સમય સારો હોય કે ખરાબ, પોતાના  લોકો હંમેશાં પડખે જ રહે છે : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

સમય સારો હોય કે ખરાબ, પોતાના

 લોકો હંમેશાં પડખે જ રહે છે

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

સમય માણસની ઓળખ છતી કરી દે છે. આ વાત સો ટકા

સાચી છે. ખરાબ સમયમાં જે દૂર ચાલ્યા જાય છે એ

આપણા હોતા જ નથી. સાચા હોય એ સાથે જ રહે છે

*****

અમિતાભ બચ્ચને કહ્યું કે, આપણા ખરાબ સમયમાં આપણે એકલા

જ હોઇએ છીએ. અલબત્ત, જો સાવ એકલા હોઇએ તો

માણસે વિચાર કરવો જોઇએ કે, આવું કેમ છે?

-0-0-0-0-0-0-

સંબંધની બાબતમાં એક સ્ટેટમેન્ટ બહુ કોમન છે કે, ખરાબ સમયમાં કોઇ સાથે રહેતું નથી. સુખ કે સબ સાથી, દુ:ખ મેં ન કોઇ, જેવી વાતો હંમેશાં થતી જ રહે છે. બધાને પોતાની લાઇફમાં એવા અનુભવો થયા જ હોય છે કે, જ્યારે ખરેખર કોઇની જરૂર હોય ત્યારે કોઇ હાજર હોતું નથી. સમય બદલે એ સાથે લોકો પણ બદલી જાય છે. આપણે જેના માટે ઘણું બધું કર્યું હોય એ પણ ગૂમ થઇ જાય છે. સારા સમયમાં રોજે રોજ આપણને સારું લગાડતા લોકો ખરાબ સમયમાં મોઢું પણ બતાવતા નથી. આવું કંઇ હમણાથી નથી, પહેલેથી જ ચાલ્યું આવે છે. ખરેખર, સાવ આવું જ છે? જો સાવ આવું જ હોય તો પછી પેલું કથન શું ખોટું છે કે, સમય ગમે એવો હોય તો પણ જે લોકો આપણા હોય એ હંમેશાં માટે આપણા જ રહે છે.

આપણે કહીએ છીએ કે, એ વાત પણ સાવ સાચી જ છે. સમય ગમે એવો હોય, આપણે પ્રકાશમાં હોય કે અંધકારમાં, આપણા નામના ઝંડા ફરકતા હોય કે પછી આપણા સિતારાઓ ગર્દિશમાં હોય, અમુક લોકો એવા હોય છે જેનામાં ક્યારેય કોઇ ફેર થતો જ નથી.

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ગઇ તારીખ 25મી ઓગસ્ટ 2020ના રોજ કરેલી એક ટ્વિટે ચર્ચાઓ જગાવી છે. અમિતાભે લખ્યું કે, જીવન કા કડવા સચ, સંઘર્ષ કે સમય કોઇ નજદીક નહીં આતા, ઔર સફલતા કે બાદ કિસી કો આમંત્રિત નહીં કરના પડતા! આ લખાય છે ત્યાં સુધીમાં ત્રણ હજાર જેટલા લોકોએ અમિતાભની આ વાતને રિટ્વિટ કરી છે અને ત્રીસ હજારથી વધુ લોકોએ લાઇક કર્યું છે. 1450થી વધારે લોકોએ કમેન્ટસ કરી છે. મોટા ભાગની કમેન્ટ એવી જ છે કે, બહુ સાચી વાત છે. આવું જ થતું હોય છે. આપણને પણ એવું જ લાગે કે, આ વાત સો ટકા સાચી છે. ઘણા એવું પણ કહે છે કે, ખરાબ સમય, નિષ્ફળતા કે ગુમનામી વખતે આપણે એકલા જ હોઇએ છીએ. ખરાબ સમયમાં આપણી સાથે કોઇ જ ન હોય તો એમાં આપણો પણ વાંક હોય છે. આપણે જો એવા બે-ચાર સાચા સંબંધો પણ ન બનાવી શક્યા હોય તો આપણે પણ વિચારવું જોઇએ કે, આવું કેમ છે?

આપણો સૂરજ ચડતો અને તપતો હોય ત્યારે આપણે કોઇને ઇમ્પોર્ટન્સ ન આપીએ, આપણી નજીકના સાચા અને સારા લોકોને જો હડસેલીએ, પોતાની જાતને કંઇક સમજવા લાગીએ, બીજા બધાને તુચ્છ માનવા લાગીએ તો જ્યારે આપણો સૂરજ આથમતો હોય તેયારે આપણે એકલા જ પડી જવાના છીએ. અમિતાભે આવી વાત કરી પણ અમિતાભની સામે જ ઘણા કલાકારો અને નજીકના લોકોએ એવા આક્ષેપ કર્યા છે કે, અમિતાભ અહસાનફરામોશ છે. જ્યારે જરૂર હોય ત્યારે તે હાજર નથી રહ્યા. ખેર, આપણે અમિતાભની પર્સનલ લાઇફમાં નથી પડવું, આપણે તો ખરાબ સમયમાં કોઇ સાથે નથી હોતું એ વાતને જરાક જુદી રીતે અને થોડીક તટસ્થતાથી વિચારવી છે. આપણી પાસે એવા થોડાક સંબંધો હોવા જ જોઇએ જે ગેરન્ટેડ અને પ્રૂવ્ડ હોય. એવા લોકો હોય જ છે જે આપણને પ્રેમ કરતા હોય, જેને આપણો હોદ્દા, સત્તા, સંપત્તિ, પોપ્યુલારિટી કે પહોંચ સાથે કંઇ જ લાગતું વળગતું હોતું નથી, આપણી પાસે કંઇ હોય કે ન હોય, એ આપણી સાથે જ હોય છે. આપણે એટલી દરકાર રાખવાની હોય છે કે, એવું કંઇ ન કરીએ કે એ લોકો દૂર ચાલ્યા જાય. આપણા લોકોને નજીક રાખવાની જવાબદારી આપણી પણ હોય છે.

ખરાબ સમયમાં કોઇ પડખે નથી હોતું એવી વાત કરતી વખતે થોડુંક એ પણ વિચારવું જોઇએ કે, આપણે કોના ખરાબ સમયમાં એની સાથે હતા? આપણે તો કોઇનો સમય બદલે એની સાથે બદલી નથી જતાને? આપણે જ જો એવું કરતા હોઇએ તો કોઇના માટે આવી વાતો કરવાનો આપણને અધિકાર ખરો? બીજા વિશે બોલવું બહુ સહેલું હોય છે. આપણી જાત ઉપર નજર નાખવી અને નજર રાખવી પણ જરૂરી હોય છે. હું બેઠો છું, આઇ એમ ધેર ફોર યુ ઓલવેઝ, અડધી રાતે અવાજ દેજેને, આવું કહેતી વખતે આપણે કેટલા અવેર હોઇએ છીએ? કોઇના માટે કંઇ ન કરો તો કંઇ નહીં પણ એને ખોટી અપેક્ષાઓ તો ન બંધાવો!

આપણે એવું પણ સાંભળતા અને બોલતા આવ્યા છીએ કે, દરેક સંબંધ એકસ્પાયરી ડેઇટ સાથે આવતા હોય છે. આ એક્સપાયરી ડેઇટ મોટા ભાગે એ જ હોય છે જે દિવસે આપણે હોદ્દો, સ્થાન કે સત્તા ગુમાવીએ છીએ. આવા સંબંધોનો હરખ-શોક પણ કરવો ન જોઇએ. એ સંબંધો એ હોદ્દા અને સત્તા પૂરતા જ હોય છે. જે છૂટી જાય છે એ સાચા સંબંધો હોતા જ નથી, સાચા હોત તો એ છૂટ્યા જ ન હોત! જે સંબંધો આપણા હતા જ નહીં એનો અફસોસ શું કરવો? જિંદગી મજાથી જીવવા માટે ટોળાની જરૂર પણ નથી, બે-પાંચ ખમતીધર સાથ હોય તો જિંદગી જીવવા જેવી જ રહે છે. તમને ખરેખર જરૂર હતી ત્યારે તમારી પડખે કોણ હતા? અત્યારે તમે એની પડખે છો? આપણે પણ ઘણી વખત જે આપણા હોય તેને ભૂલી જઇએ છીએ. એક વાત યાદ રાખવા જેવી છે કે સુખી, ખુશ અને મજામાં રહેવા માટે થોડાક એવા સંબંધો રાખો જેને સમયની કોઇ હવા ન લાગે, આવા સંબંધોની માવજત પણ કરતા રહો, છેલ્લે એ જ સાથે હોવાના છે!

————–

પેશ-એ-ખિદમત

ફાસલે એસે ભી હોંગે યે કભી સોચા ન થા,

સામને બૈઠા થા મેરે ઔર વો મેરા ન થા,

યાદ કર કે ઔર ભી તકલીફ હોતી થી અદીમ,

ભૂલ જાને કે સિવા અબ કોઇ ભી ચારા ન થા.

-અદીમ હાશમી

—————-

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 06 ઓગસ્ટ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: