બધું વહી ક્યાં જાય છે, થોડુંક રહી પણ જાય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધું વહી ક્યાં જાય છે,

થોડુંક રહી પણ જાય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,

કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો,

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,

તમારી સાથે પણ હું તમને સરખાવી નથી શકતો.

-મરીઝ

જિંદગી ભૂતકાળનું ભાથું સાથે લઈને ચાલતી હોય છે. માણસ બધું ભૂલી શકતો નથી. જિંદગીની અમુક ઘટનાઓ તો એવી હોય છે જે આપણને ભૂલવાનું મન પણ થતું નથી. આપણે જ ઘણી વખત બોલતા હોઈએ છીએ કે, આ દિવસ, આ ઘટના કે આ વાત તો હું જિંદગીમાં ક્યારેય નહીં ભૂલું. યાદોનું એક પોટલું આપણે બાંધતા હોઈએ છીએ. સ્મરણોની સંદૂક આપણી સાથે જ હોય છે. આ પટારો ક્યારેક આપણે આપણા હાથે જ ખોલીએ છીએ. ક્યારેક પટારાની ઘટનાઓ એની મેળે જ આપણી નજર સામે આવી જાય છે. અમુક ઘટનાઓ એવી પણ હોય છે જેને આપણે ક્યારેય યાદ કરવા ઇચ્છતા નથી. એ પણ ક્યાં ભુલાતી હોય છે? આંખો બંધ કરી દેવાથી દૃશ્યો ક્યાં હટી જતાં હોય છે? એ તો બંધ આંખોની અંદર સળવળતાં રહે છે.

સારી યાદો પણ સુખ જ આપે એવું જરૂરી નથી. સુંદર સપનું પૂરું થાય પછી ક્યારેક અફસોસ થતો હોય છે. સરસ સપનું ચાલતું હોય અને કોઈ ઉઠાડી દે ત્યારે એવું થાય છે કે, યાર ક્યાં ઉઠાડી દીધો? કેવું સરસ સપનું ચાલતું હતું! જો સપનું પણ અધૂરું રહી જાય ત્યારે અઘરું લાગતું હોય તો પછી સપના જેવો સમય વીતી ગયા પછી વેદના કેમ ન આપે? કેવા સરસ દિવસો હતા એ? બધું જ સુંદર લાગતું હતું. કોઈ હાથ, કોઈ સાથ, કોઈ સફર, કોઈ સફળતા, કોઈ સાંનિધ્ય છૂટી જાય પછી એક અજાણ્યો ખાલીપો સર્જાતો હોય છે.

ચોમાસુ જાય પછી થોડી ભીનાશ છોડતું જતું હોય છે. ફૂલ ખરે એ પછી પણ તરત સુગંધ છોડી દેતું નથી. વહેતી નદી સુકાઈ જાય એ પછી પણ થોડાંક ખાબોચિયાં ભરાયેલાં રહે છે. આપણી જિંદગીમાં પણ અમુક હાથ છૂટે પછી એ હાથની ભીનાશ આપણા હાથમાં વર્તાતી રહે છે. બધું ક્યાં એક ઝાટકે સમાપ્ત થતું હોય છે? સમય લાગે છે! એક છોકરીનું બ્રેકઅપ થયું. તે ડિસ્ટર્બ હતી. તેની ફ્રેન્ડે કહ્યું કે, જે ચાલ્યું ગયું છે એને ભૂલી જા. છોકરીએ કહ્યું, હા ભૂલી જ જઈશ, પણ આ કંઈ પડદો નથી કે પાડી દઉં. અંદર જે એક ભીનાશ છે એને સુકાતા વાર લાગશે. અંદરની ભીનાશ જ્યારે સુકાતી હોય છે ને ત્યારે આપણને પણ થોડાક સૂકવી નાખતી હોય છે.

સુખી જિંદગી જીવવા માટે એવું કહેવાતું રહે છે કે, બહુ પાછા વળીને ન જોવું. જોકે, જોવાઈ જાય છે. મન લલચાઈ જાય છે. મન માને પણ કઈ રીતે? જે વીતી ગયું હોય છે એ સુંદર પણ હોય છે. પાછળ જોઈએ ત્યારે થોડીક ટાઢક પણ વળતી હોય છે. સુકાઈ ગયા પછી પણ અમુક ભીનાશ આંખોમાં તરવરી જાય છે. એક છોકરાની આ વાત છે. પ્રેમિકા સાથેનો સંબંધ પૂરો થયો. ભૂલવું અઘરું લાગતું હતું. થોડાક પત્રો હતા. અમુક ચીજો હતી. એ બધું જ તાજું કરી દેતું હતું. તેને થયું આ પત્રો બાળી દઉં એટલે હાશ થાય. એક પછી એક પત્ર એ બાળતો હતો. બળી ગયેલા પત્રોની રાખ તેણે હાથમાં લીધી. મન તો થયું કે આ ભસ્મ ચહેરા પર લગાડી દઉં અને ચહેરા પર જે ભાર છે એ હટાવી દઉં! એવું એ કરી ન શક્યો. રાખ હાથમાં મસળીને બેસીનમાં હાથ ધોઈ નાખ્યા. રાખ વહી ગઈ. એને થયું કે, બધું વહી ગયું. જોકે, પછી એને સમજાયું કે, લખેલા શબ્દો વહી ગયા, પણ વાંચેલા કે બોલાયેલા શબ્દો ક્યાં ચાલ્યા ગયા છે? એ તો ગુંજતા જ રહે છે. અમુક સ્થળો બધો સંવાદ જીવતો કરી દે છે. અમુક સ્પર્શ ટેરવાંમાં કાયમ માટે રહી જતો હોય છે.

જિંદગીનો અમુક સમય એવો હોય છે જ્યારે આપણું આયખું સોળે કળાએ ખીલેલું હોય છે. જિંદગીમાં બધું જ મળી ગયું હોય એવું લાગે છે. જોકે, એ કાયમ રહેતું નથી. જિંદગીનો દરેક સમય જીવતો નથી રહેતો. અમુક સમય મરી પણ જાય છે. સમયના એ મરી ગયેલા ટુકડા પર હાર ચડાવીને માણસ જીવતો રહે છે. એ સમયની વરસીઓ પણ આવતી રહે છે. એક યુવાને જોબ બદલી. નવું સ્થળ સારું હતું. આમ તો કોઈ ઇસ્યૂ ન હતો. બસ, એક દોસ્ત હતી જે ભુલાતી ન હતી. સાથે જ કામ કરતી હતી. દોસ્ત જ હતી. બીજું કંઈ ન હતું. લંચ અવર્સમાં બંને સાથે જમતાં. વાતો કરતાં. છૂટાં પણ બહુ પ્રેમથી પડતાં હતાં. જમતી વખતે એની વાતો યાદ આવી જતી. જમવાનું ક્યારેક તો બેસ્વાદ થઈ જતું. નવી કંપનીમાં પણ જમવામાં બીજા કલિગ્સ તો હતા જ, એ બધા પણ સારા હતા, પણ પેલી દોસ્તની વાત જ કંઈ ઓર હતી. એક દિવસ જમતી વખતે તેણે પોતાની દોસ્તને ફોન કર્યો. શું કરે છે? એ છોકરી પણ જમતી જ હતી! છોકરાએ પૂછ્યું, જમતી વખતે યાદ આવું છું? છોકરીએ કહ્યું, બિલકુલ યાદ આવે છે. યાદ કરું પણ છું. ભૂલી શા માટે જવું? છોકરાએ કહ્યું, યાર મને તો એટલી યાદ આવે છે કે, જમવાની મજા નથી આવતી! છોકરીએ કહ્યું, મને પણ ક્યારેય એવું થાય છે, પણ પછી મનને પટાવું છું. યાર, અઘરું તો લાગે, પણ શું કરીએ? કેટલો સારો સમય આપણે સાથે વિતાવ્યો છે! ચલ હવે જમી લે, મજાથી. મને પ્રાઉડ છે કે, તારા જેવો દોસ્ત મારી જિંદગીમાં છે. દુ:ખી ન થતો. યાદ કરીને ખુશ થજે. બંનેએ સરસ રીતે વાત કરીને ફોન મૂક્યો! જોકે, પછી પણ બેમાંથી કોઈને જમવાની મજા તો ન જ આવી! કેવું છે નહીં? મજામાં રહેવાનું કહીએ છીએ પછી પણ મજામાં નથી રહી શકાતું. એવું પણ નથી હોતું કે એ જોઈએ જ, આપણને એ પણ ખબર હોય છે કે, એ ક્યાં આખી જિંદગી સાથે રહેવાની કે રહેવાનો છે, છતાં પણ ગેરહાજરી કંઈક અનોખો જ ખાલીપો સર્જતી હોય છે. કોઈ એક વ્યક્તિના શબ્દો વગર સન્નાટો છવાઈ જતો હોય છે.

સાથ જેટલો લાંબો હોય એટલાં સ્મરણો વધુ હોવાનાં. મરણ પછી પણ સ્મરણ જીવતાં રહે છે. કોઈ ચાલ્યું જાય પછી એ આપણામાં જીવતું હોય છે. એક દાદાની આ વાત છે. દાદીનું અવસાન થયું. પચાસ વર્ષનું બંનેનું દાંપત્યજીવન હતું. દાદી મરણપથારીએ હતાં ત્યારે કહેતાં કે, હવે હું જવાની! દાદા કહેતા કે, છે ત્યાં સુધી આવું ન બોલ. દાદા, દાદીના ખાટલા પાસે જ બેઠા રહેતા. દાદી બીમાર પડ્યાં એ પહેલાં બંને સાંજે ચાલવા જતાં. થોડી વાર એક બગીચે બેસતાં. સાંજ પડે એટલે દાદી કહેતાં કે, જાવ ને, ચાલવા નથી જવું? દાદા ના પાડતા! એકલા જવાનું મન નથી થતું! દાદીએ કહ્યું, આદત પાડ! દાદા હસીને કહેતાં કે, તારી આદત એમ ક્યાં છૂટવાની છે. દાદી ચાલ્યાં ગયાં. દાદાને ઘરમાં ગોઠતું ન હતું. એ સાંજે ચાલવા ગયા. આદત ક્યાં એમ છૂટતી હોય છે? દાદા-દાદી ચાલવા જતાં ત્યારે દાદી સતત વાતો કરતાં રહેતાં. દાદા ક્યારેક કહેતા કે, તું ચૂપ રહી શકતી નથી? સતત બોલ બોલ જ કરે છે! દાદા એકલા જતા હતા ત્યારે એમને થયું કે એ હજુ પણ મારી સાથે ચાલે છે! દાદાથી અચાનક બોલાઈ ગયું, એ કંઈક બોલને! કેમ ચૂપ છે! બાજુમાં કોઈ જ ન હતું. દાદાથી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડાયું! વરસતી આંખોમાં પણ ક્યારેય ચહેરા રચાઈ જતા હોય છે. એવા ચહેરા જે ઓગળી ગયા હોય છે! દૂર થઈ ગયા હોય છે!

આપણને બધાને એ વાતની ખબર છે કે, કંઈ જ કાયમી નથી. ધર્મ, શાસ્ત્રો, ફિલોસોફી અને આપણી પોતાની સમજણ પણ કહેતી હોય છે કે બધું બદલાય છે, પણ એ બદલાવ થોડો બધું સાથે લઈ જાય છે! આપણામાં ઘણું બધું રાખતો જાય છે. એવું જે આપણે આખી જિંદગી પંપાળતા રહીએ છીએ. ક્યારેક દુ:ખી થઈએ છીએ, ક્યારેક સુખી થઈએ છીએ. અમુક પળો તો એવી હોય છે કે આપણે નક્કી કરી શકતા નથી કે આપણે દુ:ખી છીએ કે સુખી? કંઈક યાદ આવે, સ્મરણો તાજાં થાય ત્યારે થાય છે કે, આ દિવસો જિંદગીના સુંદર દિવસો હતા. વર્તમાનમાં પણ માણસ ભૂતકાળની અમુક ક્ષણો જીવી લેતો હોય છે. કોઈ હાથ પાછો હાથમાં આવી ગયો હોવાનો અહેસાસ થાય છે. આપણે એટલા ખોવાઈ જઈએ છીએ કે, કંઈ ભાન જ નથી રહેતું. વર્તમાન પાછો આપણને અત્યારના સમયમાં ખેંચી લાવે છે. ભાન થાય ત્યારે દુ:ખી થવાય છે. અમુક મેમરી મારકણી હોય છે. એ તાપ અને ટાઢક એક સાથે લાવે છે.

દરેક માણસનો પણ એક ઇતિહાસ હોય છે. રોજ આપણી જિંદગી આપણી તવારીખ લખતી હોય છે. ક્યારેક કોઈ પાનું ઊઘડી આવે છે. કેટલીક ઘટનાઓ તાજી થઈ જાય છે. અમુક ચહેરાઓ સામે આવી જાય છે. ક્યારેક એવું પણ થાય છે કે, એક જિંદગીમાં આપણે કેટલી બધી જિંદગીઓ જીવતા હોઈએ છીએ. અમુક લોકો જિંદગીમાં આવે છે. એ જિંદગીનો એક ભાગ બની જાય છે. એ ક્યારે જિંદગીથી દૂર સરકી જાય છે એ ખબર પડતી નથી. ક્યારેક વળી આપણે દૂર ચાલ્યા જઈએ છીએ. મોબાઇલની ગેલેરી કેટલાં બધાં સ્મરણો સાચવીને બેઠી હોય છે! ક્યારેક એ ખૂલે ત્યારે જિંદગીના એક પછી એક પડ ઊઘડે છે. ક્યાં હશે એ વ્યક્તિ જેની સાથે સુંદર પળો વિતાવી હતી? એ મજામાં તો હશે ને? વાત કે મેસેજ કરવાનું મન પણ થઈ આવે છે. બાદમાં એમ થાય છે કે, રહેવા દે, નથી કરવું! નથી વાત કરવી! મળવું પણ નથી! છેલ્લે તો વેદના જ થવાની છે ને!

અમુક જિવાઈ ગયેલા સંબંધો કેમ આપણને ઉદાસ કરી જતા હશે? કેમ એવું થતું હશે કે આને મળવાનું જ ન થયું હોત તો સારું હતું? વીતેલું સુખ પણ દુ:ખનું મોટું કારણ બની જતું હોય છે. ચાલી ગયેલો સમય એટલો બધો સુંદર લાગે છે કે એની ગેરહાજરી સતાવવા લાગે છે. અમુક ક્ષણો એવી હોય છે જે આપણે ક્યારેય બીજી વખત જીવી શકતા નથી. એ જ વ્યક્તિ, એ જ વાતાવરણ, એ જ સમય હોય તો પણ ઘણું બદલાઈ ગયું હોય એવું લાગે છે. એવું થાય છે કે, કેમ હવે એવી મજા નથી આવતી? કેમ હવે એવી ઉષ્મા નથી વર્તાતી? એ તડપ, એ તરસ અને એ તરવરાટ ક્યાં ગયાં? અમુક સુખ હોય છે ત્યારે એવી ખબર નથી હોતી કે, આ જિંદગીનો શ્રેષ્ઠ સમય છે. એ સમય ચાલ્યો જાય પછી અહેસાસ થતો હોય છે કે, કેટલો સુંદર સમય હતો! તમારી પાસે જો આવો સમય, એવી વ્યક્તિ હોય તો એને જીવી લો. એવી રીતે જીવો કે ભવિષ્યમાં આ ક્ષણ યાદ આવે તો સુકાઈ ગયેલી જિંદગી થોડીક તરોતાજા થઈ જાય! વીતી ગયું હોય એ બધું વીસરી શકાતું નથી! વાગોળી શકાય છે! વાગોળતી વખતે પણ એનાથી વેદના, પીડા, દર્દ કે અફસોસ ન થાય એની દરકાર રાખો. જિંદગીનો આભાર માનો કે, તેણે થોડો તો થોડો સમય એવો આપ્યો હતો જ્યારે જિંદગી ભરપૂર અને તરબતર હતી!

છેલ્લો સીન :

સંબંધો વળાંક લેતા હોય છે. હાથની રેખાઓ પણ ક્યાં એકદમ સીધી હોય છે?               -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 જૂન 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

2 Comments

Leave a Reply