હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હળવાશ નહીં હોય તો

જિંદગી ભારે જ લાગવાની!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ઊગતો સૂર્ય છું ડૂબતી રાત છું,

જીવતા જાગતા શ્વાસની ઘાત છું,

શાંત ચિત્તે કદી ધ્યાન જો હું ધરું,

એ ક્ષણે લાગતું હું જ ઉત્પાત છું.

-વારિજ લુહાર

ઉદાસી, ઉચાટ, ઉશ્કેરાટ અને ઉન્માદ ઉત્સાહ અને ઉષ્માને ઓગાળી દે છે. દિલ પર ચાસ પડે ત્યારે ચહેરો ચીમળાઇ જતો હોય છે. અરીસામાં ચહેરો જોતી વખતે આપણે એવું વિચારીએ છીએ કે, મારા ચહેરા પર કેટલી તાજગી છે? અરીસો ખોટું નથી બોલતો. આપણને અરીસાની ભાષા વાંચતાં આવડવી જોઇએ. અરીસો માત્ર બહારનું દૃશ્ય બતાવે છે. એના પરથી આપણે આપણા અંદરના ચિત્રને ઓળખવાનું અને પારખવાનું હોય છે. અરીસો તટસ્થ છે. એ કોઇની ફેવર કરતો નથી. એ તો જેવું હોય, એવું બતાવી દે છે. અરીસાને લોખંડની ફ્રેમથી મઢો કે સોનાની ફ્રેમથી શણગારો, એ બદલાતો નથી. અરીસો કહે છે કે, માત્ર બહાર નજર ન નાખ, થોડું અંદર પણ જો. ચહેરો બગડે તો આપણે મેકઅપ કરીએ છીએ, અંદર જે ડાઉન હોય છે, એને અપ લાવવા આપણે શું કરીએ છીએ? એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું, ‘કાશ, અંદરનું પ્રતિબિંબ બતાવે એવું પણ કોઇ સાધન હોત!’ સંતે કહ્યું, ‘છે ને! એવું સાધન પણ છે. આપણા ચહેરા જેવું જીવતું-જાગતું સાધન તો આપણને ઇશ્વરે આપ્યું જ છે!’ ચહેરો ચાડી ફૂંકી છે. ચહેરો વાચાળ છે. એ બધું બોલી દે છે. આપણે બહેરાં થઇ જઇએ તો ચહેરાની ભાષા ક્યાંથી સાંભળી શકવાનાં? જેને પોતાનો અને પોતાની વ્યક્તિનો ચહેરો વાંચતાં આવડે છે એ ખરા અર્થમાં એજ્યુકેટેડ છે! જિંદગી જીવવાના શાસ્ત્રોથી ડિગ્રી મળતી નથી. એ તો જિંદગી પરથી જ સમજાઇ જાય છે કે, તમે પાસ છો કે નાપાસ!

હળવાશ એ જિંદગીને ધબકતી રાખવાની સંજીવની છે. એ સંજીવની આપણી અંદર જ છે. મજા, આનંદ, સુખ અને શાંતિ આપણે બહાર શોધતાં ફરીએ છીએ. એને બહાર નહીં, અંદર શોધવાની હોય છે. જિંદગી તો સહજ અને સરળ જ છે. આપણે જ તેને અઘરી બનાવી દઇએ છીએ!

એક પ્રોફેસરની આ વાત છે. તેમની કોલેજના સ્ટુડન્ટ્સ પાસે એવો અભિપ્રાય માંગવામાં આવતો હતો કે બેસ્ટ પ્રોફેસર કોણ છે? કોની પાસે ભણવામાં તમને સૌથી વધુ મજા આવે છે? આ પ્રોફેસર ટોપ ઉપર હતા. બધાં જ વિદ્યાર્થીઓએ કહ્યું કે, ‘એમની સાથે અમને સૌથી વધુ મજા આવે છે.’ કોલેજના સ્ટાફની મીટિંગ બોલાવાઇ. બધાં પ્રોફેસર્સ હાજર હતાં. પ્રિન્સિપાલે પેલા પ્રોફેસરને કહ્યું કે, ‘તમારામાં એવી તે શું વાત છે, જેનાથી બધાં વિદ્યાર્થીને તમારી સાથે મજા આવે છે?’ આ પ્રોફેસરે કહ્યું, ‘આમ તો ખાસ કંઇ નથી. આ કોલેજમાં મારા કરતાં પણ વધુ હોશિયાર અને વધુ સારી રીતે ભણાવતા પ્રોફેસરો છે. મારામાં જે ફેર છે એને ભણતર સાથે કંઇ લાગતું-વળગતું નથી, પણ ગણતર સાથે સીધો સંબંધ છે! આ વર્ષે જ્યારે નવો ક્લાસ આવ્યો ત્યારે મેં દરેક વિદ્યાર્થીના ચહેરા વાંચવાનો પ્રયાસ કર્યો. બધા ઉદાસ અને  હતાશ હતા! મેં ભણાવવાની શરૂઆત એની ઉદાસી, આશા અને કંટાળાને ખંખેરવાથી કરી. પહેલાં બધાને જિંદગીની વાત કરીને હળવા કર્યાં અને પછી ભણાવવાનું શરૂ કર્યું! મારે એ લોકોમાં કંઇક સારું ભરવું હતું, એના માટે જરૂરી એ હતું કે જે નઠારું છે એને પહેલાં હટાવી દઉં! બસ, કદાચ આ જ કામ વિદ્યાર્થીઓને ગમ્યું! એ જ મને અને તેમને નજીક લાવ્યું!’ કોઇ તમારી વાત સમજે, માને, સ્વીકારે અને અનુસરે એ માટે સૌથી પહેલાં વાતાવરણ સર્જવું પડતું હોય છે1’

મન ક્યારેક તો અશાંત થવાનું જ છે. મન કેવું રહે છે એનો આધાર આપણી સાથે બનતી ઘટનાઓ ઉપર છે. ક્યારેક આપણને ન ગમતી, અઘટિત કે અયોગ્ય ઘટના બને ત્યારે મન મુંઝાવાનું જ છે, ઉદાસી ફીલ થવાની જ છે! એક છોકરી હતી. એ અપસેટ રહેતી હતી. એક વખત એ એક ફિલોસોફર પાસે ગઇ. ફિલોસોફરે કહ્યું કે, ‘તારા મનમાં જે ઉદાસી. ઉદ્વેગ છે એને હટાવી દે.’ છોકરીએ સવાલ કર્યો કે, ‘એવું તો કેમ બનવાનું છે કે આપણને કોઇ વાતની અસર ન થાય? કંઇક ખરાબ બને તો દિલ તો દુભાવાનું જ છે ને?’ ફિલોસોફરે કહ્યું, ‘હા, દિલ તો દુભાવાનું જ છે. દિલ જો ન દુભાય તો સમજવું કે કંઇક પ્રોબ્લેમ છે. આપણે માણસ છીએ. માણસને થાય એ બધી જ અસરો આપણને થવી જ જોઇએ. કોઇ ખરાબ ઘટના બને એટલે ઉદાસી આવે છે. આપણે ધ્યાન બસ એટલું જ રાખવાનું કે, ઉદાસીને એ ઘટના પૂરતી જીવીને તેને હટાવી દેવી. એને પાળી-પોષીને મોટી થવા ન દેવી. આપણે નાહ્યા પછી ટુવાલથી શરીરને સૂકવીએ છીએ. આવું જ જિંદગી સાથે કરવાનું હોય છે. જે ભીનું થાય છે એને સૂકવી દો, જે સુકાઇ જાય છે એને તાજું કરી દો. ઉદાસી એવી ચીજ છે કે એને જો હટાવીએ નહીં, તો એ વધુ ને વધુ કાળી અને ઘેરી થતી જાય છે. એક સમયે એ એટલી ઘેરી થઇ જાય છે કે આપણે જ એમાં ઘેરાઇ જઇએ! અંધારું એટલું થઇ જાય છે કે પ્રકાશને રસ્તો જ નથી મળતો!’

નોઝ લીક થાય એટલે આપણે તરત જ શરદીની સારવાર કરાવીએ છીએ. ચહેરાની નસો તંગ થાય છે, ત્યારે આપણે કંઇ કરીએ છીએ ખરાં? આપણને એમ કેમ નથી થતું કે, થોડીક નસો તંગ લાગે છે એને થોડીક હળવી કરીએ. જે કંઇ વધુ ને વધુ તંગ થતું હોય છે એ છેલ્લે તૂટી જતું હોય છે. જિંદગીને સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટની જેમ રાખવી જોઇએ. તારને એટલો જ તંગ રાખવો, જેનાથી સુમધુર સંગીત વહેતું રહે! જે ભારે લાગતું હોય એ ખંખેરી નાખો! આપણે ભીના કપડાં પહેરતાં નથી, પણ ભારેખમ ઉદાસીને ઓઢી રાખીએ છીએ. આપણી જાત પ્રત્યે આપણી સૌથી મોટી જવાબદારી હોય છે અને એમાં સૌથી મોખરે છે પોતાની જાતને હળવી રાખવી! આપણે જાત પ્રત્યેની આપણી ફરજ કેટલી બજાવીએ છીએ?

છેલ્લો સીન :

જિંદગીના સૌંદર્યને માણવું છે? તો માત્ર બહાર નહીં, અંદર પણ બધું ઠીકઠાક ગોઠવતાં શીખી જાવ!                                           –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 05 ઓગસ્ટ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “હળવાશ નહીં હોય તો જિંદગી ભારે જ લાગવાની! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: