ભૂલવું એટલું સહેલું હોત તો વાત જ ક્યાં હતી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ભૂલવું એટલું સહેલું હોત

તો વાત જ ક્યાં હતી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એક મુદ્દત સે તેરી યાદ ભી આઇ ન હમેં,

ઔર હમ ભૂલ ગયે હો તુઝે ઐસા ભી નહીં.

-ફિરાક ગોરખપુરી

એક વાત કહો તો, તમને તમારી લાઇફમાંથી કોઇ એક વાત, એક ઘટના કે એક પ્રસંગ ભૂલી જવાનું કહે તો તમે કઇ વાત ભૂલવાનું પસંદ કરો? આપણી જિંદગીમાં કંઇક તો એવું બન્યું જ હોય છે, જેને ભૂલી જવાનું આપણે સતત વિચારતાં હોઇએ છીએ. બીજું ઘણુંબધું ભૂલાઇ જાય છે, પણ જે ભૂલવું હોય છે એ જ ભૂલી શકાતું નથી! ન ઇચ્છીએ તો પણ એ સતત નજર સમક્ષ તરવરી જાય છે. કોઇ ચહેરો બહુ મહેનત કરીએ, તો પણ જરાયે ઝાંખો થતો નથી. કોઇ સંવાદ સતત કાનમાં પડઘાતો રહે છે. કોઇ ઘટના આંખો ભીની કરતી રહે છે. અમુક ઘટનાઓ આપણે એટલે ભૂલી નથી શકતા, કારણ કે આપણે એ પૂરેપૂરી જીવ્યાં હોઇએ છીએ. ઓતપ્રોત થઇ ગયાં હોઇએ એનાથી અળગા થવાનું અઘરું પડતું હોય છે. ક્યારેક કોઇ ઘટના સપનાં જેવી લાગે છે. એ સપનું તૂટે પછી એની કરચો આખી જિંદગી ચૂભતી રહે છે. એક ટીસ ઊઠે છે. દિલની નાજુક રગોમાં ઉલ્કાપાત સર્જાય છે. આખું અસ્તિત્વ વેરાઇ જાય છે. આયખું અળખામણું લાગે છે. જિંદગીનો કોઇ મતલબ લાગતો નથી. જેને જીવવાનું કારણ સમજી લીધું હોય એ જ જ્યારે દૂર થઇ જાય ત્યારે હાથની રેખાઓ સામે જ સવાલો ઊઠે છે. નસીબ સામે ફરિયાદો જાગે છે. દિલ તૂટે ત્યારે આખેઆખો માણસ ટુકડેટુકડા થતો હોય છે. આપણે એ ટુકડા ભેગા કરીને સાંધવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ. કંઇ ગોઠવાતું નથી. ક્યાંય સોરવતું નથી. કશું જ ગમતું નથી. એક છોકરીએ કહ્યું કે, ‘ભણતી હતી ત્યારે એવું લાગતું હતું કે, યાદ રાખવું બહુ અઘરું છે, પણ પ્રેમ થયો એ પછી ખબર પડી કે, ભૂલવું વધારે અઘરું છે! સહેલાઇથી યાદ રહી જતું હોય છે એ જ આસાનીથી ભૂલી શકાતું નથી!’

આપણી જિંદગીમાંથી કોઇ જાય પછી આપણને એવું થાય છે કે, હવે મારે મારી જિંદગીમાં કોઇને આવવા નથી દેવાં. કોઇ સાથે એટલું અટેચમેન્ટ જ નથી રાખવું કે પીડા થાય! એક છોકરીની આ વાત છે. તેની સાથે કામ કરતા એક યુવાને તેને પ્રપોઝ કર્યું. એ છોકરીએ બહુ જ સલુકાઇથી કહ્યું કે, ‘ના! મારે કોઇ નવી રિલેશનશિપમાં હમણાં નથી પડવું.’ છોકરાએ કારણ પૂછ્યું. છોકરીએ કહ્યું કે, ‘હું હજી એક ઘટનામાંથી બહાર આવી નથી. મારું એક બ્રેકઅપ થયું છે. એ માણસ ગયો પછી મેં મારા દિલનો દરવાજો સજ્જડ બંધ કરી દીધો છે. દરવાજા ઉપર બોર્ડ લગાવી દીધું છે કે, નો એન્ટ્રી! તારી સાથે કોઇ પ્રોબ્લેમ નથી. તું સારો માણસ હોઇશ! પણ એ માણસેય મને સારો લાગતો હતો! સારો જ નહીં, એ તો મને મારો જ લાગતો હતો! એને ભૂલવામાં બહુ તકલીફ પડી છે. હજી પણ પડે છે. નવી વ્યક્તિ સાથે સંબંધની માનસિક તૈયારી નથી. નો એન્ટ્રીનું બોર્ડ હટાવવાની ઇચ્છા નથી. પ્લીઝ તું મને માફ કરજે!’

ક્યારેક એવું પણ થાય કે, ભૂલવાની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા, કોઇ રીત, કોઇ પદ્ધતિ કે કોઇ વિધિ હોત તો કેવું સારું હતું? ભૂલવાની થોડીક રીત તો છે જ! વિચારોને ટાળવાના! વિચાર આવે ત્યારે એને જોરથી ધક્કો દઇને હડસેલી દેવાના! પણ વિચારોને ટાળવા જ તો અઘરા હોય છે! એ યાદ આવી જાય છે, ત્યારે વિચાર કરું છું કે મારે કંઇ યાદ નથી કરવું, પણ એમાં તો એ વધારે યાદ આવી જાય છે. કોઇ વળી કહે છે કે, તમને ગમતું હોય એવું કરવું! પણ કંઇ ગમે જ નહીં તો? એની સાથે હતો કે એની સાથે હતી, ત્યારે બધું જ ગમતું હતું. હવે જે ગમતું હતું એ પણ નથી ગમતું! કંઇક ઇચ્છા થાય તો કંઇક કરીએ, પણ કંઇ ઇચ્છા જ ન થાય તો? એક યુવાને કરેલી આ વાત છે. ‘અગાઉ એકલો હતો ત્યારે લોંગ ડ્રાઇવ પર જવું ગમતું હતું. એકલો કાર લઇને ચાલ્યો જતો. મન થાય ત્યાં ઊભો રહેતો. એ મારી જિંદગીમાં આવી. અમે સાથે લોંગ ડ્રાઇવ પર જતાં. લોંગ ડ્રાઇવ આટલી અદ્્ભુત હોઇ શકે છે એનો અહેસાસ પહેલી વખત થયો! પ્રેમ તમને અલૌકિક અનુભૂતિ કરાવે છે. તમને બધું જ સારું લાગે. આપણને પોતાને પણ થાય કે હું બદલાયો છું. સારો થયો છું, પવિત્ર થયો છું.’ જે અકલ્પ્ય, અલૌકિક કે કલ્પનાતીત હોય એવી અનુભૂતિ માત્ર ને માત્ર પ્રેમમાં જ થઇ શકે! અમુક ક્ષણો હોય છે જ્યારે જિંદગી છલોછલ અને તરબતર બની જાય છે. હાથ છૂટે પછી બધું જ ધડામ દઇને સૂકાઇ જાય છે. એક તરસ, તલસાટ અને તરફડાટ રહી જાય છે. દિલમાં પડેલા ચાસ આંખો અને ચહેરા પર ઊપસી આવે છે. યુવાને કહ્યું કે, ‘એનાં ગયાં પછી એ જ લોંગ ડ્રાઇવ સહન થતી નથી! એ જ રોડ હોય છે, એ જ કાર હોય છે, પણ બધા ઉપર જાણે સન્નાટા અને ઉદાસીની ચાદર ચડી ગઇ છે.’

અમુક વખતે તો ભૂલી જવાનો ઇરાદો પણ હોય છે. કોઇ વાંધો હોતો નથી. કોઇ નારાજગી પણ હોતી નથી. છતાં અઘરું પડતું હોય છે. બે પ્રેમીઓ હતાં. કોલેજમાં હતાં એ સમયે બંનેને પ્રેમ થઇ ગયો. કોલેજ પૂરી થઇ. બંને સમજુ હતાં. બંનેનું સોશિયલ બેકગ્રાઉન્ડ એવું હતું કે, સાથે રહેવું શક્ય બને એમ નહોતું. બગાવત કરીને પણ સુખ મળે એવી શક્યતા બહુ ઓછી હતી. બંનેએ પ્રેમથી એવું નક્કી કર્યું કે, આપણે જુદાં પડી જઇએ. છેલ્લી વખત મળ્યાં ત્યારે નક્કી કર્યું કે, હવે આપણે મળીશું નહીં, વાત નહીં કરીએ, મેસેજ પણ નહીં કરવાના! એકબીજાને હગ કરીને ભીની આંખે બંને જુદા પડ્યાં. બંનેના મનમાં એકબીજા માટે સારા વિચારો જ હતા. એવી જ પ્રાર્થના હતી કે, એ બહુ સુખી થાય. થોડા દિવસ થયા. બંને વચ્ચે વાત કે મેસેજ બંધ હતા. અચાનક એક દિવસ છોકરીએ છોકરાને ફોન કર્યો. છોકરીએ કહ્યું, ‘એક વાત પૂછવી હતી! છોકરાએ કહ્યું, બોલ ને! મને એટલું કહે ને કે તને ભૂલવા મારે શું કરવું? તું મને ભૂલવા માટે શું કરે છે? જ્યારે મને તારી જરૂર પડી છે, ત્યારે તેં મદદ કરી છે, તો આમાંયે થોડીક મદદ કરી દે ને! છોકરાએ કહ્યું, મને યાદ ન કર, મારું સ્ટેટસ જોવાનું બંધ કરી દે, મારા લાસ્ટ સીન ન જો, તારા ફોનમાં મારા કે આપણાં જે ફોટા છે ને એને ડિલીટ કરી દે. ફોટા ખોલીને એને એનલાર્જ કરીને ચહેરાના હાવભાવ નિરખવાનું બંધ કરી દે! છોકરીએ વાત સાંભળીને સવાલ કર્યો કે, તું આવું કરી શકે છે? છોકરાએ કહ્યું, કાશ, હું આવું કરી શકતો હોત! બંનેની આંખો ભીની હતી. એક ઊંડો નિસાસો જાણે જીવ મૂંઝવી નાખતો હતો! બેમાંથી કોઇ વધુ બોલી શકે એમ હતાં નહીં! ‘બાય’ એટલું કહીને ફોન કાપી નાખ્યો! કટ થઇ ગયા પછી પણ કેટલું બધું જોડાયેલું રહેતું હોય છે!

માણસ ક્યારેક તો જે સુખને આડે આવતું હોય એવું પણ ભૂલતો હોતો નથી. એક મોટી ઉંમરના કપલની આ વાત છે. બંનેનાં લગ્ન થયાં પછી પતિને ખબર પડી હતી કે, પત્નીને અગાઉ કોઇની સાથે પ્રેમ હતો. પત્નીએ પણ નિખાલસતાપૂર્વક સાચી વાત કરી દીધી હતી કે, હા, થોડો સમય પ્રેમ હતો. અમને એવું લાગ્યું કે, આપણે સાથે રહી શકીએ એમ નથી પછી અમે પ્રેમથી છૂટા પડી ગયાં હતાં. આ વાતે પતિના મનમાં જાતજાતની શંકાઓ ભરી દીધી. બંને સારી રીતે રહેતાં હતાં, પણ પતિ પત્નીના અગાઉના પ્રેમ વિશે ટોણાં મારતો રહેતો. વર્ષો વીતી ગયા. ઉંમર મોટી થઇ ગઇ. પતિને અલ્ઝાઇમરની બીમારી થઇ. પતિ ધીમે ધીમે બધું ભૂલી જવા લાગ્યો. એને એટલી ખબર પડતી હતી કે, આ જે સ્ત્રી મારી સાથે છે એ મારી કાળજી રાખે છે, મને પ્રેમ કરે છે, મારું ધ્યાન રાખે છે. એ પત્ની સાથે બહુ સારી રીતે પણ વર્તતો. પતિ-પત્ની બેઠાં હતાં. પતિને હવે જૂનું કંઇ યાદ નહોતું. પત્નીને માત્ર એટલો વિચાર આવ્યો કે, જ્યારે જે ભૂલી જવાનું હતું એ ભૂલી ગયો હોત, તો કેટલું સારું હતું!

જે આપણને વેદના આપે, જેનાથી પીડા થાય, જેનાથી ગળામાં ડૂમો બાઝે, જેનાથી નિસાસો નંખાઇ જાય, જેનાથી મગજની નસો તંગ થાય, જેનાથી શ્વાસ થોડોક મૂરઝાઇ જાય અને જેનાથી દિલમાં મૂંઝારો થાય એને ભૂલી જવું બહેતર છે. હા, ભૂલવું એટલું સહેલું હોત તો તો વાત જ ક્યાં હતી એવો સવાલ થાય! પણ અઘરો દાખલોય આખરે ઉકેલવો પડતો હોય છે!

છેલ્લો સીન :

દરેક વખતે બેવફાઇ કે બદમાશી જ નથી હોતી, ક્યારેક મજબૂરી અને લાચારી પણ દીવાલ ઊભી કરવાનું દબાણ સર્જે છે!                 -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 ઓકટોબર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: