કોણ તારા વિશે શું બોલશે એની પરવા તું ન કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોણ તારા વિશે શું બોલશે

એની પરવા તું ન કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

છેવટ સુધી સ્વયંમાં એવા તે રત રહ્યા,

છેવટ સુધી સ્વયંથી છૂટી શક્યા નહીં,

જોતા રહ્યા જગતને બાધા બની બની,

પૂછવાની વાત એકે પૂછી શક્યા નહીં.

-ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

આ દુનિયામાં સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ બધાને રાજી રાખવાનું છે. જે બધાને ખુશ રાખવા ઇચ્છે છે તે પોતે ક્યારેય ખુશ રહી શકતો નથી. કોઈ નારાજ ન થાય, કોઈને માઠું ન લાગે એવા આપણા પ્રયાસો હોવા જોઈએ. આપણે સારું વિચારતા હોઈએ એ પછી પણ બધા લોકો આપણું સારું જ બોલે એવું જરૂરી નથી. અમુક લોકો એવા પણ હોય છે જેને કંઈ સારું દેખાતું જ નથી. એને વાંધા જ પડવાના. તમે પચાસ કામ સારાં કર્યાં હોય, પરંતુ જો એકમાં ભૂલ થઈ હોય તો અમુક લોકો એ એકને જ પકડી રાખશે. કોણ શું કહેશે, કોણ શું કરશે, એનો રિસ્પોન્સ કેવો હશે, એ આપણે નક્કી ન કરી શકીએ. માણસની મેચ્યોરિટી એના પરથી નક્કી થાય છે કે એ કોઈ બાબત, પ્રસંગ કે ઘટના વિશે શું અને કેવો રિસ્પોન્સ આપે છે. આપણી દૃષ્ટિનું માપ એના પરથી નીકળે છે કે આપણે શું જોયે છીએ.

લોકોના રિસ્પોન્સનું શું કરવું એના માટે માણસ પાસે બે વિકલ્પ હોય છે. વાત સાચી હોય તો એને સ્વીકારવી. વાત ખોટી હોય તો એને ઇગ્નોર કરવી. એક યુવાન સંત પાસે ગયો. તેણે કહ્યું કે, હું બધાનું સારું વિચારું છું, પણ બધા મારું ખરાબ જ બોલે છે! સંતે આ વાત સાંભળીને કહ્યું, તું લોકોને બોલતા રોકી શકે છે? યુવાને કહ્યું, ના. સંતે કહ્યું, તો પછી તું એ બધી વાતને તારા સુધી આવવા ન દે! તું એને રોકી દે! ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે મોઢામોઢ ફટકારી દે. એને ખબર પડે કે કોઈ મારા વિશે ઘસાતું બોલે છે તો એ તરત જ ફોન ઉપાડીને કહેશે કે, તું કેમ મારા વિશે આવું બોલે છે? મેં તો તારા માટે કેટલું બધું કર્યું છે. આવું કરીને આપણે આપણી શક્તિ જ વેડફતા હોઈએ છીએ.

કોઈ કંઈ બોલે એને આપણે કેવી રીતે લઈએ છીએ એ પણ મહત્ત્વનું છે. એક કલાકારની આ વાત છે. તેના મિત્રએ એક વાર કહ્યું કે, પેલો માણસ તારી આર્ટ વિશે એવું કહેતો હતો કે, તને ઘણી ખબર પડતી નથી. તું અમુક ભૂલો વારંવાર કરે છે. કલાકારે કહ્યું કે, કઈ ભૂલોની એ વાત કરતો હતો? મિત્રએ ભૂલો ગણાવી. કલાકારે તરત જ ફોન ઉપાડ્યો. જેણે ટીકા કરી હતી એને કહ્યું કે, તમે મારી જે ભૂલો બતાવી છે, એના બદલ આભાર. તમારી વાત સાચી છે. તમે કહો છો એ ભૂલો હું વારંવાર કરું જ છું. મારું તો એ તરફ ધ્યાન જ ગયું નહોતું. પેલા માણસે કહ્યું, મારો ઇરાદો તમારું ખરાબ બોલવાનો ન હતો. હું જે કહેવા માંગતો હતો એ જ સેન્સમાં તમે લીધું એ મને ગમ્યું. વાત પૂરી થઈ એટલે કલાકારના મિત્રએ કહ્યું કે, તેં ફોન હાથમાં લીધો ત્યારે મને એમ થયું હતું કે, હમણાં તું ઝઘડીશ. કલાકારે કહ્યું કે, તમારા વિશે જ્યારે કોઈ નબળું કે ઘસાતું બોલે ત્યારે એ પણ વિચારવું જોઈએ કે, કોણ બોલે છે? શા માટે બોલે છે? એ માણસ વિદ્વાન છે. મારી કલા વિશે એ આટલું વિચારે એ પણ મોટી વાત છે. એણે જે કહ્યું, એનાથી મારી આર્ટમાં તો સુધારો જ થવાનો છે ને? કલાકારના મિત્રએ કહ્યું કે, એ પણ કંઈ ઓછી ભૂલો નથી કરતો. બીજાની ટીકા કરે છે તો પોતાની ભૂલો કેમ નથી દેખાતી? કલાકારે હસીને કહ્યું, યાર મને પણ ક્યાં મારી ભૂલો દેખાતી હતી? એણે દેખાડી ત્યારે મને ખબર પડી ને? એની ભૂલો જોવી મારું કામ નથી. મારું કામ મારી ભૂલો સુધારવાનું છે.

આપણા સંબંધોની સક્ષમતાનો આધાર પણ એના ઉપર રહેતો હોય છે કે આપણે કોઈ ઘટનાને કે કોઈ વાતને કેવી રીતે સમજીએ છીએ. આપણે ક્યારેક કોઈના વિશે પ્રિડિસાઇડેડ માઇન્ડથી જ વિચારીએ છીએ. એવું માનવા લાગીએ છીએ કે, એ મને ઇરાદાપૂર્વક જ હેરાન કરે છે. દરેક વખતે એવું હોતું નથી. એક છોકરીની આ વાત છે. તે જોબ કરે છે. કામ મોડે સુધી ચાલતું હોય એટલે સૂવામાં મોડું થાય. ઊઠે પણ મોડી. સાસુ સાથે રહેતાં હતાં. એક વખત એ પિયર ગઈ. ઘર વિશે પોતાની મમ્મી સાથે વાત થતી હતી. પોતાની સાસુ વિશે એણે કહ્યું કે, હું ઊઠું એ પહેલાં મારી સાસુ કીચનમાં ખેદાનમેદાન કરી નાખે છે. એ વહેલાં ઊઠી જાય. પોતાની ચા બનાવે. એ પછી બધું એમ ને એમ પડ્યું હોય. ઊઠીને મારે બધું સરખું કરવાનું. છોકરીની માએ કહ્યું, ‘દીકરા, તું કેમ નેગેટિવ વિચારે છે? તું મોડી ઊઠે છે તો એ કંઈ બોલે છે? તને આરામથી સૂવા દે છે ને? પોતાની ચા પોતાના હાથે બનાવી લે છે ને? એણે તને કહ્યું હોત તો કે, તારે વહેલા ઊઠીને મને ચા બનાવી દેવાની છે! એને એમ થતું હશે કે, તું ભલે આરામ કરતી. કામ કરીને થાકી જતી હોઈશ. માણસની સારી વાત પણ જોવી જોઈએ.

પોતાના ઘરે આવ્યા પછી એ છોકરીએ એક દિવસ એનાં સાસુને કહ્યું, તમે બહુ સારાં છો. ચા બનાવવા માટે મને ઉઠાડતાં નથી. મને થોડુંક વધુ સૂવા મળે છે, એનાથી સારું લાગે છે. તમે મને એક ફેવર કરશો. પ્લીઝ, તમે જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં મૂકી દેશો? સાસુએ કહ્યું, અરે! એમાં શું? હું તો એટલે મૂકતી ન હતી કે, ચા બનાવતી વખતે બધું તારી સામે હોય! તારે ગોઠવેલું જોતું હોય તો હું એમ કરી દઈશ. સંબંધોની નિષ્ફળતા માટે ઘણી વખત નિખાલસતાનો અભાવ કારણભૂત હોય છે. ગ્રંથિઓ તૂટે એવી હોય ત્યારે જ તેને તોડી નાખવી જોઈએ. ગ્રંથિને ન તોડીએ તો એના ઉપર વળ ચડતાં જાય છે, એ પછી ગ્રંથિ તૂટતી નથી, સંબંધો તૂટી જાય છે.

આપણી જિંદગીમાં અનેક લોકો હોય છે. અમુક એવા હોય છે જેનાથી આપણને ફેર પડતો હોય છે. એ લોકોને પણ આપણાથી ફેર પડતો હોય છે. થોડાક પોતાના હોય છે, થોડાક ઓળખીતા હોય છે અને થોડાક પારકા પણ હોય છે. જે માણસ આપણા વિશે બોલે છે એ કઈ કેટેગરીમાં આવે છે, એ બહુ મહત્ત્વનું હોય છે. જેનાથી આપણને કોઈ ફેર પડતો ન હોય, જેને આપણી સાથે કંઈ લાગતુંવળગતું ન હોય એની વાતને પણ ઘણા લોકો ગંભીરતાથી લઈને દુ:ખી થતા હોય છે. આપણે ક્યારેક કોઈ માણસને વધુ પડતું ઇમ્પોર્ટન્સ આપી દેતા હોઈએ છીએ. મહત્ત્વ એને જ આપો જે એના માટે લાયક હોય. એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે, જે મને ઓળખતા નથી, એ મારું ખરાબ બોલે છે! ફિલોસોફરે કહ્યું, આપણે આપણી આજુબાજુમાં સંબંધોનાં પણ થોડાંક વર્તુળો બનાવવાં પડે છે. અમુક લોકો પહેલા વર્તુળમાં હોય છે અને અમુક બીજા કે ત્રીજા. બાકીના લોકો વર્તુળની બહાર હોય છે. એ લોકો શું બોલે છે એની ચિંતા નહીં કરવાની. એમાંથી અમુક લોકો એવા પણ હોય છે, જેને તમને ડિસ્ટર્બ કરવાની મજા આવતી હોય છે. એ તમારી દુખતી રગ જ શોધતા હોય છે. એ તમારું ધ્યાન ભંગ કરવા પણ ઇચ્છતા હોય છે. આપણે ડિસ્ટર્બ થઈએ એટલું જ તો એને જોતું હોય છે! આપણે ડિસ્ટર્બ થઈને એના ઇરાદાને જ સાકાર કરીએ છીએ. તું એને ભૂલી જા તો એ પણ તને ભૂલી જશે. તું યાદ રાખે છે એટલે તો એ તને ભૂલવા નથી દેતા.

તમે કોઈ કામ કરતા પહેલાં એવું વિચારો છો કે, આના વિશે કોણ શું વિચારશે? જો આવું કરતા હોવ તો એ વાજબી નથી. તમને જે સાચું, સારું, યોગ્ય, વાજબી અને કરવા જેવું લાગે એ કરો. ઘણા લોકો એટલે કોઈ કામનો પ્રારંભ નથી કરતા કે જો હું આવું કરીશ તો એને કેવું લાગશે? એ શું બોલશે? અમુક વખતે તો આપણને ખબર જ હોય છે કે, આ માણસ આવું જ બોલશે. આપણે તો પણ એને ગંભીરતાથી લેતા હોઈએ છીએ. દુનિયાએ તો ભગવાનને પણ નથી છોડ્યા. મહાન માણસોના ઇતિહાસને પણ તપાસી જુઓ. એમનો વિરોધ કરનારાઓ પણ કંઈ ઓછા ન હતા. અમુક લોકો એવી પણ વાતો કરતા હોય છે કે, લોકો તમારા વિશે વાતો કરે, તમારી ઈર્ષા કરે તો માનજો કે તમે આગળ છો. તમે બરાબર રસ્તે જઈ રહ્યા છો. જોકે, એવું પણ શા માટે માનવાનું? આપણે કોઈની ઈર્ષાને શા માટે આપણી સફળતાનો આધાર બનાવીએ? આપણે સાચા રસ્તે છીએ કે નહીં એના સૌથી મોટા જજ આપણે જ હોઈએ છીએ. આપણે ખોટા રસ્તે હોઈએ તો પણ આપણે જ નક્કી કરવાનું હોય છે કે આપણે શું કરવું? ઘણા લોકો તો કોણ મારા વિશે શું બોલે છે એની પણ તપાસ કરતા રહે છે. કોઈ સાથે વાત થાય તો તરત જ પૂછશે કે, મારા વિશે શું કહેતો કે કહેતી હતી? એ જે કહે એના ઉપરથી આપણે પેલી વ્યક્તિ વિશેનો અભિપ્રાય બાંધી લઈએ છીએ. આપણે તપાસ પણ નથી કરતા કે આ વાત સાચી છે કે ખોટી? આપણે એને પૂછતા પણ નથી કે, તું આવું બોલ્યો હતો કે નહીં? આપણે એક ગાંઠ બાંધી લઈએ છીએ. આવી ઘણી બધી ગાંઠો આપણી અંદર બંધાયેલી હોય છે. આપણે એવું ક્યારેય નથી વિચારતા કે આ બધી ગાંઠોએ મને જ બાંધી દીધો છે. હું જ મારાથી મુક્ત નથી! પૂર્વગ્રહો આપણા આગ્રહથી જ બંધાતા હોય છે. આપણે ન માનવા જેવું માની લઈએ છીએ, ન ધારવા જેવું ધારી લઈએ છીએ અને પછી ન જીવવા જેવું જીવતા રહીએ છીએ!

કોણ શું બોલે છે એની ચિંતા આપણે કરતા રહીએ છીએ. આપણે ક્યારેય એ ઉપાધિ કરતા નથી કે, હું કોના વિશે શું બોલું છું? તમે કોઈના વિશે કંઈ બોલતા પહેલાં નયા ભારનો વિચાર કરો છો? કોઈના કપાળે આપણે મનગમતું લેબલ મારી દઈએ છીએ. કોઈની સફળતા કે કોઈના સુખની આપણને કેટલી ઈર્ષા થાય છે? કોઈ સફળ થાય તો આપણે એવું પણ કહી દેતા હોઈએ છીએ કે, એનાં નસીબ સારાં છે બાકી એનામાં એવી કોઈ આવડત નથી! માણસ કેવો છે? કંઈ ન મળે તો કોઈના નસીબની પણ ઈર્ષા કરે છે. દુનિયાને આપણે જેટલી ગંભીરતાથી લઈએ છીએ એટલી ગંભીરતાથી લેવાની દર વખતે જરૂર હોતી નથી. એનું કારણ એ છે કે આપણે માનતા હોઈએ એટલી ગંભીરતાથી દુનિયા આપણને પણ લેતી હોતી નથી! તમે યોગ્ય મંજિલ, એના માટેનો યોગ્ય માર્ગ નક્કી કરી તમારી સફર જારી રાખો, તો જ તમે ધાર્યું હશે એ કરી શકશો.

છેલ્લો સીન :

તમને તમારા માટે ન ગમતું હોય એવું તમે કોઈના માટે ન બોલો. આપણે જે બોલીએ એનાથી આપણે જ ઓળખાઈ જતા હોઈએ છીએ.      -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 12 જૂન 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

4 Comments

  1. ઘણો અદભુત લેખ શાંતિમય જીવન જીવવાની ચાવી પણ કહી શકાય ખરેખર દર બુધવારે તમારા શબ્દો થી આજ ના તણાવ ઉક્ત જીવન માં શક્તિ અને ઉર્જા નો સંચાર થાય છે

Leave a Reply