કામ હોય ત્યારે જ હું બધાને યાદ આવું છું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કામ હોય ત્યારે જ હું

બધાને યાદ આવું છું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ચાલને, માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,

ને પછી વાડ થઈ વેલા ટકાવી જોઈએ,

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,

આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.

-ગૌરાંગ ઠાકર

માણસ અને કામ વિશે એક સરસ વાત કહેવાઈ છે. તમારે જો કંઈ મહત્ત્વનું કામ હોયને તો બિઝી હોય એવા માણસને કામ સોંપજો. સાવ નવરા માણસ પાસે કોઈ કામ માટે ફુરસદ હોતી નથી! જે માણસને કામની ખરેખર ગંભીરતા હશે એ માણસ ગમે તેમ કરીને તમારા માટે સમય કાઢી લેશે. નવરો માણસ એવું કહેશે કે, તમારું કામ થઈ જશે, પછી એ કામ થતું જ નથી. અમુક માણસની છાપ જ એવી હોય છે કે એને કોઈ કામ સોંપાય નહીં! એ વાતું કરવામાં શૂરો છે. તમને તમારા વર્તુળમાંથી કોઈ કંઈ કામ સોંપે છે? જો એનો જવાબ હા હોય તો માનજો કે તમે મહત્ત્વના માણસ છો. તમને એ કામ માટે લાયક સમજવામાં આવ્યા છે. તમારા ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે.

દરેક માણસને પોતાને પણ ખબર હોવી જોઈએ કે એ કયા કામ માટે યોગ્ય છે! આપણને ન ગમતું હોય, આપણને વાજબી લાગતું ન હોય તો બહુ સલુકાઈથી એવું કહી દેવામાં ડહાપણ છે કે, સોરી મારાથી આ કામ નહીં થાય! ક્યારેક આપણે ના કહી શકતા નથી. આપણું દિલ ના પાડતું હોય, પણ આપણે મોઢામોઢ ના કહેતા નથી. એ કામ ન કરીએ કે એ કામ ન થાય ત્યારે સામેવાળી વ્યક્તિને નારાજગી થાય છે. આપણી ઇમેજ બગડે છે. થઈ શકે એમ હોય તો ચોક્કસ કરો. ન થાય એમ હોય તો ના પાડી દો. અમુક લોકોને પોતાનાં કામ બીજાને સોંપી દેવાની આદત હોય છે. એ શિકાર જ શોધતા હોય છે. કંઈ નાનકડી માહિતી જોઈતી હોય તો પણ એ પૂછશે કે આ ક્યાં આવ્યું? અરે ભાઈ! તું જ ગૂગલમાં જોઈ લે ને! તારી પાસે પણ મસ્ત મજાનો સ્માર્ટ ફોન છે. એક માણસે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, કોઈ મને કંઈ કામ સોંપે એટલે તરત જ હું એ વિચારું છું કે, આ કામ માટે હું રાઇટ ચોઇસ છું? એ કામ એનાથી થઈ શકે તેમ નથી? મારી કેમ એને જરૂર પડી? એ ખરેખર પહોંચી શકે એમ નથી? જો મને વાત વાજબી લાગે તો કામ કરવાની હા પાડું છું, બાકી એને રસ્તો ચીંધાડી દઉં છું કે જુઓ તમે આમ કરો એટલે થઈ જશે.

આપણી જિંદગીમાં જાતજાતના લોકો હોય છે. આપણું વર્તુળ જેટલું મોટું એટલા લોકો આપણી નજીક હોવાના. એમાંથી થોડાક લોકો આપણી જિંદગીમાં અપવાદ જેવા હોય છે. એક છોકરીએ કહેલી આ વાત છે. તેણે કહ્યું કે મેં મારી લાઇફના અમુક લોકોને પ્રાયોરિટીઝમાં મૂક્યા છે. આપણે વોટ્સએપમાં જેમ ‘પિનઅપ’ કરીએ છીએને, એમ લાઇફમાં પણ અમુક લોકોને ઉપર રાખવાના હોય છે. એના માટે આપણે હાજરાહજૂર! કંઈ પણ કહે એટલે વિચાર્યા વગર કરી નાખવાનું! એ કામ સાવ ફાલતું કેમ ન હોય! એક વખત એ છોકરીને તેના એક અંગત મિત્રએ સાવ સામાન્ય કામ સોંપ્યું. એ જાણીને તેની ફ્રેન્ડ એવું બોલી કે, તું એની નોકર છે? તું સાવ નવરી છે? આવા ફાલતુ કામ તને સોંપી દે છે! આ વાત સાંભળીને એ છોકરીએ કહ્યું. હા, કામ સાવ ફાલતુ છે, પણ એ માણસ મારા માટે ફાલતુ નથી! એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મને એ માણસની કદર છે. માણસ ફાલતુ હોય તો પછી ગમે તેવું મહત્ત્વનું કામ હોય તો પણ હું ના પાડી દઉં! આપણે કહેતા હોઈએ છીએ કે, આઇ એમ ધેર ફોર યુ ઓલવેઝ! જ્યારે જરૂર પડે ત્યારે આપણે હાજર હોઈએ છીએ? અમુક શબ્દો વાપરતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર હોય છે! જો પાળી શકો એમ હો તો જ કહો! એક વાર તમે કહી દીધું પછી એ એવો સવાલ ન કરવા જોઈએ કે, વ્હેર આર યુ? તું તો કહેતો કે કહેતી હતી ને કે, આઇ એમ ધેર ફોર યુ!

આપણાથી થઈ શકે એમ હોય તો બધાનું કામ કરવું જોઈએ. અમુક સમયે એ સમજણ પણ જરૂરી બને છે કે, કોનું કામ કરવું અને કોના કામને ઇમ્પોર્ટન્સ ન આપવું. આપણો સમય મર્યાદિત હોય છે. આપણો સમય અમુક લોકો માટે હોય છે, બધા માટે હોતો નથી. એક યુવાનની આ વાત છે. દસ વર્ષે તેને એક વડીલનો ફોન આવ્યો. તેણે કહ્યું કે, તારું એક કામ છે! યુવાને કહ્યું કે, બોલોને અંકલ, શું હતું? એ વડીલે કામ કહ્યું. યુવાને જવાબ આપ્યો કે, થઈ જશે! યુવાનની પત્નીએ કહ્યું, દસ વર્ષે એને તું યાદ આવ્યો? એ યુવાને કહ્યું, કેટલી સારી વાત છે! આટલા વર્ષે પણ આ કામ માટે એને હું જ યાદ આવ્યો! તને ખબર છે હું નાનો હતો ત્યારે એણે મને ખૂબ જ લાડકો રાખ્યો હતો. મેં જ એને કહ્યું હતું કે, ક્યારેય પણ કંઈ કામ હોય તો કહેજો. એને કામ પડ્યું અને કહ્યું. એમણે ખોટી વાતોમાં ક્યારેય મારો સમય બગાડ્યો નથી. મને તો ગમ્યું કે એણે મને કામ સોંપ્યું! હું ઇચ્છતો હતો કે એ મને કંઈક કામ સોંપે! વચ્ચે કેટલાં વર્ષો થયાં એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે હું હજુ એને યાદ છું.

આપણા દુ:ખનું એક કારણ એ પણ હોય છે કે આપણે કોઈનું કામ કરી આપ્યા પછી એની પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ. આપણને સારું લગાડે. આપણને થેંક્યૂ કહે. માણસ આ રીતે પણ પોતાનો ઇગો પંપાળતો હોય છે. એક યુવાનની આ વાત છે. એ એવું કહેતો ફરે કે, કામ હોય ત્યારે જ હું બધાને યાદ આવું છું! આમ તો કોઈ યાદ કરતું નથી! બધા સ્વાર્થના સંબંધ છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, સારી વાત છે ને! કામ હોય ત્યારે તું યાદ આવે છે. ત્યારે બીજું કોઈ કેમ યાદ નથી આવતું? એક વાત યાદ રાખ, તમે જેટલા ઉપર જાવ, જેટલા મહત્ત્વના બનો એમ લોકો તમને કામ સોંપવાના છે. એ તારી કાબેલિયત બતાવે છે. દુનિયા થોડીક તો સ્વાર્થી રહેવાની જ છે. કોઈના સ્વાર્થ માટે પણ આપણી જરૂર હોય એ નાની વાત નથી.

કામ કરીને પણ ગ્રેસ જાળવવો એ સારા માણસની નિશાની છે. એક ભાઈને એક કામ પડ્યું. આ કામ કોણ કરી કે કરાવી શકે એના વિશે એ વિચાર કરતા હતા. તેના મિત્રએ કહ્યું, પેલાને કહે, એનાથી થઈ જશે! એનું નામ સાંભળીને કહ્યું, રહેવા દે, એને નથી કહેવું! એ વળી આખા ગામમાં જતાવશે! મેં એનું કામ કર્યું હતું, એવું બધાને કહેતો ફરશે. જાણે મોટી મહેરબાની કરી હોયને એવું કહેતો ફરશે. આપણી આસપાસ પણ એવા લોકો હોય છે, જેને કોઈ કામ કહેવાનું આપણે ટાળીએ છીએ. બહુ ઓછા લોકોમાં એ આવડત અને ક્ષમતા હોય છે કે, કોઈનું કામ કરીને ભૂલી જાય! એક ભાઈને વર્ષો પછી એક જૂના સંબંધી મળ્યા. થોડીક વાતો થઈ. પછી પેલા ભાઈએ કહ્યું, તમને હું ક્યારેય ભૂલી ન શકું. તમે મારું એક મહત્ત્વનું કામ કર્યું છે! પેલા ભાઈએ પૂછ્યું, કયું કામ? બીજા ભાઈએ તેને કામ યાદ અપાવ્યું! આ સાંભળીને પેલા ભાઈએ કહ્યું, ઓહો, મને તો યાદેય નથી! જિંદગીમાં આપણે કંઈ યાદ રાખીએ એના કરતાં બીજા આપણને યાદ રાખે એ વધુ મહત્ત્વનું છે. તમે યાદ અપાવતા રહેશો તો એ તમને ભૂલી જશે. તમે ભૂલી જશો તો એ કાયમ યાદ રાખશે!

કામ કરવામાં સલુકાઈ હોવી જોઈએ. એક યુવાનને તેના એક સંબંધીએ ફોન કર્યો. તેણે કહ્યું કે, તારું એક કામ હતું. યુવાને કહ્યું, મને થયું જ કે બહુ દિવસે તમને હું યાદ આવ્યો! તમારાથી તો કંઈક કામ હોય તો જ યાદ કરાય છે ને! બાકી તો તમને પરવા જ નથી હોતી કે આ જીવે છે કે મરી ગયો! આવા લોકોની પણ કમી નથી આ દુનિયામાં. આવા લોકો સાથે અમુક લોકો સમયાંતરે કરવા ખાતર હાય-હલો કરી લેતા હોય છે. આપણે ઘણા લોકોના મોઢે એવું સાંભળીએ છીએ કે, એને અમુક સમયે સલામ ઠોકવી પડે. જે લોકો આવી ઇચ્છા ધરાવે છે એ મહત્ત્વના ચોક્કસ હોય છે, પણ આદરપાત્ર હોતા નથી! મહત્ત્વ તો તમારા હોદ્દા અને તમારી પહોંચથી મળે છે. આદર તમારી લાયકાત, તમારા વ્યક્તિત્વ અને તમારી આત્મીયતાથી મળતી હોય છે.

બાય ધ વે, તમને કોઈ કંઈ કામ સોંપે ત્યારે તમારો પ્રતિભાવ કેવો હોય છે? એ કામ કરવા માટે તમારી દાનત કેવી હોય છે? જેણે તમારું કામ કર્યું હોય એના પ્રત્યે તમારું વલણ કેવું હોય છે? આપણા ખરાબ સમયમાં જે આપણી પડખે ઊભા રહ્યા હોય એને આપણે આપણા સારા સમયમાં કેટલા આપણી નજીક રાખીએ છીએ? આપણું ‘માણસ’ તરીકેનું માપ આપણા વર્તનથી છતું થતું હોય છે. આપણે નક્કી કરવાનું હોય છે કે, મારે મહત્ત્વના બનવું છે કે આદરપાત્ર? આદર મેળવવાની આવડત બધામાં હોતી નથી.

છેલ્લો સીન :

કોનું કામ કરવામાં તમને મજા આવે છે? એને સાચવી રાખજો. જિંદગીમાં અપવાદ જેવા લોકો બહુ ઓછા હોય છે.   -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 24 એપ્રિલ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply