તું મને કહીશ કે એમાં એનો શું વાંક છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું મને કહીશ કે એમાં

એનો શું વાંક છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોણ કહેશે કે વમળ હોતા નથી, આપણા ચક્ષુ ચપળ હોતા નથી,

આંખમાં આંજ્યા પછી નારાજગી, લૂછવા માટેય જળ હોતા નથી,

ક્યાંકથી ઓછી પડે છે સાધના, ક્યાંક સંજોગો સરળ હોતા નથી,

આદમી તો સાવ સાચ્ચો હોય છે, ફક્ત પુરાવા સબળ રહેતા નથી.

-ચંદ્રેશ મકવાણાનારાજ

દરેક માણસ વધતા કે ઓછા અંશે દરેકને જજ કરતો રહે છે. આપણા બધાની અંદર એક ન્યાયાધીશ બેઠો છે. એ કોઇને દોષી ઠેરવતો રહે છે. કંઇ પણ થાય એટલે આપણે બધાં એ વિચારીએ છીએ કે એમાં વાંક કોનો છે? દોષનો ટોપલો ઢોળવા માટે કોઇ માથું જોઇતું હોય છે. આપણને જેની સાથે કંઇ લાગતું-વળગતું ન હોય એને પણ આપણે આપણા ત્રાજવે તોળતાં રહીએ છીએ. આપણા ત્રાજવા એક તરફ ઝુકેલા હોય છે. આપણે બધા થોડાઘણા અંશે બાયસ્ડ હોઇએ જ છીએ. આપણું મન હંમેશાં આપણી ગમતી વ્યક્તિની તરફેણ કરતું રહે છે. વાંક હોય તો પણ આપણને એનો વાંક દેખાતો નથી. પ્રેમ વિશે હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે, પ્રેમ આંધળો છે. પ્રેમ સારું કે નરસું પારખી શકતો નથી. કદાચ પ્રેમની બ્યૂટી પણ એ જ છે! એમાં પારખવાની જરૂર જ ક્યાં રહે છે? પામવાની ઝંખના હોય ત્યારે પારખવાની પરવા કોઇ કરતું નથી!

આપણી સામે સતત કંઇક ચાલતું રહે છે. કોઇ ને કોઇક ઘટના બનતી જ રહે છે. આપણે તરત જ એના વિશે વિચાર કરીએ છીએ. બહાર જે એક્શન થાય એવું રિએક્શન મન આપી જ દે છે. આપણે બોલીએ કે ન બોલીએ એ જુદી વાત છે, પણ એક પ્રતિભાવ તો આપણી અંદર પડતો જ રહે છે. એક યુવાન થોડાક ઊંચા અવાજે ગીત ગાતો હતો. ગીતના શબ્દો થોડાક ઊંધા-ચત્તાં થઇ જતા હતા. તેનો મિત્ર આ ગીત સાંભળતો હતો. તેનાથી રહેવાયું નહીં. તેણે કહ્યું કે, ‘ગાવું હોય તો સાચું ગીત ગા, આમ દે ઠોક નહીં કર!’ આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, ‘શું ફેર પડે છે યાર? હું ક્યાં કોઇ કોમ્પિટિશનમાં છું કે હારી જઇશ? હું તો મજા માટે ગાઉં છું! બધી વાતને નિયમના ચાકડે ચડાવવાની શું જરૂર છે?’

ઘણા લોકોને એવું કહેવું ગમતું હોય છે કે, તું ખોટો છે. તને કંઇ ખબર પડતી નથી. આવું કહીને આપણે આડકતરી રીતે એવું સાબિત કરવા મથતાં હોઇએ છીએ કે મને ખબર છે. મને આવડે છે. નિર્દોષતા અને નિખાલસતા દરેકના બસની વાત નથી. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો. પત્ની પણ એક ઓફિસમાં જોબ કરતી હતી. ઘરનો હિસાબ પણ પત્ની જ રાખતી હતી. પતિ ક્યારેય પત્ની સેલેરીનું શું કરે છે, ક્યાં ઇન્વેસ્ટ કરે છે, ઘરનું બજેટ કેવી રીતે મેઇન્ટેન કરે છે એ પૂછે નહીં. પત્નીની આર્થિક બાબતોમાં માથું જ ન મારે. એક દિવસ પત્નીએ પૂછ્યું, ‘તું સીએ છે તો પણ કેમ ક્યારેય હિસાબ વિશે કંઇ પૂછતો નથી?’ પતિએ કહ્યું કે, ‘ઇરાદાપૂર્વક અને સમજી-વિચારીને કંઇ પૂછતો નથી. એનું કારણ એ છે કે હું ઓફિસમાં જેના હિસાબ જોઉં છે ને એમાં મારી નજર એના ઉપર જ હોય છે કે, આમાં કંઇ ભૂલ તો નથી ને? મારી દાનત જ એમાંથી ભૂલો શોધવાની અને ભૂલો કાઢવાની હોય છે. મારે તારા વ્યવહારો કે તારા નિર્ણયોમાં કોઇ ભૂલ કાઢવી નથી એટલે હું માથું મારતો નથી!’ પત્નીએ કહ્યું, ‘ગજબનો છે તું! તારા વ્યવસાય માટે જ આવો અભિપ્રાય ધરાવે છે?’ પતિએ કહ્યું, ‘કેમ? હું કેવો અભિપ્રાય ધરાવું છું?’ પત્નીએ કહ્યું, ‘તેં જ એવી વાત કરી કે તારું કામ ભૂલો શોધવાનું અને ભૂલો કાઢવાનું જ છે! તને એવો વિચાર કેમ નથી આવતો કે મારું કામ ભૂલો સુધારવાનું છે? આપણા કામને, આપણા સંબંધને અને આપણી જિંદગીને જોવાનો આપણો દૃષ્ટિકોણ કેવો છે, એ બહુ મેટર કરતું હોય છે. આપણે એકબીજાંની ભૂલો કાઢીશું, તો પણ ઇરાદો ભૂલ શોધવાનો નહીં, ભૂલ સુધારવાનો હશે!’ પતિએ કહ્યું કે, ‘પછી તને એવું નહીં લાગે ને કે મારો વાંક કાઢે છે?’ પત્નીએ બહુ જ સલુકાઇથી કહ્યું કે, ‘એ તો દાનત ઉપર નિર્ભર કરે છે!’ અગેઇન, વાત તો એ જ છે કે દાનત ભૂલ કાઢવાની, વાંક શોધવાની કે પછી ભૂલ સુધારવાની છે!

આપણે જ્યારે કોઇને કંઇ કહીએ છીએ, ત્યારે આપણો ઇરાદો શું હોય છે? કંઇક તો ઇરાદો હોય જ છે. ક્યારેક સારું લગાડવાનો, ક્યારેક ઇમ્પ્રેસ કરવાનો, ક્યારેક વાહવાહી કરવાનો, મને આવડે છે એ બતાડવાનો, કંઇ ન હોય તો છેલ્લે આપણે એ સાબિત કરવા મથતાં હોઇએ છીએ કે, હું કંઇ મૂર્ખ નથી. મને ખબર પડે છે. મારામાં એટલી બુદ્ધિ છે. દરેક માણસની ઇચ્છા એવી હોય છે કે, લોકો મને સમજુ, ડાહ્યો, હોશિયાર, મેચ્યોર અને અનુભવી સમજે. છેલ્લે એવું પણ હોય છે કે, બીજું કંઇ ન સમજે તો કંઇ નહીં, મને મૂર્ખ તો ન જ સમજવા જોઇએ!

કોઇ કોઇનો વાંક કાઢે ત્યારે પણ આપણે એ તો વિચારતાં જ હોઇએ છીએ કે, ખરેખર એનો વાંક છે? એક ઘરની આ વાત છે. દીકરીથી કાચનું એક ફ્લાવરવાઝ તૂટી ગયું. મા તેના પર ગુસ્સે થઇ ગઇ. ‘જોઇને નથી ચલાતું? તારા હાથે તોડફોડ જ થતી હોય છે.’ પિતાએ કહ્યું, ‘એનું ધ્યાન નહોતું, એને દોષ ન દે, એમાં એનો શું વાંક છે?’ ‘કેમ, એનું ધ્યાન નહોતું એમાં એનો વાંક નહીં?’ પત્નીએ પૂછ્યું. પતિએ એવું કહ્યું કે, ‘તું ક્યારેય એ જગ્યાએ ફ્લાવરવાઝ મૂકતી નથી. તેં મૂક્યું, એમાં તારો વાંક નહીં?’ દીકરીએ હસીને કહ્યું, ‘હવે તમે એકબીજાંનો વાંક ન કાઢો. મારોય કંઇ વાંક નહોતો. હા, મારી બેપરવાહી ચોક્કસ હતી. મારી ભૂલ થઇ ગઇ. બીજી વાર ધ્યાન રાખીશ. અજાણતાં થઇ જતી ભૂલમાં વાંક શોધવાનું ટાળવું જોઇએ. થઇ ગયું એ થઇ ગયું. મારો ઇરાદો નહોતો.’

આપણે હંમેશાં એવું સાંભળતાં આવ્યાં છીએ કે, કોઇને પોતાનો વાંક ક્યારેય દેખાતો નથી. સાવ એવું હોતું નથી. આપણને પણ ઘણી વખત સમજાતું હોય છે કે, વાંક મારો છે. મારે આવું કરવું જોઇતું નહોતું. એક પતિ-પત્નીને ઝઘડો થયો. પત્ની પિયર ચાલી ગઇ. પિયર આવીને એણે પિતાને બધી વાત કરી. પિતાએ બધી વાત ધ્યાનથી સાંભળીને કહ્યું કે, ‘જે થયું એમાં તારો કંઇ વાંક નથી.’ દીકરીએ પૂછ્યું કે, ‘પપ્પા, ખરેખર મારો કંઇ વાંક નથી? મને કેમ એવું થાય છે કે મારો વાંક છે. મને સારી રીતે રહેતાં નથી આવડતું! મારાથી ઉશ્કેરાઇ જવાય છે!’ પિતાએ કહ્યું કે, ‘દીકરા, એ મામલામાં હું જજ બનવાનો પ્રયાસ નહીં કરું. તને જો તારો ક્યાંય વાંક લાગતો હોય તો એનું ગિલ્ટ નહીં રાખ, એને સુધાર. બનવાજોગ છે કે, છેલ્લે જે ઘટના બની એમાં તારો વાંક ન હોય, પણ વાંક શોધવાથી વાત પૂરી થઇ જતી નથી. ઘણી વખત વાંક સમયનો હોય છે, ઘણી વખત વાંક સંજોગનો હોય છે, ઘણી વખત વાંક મૂડનો હોય છે. એકબીજાંનો વાંક કાઢવામાં આપણે ઘણી વખત આપણું જ અહિત કરતાં હોઇએ છીએ. દરેક વખતે ઘટનાને મારી કે તારી, હું કે તું એ રીતે ન જોવી જોઇએ, એ ઘટનાને આપણી ગણીને મૂલવવી જોઇએ. બે વ્યક્તિ જ્યારે પોતાને એક ગણે ત્યારે હાર, જીત, સફળતા, નિષ્ફળતા, વાંક સહિત બધું જ સહિયારું હોય છે.’

એ પતિ-પત્નીની આ વાત છે. સ્વાભાવિક રીતે જ બંને વચ્ચે ક્યારેક ઝઘડાઓ થઇ જતાં. પત્ની પતિનો વાંક કાઢે, પતિનો વાંક હોય કે ન હોય એ સોરી કહી દે. હશે, મારો વાંક, બસ! હવે ગુસ્સો થૂંકી દે. એક વખત ઝઘડો થયા પછી પત્નીને એવું લાગ્યું કે, આ વખતે મારો વાંક છે. તો પણ એ ઝઘડતી રહી. પતિએ સોરી કહ્યું. પત્નીએ આખરે પતિને પૂછ્યું, ‘તારો વાંક ન હોય તો પણ તું સોરી કહી દે છે?’ પતિએ કહ્યું, ‘હા, મારો વાંક ન હોય તો પણ હું સોરી કહી દઉં છું. સાચું કહું ઝઘડો થાય ત્યારે હું વાંક કોનો છે એ વિચારતો જ નથી. એવું જ વિચારું છું કે ઝઘડો ન થવો જોઇએ. વાંક તારો હોય કે મારો, મૂડ અને માહોલ બંનેનો બગડે છે. વાંક શોધવાની મહેનત જ ન કરવી જોઇએ, કારણ કે વાંક શોધવા પછી વાંધા વધવાનાં જ છે. તારો વાંક કાઢીને, તારો વાંક શોધીને મારે કંઇ જ સાબિત નથી કરવું. મારે તો ફક્ત એટલું જ સાબિત કરવું છે કે હું તને પ્રેમ કરું છું. મારા માટે તું સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ છે.’ સંબંધમાં એ મહત્ત્વનું છે કે આપણે આપણી વ્યક્તિમાં શું શોધીએ છીએ, વાંક કે વહાલ?

છેલ્લો સીન :

આપણે સારું શોધીએ છીએ કે ખરાબ, એમાં બહુ તકેદારી રાખવાની હોય છે, કારણ કે છેલ્લે તો આપણે જે શોધતાં હોઇએ આપણને મળી જતું હોય છે!     -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply