તને ક્યાંથી કહું? તારેય ક્યાં ઓછી ઉપાધિઓ છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ક્યાંથી કહું? તારેય

ક્યાં ઓછી ઉપાધિઓ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સ્પર્શી કે સુંઘી જ શકવાની નથી,

મૂર્તિ પર પુષ્પો ચડાવ્યા ન કરીશ,

કો’ક દિ સામોય થા સંજોગની,

દર વખત આંસુ વહાવ્યા ન કરીશ.

-રમેશ ચૌહાણ

બધા ફિઝિકલ ઇમ્યુનિટીની વાતો કરે છે, પણ મેન્ટલ ઇમ્યુનિટીનું શું? મનની નાજુક રગો તૂટે ત્યારે અવાજ નથી આવતો, ત્યારે અસ્તિત્વનો એટેક આવે છે. શ્વાસ અટકે એના કરતાં પણ શ્વાસ રુંધાય એની વેદના વધુ વસમી હોય છે. મનને પણ ઇમ્યુનિટીનો ડોઝ આપવો પડે છે. દરેક માણસમાં એક સેલ્ફ કાઉન્સેલર જીવતો હોય છે. પોતાની જાતને જ આશ્વાસન આપવું પડતું હોય છે. થોડીક સાંત્વના આપણે આપણી પાસેથી જ મેળવવી પડતી હોય છે. બધું સરખું થઇ જશે. આ સમય પણ ચાલ્યો જશે. ફરીથી ચહેરા પર હાસ્ય આવશે. આંખોમાં થોડુંક તેજ ફરીથી અંજાઇ જશે. સક્ષમ માણસને પણ ક્યારેક ડર લાગવા માંડે છે. એવું ફીલ થાય છે કે મારી અંદર જ કંઇક મરી રહ્યું છે. મરી ગયેલા મનની લાશ લઇને ફરવું અઘરું હોય છે. એક એવો ભાર લાગે છે, જે સહન નથી થતો.

ક્યારેક આપણી આજુબાજુનું વાતાવરણ જ એટલું બોઝિલ બની જાય છે કે આપણને સતત મૂંઝારો લાગે. એક માણસની આ વાત છે. એ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો. એને લાગતું હતું કે, હું તૂટી જઇશ. બરાબર આ જ સમયે એની નજીકની એક વ્યક્તિ મૂંઝાયેલી અને મૂરઝાયેલી હતી. આ ભાઇને એની ખબર પડી. તેને થયું કે, અત્યારે એને મારી જરૂર છે. પ્રોબ્લેમ એ હતો કે, એ પોતે પણ અપસેટ હતો. અમુક સંજોગોમાં આપણે આપણી જાતને કહેતાં હોઇએ છીએ કે, તારે તૂટવાનું નથી. તારે મજબૂત રહેવાનું છે. તું જ જો તૂટી જશે, તો તારા લોકોનું શું થશે? તેણે નક્કી કર્યું કે, હું મારી વ્યક્તિનું ધ્યાન રાખીશ. પોતાની વ્યક્તિ પાસે જઇને કહ્યું કે, ‘એવરીથિંગ વિલ બી ફાઇન. બધું સારું થઇ જશે. કંઇ ચિંતા ન કર. હું બેઠો છું ને!’ આપણે કેટલીક વખત ચહેરા પર ધરાર હાસ્ય લાવતાં હોઇએ છીએ. નાટક ન આવડતું હોય તો પણ આપણે કરતાં હોઇએ છીએ! ઇરાદો માત્ર એટલો જ હોય છે કે, કોઇ ડૂબે નહીં! આપણામાં કહેવત છે કે, ‘ડૂબતો માણસ તરણું શોધે!’ આપણે ક્યારેક કોઇના માટે માત્ર તરણું બનીએ તો પણ કોઇ તરી જતું હોય છે. શબ્દોમાં સંજીવની બનવાની તાકાત હોય છે, એ બસ દિલમાંથી નીકળવા જોઇએ. પ્રેમ, લાગણી, સ્નેહ, કરુણા, આત્મીયતા અને  લગાવમાં ઝબોળીને જે શબ્દો કહેવામાં આવે છે, એમાં ગજબની શક્તિઓ ઉમેરાઇ જાય છે. શબ્દો ક્યારેક એવો આધાર બની જાય છે કે એ કોઇને પડવા દેતા નથી. તૂટતા માણસને માત્ર ટેકાની જરૂર હોય છે.

એક છોકરી હતી. એ ધીમે ધીમે ઉદાસ થતી જતી હતી. તેને સમજાતું હતું કે, ક્યાંય મજા નથી આવતી. સાવ એકલું રહેવાનું મન થાય છે. કોઇની સાથે વાત કરવાની ઇચ્છા થતી નથી. એ સમજુ હતી. તેને થયું કે, સૂનમૂન બેસી રહેવા કરતાં કોઇને વાત કરીશ તો સારું લાગશે. તેને પોતાનો એક દોસ્ત યાદ આવ્યો. તેને થયું કે, ચાલ તેને વાત કરું. ફોન ઉપાડ્યો, પણ બીજી જ ક્ષણે એણે વાત કરવાનું માંડી વાળ્યું. તેને થયું, એ બિચારો પણ અત્યારે ક્રિટિકલ ટાઇમમાંથી પસાર થાય છે. એને વધુ ક્યાં દુ:ખી કરવો? આપણે મજામાં ન હોઇએ એટલે કંઇ બીજાને હેરાન થોડા કરાય? આપણે ક્યારેક આવી રીતે પણ કોઇની દયા ખાતાં હોઇએ છીએ! તેણે તો વાત ન કરી, પણ તેના દોસ્તને ખબર પડી ગઇ કે, મારી ફ્રેન્ડ મજામાં નથી. એ ફ્રેન્ડને મળવા આવ્યો. તેણે કહ્યું, ‘મજામાં નહોતી તો મને કેમ ન કહ્યું? ફ્રેન્ડ્સ ક્યારે કામ લાગવાનાં છે?’ છોકરીએ કહ્યું, ‘તને ક્યાંથી કહું? તારેય ક્યાં ઓછી ઉપાધિઓ છે?’ મિત્રએ કહ્યું, ‘હા, તો શું છે? ઉપાધિઓ છે તો છે, એટલે શું પોતાની વ્યક્તિની વાત નહીં સાંભળવાની? જો દોસ્ત, માણસ ગમે એટલો અપસેટ હોય તો પણ એ અંગત વ્યક્તિની વાત તો સાંભળી જ શકે છે! હસવામાં સાથ ન આપી શકું કદાચ, પણ તારી સાથે થોડોક રડી તો શકું જ છું! આપણા સ્ટડીમાં આવે છે કે, નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થઇ જાય. બનવાજોગ છે કે આવું આપણી સાથે પણ બને. એ પણ શક્ય છે કે, તું મારી નકારાત્મકતા દૂર કરી શકે અને હું તારામાંથી નેગેટિવિટી હટાવી શકું. યાર, ક્યારેક એક નાનકડા ધક્કાની જરૂર હોય છે, એકબીજાથી એ થઇ શકે તો એ નાની વાત નથી. ક્યારેક તો મને એવું લાગે છે કે, આપણે મજામાં ન હોઇએ ત્યારે જે બહુ જ ખુશ અને મજામાં હોય એના કરતાં જે થોડા અપસેટ હોય એ આપણી હાલત વધુ સમજી શકે છે. એ એ જ નાવમાં સવાર હોય છે, જેમાં આપણે હોઇએ. જે મજામાં છે એ તો આપણને વેવલાં કે નબળાં સમજી લે, એવું પણ બનવાજોગ છે. એટલે જ જે અંગત વ્યક્તિ છે એની બહુ ચિંતા કર્યા વગર દિલની વાત કરી દેવાની! મજામાં હોય ત્યારે તું મને યાદ કરે જ છે ને? ત્યારે તો એમ નથી વિચારતી કે, એ ઓલરેડી મજામાં છે, એટલે તેને નથી ડિસ્ટર્બ કરવો! જેની મજાની ચિંતા ન હોય એના ખરાબ મૂડની પણ ઉપાધિ નહીં કરવાની! કહી દેવાનું! તારી હાલત ભલે ગમે તેવી હોય, મારી વાત સાંભળ, કારણ કે મારા માટે તું જ છે. મારો તારા પર એટલો તો અધિકાર છે જ!’ ક્યારેક અમુક અધિકાર જતાવવામાં પણ કશું ખોટું હોતું નથી. મજામાં ન હોઇએ ત્યારે આપણી વ્યક્તિને અવાજ દેવો એ આપણા સંબંધનો અને આપણા સ્નેહનો અબાધિત અધિકાર હોય છે. સંબંધોમાં અમુક અધિકારો આપોઆપ મળી જતાં હોય છે. એમાં જ એક અધિકાર પોતાની વ્યક્તિને પોકારવાનો છે કે, આવ, મારે તારી જરૂર છે!

એક પતિ-પત્ની હતાં. પતિને ઓફિસમાં પ્રોબ્લેમ ચાલતા હતા. ગમે એટલું ધ્યાન રાખે તો પણ કામમાં કંઇ ને કંઇ લોચા થતા હતા. બોસ તતડાવતા રહેતા. એમાં એની વાઇફને ઘરમાં એક ઇશ્યૂ થયો. તેણે પતિને વાત કરી. પતિનું મગજ તો પહેલાંથી જ ઠેકાણે નહોતું! એ તાડુક્યો, ‘તને કંઇ વાત સમજાય છે કે નહીં? તને તારા પ્રોબ્લેમની જ પડી છે? તને ખબર છે કે, હું અત્યારે કેવી ખરાબ હાલતમાંથી પસાર થાઉં છું?’ આ વાત સાંભળીને પત્નીએ કહ્યું કે, ‘હું તમને ન કહું તો કોને કહું?’ પતિને બીજી જ મિનિટે થયું કે પત્નીની વાત સાચી છે. તેણે પત્નીને સોરી કહ્યું. પત્નીએ પછી કહ્યું, ‘તું પણ વાત કરી લે. વાત કરીશું તો હળવા થઇશું, મનમાં ભરી રાખીશું તો ભારે જ રહેવાનાં!’

અમુક વખતે તો આપણી વાત કરવાની થોડીક જુદી અને જાદુઇ અસર પણ થતી હોય છે. એક ભાઇએ પોતાના પ્રોબ્લેમ કહેવા માટે એક સ્વજનને ફોન કર્યો. એણે વાત કરી. સામા પક્ષેથી એવું કહેવાયું કે, ‘તારો પ્રોબ્લેમ તો કંઇ નથી. મારી હાલત તો તારાથી ક્યાંય ખરાબ છે!’ એ પછી એણે એટલા બધા પ્રોબ્લેમની વાત કરી કે પેલા ભાઇને એમ ને એમ સારું લાગવા માંડ્યું કે, મારું દુ:ખ અને મારા પ્રોબ્લેમ તો કંઇ જ નથી! અપસેટ હો, મજા ન આવતી હોય, કોઇને વાત કરવાનું મન થાય તો કહી દો, સામેની વ્યક્તિની ચિંતા ન કરો. એ પોતાની હશે તો ગમે એવી પરિસ્થિતિમાં વાત સાંભળશે જ! એની સાથે એ પણ યાદ રાખવા જેવું છે કે, કોઇ વાત કરે ત્યારે તમે પણ ગમે તેવી હાલતમાં હોવ, એની વાત સાંભળજો!

છેલ્લો સીન :

સંબંધોના પણ થોડાક ‘ઉસુલ’ હોય છે. સૌથી મોટો ઉસુલ એ છે કે, કોઇ સાદ પડે ત્યારે હોંકારો આપવો!                                         -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 30 સપ્ટેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply