તને ખોટું બોલતા પહેલાં જરાયે વિચાર નથી આવતો? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ખોટું બોલતા પહેલાં

જરાયે વિચાર નથી આવતો?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મૃગજળની માયા છોડીને જળ સુધી જવું છે,

અમને જે છેતરે છે, એ છળ સુધી જવું છે!

સદીઓના આ વજનને, ફેંકી કાંધ પરથી,

જે હાથમાં છે મારા, એ પળ સુધી જવું છે.

-કાયમ હઝારી

અસત્યને હંમેશાં છુપાઈને રહેવું પડે છે. જૂઠને પકડાઈ જવાનો ડર હોય છે. ક્યાંક બધાને ખબર પડી જશે તો? સત્યને કોઈ ડર નથી હોતો. સત્ય ખુલ્લી છાતીએ બધે ફરે છે. સત્ય સનાતન છે. અસત્ય અલ્પજીવી છે. અસત્ય વહેલું કે મોડું પકડાઈ જતું હોય છે. જૂઠ પકડાય ત્યારે એ આપણી ઓળખ છતી કરી દે છે. દરેક માણસનું એક પોત હોય છે. પોત પરખાઈ જતું હોય છે. પોત પારદર્શક છે. આપણે જેવા હોઈએ એવું એ દુનિયા સામે રજૂ કરી દે છે. સત્ય બોલવાથી થનારા નુકસાન કરતાં અસત્ય બોલવાથી થનારો ફાયદો પહેલી નજરે કદાચ મોટો અથવા સારો લાગે, પણ છેલ્લે તો એ વધુ ગેરફાયદો લઈને જ આવે છે. સત્ય બોલતી વખતે ફાયદા કે નુકસાનનો વિચાર પણ ન કરવો જોઈએ. માત્ર એટલું જ વિચારવાની જરૂર હોય છે કે, છેલ્લે તો સત્ય ટકવાનું છે. અસત્ય વહેલું કે મોડું ઓગળી જાય છે. અસત્ય ઓગળી જાય પછી જે બચે છે એ સત્ય જ હોય છે.

એક માણસ સંત પાસે ગયો. તેણે પૂછ્યું, માણસ કેવો હોવો જોઈએ? સંતે કહ્યું, અરીસા જેવો. જેવો હોય એવો જ દેખાય. કેટલા લોકો જેવા હોય છે એવા જ દેખાતા હોય છે? આપણા ચહેરા ઉપર કેટલા ચહેરા હોય છે? સાચા માણસનો ચહેરો સૌમ્ય, સાત્ત્વિક અને સહજ હોય છે. ખોટું બોલનારના ચહેરા પર એક પછી એક જૂઠનાં થર જામતાં હોય છે. ચામડી જાડી થઈ જાય ત્યારે ત્વચા સંવેદનશીલતા ગુમાવે છે. જુઠ્ઠું બોલનારને જિંદગી અઘરી લાગે છે. તેનું કારણ એ છે કે, એ સાચું બોલનારા પર પણ ભરોસો મૂકી શકતો નથી. પોતે સાચા ન હોય એને કોઈ સાચું લાગતું નથી. બધા પર શંકા જાય છે. જેનું સત્ય બોદું હોય એણે જ સમ ખાવા પડતા હોય છે. સાચું બોલનારને પોતાના સત્ય પર શ્રદ્ધા હોય છે.

સત્ય સહેલું નથી. સહેલું હોત તો બધા જ સત્ય બોલતા હોત. અસત્ય અઘરું નથી. અસત્ય આપણને છટકબારી આપે છે. કામચલાઉ રીતે બચાવી લે છે. જે કામચલાઉ હોય છે એ કાયમી નથી હોતું. સત્ય પરમેનન્ટ છે. એક પ્રેમી અને પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકાએ મળવાનું કહ્યું. પ્રેમીએ મિત્રો સાથે જવાનું નક્કી કર્યું હતું. પ્રેમીએ કહ્યું કે, મારાથી નહીં આવી શકાય, મારે ઓફિસમાં કામ છે. પ્રેમિકાએ કહ્યું, કંઈ વાંધો નહીં, પછી મળીશું. બીજા દિવસે પ્રેમી અને પ્રેમિકા મળ્યાં. પ્રેમીએ કહ્યું, મારે તને એક વાત કહેવી છે. પ્રેમિકાએ કહ્યું, બોલ ને! પ્રેમીએ કહ્યું કે કાલે હું તારી સાથે ખોટું બોલ્યો હતો. મારે ઓફિસમાં કામ ન હતું. મિત્રો સાથે જવાનું હતું. પ્રેમિકાએ કહ્યું, તો પછી આજે કેમ સાચું બોલ્યો? પ્રેમીએ કહ્યું, મિત્રો સાથે હતો ત્યારે એક છોકરી આવી ચડી. એ તારા જેવી દેખાતી હતી. મને ડર લાગ્યો કે, તું આવી ગઈ? હું પકડાઈ ગયો! તું નહોતી એટલે મને હાશ થઈ! જોકે, રાતના મને ઘણા વિચારો આવ્યા. મને કેમ ડર લાગ્યો હતો? ખોટું બોલ્યો એટલે જ ને? જોકે, એનાથી પણ વધુ મહત્ત્વની વાત એ લાગી કે, તેં મારા અસત્ય ઉપર પણ શ્રદ્ધા મૂકી હતી. તેં મારી વાત સાચી માની લીધી હતી. તમારા અસત્યને પણ સત્ય માનતા હોય એવા લોકો પાસે અસત્ય બોલવું એ પાપ છે એવું મને લાગ્યું! બીજો એ પણ વિચાર આવ્યો કે મારા જેવું તેં કર્યું હોત, હું આવી ચડ્યો હોત, તું પકડાઈ ગઈ હોત, તો તને તો જે થવાનું હોત એ થાત, એનાથી મને શું થાત? આજે સાચું એટલે બોલું છું કે, મને જે થાત એ મારે તને ક્યારેય થવા નથી દેવું! સાચું કહું, હું તારી પાસે પકડાઈ ગયો નહોતો, પણ મને લાગ્યું કે હું મારી સાથે જ પકડાઈ ગયો છું! મેં જ મને પકડી લીધો હતો! જે પોતાને પકડી શકે છે એને જ અસત્ય સમજાય છે. કોઈ તમને પકડે કે ન પકડે, તમારું જૂઠ પકડાય કે ન પકડાય, તમે તો પકડાઈ જ જાવ છો!

ખોટું બોલીને આપણે બીજાને છેતરતા પહેલાં સૌથી વધુ તો આપણી જાતને છેતરતા હોઈએ છીએ. જેને પોતાની જાતને છેતરતા શરમ નથી આવતી એના જેવું બેશરમ બીજું કોઈ હોતું નથી. હું ખોટું બોલ્યો, એવું જેને નથી થતું એ માણસ ખોટું બોલતા અચકાતો નથી. ખોટું બોલો ત્યારે તમારું મન જો જરાયે ન ડંખે તો સમજજો કે તમે સાચા રસ્તે નથી. તમારું અસત્ય કદાચ ક્યારેય ન પકડાય તોયે એક વાત યાદ રાખજો કે, તમે સાચા થઈ જતા નથી! ન પકડાયેલું અસત્ય ક્યારેય સત્ય બની જ શકે નહીં! લોકોને તમે છેતરી શકો, પણ પોતાની જાતનું શું? તમારી જાતને જ છેતરવાની તમને આદત પડી જશે તો પછી આખી જિંદગી તમે છેતરાતા જ રહેશો! બીજા તો કદાચ થોડુંક છેતરે આપણે તો આખેઆખી આપણી જિંદગીને છેતરીએ છીએ! પોતાની જાતને છેતરતા હોય એ પોતાને જ રોજ થોડા થોડા વેતરતા હોય છે! સાચું કોઈના માટે નહીં, પણ પોતાના માટે બોલાવવું જોઈએ! જે પોતાને જજ નથી કરી શકતો એ ગુનેગાર જ હોય છે!

સંબંધને સાત્ત્વિક અને સહજ રાખવા માટે એ પણ જરૂરી છે કે, આપણે આપણી વ્યક્તિને સાચું બોલવાની મોકળાશ આપીએ. એને સત્ય બોલતા ડર ન લાગે. સત્ય સામે જ્યારે સવાલો થાય છે ત્યારે જવાબમાં જૂઠ બોલવાની શરૂઆત થતી હોય છે. આપણી સામે કોઈ અસત્ય બોલે ત્યારે આપણે પણ એ વિચારવું જોઈએ કે, સાચું બોલવાની એની હિંમત કેમ ન થઈ? ક્યારેય માણસે સત્યને માફ કરી દેવું જોઈએ.

એક પિતા એના દીકરાને સિગારેટ પીતા જોઈ ગયા. રાતે ઘરે આવીને પિતાએ દીકરાને પૂછ્યું, તું સિગારેટ પીવે છે? દીકરો થોડી વાર મૂંઝાઈ ગયો. તેણે પછી કહ્યું, હા ડેડી, હું સિગારેટ પીઉં છું. પપ્પાએ ઊભા થઈ એને હગ કર્યું. પિતાએ કહ્યું કે, તેં ના પાડી હોત તો કદાચ મને વધારે દુ:ખ થાત. સિગારેટ પીવે છે એ જાણીને દુ:ખ થયું છે, પણ સાચું બોલી ગયો એની ખુશી છે. દીકરાએ કહ્યું, પપ્પા તમે ક્યારેય કંઈ ખોટું બોલ્યા હોય એ મને યાદ નથી. હું તમારી સામે કેવી રીતે ખોટું બોલી શકું? તમે મને સજા આપત કે ગુસ્સે થાત એના કરતાં પણ વધુ વેદના મને મારા ખોટા બોલવા ઉપર થાત. ખોટું બોલીને તમને દુ:ખી કરવા એના કરતાં સાચું બોલીને તમને નારાજ કરવાનું હું વધારે પસંદ કરું. આપણું સત્ય આપણા લોકોને પણ સત્ય બોલવા જ પ્રેરતું હોય છે. સત્યની અપેક્ષા એ જ રાખી શકે જે સત્યને સમજે અને સત્યને સ્વીકારે છે.

સત્ય બોલવામાં સાવચેતી ન રાખીએ તો અસત્ય આદત બની જાય છે. ખોટું બોલવાની જરૂર ન હોય તો પણ આપણે ખોટું બોલવા લાગીએ છીએ. ખોટું બોલવાનો વિચાર આવે ત્યારે થોડુંક એવું પણ વિચારવું જોઈએ કે, ખોટું બોલવું જરૂરી છે? સાચું બોલીશ તો થઈ થઈને શું થઈ જવાનું છે? સાચું બોલવાથી કોઈ મોટું આભ ફાટી પડવાનું નથી. ખોટું પકડાશે ત્યારે એનાં પરિણામો વધુ ગંભીર હશે. ઘણી વખત ખોટું પકડાય ત્યારે આપણને જ એમ થતું હોય છે કે, આના કરતાં સાચું બોલી ગયો હોત તો સારું હતું! ખોટું પકડાય ત્યારે આપણી વ્યક્તિ માટે એ વિશ્વાસઘાત હોય છે.

સત્ય પર શંકા ન કરવી એ પણ એક સારો ગુણ છે. કોઈ સાચું બોલતું હોય એનું સન્માન કરવું એ સત્યનો આદર જ છે. એક બહેનની આ વાત છે. તેને ત્યાં દરરોજ કૂક રસોઈ બનાવવા આવે. એક દિવસ રસોઈયાએ મેસેજ કર્યો કે, મારો એક્સિડન્ટ થયો છે એટલે નહીં આવી શકું. પેલા બહેને વળતો મેસેજ કર્યો કે, દાનત ન હોય તો ના પાડી દે, પણ એક્સિડન્ટ થયો છે એવું ખોટું ન બોલ! બીજી જ મિનિટે રસોઈયાએ પ્લાસ્ટરવાળા તેના પગનો ફોટો વોટ્સએપથી મોકલ્યો! નીચે એક જ લાઇન લખી હતી. હું ખોટું નથી બોલતો. પેલા બહેને જવાબ લખ્યો, સોરી. મારે શંકા કરવી જોઈતી ન હતી. અસત્યનો પ્રભાવ એટલો બધો વધી ગયો છે કે આપણે સત્ય ઉપર શંકા કરવા લાગ્યા છીએ!

સત્ય કોઈના માટે નહીં, પણ પોતાના માટે બોલવું જોઈએ. માણસ સૌથી પહેલાં પોતાની જાત સાથે પ્રામાણિક હોવો જોઈએ. તમે જેવા હશો એવા જ લોકો માનવાના છે. તમે જો એવું ઇચ્છતા હોવ કે લોકો તમને સાચા સમજે, સાચા માને તો તમે તમારી જાત સાથે સાચા રહેજો. સાચું કદાચ થોડુંક અઘરું લાગશે, પણ છેલ્લે એ જ સાચું લાગશે. જે સારું છે એ જ સારું રહે છે. સત્યનો આદર કરો, સત્ય તમને સાચવી લેશે. અસત્ય ઉઘાડા પાડી દેશે.

છેલ્લો સીન :

અસત્યને ગમે એટલો શણગાર કરીને મૂકીએ તો પણ એ સત્ય જેટલું સ્વરૂપવાન ક્યારેય બની શકતું નથી!                        -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 એપ્રિલ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply