વર્ચ્યુલ ટ્રાયલ રૂમમાં રિઅલ ફીલ આવે ખરી? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

વર્ચ્યુલ ટ્રાયલ રૂમમાં

રિઅલ ફીલ આવે ખરી?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ટેક્નોલોજીએ માણસની લાઇફસ્ટાઇલ બદલી નાખી છે.

હવે ડ્રેસનું ફિટિંગ અને કપડાં કેવાં લાગશે એ જોવા માટે

વર્ચ્યુલ ટ્રાયલ રૂમ આવી રહ્યા છે, પણ એનાથી

ખરી મજા આવે ખરી?

ટ્રાયલ રૂમની અંદર અને બહાર ઘણી કથાઓ રચાતી હોય છે.

લેડિઝ માટે ટ્રાયલ રૂમ એ સંવેદનાને સજીવન કરતું સ્થળ છે.

જો તો કેવી લાગું છું? એવો જવાબ આપીએ કે ફાઇન છે, તો પણ કન્ફર્મેશન માટે બીજો સવાલ આવશે કે, રિઅલી? મોલ કે શોપના ટ્રાયલ રૂમ આસપાસ ઘણી કથાઓ આકાર લેતી હોય છે. કપડાં ચેઇન્જ કરીને બહાર આવતી છોકરીના ચહેરાના હાવભાવ કેટલું બધું બયાન કરતા હોય છે? કપડાં લેવા જવામાં, પસંદ કરવામાં અને માપવામાં લેડિઝ અને જેન્ટ્સની મેન્ટાલિટીમાં આસમાન જમીનનો ફેર હોય છે. એક વાત તો એવી છે કે, પુરુષોને ખરીદી કરવામાં લેડિઝ જેટલો આનંદ આવતો નથી. લેડિઝ માટે શોપિંગ એ રોમાંચ છે. લેડિઝ શોપિંગ એન્જોય કરે છે. એક ડ્રેસ લેવાનો હોય, એ પસંદ થઈ ગયો હોય, તો પણ બીજો ડ્રેસ ટ્રાય કરવાનો મોહ જતો કરી શકતી નથી. અત્યારે આનો ટ્રેન્ડ છે. જરાક જોઉં તો ખરી કે હું કેવી લાગું છું? લેડિઝ સૂક્ષ્મ સુખ પણ માણી શકે છે.

વેલ, હવે વર્ચ્યુલ ટ્રાયલ રૂમ આવી રહ્યા છે. ફોરેનમાં તો ઓલરેડી આ ટ્રેન્ડ આવી ગયો છે. હવે આપણા દેશમાં પણ એ ટેક્નોલોજી આવી રહી છે. દિલ્હીની એક હોટલમાં હમણાં આ ટેક્નોલોજી માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આપણે મોલમાં ખરીદી કરવા જઈએ ત્યારે આમ તો કંઈ માથાનો દુખાવો હોય તો એ છે ટ્રાયલ રૂમની બહાર આપણા વારાની રાહ જોવાનો. આપણે ઊભા હોઈએ ત્યારે ઘણા લોકો તો એટલા ટેસથી ટ્રાય કરતા હોય છે, જાણે એના સિવાય બીજું કોઈ છે જ નહીં. આમ છતાં લોકો ટ્રાયલ તો કરશે જ. લેડિઝને તો એના વગર સંતોષ જ ન થાય. લેડિઝ તો જેન્ટ્સ પાસે પણ એવો આગ્રહ રાખે છે કે તું પહેરીને બતાવ અને જોઈ લે કે કમ્ફર્ટેબલ છે કે નહીં? અમુક પુરુષોનાં કપડાં લેડિઝ ખરીદતી હોય છે. તું તને ગમે એ લઈ આવને, એમ કહીને ઘણા પુરુષો શોપિંગ કરવા જવાનું ટાળતા હોય છે. ઘણા પ્રેમીઓ તો વળી એવી ક્રેડિટ પણ આપતા હોય છે કે તને ગમે એટલે બસ, મને ક્યાં બીજા કોઈથી ફેર પડે છે?

વર્ચ્યુલ ટ્રાયલ રૂમ તમને એ ફેસિલિટી આપશે કે, તમારે ડ્રેસ લેવો કે નહીં એ નિર્ણય કરી શકો. તમારા ચહેરા અને શરીર પર કેવું શોભશે એ દરેક એન્ગલથી બતાવશે. આપણને બધાને ખબર છે કે, રિઅલ કરતાં સ્ક્રીન ઉપર આપણે હોઈએ એના કરતાં વધુ સારા લાગતા હોઈએ છીએ. હવે તો મોબાઇલ ફોનમાં પણ એવી ફેસિલિટી છે કે આપણને ફિલ્મસ્ટાર જેવા બનાવી દે. એટલે જ એવી મજાક પણ થાય છે કે, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર કોઈ છોકરા કે છોકરીને જોઈને કોઈ ખ્યાલ બાંધી ન લેવો. એવું કરવામાં મૂરખ બનવાના ચાન્સીસ અનેકગણા વધી જાય છે. વર્ચ્યુલ ટ્રાયલ રૂમના મામલામાં આપણે ત્યાં તો એવું થવાની પણ શક્યતા છે કે, લોકો વર્ચ્યુલ અને રિઅલ એમ બંને રીતે ટ્રાય કરીને એ પણ ચેક કરશે કે બંનેમાં કેટલો ફેર લાગે છે. આપણી વ્યક્તિ જોઈને તેનો અભિપ્રાય આપે એની મજા જ કંઈક અલગ હોય છે. બહુ જ મસ્ત લાગે છે, આ તો લઈ જ લે, એ શબ્દો જ ડ્રેસનું ઇમ્પોર્ટન્સ વધારી દેતા હોય છે.

આ ટેક્નોલોજી વહેલી કે મોડી ઓનલાઇન શોપિંગમાં પણ આવવાની છે. અત્યારે પણ અમુક શોપિંગ સાઇટ્સમાં એ ફેસેલિટી તો છે જ કે તમે તમારું મેજરમેન્ટ મૂકો તો એ તમને બતાવે કે ડ્રેસ કેવો લાગશે. જોકે, તેમાં આપણું શરીર હોતું નથી. હવે તો કેમેરાની મદદથી એ પણ આવવાનું છે કે, ઓનલાઇન શોપિંગ કરતી વખતે પણ વર્ચ્યુલ ટ્રાયલ કરી શકો. ઓનલાઇન શોપિંગમાં તો તમારી પાસે કોઈ ચોઇસ હોતી નથી, પણ મોલમાં તો ટ્રાયલ રૂમ હોય જ છે. હજુ પણ એવા લોકોની સંખ્યા બહુ મોટી છે જેઓ ટ્રાય કર્યા વગર કપડાં ખરીદવાનું પસંદ કરતા નથી. તમે વર્ચ્યુલ ટ્રાયલ લઈને શોપિંગ કરો ખરા? તમારે શોપિંગ કરતી વખતે કોઈના અભિપ્રાયની જરૂર પડે છે? ઘણા લોકો એવા પણ હોય છે જે એકલા શોપિંગ કરવા જાય છે અને પોતાને ગમે એ ખરીદી લે છે. મને ગમે છે ને એટલે બસ. દરેક વ્યક્તિ એવું કરી શકતી નથી. એને કોઈ અનુમોદન આપવાવાળું જોઈતું હોય છે. એકલા શોપિંગમાં જવાની એ કલ્પના જ કરી ન શકે. વિદેશ કે બીજા કોઈ શહેરમાં ગયા હોઈએ અને કોઈ કંપની ન હોય તો જુદી વાત છે, બાકી તો કોઈ સાથે હોય તો જ મજા આવે. એકલા ગયા હોય તો પણ એ પોતાની વ્યક્તિને ફોટા પાડીને મોકલશે કે, જો તો, આ લેવા જેવું છે? વેબસાઇટ કે એપ પર મોડલે પહેરેલાં કપડાં જોઈને ઘણા ખરીદી કરે છે. એ પોતે પહેરે ત્યારે સારા લાગતા ન હોય એવું પણ બને.

હવે તો સોશિયલ મીડિયા ઉપર અને કેટલીય એપ એવી પણ ફેસિલિટી આપે છે કે તમને કેવી દાઢી સારી લાગશે? હેર ડ્રેસર્સ પણ હવે એવા પ્રોગ્રામ્સ રાખવા લાગ્યા છે જે તમને તમારા ચહેરા ઉપર જુદી જુદી વર્ચ્યુલ હેરસ્ટાઇલ લગાવીને બતાવે કે જુઓ તમે કેવા લાગશો? ઘણી વખત એવું બધું જોઈને જે તે હેરસ્ટાઇલ કરાવી લીધા પછી ભાન થતું હોય છે કે આ ધંધો કરવા જેવો નહોતો. આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ધીમે ધીમે બધું જ વર્ચ્યુલ થઈ રહ્યું છે. સંબંધો પણ! એ તો થવાનું જ છે. આપણે તેને રોકી શકવાના નથી. હા, ઇચ્છીએ તો બચી જરૂર શકીએ.

પેશખિદમત

હર ઘડી કા સાથ દુ:ખ દેતે હૈં જાન-એ-મન મુઝે,

હર કોઈ કહને લગા તન્હાઇ કા દુશ્મન મુઝે,

દિન કો કિરનેં રાત કો જુગનૂ પકડને કા હૈ શૌક,

જાને કિસ મંજિલ મેં લે જાએગા પાગલપન મુઝે.

– ઇકબાલ સાજિદ

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 05 મે 2019, રવિવાર)

[email protected]

Be the first to comment

Leave a Reply