સારા સંબંધો વગર સુખની અનુભૂતિ શક્ય જ નથી! : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

સારા સંબંધો વગર સુખની

અનુભૂતિ શક્ય જ નથી!

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

સુખને ફીલ કરવા માટે અને દુ:ખ સાથે ડીલ કરવા

માટે સારા સંબંધો જરૂરી છે. જેના સંબંધો સજીવન છે

એનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે

*****

સાડા સાત દાયકાથી ચાલતો એક અભ્યાસ એવું કહે છે કે,

પરિવાર અને મિત્રો એવું પરિબળ છે જે

જિંદગીને જીવવા જેવી બનાવે છે

*****

કોઇ તમને પૂછે કે તમારી લાઇફની પ્રાયોરિટી શું છે, તો તમે શું જવાબ આપો? જિંદગીમાં કંઇક હાસલ કરવું? ધનવાન થવું? કરિયરમાં ટોપ ઉપર પહોંચવું? બધા ઓળખે એવી સેલિબ્રિટી બનવું? કોઇ મોટો એવોર્ડ મેળવવો? હા, આમાંથી કોઇપણ હોઇ શકે છે! કંઇ ખોટું નથી! મહત્વાકાંક્ષા હોવી સારી વાત છે? સવાલ એ છે કે, સફળ થઇ ગયા પછી કે ધનવાન બની ગયા પછી શું? એનાથી સુખી થઇ જવાય? એનો જવાબ છે, ના! સુખી માત્રને માત્ર સારા, સ્વસ્થ અને સજીવન સંબંધોથી જ થવાય છે! આ વાત કોઇ કલ્પના પર આધારિત નથી પણ સતત પંચોતેર વર્ષથી ચાલતા અભ્યાસ બાદ એ વાત બહાર આવી છે કે, સંબંધો વગર સાચા સુખની અનુભૂતિ થતી જ નથી! ઘણા લોકો એવું કહે છે કે, રૂપિયા હોય, સત્તા હોય અને માન-મરતબો હોય તો લોકો સામે ચાલીને સંબંધ બાંધવા અને સંબંધ રાખવા આવે છે! હા, આવું થતું હોય છે, પરંતું એ સંબંધ સાચા હોતા નથી! સાચા સંબંધ તો એ છે કે, તમારી આર્થિક, સામાજિક કે માનસિક પરિસ્થિતિ ગમે તેવી હોય, તમારા લોકો તમારી સાથે જ હોય!

આપણી કોઇને ચિંતા હોય તો એ બહુ મોટી વાત છે. ઘરે કોઇ રાહ જોતું હોય, છીંક આવે ત્યારે કોઇ ખમ્મા કહેવાવાળું હોય, તમે જમ્યા કે નહીં એની ચિંતા કરવાવાળું હોય, કંઇ સારું કરો તો પીઠ થાબડવાવાળું હોય, નિષ્ફળતા વખતે સધિયારો આપનારું હોય, મજામાં હોવ ત્યારે સાથે કોઇ હસવાવાળું હોય, ડિસ્ટર્બ હોવ ત્યારે મજામાં લાવવાનો પ્રયાસ કરનારું હોય, બીમાર પડીએ ત્યારે કેર કરનારું હોય, તમારા મૂડની જેને ખબર પડી જતી હોય અને એકલું ન લાગવા દે એવું કોઇ હોય તો તમે દુનિયાના સૌથી નસીબદાર માણસ છો. આવું ક્યારે બને? જ્યારે આપણા એની સાથેના સંબંધો સો ટચના હોય! આપણી પાસે બધું જ હોય પણ જો સંબંધો સારા ન હોય તો એક સમયે જિંદગીનો કોઇ અર્થ લાગતો નથી.

અમેરિકામાં 1938થી આજના દિવસ સુધી ચાલેલા અને હજુ પણ ચાલનારા એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, સારી લાઇફ સારા સંબંધોથી જ શક્ય બને છે. અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં ફરજ બજાવતા વિશ્વ પ્રસિદ્ધ સાઇકિયાટ્રિસ્ટ રોબર્ટ જે. વાલ્ડિંગર તેના ગ્રાન્ટ સ્ટડીના ફાઇન્ડિંગ્સ પછી કહે છે કે, સંબંધો જ જિંદગીને જીવવા જેવી બનાવે છે. 69 વર્ષના રોબર્ટ વાલ્ડરિંગ 75 વર્ષથી ચાલતા અભ્યાસના ચોથા હેડ છે. સુખની અનુભતિ વિશે 724 લોકો ઉપર સાડા સાત દાયકાથી અભ્યાસ થઇ રહ્યો હતો. આ રિસર્ચમાં જોડાયેલા લોકોમાંથી અડધાથી વધુ લોકો હજુ જીવે છે. હવે તો મોટા ભાગના લોકોની ઉંમર 90 વર્ષ જેટલી થઇ ગઇ છે.

રિસર્ચની ડિટેઇલમાં પડવા કરતા એ બધાની લાઇફનો જે નિચોડ છે એ જાણવો મહત્વનો છે. આ લોકોમાંથી ઘણાએ યુવાનીમાં એવું કહ્યું હતું કે, એની લાઇફનો ઉદ્દેશ ધનવાન થવાનો અને પ્રસિદ્ધ થવાનો હતો. ધીમે ધીમે એ લોકોએ જ કહ્યું કે, નાણાંવાળા કે જાણીતા થઇ જવાથી સુખ મળતું નથી, સાચું સુખ તમારા સંબંધોથી મળે છે. તમારા લોકોથી મળે છે. મોટી ઉંમરના લોકોની મેન્ટલ અને ફિઝિકલ હેલ્થની તપાસ દરમિયાન પણ એ વાત બહાર આવી હતી કે, જો તમારા સંબંધો સારા હોય તો તમારી હેલ્થ પણ સારી રહે છે, યાદશક્તિ પણ ટકી રહે છે અને જીજીવિષા પણ જળવાઇ રહે છે. સંબંધો જીવવાનું કારણ પૂરું પાડે છે.

આ અભ્યાસનું એક તારણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. એનો મર્મ એવો છે કે, સાથે રહેવું અને સાથે જીવવું એમાં હાથી-ઘોડાના ફેર છે. પતિ-પત્ની વચ્ચેનું દાંપત્ય ધબકતું હોવું જોઇએ. જે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે એ એવી છે કે, લાગણી વગર પત્ની સાથે રહેવું એ તલાક લેવા કરતા પણ વધુ ઘાતક છે! આ વાત પતિ-પત્ની બંનેને એટલી જ લાગુ પડે છે.

એકલતા માણસને ધીમે ધીમે નિચોવી નાખે છે. આ અભ્યાસમાં એકલતાની જે વ્યાખ્યા કરવામાં આવી છે એ પણ સમજવા જેવી છે. તમે ઘણા લોકો સાથે રહેતા હોવ તો પણ તમે એકલા હોઈ શકો છો, તમારી ફરતે ટોળું હોય તો પણ તમને એકલતા લાગી શકે છે. તમારી સાથે અનેક લોકો કામ કરતા હોય તો પણ તમને એવું ફીલ થઇ શકે છે કે, તમારું કોઇ નથી. સંબંધોમાં બે વસ્તુ સૌથી વધુ મહત્વની છે, નિકટતા અને ગુણવત્તા. તમે તમારી વ્યક્તિથી કેટલા નજીક છો, તમારી વ્યક્તિ તમારાથી કેટલી નિકટ છે, એ હિસાબે વેવલેન્થ નક્કી થાય છે.

સંબંધોની વાતમાં એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે, આપણે તો સારા હોઇએ પણ આપણી વ્યક્તિને જ કંઇ કદર ન હોય તો? આવું બની શકે છે પણ આપણા ઉપર સારા સંબંધોનો વધુ આધાર રહે છે. તમે જો કોઇને ચાહો, કોઇની કેર કરો, કોઇનું ધ્યાન રાખો તો એનો પડઘો પડે જ છે. જો ન પડે તો એ સંબંધ વિશે વિચારવું પડે! અલબત્ત, સારા લોકોને સારા માણસો મળી જ રહે છે. જો ન મળે તો એ પણ ચેક કરવું જોઇએ કે, આપણામાં તો કંઇ પ્રોબ્લેમ નથીને? આ અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સંબંધનું મૂલ્ય અને મહાત્મય વધુ સમજાય છે. હરીફરીને વાત ત્યાં જ આવે છે કે, તમારે સુખી થવું હોય, જિંદગી સરસ રીતે જીવવી હોય તો તમારા સંબંધોને સૂકાવવા ન દેતા! વાત સાંભળવાવાળું, વાત કહેવાવાળું, હોંકારો દેવાવાળું કોઇ હશે તો જ જીવવાની ખરી મજા આવશે!

————–

પેશ-એ-ખિદમત

એ શમ્મા તુજ પે રાત યે ભારી હૈ જિસ તરહ,

મૈં ને તમામ ઉમ્ર ગુજારી હૈ ઇસ તરહ,

દિલ કે સિવા કોઇ ન થા સરમાયા અશ્ક કા,

હૈરાં હૂં કામ આંખો કા જારી હૈ કિસ તરહ.

-નાતિક લખનવી

 —————

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 18 ઓકટોબર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: