કોઈ તમને તમારા વિશે પૂછે તો તમે શું કહો? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોઈ તમને તમારા વિશે

પૂછે તો તમે શું કહો?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સતત સારું બતાવી ઠીક આપે છે,

તમારો પ્રેમ બહુ પેનિક આપે છે,

મૂક્યો છે એમણે પગ મોટી દુનિયામાં,

હવે એ સ્મિત પણ બારીક આપે છે.

-ભાવિન ગોપાણી

માણસ રોજેરોજ થોડો બદલતો રહે છે. માત્ર નખ અને વાળ નથી વધતા, માત્ર ઉંમર નથી વધતી, એ સિવાય પણ ઘણું વધતું કે ઘટતું રહે છે. રોજ થોડાક શ્વાસ આપણામાં ઉમેરાય છે. એ શ્વાસ આપણને ક્યારેક હળવા તો ક્યારેક ભારે બનાવી દે છે. સંવેદનાનું સર્જન કે વિસર્જન એ રોજેરોજ ચાલતી પ્રક્રિયા છે. રોજ આપણી જિંદગીમાં એક દિવસ ઉમેરાય છે. આપણે રોજ કેટલા ‘ગ્રો’ થઈએ છીએ? કાલે હતા એના કરતાં આજે તમે કેટલા જુદા છો? અરીસો બહારનું રૂપ બતાવે છે. અંદરના સૌંદર્યનું શું? આપણે અંદર ખીલીએ છીએ કે મૂરઝાઈએ છીએ? આપણામાં આવતા પરિવર્તનની દિશાનો આપણને કેટલો અહેસાસ હોય છે?

માણસ સતત બીજાને ઓળખવાનો પ્રયાસ કરતો રહે છે. કોણ કેવું છે? એ શું વિચારે છે? આપણે આપણી વ્યક્તિના વિચારો વાંચવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. વિચારો ક્યારેય પૂરેપૂરા વાંચી શકાતા નથી, કારણ કે વિચારો રોજ બદલાય છે. વર્ષોથી સાથે રહેતી વ્યક્તિ વિશે પણ ક્યારેક સવાલો થાય છે. હું એને બરાબર ઓળખું છું? ક્યારેક માણસ સમજની બહારનો લાગે છે. એને માપવાની આપણી ફૂટપટ્ટી ટૂંકી પડે છે. એક યુવતી ફિલોસોફરને મળવા ગઈ. તેણે કહ્યું કે, હું અને મારો પતિ દસ વર્ષથી સાથે છીએ. એ સારો માણસ છે. જોકે, મને ક્યારેક એનું વર્તન સમજાતું નથી. ક્યારેક મને લાગે છે કે, હું એને ઓખળી શકી જ નથી! ફિલોસોફરે કહ્યું, તું તને ઓળખી શકી છે ખરી? તને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે, એ તને પૂરેપૂરો ઓળખી શક્યો છે ખરો? બીજી એક વાત એ કે, ઓળખવું એટલે શું? માણસની ઓળખ તો દરરોજ બદલતી રહે છે. સાચી વાત એ છે કે, માણસને ઓળખવાની નહીં, માણસને અપનાવવાની જરૂર હોય છે. માણસને પામવાનો હોય છે, માપવાનો નહીં!

એક પતિ-પત્ની હતાં. બંનેની પાંચમી મેરેજ એનિવર્સરી હતી. બંને સાથે બેઠાં હતાં. પત્નીએ કહ્યું, તું આ પાંચ વર્ષમાં ઘણો બદલાઈ ગયો છે. પતિએ પૂછ્યું, શું બદલાયો? હવે તું તારા કામને વધુ ઇમ્પોર્ટન્સ આપવા લાગ્યો છે. પહેલાં તું મારી પાછળ જેટલો પાગલ હતો, એટલો હવે નથી! પતિએ કહ્યું, બરાબર, બીજું શું? પત્નીએ વાત આગળ વધારી. તું વધારે મેચ્યોર થયો છે. બધા સાથે વધુ સારી રીતે બિહેવ કરે છે. જિંદગીને વધુ ગંભીરતાથી લેવા લાગ્યો છે. તારી જવાબદારી સમજે છે. પતિએ કહ્યું, સારી વાત છે કે, તેં મારી નબળી વાતની સાથે મારી સારી વાતને પણ ધ્યાનમાં લીધી છે. પત્નીએ કહ્યું, માત્ર નેગેટિવ જ જોઉં તો તો હું તને અન્યાય કરું. કંઈ જ હન્ડ્રેડ પર્સન્ટ સારું કે સોએ સો ટકા ખરાબ હોતું નથી. પત્નીએ પછી પૂછ્યું, મારામાં શું બદલાવ આવ્યો છે. પતિએ કહ્યું, સાચું કહું, હું બદલાવ વિશે બહુ વિચાર કરતો નથી. એ તો રોજની ઘટના છે. મને તો એટલી જ ખબર છે કે તું કાલે પણ મારી હતી, આજે પણ મારી છે અને કાયમ મારી જ રહેવાની છે. બદલાવનો વિચાર કરીએ તો ક્યારેક અભાવ આવે, મારે અભાવ આવવા દેવો નથી. સંબંધમાં શ્રદ્ધા હોય એ જ મહત્ત્વનું છે. મૂડ ભલે બદલાય, મૂળ ન બદલાવું જોઈએ. માણસમાં અમુક બેઝિક્સ હોય છે. બેઝિક હોય એ બદલાય નહીં. માણસ સારો હોય છે, પણ આપણી વ્યક્તિનું સારાપણું ટકાવી રાખવું એની જવાબદારી પણ આપણી હોય છે!

બીજાને ઓળખવાનો પ્રયાસ કરતો માણસ પોતાને ઓળખવાનો કેટલો પ્રયત્ન કરતો હોય છે? આપણી માનસિકતાનું આપણને કેટલું ભાન હોય છે? આપણી જાત સાથે આપણે કેટલા પ્રામાણિક હોઈએ છીએ? તમને કોઈ તમારા વિશે પૂછે તો તમે શું કહો? એક છોકરો લગ્ન માટે એક છોકરીને મળવા ગયો. આપણે ત્યાં એવું કહેવાય છે કે, છોકરી જોવા ગયો! આપણે જોવા જઈએ છીએ કે સમજવા જઈએ છીએ? એ છોકરાએ છોકરીને કહ્યું, ટેલ મી સમથિંગ એબાઉટ યુ. તારા વિશે કંઈક વાત કર. બાયોડેટા સિવાયની વાત. નામ, ઉંમર, અભ્યાસ, પરિવારના સભ્યો વિશે તો મેં વાંચી લીધું છે. એ સિવાયની વાત કર! છોકરીએ કહ્યું, હું થોડીક મૂડી છું. મારા અમુક માઇન્ટ્સ પોઇન્ટ્સ છે. ક્યારેક મને ગુસ્સો આવી જાય છે. ઇગ્નોરન્સ મારાથી સહન થતું નથી. રાતના અંધારાથી મને ડર લાગે છે. ફિલ્મોમાં કોઈ કરુણ દૃશ્ય જોઉં તો મને રડવું આવી જાય છે. મારામાં થોડુંક ઈર્ષાનું તત્ત્વ પણ છે. કોઈ મારાથી સારું કામ કરે તો મને ઈર્ષા આવે છે. ક્યારેક મને એવું પણ લાગે છે કે, હું મૂરખ છું. બધા ઉપર બહુ જલદીથી ભરોસો મૂકી દઉં છું. કોઈ મને છેતરી જાય ત્યારે મને મારા ઉપર જ ગુસ્સો આવી જાય છે. બહુ ગુસ્સે હોઉં ત્યારે હું ગાળ પણ બોલી લઉં છું. હું કોઈને જજ કરતી નથી. કોઈ મને જજ કરે એ ગમતું નથી. મને આશા છે કે આ વાત સાંભળીને તમે પણ મને જજ નહીં કરો.

છોકરીએ પૂછ્યું, તમારા વિશે? છોકરાએ કહ્યું, હું બહુ ગુસ્સે થતો નથી. જેની સાથે ન ફાવે એની સાથે ઝઘડવા કરતાં એનાથી દૂર થઈ જવાનું પસંદ કરું છું. થોડોક વર્કોહોલિક છું. ક્યારેક એ વાતનો ડર લાગે છે કે, મારી લાઇફ પાર્ટનરને હું પૂરતો સમય આપી શકીશ કે કેમ? હું થોડોક જિદ્દી છું. એક વાત ઠસી જાય પછી મૂકી શકતો નથી. મારો સ્વભાવ મને જ ઘણી વાર નડ્યો છે. હું વફાદાર છું. કોઈને છેતરવા મને ગમતા નથી. જિંદગી વિશે મારી પોતાની સમજ છે, પોતાની ફિલોસોફી છે. શાંતિ અને સુખ રોજિંદી જિંદગીમાં અનુભવવા જોઈએ. બાય ધ વે, તમને કોઈ તમારા વિશે પૂછે તો તમે બધું સાચેસાચું કહી શકો ખરા? આપણામાં એટલી પ્રામાણિકતા પણ હોય છે ખરી? આપણે આપણી અંદર કેટલું બધું ભંડારીને રાખ્યું હોય છે? આપણે અંદરથી સતત વલોવાતા હોઈએ છીએ! આપણે આપણા દિલની વાત ઘણી વખત આપણી વ્યક્તિને પણ નથી કહેતા!

એક પ્રેમીએ તેની ઓફિસમાં ઝઘડો થયો એની વાત તેની પ્રેમિકાને ન કરી. પ્રેમિકાએ પૂછ્યું, તેં મને કેમ વાત ન કરી? પ્રેમીએ કહ્યું, તું ડિસ્ટર્બ ન થા એટલા માટે! પ્રેમિકાએ કહ્યું, હું દુ:ખી ન થાવ એટલા માટે? સુખી થાવ એવું તો તું ઘણું કરે છે! એક વસ્તુ યાદ રાખ, સુખી કરવાનો જેને અધિકાર હોય એને દુ:ખી કરવામાં પણ વાંધો ન હોવો જોઈએ. મને તારી સાથે માત્ર સુખી થવું નથી, તારી સાથે દુ:ખી પણ થવું છે. આપણે જો દુ:ખમાં સાથે નહીં હોઈએ તો સુખ પણ ક્યાંથી સાથે અનુભવીશું? જેની સાથે હસી શકીએ એની સાથે રડી પણ શકવા જોઈએ. બધા સામે ભલે રડી ન શકીએ, પણ આપણી વ્યક્તિ પાસે રડવામાં પણ સંકોચ ન થવો જોઈએ. સાચો સંબંધ એ છે જેની સાથે આપણે જેવા હોઈએ એવા જ રહી શકીએ અને હોઈએ એવા જ વ્યક્ત થઈ શકીએ. ત્યાં કોઈ જ ‘હું’ ન નડે. જ્યાં નબળા લાગવાનો કોઈ ડર ન હોય, જ્યાં કેવું લાગશે એની કોઈ ચિંતા ન હોય!

જિંદગીને સમજવાની યાત્રા પોતાને સમજવાથી શરૂ થાય છે. માણસ પોતાને ઓળખીને જ શાંત અને સુખી થઈ શકે છે. હું, મારું વજૂદ, મારું સુખ, મારા સંબંધો અને મારી જિંદગી શું છે, કેવા છે, એના સાચા જવાબ જે શોધી કાઢે છે એ સુખથી નજીક રહે છે. દરેક જિંદગીની એક કથા હોય છે. દરેકની બાયોપિક બનતી નથી, પણ જિવાતી તો હોય જ છે. ઉંમર મોટી થઈ જાય પછી તમારા વિશે વાત કરવા માટે તમારી પાસે શું હશે? એક મોટી ઉંમરના દાદા હતા. તેમના દીકરાના દીકરાએ એક વખત તેમને પૂછ્યું. દાદા, તમે તમારી જિંદગીમાં શું મેળવ્યું? જિંદગી તમને કેવી લાગી? જિંદગીએ તમને શું આપ્યું?

દાદાએ હસીને જવાબ આપ્યો. દીકરા, જિંદગી કંઈ આપતી નથી, મેળવવું પડે છે. મેં ઘણી સફળતાઓ મેળવી છે. મારી કંપનીમાં બોસ હતો. ઘણા માટે પ્રેરણા હતો. મારી મહેનત અને મારી ધગશની લોકો તારીફ કરતા. સફળતા તો બરાબર છે. જિંદગી કેવી લાગી એ વધુ મહત્ત્વનું છે. જેમ ઉંમર વધે એમ સમજ વધે, જેમ સમજ વધે એમ જિંદગીનું ચિત્ર વધુ સ્પષ્ટ થતું જાય. મને થોડીક વાત સમજાઈ છે. ગઈ કાલનો બહુ વિચાર ન કરો. જે ગયું એ ગયું. જે બની ગયું તેમાંથી કંઈ શીખવા જેવું કે અપનાવવા જેવું હોય એ યાદ રાખો અને બાકીનું ભૂલી જાવ. આવતી કાલની ચિંતા ન કરો. જે થવાનું છે એ થવાનું છે. તમારી આજને જીવો. આજને માણો. દરેક ક્ષણમાં ઓતપ્રોત થઈ જાવ. તમારી અત્યારની ક્ષણ જેવી હશે એવી જ જિંદગી રહેવાની છે. જિંદગીમાં મહત્ત્વનું શું છે અને ગૌણ શું છે એ જાણવું બહુ મહત્ત્વનું છે. તને ખબર છે, તારા માટે શ્રેષ્ઠ શું છે? શું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ટકવાનું છે? કોણ સાથે રહેવાનું છે? બસ, એ શોધીને એને જીવો.

જિંદગી વિશે એવું કહેવાતું આવ્યું છે કે, જિંદગીને વહેવા દો. અલબત્ત, આ વહેણ કેવું છે એ તો જોતા જ રહેવું પડે છે. આપણા વિશે આપણે શું માનીએ છીએ એની સાથે એ પણ મહત્ત્વનું છે કે આપણા લોકો આપણા વિશે શું માને છે? આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે, મને કંઈ ફેર પડતો નથી. ફેર તો પડતો હોય છે. ફેર ન પડતો હોત તો કોઈ આપણા વિશે સારું કે ખરાબ બોલે ત્યારે આપણને અસર થતી ન હોત! જિંદગી વિશે બહુ લાંબા વિચારો કરવાની પણ જરૂર નથી હોતી. ઓવર થિંકિંગ એ પણ અતિરેક જ છે. માત્ર એટલું જ વિચારવાનું હોય છે કે, હું સાચા રસ્તે છું ને? મારી જાત સાથે ઇમાનદાર છું ને? જિંદગી જીવવાની મને મજા આવે છે ને? આના જવાબો શોધી લેવાના હોય છે અને આ જવાબો સાચા તો છે ને, એની ખરાઈ કરી લેવાની હોય છે.

છેલ્લો સીન :

સારા હોવું એ સારી જિંદગી માટે પૂરતું છે. સારા હોય એને જ બધું સારું લાગે છે. જેવા કલરનાં ચશ્માં પહેરીએ એવી જ દુનિયા દેખાય છે!           -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 સપ્ટેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

2 Comments

Leave a Reply