મને એકલા પડી જવાનો બહુ ડર લાગે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને એકલા પડી જવાનો

બહુ ડર લાગે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

નિજના તમામ દોષને આગળ ધરી ગયા,

એના ગુનાઓ એમ અમે છાવરી ગયા.

લો દાઢ ગઈ, દંશ ગયા, દંશવું ગયું,

ઉત્પાત બધા ઝેરની સાથે ઝરી ગયા.

-ધ્રુવ ભટ્ટ

માણસ એકલો જન્મે છે, એકલો મરે છે, પણ એકલો રહી શકતો નથી. જન્મ પછી નાળથી છૂટો પડેલો માણસ સતત કોઈની સાથે જોડાવવા મથતો રહે છે. અમુક સાથ અને અમુક હાથ આપણને ગમવા લાગે છે. એ દૂર જાય ત્યારે ધ્રાસ્કો પડે છે. ઘરે આવેલાં સ્વજન જ્યારે પાછા જતાં હોય ત્યારે તેને રોકવા બાળક ધમપછાડા કરે છે. જવાના હોય એ ચાલ્યા જ જાય છે. જિંદગીમાં પણ આવું થતું જ રહે છે. જવાના હોય એ રોકાતા નથી. અટેચ અને ડિટેચ થવાની પ્રક્રિયા આખી જિંદગી સતત ચાલતી રહે છે. થોડા દિવસ અપસેટ રહીએ છીએ પછી આપણે પાછા આપણા રૂટિનમાં ગોઠવાઈ જઈએ છીએ.

અમુક વિદાય આપણે પણ સ્વીકારી લેતા હોઈએ છીએ. આપણને અઘરું લાગે, પણ આપણને ખબર જ હોય છે કે હવે છૂટા પડવાનું છે. કોલેજ પૂરી થઈ એટલે હોસ્ટેલમાં સાથે રહેતા મિત્રોએ છૂટા પડતા પહેલાં એક પાર્ટી રાખી. બધાએ થોડું-થોડું બોલવાનું હતું. વારાફરતી દરેકે હોસ્ટેલની વાતો વાગોળી. ઘણાની આંખો ભીની થઈ ગઈ. એક છોકરાનો વારો આવ્યો. એ થોડોક રિયાલિસ્ટિક હતો. તેણે કહ્યું, બસ આપણે કાલે જુદા પડી જશું. બધાએ વોટ્સએપનું એક ગ્રૂપ બનાવ્યું છે. થોડો સમય આ ગ્રૂપ ધમધમતું રહેશે. ધીમે ધીમે મેસેજીસ ઓછા થશે. એક સમયે એ ગ્રૂપ ફોનમાં પાછળ ધકેલાઈ જશે. આપણા બધાના નવા મિત્રો બનશે. આપણે એકબીજાથી દૂર દૂર જતા રહીશું. ક્યારેક કોઈ ઉત્સાહી જીવ ‘રિયુનિયન’ની વાત કરશે. બધા આવી નહીં શકે. થોડાક લોકો ભેગા થશે. મજા કરશે. વાતો વાગોળશે. છૂટા પડશે. આ જ જિંદગી છે. આ યુવાનની વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું, તારી વાત સાવ સાચી છે. દૂર તો જવાનું જ છે, પણ સાથે જીવ્યા છીએ એ તો સાથે રહેવાનું છે ને? ક્યારેક કોઈક મળી જશે ત્યારે જૂનો સમય થોડીક વાર તો જીવતો થશે ને? પેલા મિત્રએ કહ્યું, હા આપણે સહુ એવું આશ્વાસન લેશું કે આપણે સરસ જિદંગી જીવ્યા હતા! આશ્વાસન પણ ક્યારેક આનંદ આપતું હોય છે. તમારા ફોનમાં ‘રિયુનિયન’વાળું એકાદું ગ્રૂપ તો હશે જ!

એક યુવાનની આ વાત છે. એક દિવસે તેણે કોલેજના રિયુનિયન પછી બનાવેલું ગ્રૂપ લેફ્ટ કરી દીધું. બધા વાહિયાત વાતો કરે છે. નક્કામા મેસેજીસ મોકલે છે. એ બધા તો નવરાં છે. બધાની વિચારસરણી પણ વિચિત્ર છે. એકબીજાને ઉતારી પાડવાની રમત જ ચાલે છે. બે-ચાર તો થોડાક આગળ વધી ગયા એમાં પોતાની જાતને સમથિંગ સમજવા લાગ્યા છે. આવું વિચારતી વખતે આપણે એ નથી વિચારતા કે, હું શા માટે આવું કરું છું? હું છોડી દઈશ એ પછી બીજા લોકોને એમ જ થવાનું છે કે, એ પોતાની જાતને કંઈક સમજતો હતો! આવાં ઘણાં ગ્રૂપો ધીમે-ધીમે વિખેરાઈ જાય છે. એડમિનને થાય છે કે, આ બધાને ક્યાં ભેગા કર્યા? આના કરતાં તો જુદા હતા અને ક્યારેક મળતા હતા ત્યારે મજા આવતી હતી! સતત સાંનિધ્ય પણ ક્યારેક અળખામણું લાગવા માંડતું હોય છે! હવે ચેટિંગમાં પણ માણસને સ્પેસ જોઈતી હોય છે. ઇમ્પોર્ટન્સ જોઈતું હોય છે. આપણે એવું ઇચ્છીએ છીએ કે, મને રિસ્પોન્સ મળે. એક યુવાને ગ્રૂપમાં ફોટો મૂક્યો. કોઈએ એ ફોટા વિશે કંઈ અભિપ્રાય કે જવાબ જ ન આપ્યો. એણે એ ગ્રૂપ છોડી દીધું. તેના મિત્રએ કારણ પૂછ્યું. તેણે કહ્યું, કોઈને ક્યાં કંઈ ફેર પડે છે? આપણને રિસ્પોન્સ જ ન આપે એવું થોડું ચાલે? હવે ગ્રૂપના મામલે ગ્રૂપની બહાર પણ ખટપટ થવા લાગી છે. સંબંધોમાં ગણતરીઓ થવા લાગી છે. ‘લાઇક’ના વ્યવહારો થઈ ગયા છે, કમેન્ટ કોઈ કરે તો જ આપણે કરવાની, કમેન્ટમાં પણ શું અને કેટલું લખ્યું છે એનો હિસાબ આપણે માંડવા લાગ્યા છીએ.

આપણી જિંદગીમાં લોકો આવે છે અને જાય છે. રોકવા હોય એ રોકતા નથી અને દૂર જાય એવું ઇચ્છતા હોઈએ એ ચીપકીને રહે છે. સંબંધની આ જ વિડંબના છે અને કદાચ મજા પણ એ જ છે! જિંદગીની સૌથી મોટી કરુણતા કઈ છે એ ખબર છે? આપણી જિંદગીમાંથી માત્ર ને માત્ર એક વ્યક્તિ જાય અને આપણને એકલું લાગવા માંડે છે! એ જાય અને જાણે સાવ એકલા થઈ ગયા હોઈએ, કોઈ ન હોય એવું ફીલ થાય! દરેકની જિંદગીમાં એક વ્યક્તિ એની દુનિયા હોય છે. એનું સર્વસ્વ હોય છે. આપણી જિંદગી એની ધરીની ફરતે જ ઘૂમતી રહે છે. એનાં વખાણ વહાલાં લાગે છે. એનો ઓપિનિયન મેટર કરે છે. એની ટીકા વસમી લાગે છે. એના સાંનિધ્યમાં સ્વર્ગનો અહેસાસ થાય છે. એ ન હોય ત્યારે બધું ખાલી-ખાલી લાગે છે. અમુક માણસ જાય ત્યારે આખું શહેર સાથે લઈ જતો હોય છે. એના વગર દરેક ગલીઓ સૂની લાગે છે. એના વગર આખું નગર ભેંકાર ભાસે છે.

દરેકના મનમાં એક ભય ક્યારેક ને ક્યારેક જીવતો થઈ જાય છે કે, હું એકલો કે એકલી પડી જઈશ તો? એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીને સતત ડર લાગે કે, આને કંઈક થઈ જશે તો? પોતાની પ્રિય વ્યક્તિના મરી જવાનો ડર દરેકને ક્યારેક તો લાગ્યો જ હોય છે! પોતાની વ્યક્તિના મોતના ભયમાં જે પ્રેમ છુપાયો છે એની તીવ્રતા અને ઉગ્રતા ગજબની હોય છે. પ્રેમ ડર ઊભો કરે છે. પોતાની વ્યક્તિને ગુમાવી દેવાનો ડર, એકલા પડી જવાનો ડર અને એના વગર જિંદગી સામે ઊભા થનારા સવાલોનો ડર! ઘણી વખત તો આવા ડરને કારણે આપણે વર્તમાનને પણ માણી શકતા નથી!

એક પતિ-પત્નીની આ વાત છે. બંને એકબીજાને બહુ પ્રેમ કરે. એક સમયે પત્નીએ કહ્યું કે, મારે એક વાત તને કરવી છે. પતિએ કહ્યું, બોલને! પત્નીએ કહ્યું, મને ડર લાગે છે કે તને કંઈ થઈ જશે તો? એકલા પડી જવાનો મને બહુ ડર લાગે છે! પતિએ હળવેકથી તેને આલિંગનમાં લઈને કહ્યું કે, તારા ડરને ખંખેરી નાખ! એકલા પડી જવાના વિચાર નહીં કર. જો તને એવા વિચાર આવે તો સાથોસાથ એ પણ વિચાર કે આની સાથે જિંદગી જીવવાની કોઈ ક્ષણ વેડફવી નથી. આમ તો તારો ડર એ સારો પણ છે. માણસ ક્યારેય એ વિચારતો જ નથી કે, તેની સાથે જે વ્યક્તિ છે એ ન હોય તો શું થાય? માણસ ઝઘડતો રહે છે. એ સમયે એને ક્યારેય એવું નથી થતું કે, હું આની સાથે મજાથી જિંદગી જીવવાનો સમય વેડફું છું!

જિંદગીમાં અમુક ક્ષણો એવી પણ આવતી હોય છે જ્યારે સર્વસ્વ પ્રાપ્ત કરી લીધું હોય એવો અહેસાસ થાય. ઘણાના મોઢે આપણે એવું સાંભળ્યું હોય છે કે હવે મોત આવી જાય તો પણ કોઈ પરવા નથી! મોતની વાત દૂર રાખો, જિંદગી આવી જાય એની આપણને કેટલી પરવા હોય છે? એક પ્રેમી-પ્રેમિકાએ પોતપોતાનાં ઘરે મેરેજ માટે વાત કરી. બંનેનાં માતા-પિતાએ હા પાડી દીધી! બંને માટે આ ક્ષણ સ્વર્ગ મળી ગયા જેવી હતી. એવું લાગતું હતું કે બધું જ મળી ગયું. બંનેને એક મિત્રએ કહ્યું કે, આજે તમને જે ફીલિંગ થાય છે ને એ એક ડાયરીમાં નોંધી લો! અમુક ફીલિંગ, અમુક અહેસાસ, અમુક અનુભૂતિ આપણને જિંદગીમાં ક્યારેક જ થતી હોય છે. એ અહેસાસ ઓગળી પણ જતો હોય છે. મિત્રએ કહ્યું, કોઈ સમયે જ્યારે અનુભૂતિ ઓગળશેને ત્યારે તેને ફરીથી સુદૃઢ બનાવવા કામ લાગશે. જિંદગીની અમુક અનુભૂતિને માણસે જાળવી રાખવી જોઈએ, બને તો પોતાનામાં જીવતી રાખવી જોઈએ!

તમારી જિંદગીમાં કોઈ એવું છે જે જાય તો તમને એકલું લાગવા માંડે? એ વ્યક્તિની તમને કેટલી કેર છે? એ વ્યક્તિને જાળવી રાખજો. એ આપણી જિંદગીનું કેન્દ્ર હોય છે. ઘણી વખત હોય ત્યારે આપણને એનું મૂલ્ય સમજાતું નથી, એ ન હોય ત્યારે આપણું બધું લૂંટાઈ જતું હોય છે. પોતાની વ્યક્તિને જતનપૂર્વક જાળવવી એ પ્રેમ કરવાની જ એક રીત છે. બધા આપણા હોતા નથી, આપણા હોય એની આપણને કેટલી કદર હોય છે? જેના વગર એકલું પડી જવાનો ડર લાગતો હોય એને પ્રેમ કરવાની એકેય ક્ષણ જતી ન કરવી એ જ ખરો પ્રેમ છે!

છેલ્લો સીન :

કેવું છે નહીં? આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સામે જ આપણને દુનિયાભરના વાંધા હોય છે! જ્યાં પ્રેમ શોધવાના હોય ત્યાં આપણે પ્રોબ્લેમ શોધતા હોઈએ છીએ!                            -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 માર્ચ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

2 Comments

  1. લખાણ પર થી એવું લાગે છે કે વોટ્સઅપ ગ્રુપ નો પણ ઉંડો અભ્યાસ કર્યા પછી નીચોડ રજુ કર્યો છે.

Leave a Reply