માણસ કોઇના મોતની કામના કેવી રીતે કરી શકતો હશે? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

માણસ કોઇના મોતની કામના

કેવી રીતે કરી શકતો હશે?

દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

*****

જિંદગી અને મોત ઉપરવાળાના હાથમાં છે એવું આપણે

કહેતાં, સાંભળતાં અને વાંચતાં આવ્યાં છીએ.

આ દુનિયામાં એવા વિકૃત મગજના માણસોની

કમી નથી જે બીજાનું મોત ઇચ્છે છે!

*****

અમિતાભ દવાખાનામાં હતા ત્યારે એક વ્યક્તિએ ટ્વિટ કરી કે,

એ કોરોનાથી મરી જાય તો સારું!

અમિતાભે આવી માનસિકતાનો જવાબ પણ કચકચાવીને આપ્યો!

*****

જન્મ અને મૃત્યુ વિશે હંમેશાં એવું કહેવાતું આવ્યું છે કે, એ બંને ઇશ્વરના હાથમાં છે. આપણો જન્મ ક્યાં થશે એની પસંદગી આપણે કરી હોતી નથી. મૃત્યુનું પણ એવું જ છે. મૃત્યુ ક્યારે, ક્યાં અને કેવી રીતે આવશે તે કોઇ કહી શકતું નથી. મૃત્યુ ડરામણો શબ્દ છે. હું મોતથી ડરતો નથી એવું કહેનારો ભડભાદર પણ જ્યારે મૃત્યુને સામે ઊભેલું જુએે છે, ત્યારે એના મોતિયા મરી જાય છે. આવું થવું પણ સ્વાભાવિક જ છે. સ્વજનનું મૃત્યુ માણસને હચમચાવી દે છે. વાતો તો એવી પણ કરવામાં આવે છે કે, મૃત્યુનો શોક વ્યર્થ છે. ભગવદ ગીતામાં કહ્યું છે કે, આત્મા અમર છે. જે નાશ પામે છે એ શરીર છે. જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામાં શરીરને ત્યજીને નવાં ભૌતિક શરીરને ધારણ કરે છે. આત્માને કોઇ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી. શરીર નાશ પામે છે, આત્મા નહીં. આમ છતાં કોઇ સ્વજન વિદાય લે ત્યારે વસમું તો લાગે જ છે. એનું કારણ એ હોય છે કે, આપણે એ શરીરને ઓળખતાં હતાં, એની સાથે જ વાત કરતાં હતાં. આત્માને આપણે ઓળખતા નથી. છતાં આપણે એવી પ્રાર્થના તો કરીએ જ છીએ કે, ભગવાન એમના આત્માને શાંતિ આપે. દુનિયાના ઘણા ધર્મોમાં પુનર્જન્મની વાતો છે. વેલ, મૃત્યુની ફિલોસોફીની વધુ વાતો કરવી નથી, વાત કરવી છે એવા માણસોની, જે બીજાનું મોત ઇચ્છતાં રહે છે.

દરેક માણસે ક્યારેક ને ક્યારેક પોતાની નજીકના સ્વજનનું મૃત્યુ ઇચ્છ્યું હોય છે, એવું વિવાદાસ્પદ વિધાન એક ફિલોસોફરે કર્યું છે. ઘણા લોકો ગુસ્સામાં એવું કહેતાં હોય છે કે, મરતોય નથી એ કે મરતીયે નથી એ! કોઇના મૃત્યુની કામના કરવી એ એક જાતની વિકૃતિ જ છે. આમ તો એનો કોઇ અર્થ પણ હોતો નથી. એનું કારણ સરવાળે તો એ જ છે કે, કોણ ક્યારે જવાનું છે એ કુદરત જ નક્કી કરે છે. કોઇ શાપ કોઇને મારી નાખતા નથી. બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હમણાં કોરોનાની સારવાર માટે હોસ્પિટલાઇઝ્ડ થયા હતા. કોઇએ અમિતાભ વિશે એવી ટ્વિટ કરી કે, અમિતાભ કોરોનાના કારણે મરી જાય! અમિતાભે ટ્વિટ કરી કે, ‘ઐસી કામના કરને વાલે જો ભી હૈ, ઉસસે ઉનકે ફેન્સ હી નિપટ લેંગે. મૈં તો કહૂંગા ઠોક દો…..કો.’ અમિતાભની આ ટ્વિટ વિશે પણ અનેક ફેન્સે એવી કમેન્ટ કરી હતી કે, તેમણે આવો જવાબ આપવો જોઇતો નહોતો. એકટરે ક્ષમા આપવી જોઇતી હતી. એ પછી અમિતાભે એવું પણ લખ્યું કે, ‘દુર્જનો કે વચન સે સજ્જનો કા ગૌરવ કમ નહીં હોતા, પૃથ્વી કી ધૂલિ સે ઢકે હુએ રત્ન કી બહુમૂલ્યતા કભી કમ નહીં હોતી.’

થોડા દિવસો અગાઉ જ વિદાય લેનારા સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહ સિંગાપોરમાં સારવાર લેતા હતા ત્યારે તેમના મૃત્યુ વિશે અમુક લોકોએ અફવાઓ ફેલાવી હતી. અમરસિંહે એક વીડિયો મેસેજમાં એવું કહ્યું હતું કે, જે મિત્રો મારા મૃત્યુની કામના કરી રહ્યા છે તેઓ આ કામના છોડી દે. ટાઇગર અભી જિંદા હૈ. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, જે મારા મોતની વાતો ફેલાવે છે એને કોટિ કોટિ ધન્યવાદ. જાણીતા લોકોના મોતની અફવાઓ છાશવારે ફેલાતી રહે છે. દિલીપ કુમારથી માંડીને લતા મંગેશકર સુધીના લોકોની આવી વાતો ફેલાઇ છે. આમ તો કોઇના મોતની અફવા ફેલાય ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે, જેના વિશે વાત થઇ એની આવરદા વધે છે. સવાલ એ થાય કે, કોણ આવી વાતો ફેલાવે છે? આવી વાતો ફેલાવવામાં એને શું મજા આવતી હશે? આવું કરવામાં એવા લોકોને સેડેસ્ટિક પ્લેઝર મળે છે. એની પાછળ પણ વિકૃત માનસિકતા કામ કરે છે. અમુક લોકો જેનું કંઇ બગાડી શકતા નથી એના વિશે આવી વાતો કરતા હોય છે. ઇર્ષાળુ માણસ જ્યારે કંઇ કરી શકે એમ ન હોય, ત્યારે જે ટોચ ઉપર હોય એના મૃત્યુની કામના કરે છે.

અમુક લોકો વળી જરાક જુદી રીતે વાત કરે છે. કોઇના મોતની વાત કરતાં પહેલાં એવું બોલે છે કે, ભગવાન એમને સો વર્ષના કરે, પણ હવે એ લાંબું કાઢે એવું લાગતું નથી. એ હવે કેટલું જીવવાના છે? આવી વાતો કરનારા લોકો વિચિત્ર હોય છે. હા, ક્યારેક આપણે એવું પણ બોલતાં હોઇએ છીએ કે, ભગવાન હવે એમને બોલાવી લે તો સારું. પોતાનું સ્વજન કોઇ બીમારીના કારણે ખૂબ જ રીબાતું હોય ત્યારે માણસથી આવું બોલાઇ જાય છે. એનો ઇરાદો એવો જ હોય છે કે, એમને અસહ્ય પીડામાંથી મુક્તિ મળે. બહુ રીબાઇને કોઇ વિદાય લે ત્યારે પણ એવું બોલાતું હોય છે કે, આમ તો એ છૂટ્યા. બહુ હેરાન થતા હતા. ઘણી વખત કોઇની બદમાશીની વાત સાંભળે ત્યારે પણ લોકો એવું બોલતાં હોય છે કે, આવા લોકો તો મરી જવા જોઇએ. આવું બધું થતું હોય છે. સાચી વાત તો એ છે કે, કોઇનું મૃત્યુ ક્યારેય ઇચ્છવું ન જોઇએ. આપણે ઇચ્છીએ એમ થવાનું પણ નથી. કોઇના મોતની વાત કરીએ ત્યારે એને તો કંઇ થવાનું નથી, પણ આપણે મપાઇ જઇએ છીએ. આપણી માનસિકતા છતી થાય છે. જે બીજાના સુખ અને સુંદર જિંદગીની કામના કરે છે એ જ સાચા અને સારા લોકો છે.

પેશ-એ-ખિદમત

બદલ ગઇ હૈ કુછ ઐસી હવા જમાને કી,

કિ આમ હો ગઇ આદત નજર ચુરાને કી,

યે બાત કાશ સમઝતે સભી ચમનવાલે,

ચમન લુટા તો નહીં ખૈર આશિયાને કી.

-નજીર સિદ્દીકી

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 09 ઓગસ્ટ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: