે! 

થવાનું હતું થઇ ગયું, સંવેદનાને સુષુપ્ત થવા નહીં દેતા!

*****

હાશ, આખરે 2020નું વર્ષ પૂરું થવા જઇ રહ્યું છે. એક એવું વર્ષ જે આખી દુનિયા માટે મુસીબત બનીને આવ્યું હતું. મોટા ભાગે કોઇ દુખદ ઘટના કે દુર્ઘટના બને એ કોઇ એક શહેર કે વધુમાં વધુ તો એક દેશ પૂરતી મર્યાદિત હોય છે. એક સાથે કોઇ એક ઘટનાએ આખી દુનિયાને ભરડામાં લીધી હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. જે નરી આંખે દેખાતો નથી અને હજુ પૂરેપૂરો ઓળખાયો નથી એવો કોરોના વાઇરસ આખેઆખા વર્ષને બદનામ કરતો ગયો. આ વર્ષ માટે કહેવાયેલી એ પંક્તિઓ ખરેખર બહુ સાચી છે કે, અજિબ સાલ હૈ યે, કિસીકે સપને લે ગયા તો કિસીકે અપને! આ વર્ષ વિશે પહેલેથી એવું કહેવાતું રહ્યું છે કે, 2021નું વર્ષ આવશે ત્યારે એ વર્ષના આગમન કરતા વધુ ખુશી 2020નું વર્ષ પૂરું થયું એની હશે! એક મનહૂસ, ખતરનાક, ડરામણું વર્ષ માંડ માંડ પૂરું થયું. આખું વર્ષ જાણે હોરર ફિલ્મ જેવું હતું. રોજે રોજ મોતના વધતા આંકડાઓ ધ્રૂજાવી જતા હતા. ચીનના વુહાનની વાતો જ્યારે બહાર આવી ત્યારે આખી દુનિયાની આંખો ફાટી ગઇ હતી. બધાનો હાયકારો નીકળી ગયો હતો કે હાય હાય આવું હોય? એ સમયે કોઇને ખબર નહોતી કે આપણો પણ વારો આવવાનો છે, ઘરમાં પૂરાઇ રહેવાનો.

કોરોના કાળની દરેકની પોતાની એક કહાની છે. દરેકને કોરોનાનો સીધો કે આડકતરો અનુભવ થયો છે. અમુકને તો એવી અસર થઇ છે જે જિંદગીભર ભૂલાવાની નથી. કોરોના સંક્રમિત થયા પછી સાજા થઇ ગયેલાઓને મોઢે એક વાત સાંભળવા મળે છે કે, કોરોનાથી બહાર આવવા કરતા પણ વધુ અઘરું તો 14 દિવસ એકલા રહેવાનું હતું. વગર ગુનાએ જેલનો અનુભવ કરવો પડ્યો. ઓક્સિજનના લેવલનો આંકડો નીચો જાય તો સ્વજનોનો શ્વાસ ઊંચો ચડી જતો હતો. જેના સ્વજન કોરોના સંક્રમિત થયા હોય એની હાલત પણ ઓછી કફોડી નહોતી. કોરોના થયો હોય એનું ધ્યાન રાખવાનું અને સાથોસાથ પોતાની જાતને પણ કોરોનાથી બચાવવાની હતી. જે લોકોએ પોતાની વ્યક્તિ ગુમાવી છે એના માટે તો 2020નું વર્ષ કાળમૂખું રહ્યું છે. સૌથી મોટી વેદના એ હતી કે, વિદાય લેનાર વ્યકિતનું છેલ્લીવાર મોઢું પણ ન જોઇ શકાય કે તેનું બેસણું પણ ન યોજી શકાય. એક મોટી ઉંમરના બહેનની વેદના એ હતી કે, મારી પુત્રવધૂને અંતિમવિધિ વખતે ઘરચોળું પણ ઓઢવા ન મળ્યું. એક બહેનના પતિનું કોરોનાના કારણે અવસાન થયું. તેણે કહ્યું કે, એ દવાખાને ગયા ત્યારે મને એ વાતનો જરાયે અંદાજ નહોતો કે, હું તેમનું મોઢું છેલ્લીવાર જોઉં છું. છોકરાંવ ઓનલાઇન ભણીને કંટાળી ગયા. દરેક ઉંમરની વ્યક્તિની પોતાની વેદના હતી.

કોઇએ નોકરી ગૂમાવી તો કોઇને ધંધામાં ફટકો પડ્યો. ઘણા માટે તો એવું થયું કે, બધું જ તૈયાર હતું, ફક્ત લોન્ચિંગ બાકી હતું, વહાણ કિનારા સુધી પહોંચી ગયું પણ લાંગરે એ પહેલા જ ડૂબી ગયું. દુનિયાના નિષ્ણાતોનું ઓબઝર્વેશન છે કે, કોરોનાથી વહેલી કે મોડી મુક્તિ મળી જશે, અર્થતંત્રો પણ પાછા ધમધમતા થઇ જશે, કોરોનાની માનસિક અસરો બાકી રહી જશે. સૌથી વધુ ખરાબ હાલત મહિલાઓની થઇ છે. મહિલાઓને દરેક બાજુએથી ફટકા પડ્યા છે. લોકડાઉનના સમયમાં બધા ઘરમાંને ઘરમાં હતા ત્યારે મહિલાઓ ઉપર બધાનું ધ્યાન રાખવાની જવાબદારી આવી પડી હતી. છોકરાંવને ઓનલાઇન સ્ટડી માટે બેસાડવા એ કેટલું ભગીરથ કામ છે એ તો નાના છોકરાઓની માતાને પૂછો તો ખબર પડે. બીજી તરફ વર્કિંગ વૂમનોને પણ કંઇ ઓછી તકલીફો નથી થઇ. એક અભ્યાસ એવું કહે છે કે, પુરૂષોની સરખામણીએ મહિલાઓએ વધુ પ્રમાણમાં નોકરીઓ ગુમાવી છે. માનસિક ક્ષતિ પણ એમને વધુ પહોંચી છે. સોશિયલ ડિસ્ટન્સ રાખવામાંને રાખવામાં ઇમોશનલ ડિસ્ટન્સ ક્યારે વધી ગયું એ પણ ઘણાને ખબર ન પડી.

વર્ષ પૂરું થાય ત્યારે દરેકને એવો વિચાર તો આવે જ કે, ગયું વર્ષ કેવું ગયું? આ વખતે બધાનું વર્ષ મોટા ભાગે એકસરખું એટલે કે ખરાબ ગયું છે. વેલ, ગયું એ ગયું. બેસ્ટ રસ્તો એ છે કે, ગયા વર્ષને વહેલી તકે ભૂલી જવું. તકલીફ એ પણ છે કે, ભૂલવું હોય એ આસાનીથી ભૂલાતું ક્યાં હોય છે? સમાજશાસ્ત્રીઓ એવું કહે છે કે, 2020નું વર્ષ રિથિંક અને રિઇન્વેન્ટ કરવાનું છે. આપણે જે રીતે જીવતા હતા એ કેટલું વાજબી હતું? કોરોનાના કારણે આપણને આપણી જાતમાં કેટલો બદલાવ કરવાની જરૂર જણાઇ છે? ઘણી વાતો છે પણ સરવાળે સૌથી મહત્વની વાત એ છે કે, આપણા લોકો જ છેવટે આપણી સાથે હોય છે. જેને આપણી ચિંતા હોય છે, આપણને કોરોના ન થાય એ માટે જેણે ચીવટ રાખી છે, થઇ ગયો હોય તો જીવની જેમ જતન કર્યું છે. લાઇફ ચાલતી રહી છે, ચાલતી પણ રહેવાની છે, કોરોના એક મોટી હર્ડલ હતી, એ પણ દૂર થઇ રહી છે. આ સમય દરમિયાન આપણામાં જરા સરખુંયે પરિવર્તન આવ્યું હોય તો ઘણું છે. આપણે બધાએ એ ઘટના બહુ નજીકથી નિહાળી કે, જિંદગી કેવી ઓચિંતી જ અંદાજ ન હોય એવો પલટો મારી દેતી હોય છે! આપણા બધા જ પ્લાનિંગ્સ ઘડી બે ઘડીમાં હતા નહોતા થઇ જાય છે. નવું વર્ષ ગયા વર્ષ કરતા તો સારું જ હશે. ગયા વર્ષ પાસેથી શીખવા જેવું એટલું જ છે કે, બહુ બધું માથે લઇને ફરવાની જરૂર નથી. મસ્તીથી જીવો. જીવવાનું જરાયે પેન્ડિંગ ન રાખો, કારણ કે મુલતવી રખાયેલું ક્યારેક કાયમ માટે મુલતવી જ રહી જાય છે. એવી રીતે જીવો કે ક્યારેય કોઇ વાતનો અફસોસ ન થાય. હેપી 2021!  

————————

પેશ-એ-ખિદમત

એક જર્રા ભી ન મિલ પાએગા મેરા મુઝ કો,

જિંદગી તૂ ને કહાં લા કે બિખેરા મુઝ કો,

મૈં કહાં નિકલૂંગા માઝી કો સદાએં દેને,

મૈં કિ અબ યાદ નહીં નામ ભી મેરા મુઝ કો.

-શોએબ બિન અઝીઝ

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 27 ડિસેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply