અનેક લોકોને મૂંઝવતો સવાલ, કોરોનાની વેક્સિન લેવી કે નહીં? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

અનેક લોકોને મૂંઝવતો સવાલ,

કોરોનાની વેક્સિન લેવી કે નહીં?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

એક તરફ દુનિયાના લોકો કોરોનાની વેક્સિનની રાહ

જોઇ રહ્યા છે, ત્યારે એક મોટો વર્ગ એવો પણ છે

જેને કોરોનાની વેક્સિન લેવાનો ડર લાગે છે!

*****

દરેક માણસને કોઇને કોઇ ભય સતાવી રહ્યો છે. વાતો ભલે

એવી થતી હોય કે, ડર કે આગે જીત હે પણ ડરથી

આગળ નીકળવું સહેલું નથી!

*****

માણસને પોતાના શરીર વિશે અનેક સવાલો થતા હોય છે. દરેકને ક્યારેક તો એવો વિચાર આવે જ છે કે, મારો મારા શરીર સાથેનો વ્યવહાર બરાબર છે? આપણી જાત સાથે જ આપણે ઘણા સમાધાનો કરતા હોઇએ છીએ. એનું કારણ એ છે કે, આપણે આપણી જાત સાથે એક હદથી વધુ લડી શકતા નથી. લડીએ તો પણ હારી જઇએ છીએ. વાત ફૂડ હેબિટની હોય કે કસરત કરવાની, આપણે આંખ આડા કાન કરી લેતા હોઇએ છીએ. બીજા કોઇને પણ ન છેતરતો માણસ ઘણી વખતે પોતાને જ છેતરતો હોય છે. ચાલે, કંઇ નથી થવાનું, થઇ થઇને શું થવાનું છે? ડરી ડરીને કેટલું જીવવું? ક્યારેક તો માણસને એવો પણ સવાલ થતો હોય છે કે, મને થાય છે એવું દરેકને થતું હશે? કદાચ હા અને કદાચ ના! આમ તો એવું કહેવાતું આવ્યું છે કે, દરેકનું શરીર અનોખું અને આગવું હોય છે. કોનું શરીર કેવા સંજોગોમાં કેવું રિએક્ટ કરશે એ કહી શકાતું નથી. દરેકની એક ટેન્ડેન્સી હોય છે. વાત જ્યારે શરીરની હોય ત્યારે ઘણી બધી મૂંઝવણો પણ થતી હોય છે. ઓપરેશન કરાવવું કે નહીં? ડોકટર કહે કે, હવે બીજો કોઇ રસ્તો નથી ત્યારે જ માણસ સર્જરી માટે તૈયાર થાય છે. બીમાર હોવા છતાં ઘણા લોકો દવા ખાતા નથી. દવા સંતાડી દે છે, ફેંકી દે છે કે ખોઇ નાખે છે! ખોટું બોલે છે કે દવા ખાઇ લીધી છે! અનેક સમયે એવી દ્વિધા થાય છે કે, આમ કરવું કે નહીં? આવી જ મૂંઝવણ દેશ અને દુનિયામાં અનેક લોકોને અત્યારે થઇ રહી છે કે, કોરોનાની વેક્સિન લેવી કે નહીં?

મેડિકલને લગતા ભયને ટ્રાયપનોફોબિયા કહે છે. ઇન્જક્શન કે વેક્સિન લેતી વખતે સોયનો ડર ઘણાને થથરાવતો હોય છે. મોટી ઉંમરના અને કોઇના બાપથી ન ડરતા ઘણા ભડભાદરો પણ ઇન્જકશનની સોયથી ફફડી જાય છે. સર્જરીના વાત આવે ત્યારે તો ઘણાના મોતિયા મરી જાય છે. સોયના ડરને નિડલ ફોબિયા પણ કહે છે. એક અભ્યાસ મુજબ અમેરિકામાં દસ ટકા લોકો આવા ભયથી પીડાય છે. આવો ભય કેમ લાગે છે એના વિશે પણ ઘણા બધા અભ્યાસો થઇ રહ્યા છે. વેક્સિનના ભયમાં તો વળી બે વાતનો સમાવેશ થાય છે. સોય ખાવાનો ડર તો છે જ સાથોસાથ ઘણાને એવો ભય લાગે છે કે, આની કોઇ આડઅસર તો નહીં થાયને? વેક્સિન ટ્રાયલના જે સમાચારો આવતા હતા તેમાં પણ ઘણા લોકોને એ જાણવામાં જ રસ હતો કે, પરીક્ષણ દરમિયાન જેણે વેક્સિન લીધી છે એને કોઇ વિપરીત અસર તો થઇ નથીને? આપણે ત્યાં હરિયાણાના હેલ્થ મિનિસ્ટર અનિલ વિજ કોરોનાની વેક્સિન લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા હતા. આ સમાચાર ખૂબ ગાજ્યા પછી વેક્સિન બનાવનાર કંપનીએ એવી ચોખવટ કરવી પડી હતી કે, વેક્સિન લીધા પછી તરત જ એન્ટીબોડી તૈયાર થઇ જાય એવું જરૂરી નથી, જો બે ડોઝની વેક્સિન હોય તો એન્ટીબોડી બનાવામાં થોડો સમય લાગે છે.

અમેરિકામાં લોકોને વેક્સિન લેવાનો ડર ન લાગે એ માટે ત્રણ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યૂ બુશે એક સાથે વેક્સિન લેવાની જાહેરાત કરી છે. તેઓ જ્યારે વેક્સિન લેશે ત્યારે એ ઘટનાનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આવું કરવાનું કારણ એ છે કે, કોરોનાની વેક્સિન વિશે અમેરિકામાં એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે એજન્સી ગૈલેપ દ્વારા લોકોને રસી અંગે સવાલો કરવામાં આવ્યા હતા. આ સર્વે દરમિયાન 40 ટકા અમેરિકનોએ વેક્સિન અંગે કોઇને કોઇ ભય અને શંકા વ્યક્ત કર્યા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ બનનારા કમલા હેરિસે એક ટેલિવિઝન શો દરમિયાન એવી વાત કરી હતી કે, વેક્સિન લેવામાં કોઇ ડર રાખવાની જરૂર નથી. એ બંનેએ કહ્યું હતું કે, અમે વેક્સિન લેવા માટે તૈયાર છીએ. રશિયાએ કોરોનાની સ્પુટનિક વેકસિન બજારમાં મૂકી છે. રશિયાની વેક્સિન પર દેશ અને દુનિયાના લોકોને ભરોસો બેસે એ માટે સ્પુટનિક વેક્સિન રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિનની દીકરીને આપવામાં આવી હતી.

સોયના અને બીજા મેડિકલ રિલેટેડ ભયને દૂર કરવા માટે જાતજાતની સારવાર થાય છે. એમાં કોગ્નિટિવ બિહેવરિઅલ થેરેપીનો મોટા પાયે ઉપયોગ થાય છે. સીબીટીના ટૂંકા નામે ઓળખાતી આ સાઇકોથેરાપેટિક ટ્રીટમેન્ટમાં નેગેટિવ વિચારો ઉપર કાબુ મેળવવાના અને ડરને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવે છે. સેલ્ફ હેલ્પ પણ સોયનો ડર દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે આપણા મનને જ કાઉન્સેલ કરવું પડે કે, કંઇ નથી થવાનું, સોય લાગશે એમાં કંઇ મરી નથી જવાના, કીડી ચટકો ભરે એના કરતા પણ ઓછું પેઇન થશે. ડર પણ ગજબની ચીજ છે. મોટા ભાગના ભય માનસિક હોય છે એ આપણે બધા જાણીએ છીએ. બધી વાત સાચી પણ ભય તો લાગતો જ હોય છેને? જિંદગીમાં આમ પણ શારીરિક કરતા માનસિક અસરો જ વધુ થતી હોય છે. શરીર પર જે થાય છે એ તો બહુ ઝડપથી સાજું, સારું થઇ જાય છે, મન પર જે થાય છે એને જ ઠેકાણે પડતા વાર લાગે છે. સોય અને બીજી મેડિકલ ટ્રીટમેન્ટનો જેને ભય લાગે છે એ લોકો ઘણી વખત ઇરાદાપૂર્વક સારવાર લેવા જવામાં મોડું કરે છે. ના છૂટકે જવુ પડે ત્યાર જ અમુક લોકો સારવાર લેવા માટે જાય છે. ઘણાને તો કંઇ થતું હોય ત્યારે પોતાની અંગત વ્યક્તિને પણ વાત કરતા નથી. મનોચિકિત્સકો એને જોખમી ગણાવે છે. સારવારમાં મોડું કરવામાં ઘણીવખત બહુ મોડું થઇ જાય છે. તમામ પ્રકારના ડર મનમાંથી કાઢી નાખો અને તમારાથી ન નીકળતા હોય તો મનોચિકિત્સકની સલાહ અને સારવાર લેવામાં જરાયે સંકોચ ન રાખો!

————————

પેશ-એ-ખિદમત

તેરે ગમ કો ભી કુછ બહલા રહા હૂં,

જહાં કો ભી સમજતા જા રહા હૂં,

યકીં યે હૈ હકીકત ખુલ રહી હૈ,

ગુમાં યે હૈ કિ ઘોખે ખા રહા હૂં.

-ફિરાક ગોરખપુરી.

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 20 ડિસેમ્બર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply