મારા ઘરના બધા લોકો બહુ જ વિચિત્ર છે! ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારા ઘરના બધા લોકો

બહુ જ વિચિત્ર છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આંખ છે, ક્યારેક ભીની થાય, ચૂવે પણ ખરી,

હા, પરંતુ જીવતા હોવાની નક્કર ખાતરી,

તું જૂનાં સૌ કાટલાં લઈ એ જ રસ્તા માપ્યા કર,

હું તો ક્યાંયનો ક્યાંય નીકળી જઈશ ચીલો ચાતરી.

-સંજુ વાળા

માણસને માણસ સાથે કાયમનો પનારો હોય છે. આપણને ક્યારેક એકલા રહેવાનું મન થાય. એવું લાગે કે, હમણાં કોઈની સાથે કંઈ વાત કરવી નથી. કોઈ માણસ કાયમ માટે એકલો રહી ન શકે. અમુક લોકો તો પોતાના ઘરમાં જ એકલા રહી શકતા નથી. અમુક લોકો ‘માણસભૂખ્યા’ હોય છે. સાંનિધ્યની પણ એક ભૂખ હોય છે. સંવેદનાની પણ એક તરસ હોય છે. પોતાની વ્યક્તિ જ્યારે ઘરે ન હોય ત્યારે આવી તરસ વર્તાતી હોય છે. તરસ માત્ર ગળાની નથી હોતી, દિલની પણ હોય છે. હોંકારાની પણ તરસ હોય છે. હોંકારો આપવાવાળું કોઈ ન હોય ત્યારે તરસ તરડાઈ જાય છે. એકાંત પણ ક્યારેક પોતાની વ્યક્તિ સાથે જ સર્જાતું હોય છે. તારા વગરનું એકાંત એકલતામાં ફેરવાઈ જાય છે. તું હોય છે ત્યારે જ મને એવું લાગે છે કે, હું મારી સાથે છું. તારો અભાવ ખાલીપો સર્જે છે. શાંતિ પણ સૂસવાટા જેવી લાગે છે. કંઈ ભાવતું નથી, કંઈ ફાવતું નથી, કંઈ ગમતું નથી. બધું ભમતું હોય એવું લાગે છે. તારી હાજરીથી આખું ઘર છલોછલ લાગે છે. પાણી સુકાઈ જાય પછી જમીન તરડાઈ જાય છે. તું જાય પછી પણ કંઈક એવું જ થાય છે. તરવરાટ તરફડાટમાં બદલાઈ જાય છે.

ઘરમાં પગ મૂકું ત્યારે એવું લાગે છે જાણે મારા સ્વર્ગમાં પગલું ભર્યું. બે કે ત્રણ રૂમનું આ સ્વર્ગ આપણું છે. ઘરના દરવાજાની બહાર બધી જ અશાંતિ ખંખેરી નાખું છું. ઉદાસી અંદર પ્રવેશી ન જાય એની સાવચેતી રાખું છું. આપણા ઘરની દીવાલો જીવતી છે. આપણા હાસ્ય સાથે દીવાલો પણ મરકે છે. એક તેજ દીવાલો પર ઝળકે છે. ક્યારેક ડર લાગી જાય છે કે, ક્યાંક કોકની નજર લાગી ન જાય! સુખના ડરને પણ ખંખેરવો પડે છે. એવું થાય છે કે, આ ડરને પણ ઘરમાં તો નથી જ ખંખેરવો! મારા ઘરના દરેક ખૂણા પવિત્ર છે. મારે ભય, ડર, ઉદાસી, નારાજગી, ગુસ્સા, ઝઘડા કે અબોલાથી તેને અભડાવવા નથી. મારે બધું સાફ જોઈએ છે. તારા દિલ જેવું સાફ, આપણા મન જેવું ચોખ્ખું અને આપણા અસ્તિત્વ જેવું સ્વચ્છ!

ઘર માત્ર કપડું મારીને સાફ નથી થતા. પવિત્રતા પ્રેમથી સર્જાઈ છે. ઘણાં ચોખ્ખાં ઘરમાં પણ સન્નાટો વર્તાતો હોય છે. શાંતિ અને ખામોશીમાં મૌન અને ચુપકીદી જેટલો ફર્ક છે. કંઈ બોલી ન શકાય કે કંઈ બોલવાનું મન થાય એ મૌન નથી. કહેવા જેવી વાત હોય તો પણ કહેવાનું મન ન થાય એ સંબંધની કરુણતા છે. અમુક ઘરો નિયમોથી જકડાયેલા હોય છે. જકડાયેલું હોય એ ઝડપથી જડ થઈ જાય છે. નિયમો તો જેલના હોય, ઘરના નહીં. નિયમો લાદી દેવામાં આવે ત્યારે ઘર પણ જેલ જેવાં બની જતાં હોય છે. જેને પોતાના ઘરમાં મુક્તિ લાગતી નથી એ ક્યારેય આઝાદીનો અહેસાસ ન માણી શકે. એક છોકરી હંમેશાં હસતી-ખેલતી રહેતી. કાયમ મજામાં જ હોય. તેની બહેનપણીએ એક વખત પૂછ્યું, તું આટલી મુક્ત કેવી રીતે રહી શકે છે? એ છોકરીએ કહ્યું, મારા ઘરમાં એક આકાશ છે. જ્યાં મને ઊડવા મળે છે. મને મારી રીતે જીવવાની છૂટ મળે છે. આકાશ ન હોય ત્યાં સંકળાશ લાગે છે. આકાશનો અભાવ શૂન્યાવકાશ સર્જે છે. આકાશ હોય તો જ મોકળાશ લાગે. તમારા ઘરમાં તમારું આકાશ છે? ઘણાં ઘરમાં આકાશ હોય છે, પણ ઊડવાની છૂટ હોતી નથી. પંખીના પગ બાંધી દો તો પછી આકાશ ગમે એવડું વિશાળ હોય તો પણ કોઈ ફર્ક પડતો નથી!

એક વખત એક ગરીબ બાળક રાજાના મહેલમાં ગયો. ભવ્ય મહેલ જોઈને એ આભો બની ગયો. બાળકને થયું કે, આવડો મોટો મહેલ! મારું ઘર તો સાવ નાનકડું છે. બાળકે રાજાને સવાલ કર્યો. આવડા મોટા મહેલની શું જરૂર પડે છે? સૂવાનું તો એક જ રૂમમાં હોય છે? બાળકની વાત સાંભળીને રાજાએ જવાબ આપ્યો. રાજાના દિલમાં વિશાળતા જોઈએ. આ વિશાળ મહેલ મને વધુ વ્યાપક બનાવે છે. રાજાના દિલમાં દરેકનું હિત હોવું જોઈએ. વિશાળતા તમને વ્યાપક બનાવે છે. રાજાની વાત સાંભળીને બાળક હસવા લાગ્યો. રાજાએ હસવાનું કારણ પૂછ્યું. બાળકે કહ્યું કે, અમે તો એક રૂમમાં રહીએ છીએ. મારા પિતાનું દિલ તોયે વિશાળ છે. એ બધાનું ભલું ઇચ્છે છે. કોઈનું ખરાબ વિચારતા નથી. એ તો મને એવું શીખવે છે કે, દિલ વિશાળ હોવું જોઈએ, ઘર નાનું કે મોટું હોય, ઝૂંપડું કે મહેલ હોય એનાથી કોઈ ફેર પડતો નથી. મને સમજાતું નથી કે તમે સાચા કે મારા પિતા સાચા?

રાજાએ બાળકના માથે હાથ ફેરવીને એક અનુભવ કહ્યો. રાજાએ કહ્યું, હું એક વખત જંગલમાં ફરવા ગયો હતો. જંગલમાં ઝૂંપડું બાંધીને એક ફકીર રહેતો હતો. મેં ફકીર સાથે વાતો કરી. એની વાતોમાં આખા જગત પ્રત્યેનો પ્રેમ વ્યક્તો થતો હતો. એની વાતો વ્યાપક અને વિશાળ હતી. મારા કરતાં પણ વધુ વિશાળ એના વિચારો હતો. એ પછી મને જે વિચાર આવ્યા એમાં તારા પ્રશ્નનો જવાબ છે. અમુક ઘરો દીવાલો ભેદીને વિસ્તરી જતાં હોય છે. આવું થાય ત્યારે આખી દુનિયા આપણું ઘર બની જતી હોય છે. દુનિયાનો દરેક માણસ સ્વજન બની જાય છે. એના માટે સંતની કક્ષાએ પહોંચવું પડે છે. આખી દુનિયા આમ તો ઇશ્વરનું ઘર જ છે ને?

ઘર કેવડું છે એ મહત્ત્વનું નથી હોતું. ઘર કેવું છે એ અગત્યનું છે. બે મિત્રો હતા. એક મિત્ર મધ્યમવર્ગનો હતો. બીજો અતિશય અમીર. એક વખત બંને વાતો કરતા હતા. મધ્યમવર્ગના મિત્રએ કહ્યું કે, મને ઘરે જવાનું મન નથી થતું. અમીર મિત્રએ કહ્યું કે, મને પણ એવું જ થાય છે. અમીર મિત્રએ પૂછ્યું, પણ તને ઘરે જવાનું મન કેમ નથી થતું? એ મિત્રએ કહ્યું કે, મારા ઘરના બધા લોકો બહુ વિચિત્ર છે. ઘરમાં કારણ વગરની ભેજામારી જ ચાલતી હોય છે. બે રૂમનું જ ઘર છે. બીજા રૂમમાં માથાકૂટ ચાલતી હોય તો પણ સંભળાય. અમે એક રૂમમાં બે ભાઈઓ રહીએ છીએ. મારો ભાઈ પણ વિચિત્ર દિમાગનો છે. કોઈ વાતે કંઈ જ સમજે જ નહીં! મધ્યમવર્ગના મિત્રએ પછી અમીર મિત્રને સવાલ કર્યો. તને કેમ ઘરે જવાનું મન થતું નથી? તારું ઘર તો ભવ્ય છે. અમીર મિત્રએ કહ્યું, હા મારું ઘર ભવ્ય છે. મસ્ત મજાનો બંગલો છે. દસેક રૂમ છે. સુંદર બગીચો છે. જાહોજલાલીની કોઈ કમી નથી! છતાં ઘરે જવાનું મન થતું નથી! ઘરે જઈશ એટલે સાવ એકલો પડી જઈશ. બધા પોતપોતાના રૂમમાં પુરાયેલા હોય છે. ઘરમાં આવીને સીધા પોતાના રૂમમાં ઘૂસી જાય. કોઈ કોઈની સાથે કામ સિવાય વાત ન કરે. માણસો ઘરને એકદમ ચોખ્ખું રાખે છે. ક્યારેય ક્યાંય કરોળિયાનું જાળું જોવા ન મળે. તને ખબર છે, અમુક જાળાં ન દેખાય એવાં હોય છે! સન્નાટાનું જાળું કિલ્લોલનું ગળું દબાવીને બેસી જાય છે. ખોફનું જાળું તો વળી એનાથી પણ ખતરનાક હોય છે. આમ નહીં કરવાનું! જો કંઈ થઈ ગયું તો વારો નીકળી જાય! કોઈ અવાજ નહીં. બગીચો સુંદર છે, પણ આ બગીચામાં કદાચ ફૂલોને પણ અફસોસ થતો હશે કે અહીં ક્યાં ઊગી ગયું? અહીં તો કોઈને મારી સામે જોવાની ફુરસદ જ નથી! ક્યારેક શહેરના બગીચામાં મા-બાપને છોકરાંવ સાથે મસ્તી કરતાં જોઉં છું ત્યારે એની ઈર્ષા થાય છે. એ બગીચા કરતાં તો મારા ઘરનો બગીચો મોટો છે, પણ ત્યાં ક્યારેય આવાં દૃશ્યો સર્જાતાં નથી. કોઈ બેસતું જ નથી. બગીચાના ઇમ્પોર્ટેડ બાંકડાને પણ અધૂરપ લાગતી હશે.

બાય ધ વે, તમારા ઘરના લોકો કેવા છે? તમને એની સાથે કેવું ફાવે છે? ઘણી વખત આપણને આપણા લોકોથી જ ફરિયાદ હોય છે. મારો ભાઈ વિચિત્ર છે. મારી બહેનમાં તો બુદ્ધિ જ નથી. મારા પિતા તો કોણ જાણે પોતાની જાતને શુંયે સમજે છે? અમુક માતાઓ પણ વડકાં ભરવામાં માહેર હોય છે. એક યુવાન એની પ્રેમિકાને પોતાના ઘરના લોકો વિશે વાત કરતો હતો. બધામાં તેને કોઈ ને કોઈ વાંક દેખાતો હતો. મને કોઈ સમજતું નથી. કોઈનામાં કંઈ આવડત જ નથી. હજુ બધું દેશી સ્ટાઇલથી જ ચાલે છે. પ્રેમિકાએ બધી વાત શાંતિથી સાંભળી. છેલ્લે તેણે એક સવાલ કર્યો. તારા ઘરમાં તું કેવો છે? તું પણ બધા જેવો તો નથી ને? બધા જેવો હોય તો તને એની ફરિયાદ કરવાનો શું અધિકાર છે? એક વાત યાદ રાખ, આપણા લોકો ગમે એવા હોય, પણ એ આપણા છે. મા-બાપ, ભાઈ-બહેન કે બીજાં સગાં આપણને પસંદગીથી મળતાં નથી! એ જેવાં હોય એવાં અપનાવવાનાં હોય છે. તું બીજાને સુધારવાનો પ્રયાસ ન કર. તું એવી અપેક્ષા પણ ન રાખ. કરવા જેવું એક કામ છે. તું થોડોક બદલાઈ જા! તું તારા લોકોને પ્રેમ કરવાનું શરૂ કરી દે. તું પ્રેમ કરીશ તો એમનામાં પરિવર્તન આવશે. એમનામાં કોઈ બદલાવ આવે કે ન આવે, તારામાં ચેન્જ આવે એ તારા માટે જરૂરી છે.

ઘણી વખત આપણે આપણી તરફ જોતા નથી અને બધાની ઉપર નજર માંડીને બેઠા રહીએ છીએ. ઘરની વાત કરતી વખતે દરેક માણસે એક વાત યાદ રાખવા જેવી હોય છે કે, પોતે પણ ઘરનો હિસ્સો છે. ઘરમાં જે કંઈ છે, ઘર જેવું પણ છે એના માટે તમે પણ જવાબદાર છો. આખા ઘરમાં અંધારું હોય તો અંધારાને ન રડો, તમારો એક દીવો પ્રગટાવો, આખા ઘરમાં પ્રકાશ ફેલાશે. ઘરને જીવતું રાખો તો જ જિંદગી જીવવા જેવી લાગશે. સવાલ ન કરો, જવાબ બનો!

છેલ્લો સીન :

કંઈ બદલવું છે? શરૂઆત તમારાથી કરો. આપણે ન બદલાઈએ ત્યાં સુધી કશું બદલાવાનું નથી.                            -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply