તને ખબર છે, એનો જીવ બહુ મોટો છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ખબર છે, એનો

જીવ બહુ મોટો છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આમ તો આ માર્ગ પર કૈં આવવા જેવું નથી,

ભૂલથી પણ અન્યને તો લાવવા જેવું નથી,

રેઇનકોટ ને છત્રી છે આ શહેરમાં ચારેતરફ,

વાદળું સંકેલ તું, વરસવા જેવું નથી!

-ડૉ. મુકેશ જોશી

દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેક માણસનો એક ‘ટાઇપ’ હોય છે. આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે, એ બહુ વિચિત્ર ટાઇપનો માણસ છે. માણસની પ્રકૃતિ કેવી રીતે ઘડાય છે? આમ તો એવું કહેવાય છે કે, એનો ઉછેર, એનું બેકગ્રાઉન્ડ, એના સંજોગો અને એની સ્થિતિ પ્રકૃતિ બનાવે છે. વાત ખોટી નથી, સાથોસાથ એ વાત પણ સાચી છે કે, માણસને થતા અનુભવો એની પ્રકૃતિ ઘડે છે. આપણને બધાને દરરોજ થોડાક સારા, થોડાક નરસા, થોડાક મીઠા, થોડાક કડવા અનુભવો થતા રહે છે. અનુભવો આપણામાં કશુંક છોડતા જાય છે. અનુભવો આપણામાં કશુંક રોપતા જાય છે. જે રોપાય છે અને એમાંથી જે ઊગે છે એ આપણી માન્યતા કે માનસિકતા બની જાય છે. આપણે એના આધારે જ આ સારું, આ ખરાબ, આ યોગ્ય, આ અયોગ્ય, આ કરવા જેવું, આ ન કરવા જેવું એમ નક્કી કરી લઈએ છીએ. પાપ અને પુણ્યના પણ દરેકના પોતાના ખ્યાલો હોય છે.

દરેક માણસ સાથે આપણા ખયાલો મળે એવું જરૂરી નથી. બધા લોકો ‘આપણા ટાઇપ’ના હોતા નથી. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું કઈ ટાઇપનો માણસ છું? મને કંઈક ગમે છે તો શા માટે ગમે છે? મને કંઈ ગમતું નથી તો એનું કારણ શું છે? એ કારણ સાચું છે કે ખોટું છે? આપણે એવું બધું બહુ વિચારતા નથી. દરેકને પોતાની માન્યતાઓને અનુસરવાનો અધિકાર છે. આપણા સંબંધો ટકતા ન હોવાનું એક અને સૌથી મહત્ત્વનું કારણ એ જ હોય છે કે, આપણે કોઈની માન્યતાઓ સ્વીકારી શકતા નથી. આપણે બધું આપણને ગમે અને આપણે ઇચ્છીએ એવું જ જોઈતું હોય છે.

એક પરિવારની આ વાત છે. એ પરિવારના ત્રણ સભ્યો. પતિ, પત્ની અને પુત્ર. પતિની સારી નોકરી હતી. આવક પણ ઠીકઠાક હતી. પતિનો સ્વભાવ એકદમ કંજૂસ. ચમડી તૂટી પણ દમડી ન છૂટે. દીકરો મોટો થયો. તેની ડિમાન્ડ વધવા લાગી. પિતા ઘડીકમાં રૂપિયા ન આપે. દીકરાએ એક વાર મમ્મીને કહ્યું, ડેડીનો સ્વભાવ મને સમજાતો નથી. એમની પાસે રૂપિયા છે છતાંયે વાપરતા એમનો જીવ ચાલતો નથી. ન હોય તો સમજી શકાય, પણ હોય પછી શા માટે આટલી કંજૂસાઈ કરે છે? એમની પાસેથી તો કંઈ કઢાવતા નાકે દમ આવી જાય છે! મમ્મીએ કહ્યું, જો દીકરા, એ જેવા છે એવા છે. તું એમને બદલી નથી શકવાનો. હું લગ્ન કરીને આવી પછી મને પણ એવું જ થતું હતું કે, આ માણસ તો ગજબનો લોભિયો છે. ધીરે ધીરે મને સમજાયું કે, એમની પ્રકૃતિ જ એવી છે. મેં ક્યારેય એમને બદલવાની કોશિશ કરી નથી. એ એક વાતને બાદ કરતાં એમનામાં બીજું કેટલું બધું સારું છે એ જો! આપણે ક્યારેક માણસની પ્રકૃતિના એક અંશ પરથી તેને માપવાનો પ્રયાસ કરીએ છીએ. માણસને એક બાજુથી નહીં, અનેક બાજુથી જોવો જોઈએ. માતાએ કહ્યું, તારા ડેડીની પ્રકૃતિ નહીં બદલે, તું એમના વિશે તારી જે માન્યતા છે એ બદલ, નહીંતર તું તારા ડેડીને જ ખરાબ સમજવા માંડીશ. દરેક માણસમાં એવી એકાદ-બે વાત હોય છે, જે સારી હોતી નથી, પણ એના કારણે એ માણસ ખરાબ થઈ જતો નથી!

ઘણી વખત આપણે માણસને એની રૂપિયા વાપરવાની દાનતથી માપીએ છીએ. આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેના ખિસ્સામાંથી રૂપિયા નીકળે જ નહીં. કંઈ વાપરવાનું હોય તો એ બહુ વિચારી વિચારીને વાપરે. આપણે એના વિશે એવું પણ બોલતા હોઈએ છીએ કે આને તો બાંધીને બધું ભેગું લઈ જવું છે! પોતાના માટે ય જે રૂપિયા ખર્ચવામાં વિચાર કરે એ બીજા માટે શું વાપરવાનો? ઘણા રૂપિયા વાપરવામાં બિન્ધાસ્ત હોય છે. એ ફટ દઈને ખિસ્સામાંથી પાકીટ કાઢી લે છે. આપણે આવી પ્રકૃતિ ઉપરથી લોકો વિશે જાતજાતના અભિપ્રાય બાંધી લઈએ છીએ. મિત્રોનું એક ગ્રૂપ હતું. એક મિત્ર બધાને પાર્ટી આપે રાખે, બધાને બોલાવે, મજા કરાવે. બધા માટે રૂપિયા ખર્ચતો હોવાથી એ બધાને પ્રિય પણ હતો.

એક વખત તેના વિશે વાત નીકળી ત્યારે બીજા મિત્રએ કહ્યું કે, યાર એનો જીવ બહુ મોટો છે! બીજા મિત્રએ કહ્યું, જીવ મોટો હોવાનો મતલબ શું? માત્ર રૂપિયા વાપરવાથી જીવ મોટો થઈ જાય? હા, એ બધા પાછળ સારા એવા રૂપિયા ખર્ચે છે. બધાને ગિફ્ટ આપતો રહે છે. ક્યાંય જાય તો બધા માટે કંઈક ને કંઈક લઈ આવે છે. એ વાતમાં ના નહીં, પણ એ સિવાય એ બીજે ક્યાંય હોય છે? બીજા કોઈ નાની પાર્ટી રાખે તો પણ એ આવતો નથી! સાચી દોસ્તી એ છે કે, દરેક પરિસ્થિતિમાં સાથે હોય. મને એની સામે કોઈ વાંધો નથી, પણ જીવ મોટો હોવાની વ્યાખ્યા જુદી છે. જીવ રૂપિયાથી મપાતો નથી, જીવ તો એની માણસાઈ, એની ઉદારતા અને એની દાનતથી મપાતો હોય છે!

બે ભિખારી હતા. બંને એક ધાર્મિક સ્થળની બહાર બેઠા હતા. સવારથી બપોર થઈ ગઈ તો પણ બેમાંથી કોઈને એકેય રૂપિયો ભીખમાં ન મળ્યો. અચાનક એક બહેન આવ્યાં. તેણે એક ભિખારીને એક રોટલો આપ્યો. તેણે ભૂખ લાગી હતી. રોટલો ખાવાની શરૂઆત કરતાં પહેલાં તેણે રોટલો અડધો કર્યો અને બાજુમાં બેઠેલા ભિખારીને આપ્યો. જીવ કેવડો છે એ ક્યારેક રોટલાના અડધા ટુકડાથી મપાઈ જતું હોય છે. આપણી કમનસીબી એ છે કે, આપણે સંબંધોને પણ જુદા કાટલાથી માપવા લાગ્યા છીએ. કોણ આપણી પાછળ કેટલો ખર્ચ કરે છે એના ઉપરથી આપણે માનીએ છીએ કે એને આપણા ઉપર કેટલી લાગણી છે!

ઘણા લોકો રૂપિયા ખર્ચીને પણ સંબંધો નિભાવતા હોવાનું માની લેતા હોય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ પત્ની માટે રૂપિયા ખર્ચવામાં કોઈ કસર ન છોડે. પત્ની માંગે એ પહેલાં બધું હાજર કરી દે. સારી જગ્યાએ ફરવા લઈ જાય. સારી હોટલમાં જમવા લઈ જાય. પતિ એવું માનતો કે એ પત્ની માટે બધું જ કરે છે. એક વખત પ્રેમની વાત નીકળી ત્યારે પત્નીએ કહ્યું, તું રૂપિયા વાપરવામાં કંઈ વિચારતો નથી, પણ એ સિવાયનું શું? તને ખબર હોય છે હું કઈ માનસિક અવસ્થામાંથી પસાર થાઉં છું? પેમ્પર માત્ર રૂપિયા ખર્ચીને નથી કરાતું, જિંદગીમાં બીજું ઘણું બધું પણ હોય છે. તું મારી કેટલી કેર કરે છે? રાતે મારી ઊંઘ ઊડી જાય ત્યારે તને કેટલી વાર એવું થયું કે, તારી ઊંઘ કેમ ઊડી ગઈ? સાચો સાથ એ માનસિક સાંનિધ્ય છે. તું ડ્રેસ લાવી દે અને હું પહેરું પછી એમ ન કહે કે, મસ્ત લાગે છે, તો એ ડ્રેસ લાવવાનો કોઈ અર્થ નથી! ક્યાં જઈએ છીએ એ મહત્ત્વનું નથી, ત્યાં જઈને કેવી રીતે રહીએ છીએ એ વધુ મહત્ત્વનું હોય છે.

માણસનો જીવ કેવડો છે અને કેવો છે એ માપવાના પણ દરેકનાં જુદાં જુદાં કાટલાં હોય છે. જીવ પણ ગજબનો હોય છે. ક્યારેક આપણો જીવ ટૂંકો થઈ જાય છે. ક્યારેક આપણો જીવ બળે છે. આપણી વ્યક્તિને કંઈ થાય પછી આપણો જીવ ક્યારેક ટૂંકો થઈ જતો હોય છે. એની ચિંતા જ થયા રાખે છે. એ બરાબર હશે ને? એણે સરખું ખાધું હશે ને? એ સમયસર પહોંચી ગયો હશે ને? ફોન આવવામાં થોડુંક મોડું થાય તો પણ આપણને બેચેની લાગવા માંડે છે. ક્યારેક તો એવું પણ થાય કે, જીવ ટૂંકો થઈ જવો એ પ્રેમની નિશાની છે? બધા માટે કેમ જીવ ટૂંકો નથી થતો? બધા માટે કેમ આપણો જીવ નથી બળતો? અમુક માટે જ આવું થાય છે. એનું કારણ એ હોય છે કે, એના જીવ સાથે આપણો જીવ જોડાયેલો હોય છે. આપણે એવી વાર્તા સાંભળી છે કે, એક રાજા હતો. તેનો જીવ જંગલમાં રહેતા એક પોપટમાં હતો. એક દુશ્મનને રાજાને મારવો હતો. તેણે જંગલમાંથી પોપટ પકડીને એની ડોક મરડી નાખી. રાજા મરી ગયો. તમને ક્યારેય એવું લાગ્યું છે કે, તમારો જીવ કોઈનામાં છે? એવું હોય છે. આપણી વ્યક્તિ દુ:ખી હોય ત્યારે આપણે દુ:ખી થઈએ છીએ. એ મજામાં હોય ત્યારે આપણને એમ ને એમ મજા આવે છે.

એક યુવાનની આ વાત છે. પત્ની સાથે ઘણી વાર ઝઘડો થાય. જોકે, ઝઘડીને ઓફિસે આવે પછી એને ક્યાંય મજા ન આવે. કામમાં જીવ ન લાગે. એક વખત તેણે પત્નીને કહ્યું કે, તારી સાથે ઝઘડો થાય પછી હું બહુ ડિસ્ટર્બ રહું છું. તમે ક્યારેય કોઈની સાથે ઝઘડો કે કોઈનાથી નારાજ થાવ ત્યારે એને કહો છો કે, તમને એવું કર્યા પછી કે એવું થઈ ગયા પછી શું થાય છે? આપણે નથી કહેતા, એવું કહેવામાં પણ આપણો ઇગો ઘવાતો હોય છે. આપણે એવું નથી કહેતા કે, યાર એવું નહીં કર, મને મજા નથી આવતી, મારો જીવ મૂંઝાય છે.

આપણો જીવ આપણને જવાબ આપતો હોય છે. આપણને કંઈ થતું હોય ત્યારે એનો અણસાર આપતો હોય છે. જે માણસ પોતાના ‘જીવ’ને ઓળખે છે એ જ જિંદગીને ઓળખે છે. આપણે અમુક વ્યક્તિ માટે કહીએ છીએ કે, એ તો મારો જીવ છે. આપણે મોઢામોઢ પણ કહેતા હોઈએ છીએ કે, તું તો મારો જીવ છે. તમારા ‘જીવ’ને જીવો, જીવને જાણો અને જીવને માણો, જિંદગી જીવવાની સાચી મજા ‘જીવ’ને જીવી લેવામાં જ છે!

છેલ્લો સીન :

બધાના જીવ મોટા હોતા નથી. જેની સંવેદનાઓ જીવતી નથી એનો જીવ પણ સંકોચાઈ જતો હોય છે! તમારો ‘જીવ’ કેવો છે?        -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 સપ્ટેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

4 Comments

Leave a Reply