તું તારી સરખામણી
બીજા સાથે ન કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મારી જ અંદર, એક એકાદી સડક છે,
દ્વંદ્વોના દરિયા છે, વિચારોના ખડક છે,
હું તો કરું છું પ્રેમ, ને વાતો તમે,
મારા-તમારા વચ્ચે બસ આ ફરક છે.
-ધૂની માંડલિયા
માણસની જિંદગીનું અંતિમ ધ્યેય શું હોય છે? સુખ! આપણે આખો દિવસ જે કંઈ કરીએ છીએ એ સુખ માટે જ કરતા હોઈએ છીએ. સુખ શેમાંથી મળે? સુખ માટે દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે. કોઈને સફળતાથી સુખ મળે છે, કોઈને સંપત્તિથી સુખ મળે છે, કોઈને સંબંધથી સુખ મળે છે, કોઈને શાંતિથી સુખ મળે છે. આ બધું મળી ગયા પછી પણ માણસ સુખી હોય છે ખરો? દરેક માણસને સુખનો અહેસાસ થતો જ હોય છે. પ્રોબ્લેમ એ જ છે કે, સુખની અનુભૂતિ લાંબી ટકતી નથી. સફળતા મળી ગઈ? હા, મળી ગઈ. એનો આનંદ થોડો વખત ટક્યો. બધું પાછું હતું એવું ને એવું થઈ ગયું! બેલેન્સ શીટ કે પે સ્લીપની ખુશી થોડી જ ક્ષણોમાં ઓસરી જાય છે. કોઈ વસ્તુ લીધી, થોડીક વાર મજા આવી પછી એક્સાઇટમેન્ટ ખતમ થઈ ગયું. આવું જ થાય છે. બધાની સાથે આમ જ થતું આવ્યું છે.
એક યુવાન સંત પાસે ગયો. સંતે પૂછ્યું, કેવી ચાલે છે જિંદગી? યુવાને કહ્યું, બધું જ રૂટિન છે. કંઈ નવીન નથી! સંતે કહ્યું, અરે વાહ! બધું જ રૂટિન ચાલે છે એ કેવી સારી વાત છે! તને રૂટિનમાં આનંદ નથી આવતો? તને એમ નથી થતું કે ઇશ્વરે બધું કેટલું સરસ ગોઠવી આપ્યું છે કે બધું એકધારું ચાલુ રહે છે. તને એકધારાથી સંતોષ નથી? જિંદગી એકધારી જ રહેવાની છે. બાકી જે કંઈ બને છે એ તો ઘટનાઓ છે. શ્વાસ એકસરખા ચાલતા હોય એની જ મજા છે. બીપી વધી જાય એ પણ પ્રોબ્લેમ છે અને ઘટી જાય એ પણ ઉપાધિ છે. આપણે રૂટિનમાં ખુશ રહી શકતા નથી એ આપણો સૌથી મોટો પ્રોબ્લેમ છે. જે માણસને સુખની અનુભૂતિ છે એને મજા માટે કોઈ કિકની જરૂર પડતી નથી. યુવાને કહ્યું કે, બધા કેટલા આગળ વધી રહ્યા છે. મને લાગે છે કે, હું પાછળ રહી ગયો છું. સંતે કહ્યું, તારે કોનાથી આગળ નીકળવું છે? તારાથી આગળ છે એનાથી? તું એનાથી આગળ નીકળી જઈશ ત્યારે તને દેખાશે કે હજુ પણ કોઈ આગળ છે. આગળ આવવાની ઇચ્છા હોય એમાં કંઈ ખોટું નથી. આગળ આવવા માટે તું પ્રયત્ન કર એ પણ જરૂરી છે. તારાથી આગળ છે એની તું ઈર્ષા ન કર. તારી સરખામણી બીજા કોઈની સાથે ન કર. તું જો સરખામણી જ કરતો રહીશ તો આખી જિંદગી એમાંથી નવરો જ નહીં પડે! તારાથી શ્રેષ્ઠ કે સફળ હોય એવા માણસને તું શોધતો રહીશ તો તું તારી જાતને કાયમ નબળી જ માનતો રહીશ.
સરખામણીનો ક્યારેય કોઈ અંત જ આવતો નથી. જે માણસ પોતાની સરખામણી બીજા સાથે કરે છે, એ બીજી વ્યક્તિને શ્રેષ્ઠ કે આદર્શ માની લેતો હોય છે. એના જેવા થવાનો પ્રયાસ કરતો રહે છે. આપણે જ્યારે કોઈના જેવા થવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણા જેવા રહેતા નથી. આપણે એ વાત સ્વીકારી શકતા નથી કે, હું જુદો છું, હું અલગ છું, હું યુનિક છું. હું બીજા જેવો હોઈ જ ન શકું! એટલે મારે મારા જેવું જ બનવાનું છે. મારે એ જ વિચારવાનું છે કે, હું મારામાં કેમ બેસ્ટ બનું! એક કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ હતો. કંપનીવાળા વારાફરતી બધાનો ઇન્ટરવ્યૂ કરતા હતા. જે કોલેજમાં ટોપ આવ્યો હતો એના વિશે બધા એવું જ માનતા હતા કે, આને તો સૌથી વધારે પગારની જ નોકરી મળવાની છે. જ્યારે જોબની વિગતો બહાર આવી ત્યારે ખબર પડી કે, કોલેજમાં જે ચોથો નંબર આવ્યો છે એને સૌથી સારું પદ અને સૌથી વધુ પગાર મળ્યો છે! પહેલો નંબર આવ્યો એને આ વાત ખટકી! એ સિલેર્ક્ટ્સ પાસે ગયો. હું ફર્સ્ટ હતો તો પણ મને કેમ ટોપ પોસ્ટ માટે પસંદ ન કર્યો? સિલેર્ક્ટ્સે કહ્યું કે, એનામાં જે છે એ તારામાં નથી! મેં તને અને એને એક જ સવાલ કર્યો હતો કે, ટોપ પોસ્ટ માટે પસંદ થઈને તમે શું કરશો? તેં એમ કહ્યું હતું કે, હું ખૂબ મહેનત કરીશ અને એક દિવસ એમ.ડી. સુધી પહોંચીશ. એને પણ એ જ પૂછ્યું કે, ટોપ જગ્યા માટે પસંદ થઈને તું શું કરીશ? તેણે કહ્યું, હું મારા કામને એન્જોય કરીશ. મારી ટીમને કામ કરવાની મજા આવે એવું વાતાવરણ ઊભું કરીશ. જ્યારે જે જગ્યાએ હોઈશ એને ફીલ કરીશ. એને એક બીજો સવાલ પણ કર્યો હતો કે, તને જે નંબર વન આવ્યો છે એની ઈર્ષા નથી થતી? એમ નથી થતું કે તું એના જેટલો સ્કોર ન કરી શક્યો? તેણે કહ્યું, ના રે, બિલકુલ નહીં. એ મારાથી બે જ માર્ક વધારે લાવ્યો છે, હશે. એણે વધુ મહેનત કરી હશે. મેં ભણવાની સાથે સ્પોર્ટ્સ અને બીજું ઘણું બધું કર્યું છે. મેં સ્ટડીને એન્જોય કરી છે. ફર્સ્ટ આવવા માટે હું રઘવાયો થયો નહોતો! બસ, આ જ કારણ છે કે એને પસંદ કરવામાં આવ્યો. એણે પોતાની સરખામણી તારી સાથે કરી નહોતી અને તું હજુયે તારી સરખામણી એની સાથે કરતો રહે છે! તારી પોતાની જાતને ઓળખ તો જ તું સુખી થઈ શકીશ.
આપણે આપણી સરખામણી સતત કોઈની સાથે કરતા રહીએ છીએ. આપણે મોટાભાગે આપણી સરખામણી કોની સાથે કરતા હોઈએ છીએ? જે આપણી નજીક હોય એની સાથે જ! આપણાં સ્વજનો, આપણા મિત્રો, આપણા કલિગ્સ અને આપણા પાડોશીઓ સાથે આપણે આપણી જાતને સરખાવતા રહીએ છીએ! એની પાસે મોટું ઘર છે. મારા કરતાં એની પાસે સારી કાર છે. આપણામાંથી કેટલા લોકો એવું વિચારે છે કે, મારી પાસે મારા પૂરતું છે ખરું? આપણે જો સૂક્ષ્મ દૃસ્ટિથી વિચારીએ તો આપણી પાસે આપણે સુખી અને ખુશ રહીએ એટલું હોય જ છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને બચપણના દોસ્ત હતાં. સાથે જ મોટાં થયાં. કોલેજમાં આવ્યાં. કોલેજ પૂરી થઈ. બંનેને સારી જોબ મળી. પ્રેમી જ્યાં જોબ કરતો હતો એ કંપનીએ તેને ટુ રૂમ હોલ કિચનનો ફ્લેટ આપ્યો હતો. એ હંમેશાં તેના સિનિયર્સની ઈર્ષા કરતો. હું સિનિયર કરતાં હોશિયાર છું. એ લોકોને કંપનીએ બંગલો આપ્યો છે. કાર આપી છે. એક વખત પ્રેમી અને પ્રેમિકા બેઠાં હતાં. પ્રેમી તેની ઓફિસની વાતો કરતો હતો. તેણે કહ્યું, મારા સિનિયર્સ કરતાં હું વધુ મહેનત કરું છું. બંગલો મળે એની રાહ જોઉં છું. પ્રેમિકાએ એને કહ્યું કે, તું તારી સરખામણી કોઈની સાથે ન કર! બાકી વાત રહી બંગલાની! તને યાદ છે આપણે કોલેજમાં હતાં ત્યારે તું મને કહેતો કે, એક સારી જોબ અને નાનકડો ફ્લેટ મળી જાય તો બસ! આપણી લાઇફ સેટ. અત્યારે તને એટલું તો મળી જ ગયું છે. વિચાર કર, તારી લાઇફ સેટ છે? સેટ નથી તો શા માટે નથી? તારી લાઇફ સેટ જ છે, તું બસ માનવા તૈયાર નથી. તું કામ કરે છે. મહેનત કરે છે. તને પ્રમોશન અને બંગલો મળવાનાં જ છે. મને એટલું કહે, તું ખુશ છે ખરો? પહેલા અત્યારે છે એનો તો આનંદ માણ! જો આવો જ રહીશને તો બંગલો મળશે પછી પણ તું તારાથી સિનિયર હશે એની ઈર્ષા કરીને ફાર્મહાઉસવાળા બંગલાની ઇચ્છા રાખતો થઈ જઈશ! જિંદગીમાં મહત્ત્વાકાંક્ષા જરૂરી છે, પણ આપણી મહત્ત્વાકાંક્ષા આપણા સુખને અવરોધવી જોઈએ નહીં! આપણે તો બાઇકમાં પણ મજા કરતાં હતાં. હવે તારી પાસે કાર છે, પણ એ મજા નથી, એનું કારણ એ છે કે, તું કારને નાની માનવા લાગ્યો છે! એક વાત યાદ રાખ, સુખ નાનું કે મોટું નથી હોતું, એ તો આપણે માનીએ એવડું જ હોય છે. તારા સુખને તું નાનું ન માન! જો આવું જ માનીશ તો તારું સુખ તને કાયમી નાનું જ લાગશે!
માણસ હવે બીજાને સુખી ધારીને પોતાને દુ:ખી સમજવા લાગ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર કોઈના ફોટા જોઈને આપણે માનવા લાગીએ છીએ કે એ સુખી છે. કોઈને થોડીક વધુ લાઇક્સ મળે તો આપણે એવું માનીએ છીએ કે, એ વધુ પોપ્યુલર છે. કોઈને મજા કરતા જોઈને આપણને તો ત્યાં સુધીના વિચારો આવે છે કે, એ તો નસીબદાર છે. તમને ખબર છે કે, તમે કેટલા નસીબદાર છો? આપણને ખબર નથી હોતી, કારણ કે આપણી પાસે જે હોય છે એને આપણે પૂરતું સમજતા જ હોતા નથી! જેને અધૂરું જ લાગે એને ક્યારેય કંઈ મધૂરું લાગવાનું જ નથી! તમારી પાસે તમારી વ્યક્તિ છે તો તમે સુખી છો. ઘરે કોઈ તમારી રાહ જુએ છે તો તમે સુખી છો. રાતે આરામથી ઊંઘ આવી જાય છે તો તમે સુખી છો. થાળીમાં શું છે એ મહત્ત્વનું નથી, કોળિયો કેટલો મીઠો લાગે છે એ મહત્ત્વનું છે. એક રાજા હતો. સુખ એનાં ચરણોમાં આળોટતું હતું. એને એમ થયા કરતું કે મારા પડોશમાં છે એ રાજા વધુ સમૃદ્ધ છે. એનું રજવાડું પણ મોટું છે. હું ક્યારે એના જેટલું કરી શકીશ? આવા વિચારોમાં તેને રાતના ઊંઘ આવતી નહોતી. એક રાતે તેને ઊંઘ નહોતી આવતી એટલે એ ઘોડા પર બેસી જંગલમાં ચક્કર મારવા ગયો. એક ઝૂંપડીમાં એક ફકીર ઘસઘસાટ ઊંઘતો હતો. રાજાને થયું કે, આની પાસે કંઈ નથી તો પણ આ માણસ કેટલો આરામથી સૂતો છે. સવાર પડી એટલે એ ફકીર ઊઠ્યો. રાજાને જોઈને એનું સ્વાગત કર્યું. રાજાએ પૂછ્યું, તું આટલો આરામથી કેમ સૂઈ શકે છે? ફકીરે સહજતાથી કહ્યું કે, એટલા માટે કે હું આ જંગલમાં રહેતા બીજા ફકીરો પાસે મારા કરતાં શું વધારે છે એની ફિકર કરતો નથી! રાજાને ઊંઘ અને સુખનું કારણ મળી ગયું. જે છે એને માણો તો સુખ માટેનાં પૂરતાં કારણો મળી જ રહેશે. સુખને અંદર શોધો, બહાર નહીં. બહાર જ જોશો તો ક્યારેય છેડા સુધી પહોંચશો જ નહીં, અંદર જોશો તો બહુ ઝડપથી સુખને પામી જશો. જીવવા માટે બહુ થોડું જોઈતું હોય છે. એટલું આપણા બધાની પાસે છે. તમે દુનિયાના સૌથી સુખી માણસ છો, જો તમે એ માનવા તૈયાર હોવ તો!
છેલ્લો સીન :
પીઠમાં ખંજર હશે તો ચાલશે, બસ હાથ જાણીતા ન હોવા જોઈએ. -ક્યાંક વાંચેલું.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 જુલાઇ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
