રોલ મોડેલ કહેવાનું મન થાય એવા લોકો હવે ઘટતા જાય છે : દૂરબીન- કૃષ્ણકાંત ઉનડકટ

રોલ મોડેલ કહેવાનું મન થાય

એવા લોકો હવે ઘટતા જાય છે

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

જાહેર જીવનના લોકોમાં હવે એ મૂલ્યો જોવા નથી મળતા જેને

આદર્શ માનવાનું મન થાય. ફિલ્મ કલાકારોની જે વાતો બહાર

આવે છે એ સાંભળીને તો એવું થાય કે, એ જ બગડેલા છે.

ફેમસ હોય એ સારા હોય, મશહૂર હોય એ મહાન હોય એવું જરૂરી નથી

*****

હવેની સેલિબ્રિટિઝથી અંજાઇ જવામાં જોખમ છે.

સ્પોર્ટ્સથી માંડીને પોલિટિક્સ સુધીના ક્ષેત્રોમાં રિયલ છે

એના કરતા ભ્રમ ઉપજાવે એવું વધુ છે

*****

તમારા રોલ મોડેલ કોણ છે? તમારી નજર સામે કોનો ચહેરો તરવરે છે જેને આદર્શ માનવાનું મન થાય? એક સમય હતો જ્યારે યંગસ્ટર્સ અમુક લોકોના ફોટા પોતાના પાકીટ કે દફતરમાં રાખતા હતા. ઘરની દીવાલ પર અથવા તો ઓફિસના સોફ્ટ બોર્ડમાં એક-બે તસવીરો લાગેલી હતી. હવેના યંગસ્ટર્સના મોબાઇલ ફોનની ગેલેરીમાં એમને ગમતી સેલિબ્રિટિઝની થોડીક તસવીરો અને કલિપ્સ હોય છે. કોની છે એ તસવીરો? એની લાઇફમાંથી શું શીખવા જેવું છે? કોના આદર્શો, મૂલ્યો, સિદ્ધાંતો અને ગુણો તમને આકર્ષિત કરે છે?

આપણે કોનાથી પ્રભાવિત થઇએ છીએ? એના કરતા પણ મહત્વનો સવાલ એ છે કે, કોઇનાથી શા માટે પ્રભાવિત થઇએ છીએ? એવું એનામાં શું છે જેને અનુસરવાનું મન થાય? અત્યારના સમયમાં યંગસ્ટર્સ ફટ દઇને કોઇને ફોલો કરી લે છે. એમાં કંઇ ખોટું નથી. જસ્ટ ફોર ફન ફોલો કરીએ તો ઇટ્સ ઓકે પણ કોના જેવી લાઇફ જીવવાનું તમને મન થાય છે? કોની મહેનત જોઇને તમને પાનો ચડે છે? કોનું એચિવમેન્ટ જોઇને એવું થાય છે કે, કંઇક બનવું છે? તમને કોઇ એવું કહે કે, અત્યારે જીવતા છે એમાંથી તમે કોઇ એકને રોલ મોડેલ તરીકે પસંદ કરો તો તમે કોને કરો? છે, થોડાક નામ છે પણ એ ગણ્યા ગાઠ્યા છે. એના નામે પણ વળી કોઇને કોઇ વિવાદ તો જોડાયેલા જ છે.

ફિલ્મી દુનિયાથી લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે. ફેશનથી માંડીને લાઇફ સ્ટાઇલ સુધીમાં લોકો જાણે અજાણે ફિલ્મ વર્લ્ડને ફોલો કરે છે. ફિલ્મો જોઇને છોકરીઓને બ્યૂટીફૂલ દેખાવવાનું અને છોકરાવને માચોમેન બનવાના ઓરતા જાગે છે. દરેકના કોઇ ફેવરીટ હીરો હીરોઇન હોય છે. એની વાતો, એની ગોસિપથી માંડીને એની સ્ટાઇલ સુધીમાં બધાને રસ પડે છે. યંગ અને એનર્જેટિક એકટર તરીકે જેની ઓળખ હતી એ સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો. એની પ્રેમિકા રિયા ચક્રવર્તી અત્યારે જેલમાં છે. આ પ્રકરણ બોલિવૂડના ડ્રગ કનેકશન સુધી પહોંચ્યું. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ જેવી હિરોઇનના નામ આવ્યા. વિગતો બહાર આવી એટલે ઘણાને એવું થયું કે, હાય હાય, આ બધા આવા છે? હજુ તો હીરો લોગના નામ બહાર આવ્યા નથી. આમાંથી એકેયને અનુસરવા જેવું નથી. એ બધા એન્ટરટેનર છે, એનાથી એન્ટરટન થાવ અને ભૂલી જાવ. અગાઉના સમયમાં જે લોકો મોટા અને મહાન ગણાતા હતા એનું ઘણું બધું ઢંકાયેલું રહેતું, આજના આધુનિક ટેકનોલોજીના જમાનામાં બધા બહુ ઝડપથી ઉઘાડા પડી જાય છે અને લોકોના ભ્રમ ભાંગીને ભુક્કો થઇ જાય છે. જે મશહૂર છે એને મહાન માનવાની ભૂલ કરવા જેવું નથી.

આપણા દેશના ઓલટાઇમ રોલ મોડેલ કોણ છે? જો એક જ નામ આપવાનું હોય તો મહાત્મા ગાંધીજીનું આપી શકાય. એમાંયે અમુક લોકોને વાંધા પડવાના! આપણે ત્યાં તો ગાંધીજીનું પૂતળું બનાવીને ગોળી મારનારાઓ પણ છે. સ્વામી વિવેકાનંદથી માંડી એપીજે અબ્દુલ કલામ સહિત થોડાક એવા નામો છે જેમને વંદન કરવાનું મન થાય. લોકો મોટાભાગે ક્યા ક્યા ક્ષેત્રમાંથી રોલ મોડેલ પસંદ કરતા હોય છે? ફિલ્મી દુનિયા, રાજકારણ, સ્પોર્ટસ, ઉદ્યોગ જગત, આર્ટ એન્ડ લિટરેચર, ધર્મ, સમાજસેવા જેવા ક્ષેત્રો છે, જેમાં થોડાક બેસ્ટ નામો છે. આખી દુનિયામાં એક સવાલ હંમેશાં પૂછાતો રહ્યો છે કે, રોલ મોડેલ કોણ બની શકે? એનો જવાબ એવો છે કે, એ માણસ રોલ મોડેલ બની શકે જે પોતાના ક્ષેત્રમાં બેસ્ટ હોય અને સાથો સાથ સારો માણસ હોય! આવું કોમ્બિનેશન હવે રેર થતું જાય છે. પોતાના ક્ષેત્રમાં બેસ્ટ ઘણા છે પણ એમાં સારા લોકો ઘટતા જાય છે. આપણા દેશના યંગસ્ટર્સને તો મોટા ભાગે બોલિવૂડ અને ક્રિકેટમાં જ રસ પડે છે. નો ડાઉટ, આ બંનેમાં અમુક સારા લોકો છે પણ એની સંખ્યા ઘટતી જાય છે. ઝાકમઝોળવાળી દુનિયા તો એવી તકલાદી છે કે, જરાકેય હલે ત્યાં બધો જ રંગ અને બહારી તેજ ફટાક દઇને ઉતરી જાય છે અને એક વરવો ચહેરો સામે આવી જાય છે.

હવે એવો બચાવ કરવામાં આવે છે કે, ભાઇ એ પણ માણસ જેવા માણસ છે, એનાથી પણ ભૂલો થાય છે. ભૂલો થાય એ સ્વાભાવિક છે પણ એ ભૂલો એવી હોવી જોઇએ જે ભૂલથી થઇ હોય, દુનિયાના મોટા ભાગના લોકોથી થઇ શકે એવી ભૂલ હોય, એ કરતૂત કે કારનામા ન હોવા જોઇએ. હવે તો જે કોન્ટ્રોવર્સીઓ સામને આવે છે એ સાંભળીને માન ઉતરી જાય અને ક્યારેક એવું પણ થાય કે, કોઇના વખાણ કરવા જેવા નથી!

બુદ્ધિશાળી લોકો આમ તો એટલે જ કહેતા હોય છે કે, તું જ તારો રોલ મોડેલ બન! કોઇને ફોલો ન કર! તારો રસ્તો તું જ બનાવ! આમેય દેશ દુનિયાના જે થોડા ઘણા રોલ મોડેલો થયા છે એ એટલે જ આદરપાત્ર સ્થાન મેળવી શક્યા છે કારણ કે, એણે પોતાનો નવો ચિલો ચાતર્યો હતો. એણે કોઇને ફોલો નહોતા કર્યા. કોઇને રોલ મોડેલ માનીને પછી જ્યારે ભ્રમ ભાંગે ત્યારે છેતરાયાની લાગણી થાય એના કરતા જેનામાં જે સારું હોય એ અપનાવવાનું અને બીજામાં નહીં પડવાનું. તમારા મૂલ્યો, તમારા સિદ્ધાંતો, તમારા આદર્શો તમે જ બનાવો. કોઇની પૂજા કરવા જેવું ક્યાં કોઇ છે? જિંદગીમાં આગળ વધવા માટે શું જરૂરી છે? ધગશ, લગન, પેશન, ઉત્સાહ, સંવેદના, કરૂણા અને સખત મહેનત. ધ્યાન ડાયવર્ટ થાય નહીં એની સમજણ અને જે સિદ્ધ કરવાનું છે એના પરનું ફોકસ. દરેક મહાન માણસ વિશે જાણો, એનામાંથી અપનાવવા જેવી વાતો અપનાવો પણ તમારો રસ્તો તો તમે જ બનાવો. કોઇની પાછળ આંધળા બનવાની કંઇ જરૂર જ નથી. આપણે આંખો ખુલ્લી રાખીએ તો આપણો રસ્તો આપણને મળી જ આવે છે. 

————–

પેશ-એ-ખિદમત

હાએ લોગોં કી કરમ-ફરમાઇયાં,

તોહમતેં બદનામિયા રુસ્વાઇયાં,

જિંદગી શાયદ ઇસી કા નામ હૈ,

દૂરિયાં મજબૂરિયાં તન્હાઇયાં.

-કૈફ ભોપાલી

—————-

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 04 ઓકટોબર 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply