હું કહું અને તું કરે
એનો કોઈ મતલબ ખરો?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
હવા સાથે અદાવત ક્યાં હતી? તૂટે છે શ્વાસ રાહત ક્યાં હતી?
પરિચિત જોઈને મલકી જતા, હવે એવી કરામત ક્યાં હતી?
કરી વિશ્વાસ પસ્તાયો સદા, શરીફોમાં શરાફત ક્યાં હતી?
નજીક હોવા છતાં ન પારખ્યો, સંબંધોમાં નજાકત ક્યાં હતી?
-નરેન્દ્રસિંહ મકવાણા ‘અતુલ’
દરેક માણસને પોતાની વ્યક્તિ પાસે અપેક્ષાઓ હોય છે. અપેક્ષા પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા અને દાંપત્યનો સૌથી મોટો આધાર હોય છે. ભલે એવું કહેવાતું હોય કે, સંબંધોમાં અપેક્ષાઓ ન હોવી જોઈએ. સંબંધમાં અપેક્ષા ન હોય તો બીજે ક્યાં હોય? દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે, મને કોઈ પેમ્પર કરે. મારું ધ્યાન રાખે. મને પૂછે કે તું મજામાં છે ને? આપણને પણ આપણી વ્યક્તિ માટે કંઈક કરવું ગમતું હોય છે. માણસ માત્ર પોતાના માટે જ જીવતો હોતો નથી. એ પોતાની વ્યક્તિ માટે પણ જીવતો હોય છે. કોઈના સુખ માટે આપણે દુ:ખી થવા પણ તૈયાર હોઈએ છીએ. દરેકના મનમાં એવું હોય છે કે મારે મારી વ્યક્તિને તમામ પ્રકારનું સુખ આપવું છે. એને ગમતું હોય એવું કરવું છે. આપણને ન પોષાતું હોય તો પણ આપણે આપણી વ્યક્તિ માટે બધું કરતા હોઈએ છીએ. તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું. તારી સગવડ, તારી કમ્ફર્ટ, તારા સુખ, તારી ખુશી, તારી ઇચ્છા, તારા આનંદથી વધારે મારા માટે કંઈ જ નથી! માણસ પોતે ચલાવી લેતો હોય છે, પણ પોતાની વ્યક્તિ માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતો નથી. મને તકલીફ પડે તો વાંધો નહીં, તને કોઈ હેરાનગતિ થવી ન જોઈએ!
એક યુવાનની આ વાત છે. તેણે લવમેરેજ કર્યા હતા. પત્ની માટે ખૂબ જ પ્રેમ. પત્ની કોઈ પણ ડિમાન્ડ કરે તો એ હાજર કરી દે. પતિની છાપ તેના ગ્રૂપમાં લોભિયા માણસની હતી. રૂપિયા ખર્ચતા પહેલાં સો વાર વિચાર કરે. એક વખત પતિ-પત્ની શોપિંગ માટે ગયાં. પત્નીએ જોવું હતું કે, એ શું કરે છે? મારા માટે ખર્ચ કરવામાં કેટલો વિચાર કરે છે? પત્નીએ ઇરાદાપૂર્વક એક મોંઘો ડ્રેસ પસંદ કર્યો. પતિને કહ્યું કે, આ મને બહુ ગમે છે. પતિએ પ્રાઇઝ ટેગ જોયું. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું કે, લઈ લે! પત્નીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે, હમણાં તારા માટે જીન્સ જોતાં હતાં. તેં પ્રાઇઝ ટેગ જોયું. એવું બોલ્યો કે બહુ મોંઘું છે, નથી લેવું. તું મને ના પાડતો નથી! આવું કેમ? પતિએ નજરમાં નજર પરોવીને કહ્યું કે, કોના માટે કરું છું હું આટલી મહેનત? તારા માટે જ તો છે બધું! મેં નક્કી કર્યું છે કે, તારા માટે હોય તો કંઈ વિચાર નહીં કરવાનો. મને ખબર છે કે આપણા ગ્રૂપમાં મારી ઇમેજ લોભિયા માણસની છે. તને ખબર છે કે હું લોભ શા માટે કરું છું? એટલા માટે કે તારી વાત હોય તો મારે સમાધાન કરવું ન પડે! જે બચાવું છું એ તારા માટે ખર્ચ કરવા જ બચાવું છું!
આપણે બધા જ આવું કરતા હોઈએ છીએ. ક્યારેક પ્રેમી કે પ્રેમિકા માટે, ક્યારેક પતિ કે પત્ની માટે, દોસ્ત માટે, માતા-પિતા માટે અથવા તો એવી વ્યક્તિ માટે જે આપણી દિલની નજીક હોય. અમુક સંબંધો પ્રાઇઝ ટેગને અતિક્રમી જતા હોય છે, ત્યાં માત્ર એક જ ટેગ હોય છે કે, હું તને પ્રેમ કરું છું. તું મારા માટે દુનિયાની સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. મારી જિંદગીની પ્રાયોરિટી તારાથી જ શરૂ થાય છે.
એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ મોટો થયો, સારું કમાવવા લાગ્યો. તેણે તેનાં મમ્મી-પપ્પાની એનિવર્સરી આવી ત્યારે એક કાર લઈને ગિફ્ટ આપી. તેના પપ્પાએ કહ્યું કે, અરે! આટલો ખર્ચ કરવાની શું જરૂર હતી. દીકરાએ કહ્યું કે, હું કોલેજમાં ભણતો હતો. મારે બાઇક લેવી હતી. તમારી પાસે રૂપિયા ન હતા. તમે લોન લઈને મને બાઇક લઈ આપેલી. કેટલાં વર્ષો સુધી હપ્તા ભર્યા. તમારી આખી જિંદગીનું એક સપનું હતું કે મારે કાર લેવી છે, તમે લઈ ન શક્યા. એનું કારણ એ જ હતું કે તમે મારી જરૂરિયાત માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા ન હતા. સારી સ્કૂલ, મોંઘાં ટ્યુશન, મારી સગવડ ખાતર તમે બધું જ કર્યું છે. તમારું જેમ મારા સુખનું સપનું હતું ને એમ મારુંયે સપનું હતું કે, હું મારાં મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરીશ. તમારી લાઇફમાં કોનું સપનું પૂરું કરવાની ખ્વાહિશ છે?
એક પતિ-પત્નીની આ વાત છે. બંને સ્ટ્રગલર. સામાન્ય જોબ કરે. ભાડે રહેતાં હતાં. પત્ની જિંદગી અને ભવિષ્યની વાત કરે ત્યારે એવું કહે કે, બસ એક જ સપનું છે. આપણું મસ્ત મજાનું થ્રીરૂમ કિચનવાળું ઘર હોય. હું આપણા ઘરને મસ્ત રીતે સજાવીશ. બંને ખૂબ મહેનત કરતાં હતાં, પણ ત્રણ રૂમવાળું ઘર ખરીદી શકતાં નહોતાં. પતિએ ગમે તેમ મેનેજ કરીને માંડ માંડ વન રૂમ કિચનનો વેંત કર્યો. ઘર લીધું. રહેવા ગયાં ત્યારે પતિએ પત્નીનો હાથ હાથમાં લઈને કહ્યું કે યાર, હું તારું ત્રણ રૂમવાળા ઘરનું સપનું પૂરું કરી નથી શક્યો, આટલું જ થયું છે. પત્નીએ તેને વળગીને કહ્યું કે, પાગલ છે તું સાવ! ઘર કેવડું છે એ મહત્ત્વનું નથી, તને મારા સપનાની કદર છે એ મહત્ત્વનું છે. બાકી રહી ઘર સજાવવાની વાત, એ તો હું આ ઘરને પણ સજાવીશ! એ પછી પત્નીએ કહ્યું, તારો પ્રેમ છે ને તો આ નાનકડું ઘર પણ મને મહેલ જેવું લાગે છે. પ્રેમ ન હોય તો પેલેસ પણ જેલ જેવો લાગતો હોય છે!
આપણી અપેક્ષાઓ કેવી હોય છે? આપણે એક એવી અપેક્ષા પણ રાખતા હોઈએ છીએ કે આપણા મનમાં જે હોય એ આપણી વ્યક્તિને ખબર પડી જાય. આપણું મન આપણી વ્યક્તિ વાંચી લે. આપણી ઇચ્છા આપણી વ્યક્તિ જાણી લે. દરેક વખતે એવું થાય એ જરૂરી નથી. એક પતિ-પત્નીની આ વાત છે. કંઈ વાત હોય ત્યારે પતિ કહે કે, તું બોલને તારે શું કરવું છે? દર વખતે પત્ની કહી દે. જોકે, એક વખતે પત્નીએ એવું કહ્યું કે, હું કહું અને તું કરે એનો કોઈ મતલબ ખરો? તને કેમ મારા માટે કંઈ કરવાનું મન નથી થતું? પતિએ પ્રેમથી કહ્યું, તું કહે છે એનો મતલબ છે, એનો અર્થ છે! તું કહે છે એ બધું હું કરું છું ને! મને એમ જ થાય છે કે, તું કહે એ જ કરું. તને ગમતું હોય એ જ થાય. હું કદાચ તારું મન વાંચી નથી શકતો, પણ મારું મન વાંચવાનો પ્રયાસ કરું છું. મારું મન વાંચું ત્યારે મને એ જ વંચાય છે કે, તને ગમતું હોય એ જ કરું! ક્યારેક એવો પણ વિચાર આવી જાય છે કે, હું કંઈક કરું અને તને નહીં ગમે તો? એવો થોડોક ડર પણ લાગે છે કે, હું કંઈક કહું અને તું એવું બોલે કે ન ગમ્યું અથવા તો મજા ન આવી, તો મને આઘાત લાગે! પત્નીએ કહ્યું, તું કરે એ બધું જ ગમે!
એક પ્રેમિકાની આ વાત છે. એને સરપ્રાઇઝ બહુ જ ગમે. એના પ્રેમીને પણ આ વાતની ખબર હતી. જોકે, એ સરપ્રાઇઝ આપી જ ન શકે. કંઈક સરપ્રાઇઝ પ્લાન કર્યું હોય તો પણ એ કહી દે કે તારા માટે એક સરપ્રાઇઝ નક્કી કર્યું છે! પ્રેમિકાએ કહ્યું, તું આવું કહી દે તો એમાં સરપ્રાઇઝ ક્યાં રહ્યું? પ્રેમીએ કહ્યું કે યાર, મારાથી રહેવાતું જ નથી. મારા મનમાં કંઈ પણ વિચાર આવે તો તરત જ એવું થાય છે કે, તને કહી દઉં. મને સરપ્રાઇઝના વિચાર આવે છે એનું તને કેમ સરપ્રાઇઝ નથી થતું? તમારી વ્યક્તિને સરપ્રાઇઝ ગમે છે? તો તમને પણ ગમવું જોઈએ. અમુક વખતે રોમાંચ ક્રિએટ કરવા પડતા હોય છે.
પ્રેમ અને દાંપત્ય માટે બે વસ્તુ સજીવન હોવી જોઈએ, રોમાંચ અને રોમાન્સ. એ સુકાવા ન જોઈએ. એક મિત્રએ તેના મિત્રને કહ્યું કે, હવે અમને અમારા બંનેના રિલેશનમાં રોમાંચ લાગતો નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે યાર, તું તો ડાહ્યો અને સમજુ છે. તને ખબર પડે છે કે રોમાંચ ખૂટી ગયો છે. આટલું સમજે છે તો એ પણ શીખી લે કે રોમાંચ કેમ પાછો જીવતો થાય? એ બહુ અઘરું નથી. પોતાની વ્યક્તિને રોમાંચિત રાખવા માટે રોમાંચ સર્જવો પડતો હોય છે. તમને એવું લાગે છે કે, તમારી જિંદગીમાં પ્રેમ ઓસરી રહ્યો છે? કંઈક ખૂટી રહ્યું છે? તો એને શોધો. એને પાછો તમારી જિંદગીમાં લાવો. એ કરવું બહુ અઘરું નથી. થોડુંક પોતાનામાં અને થોડુંક પોતાની વ્યક્તિમાં ખોવાવું પડતું હોય છે. જે દરરોજ નવો રોમાંચ સર્જી શકે છે એનો પ્રેમ દરરોજ તરોતાજા રહે છે.
સુંદર દેખાવા માટે આપણે રોજ કપડાં બદલીએ છીએ. મેકઅપ કરીએ છીએ. પ્રેમને સુંદર અને સજીવન રાખવા આપણે કેટલું કરીએ છીએ? પ્રેમને પણ રોજ શણગારવો જોઈએ. પ્રેમમાં બહુ ડાહ્યા નહીં, થોડાક મૂરખ બનતા પણ આવડવું જોઈએ. ઉંમરની સાથે સંબંધ શુષ્ક ન થવો જોઈએ. થોડુંક પાગલપન, થોડુંક અલગારીપણું, થોડીક ક્રેઝીનેસ જરૂરી હોય છે. સમયની સાથે પ્રેમ ઘસાતો જશે તો સંબંધ ક્ષીણ થઈ જશે. એક વયોવૃદ્ધ દંપતી ખૂબ જ પ્રેમથી રહેતું હતું. એક યુવાને વૃદ્ધને સવાલ કર્યો કે, આટલી ઉંમરે પણ તમે બંને એકબીજાને આટલો બધો પ્રેમ કેવી રીતે કરી શકો છો? વૃદ્ધે હસીને એટલું જ કહ્યું કે, અમે બુઢ્ઢા થયા છીએ, બુઠ્ઠા નહીં! બાય ધ વે, જરાક ચેક કરતા રહેજો, તમારી સંવેદનાઓ બુઠ્ઠી તો થઈ ગઈ નથી ને?
છેલ્લો સીન :
બે આંખોથી જોવાયેલાં સપનાં કરતાં ચાર આંખોથી જોવાયેલું સપનું સાકાર થાય છે ત્યારે સુખ હાથવગું બની જાય છે. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 માર્ચ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
Great thought ever .. keep it up…
Thank you.
Verrrryyyyyy Niceeeeee sirrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you.