તારો મારી કોઈ વાતમાં જીવ જ ક્યાં હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારો મારી કોઈ વાતમાં

જીવ જ ક્યાં હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?

વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?

ઘણી લાંબી બની ગઈ છે હવે ઝખ્મો તણી યાદી,

બધાં નામો ભલા વાંચી શકું, એવું ગજું ક્યાં છે?

-અહમદ ગુલ

આપણે બધા જ જીવીએ છીએ, પણ આપણો જીવ ક્યાં હોય છે? મૂરઝાયેલા માણસ વિશે આપણે એવું બોલીએ છીએ કે, એનો જીવ ઠેકાણે નથી! જીવનું ‘ઠેકાણું’ ક્યાં હોય છે? આપણો જીવ ક્યારેય હન્ડ્રેડ પર્સન્ટ એના ઠેકાણે હોય છે? આપણા વજૂદને આપણે કેટલું અનુભવી શકીએ છીએ? આપણા હોવાનો અહેસાસ આપણને કેટલો હોય છે? આપણો જીવ ક્યાંક ભટકતો હોય ત્યારે જીવતો જાગતો માણસ પ્રેતાત્મા જેવો થઈ જતો હોય છે. રસ્તે ચાલ્યા જતા લોકોના ચહેરા ક્યારેક ધ્યાનથી જોજો, કેટલા માણસો જ્યાં હોવા જોઈએ ત્યાં હોય છે? શૂન્યમન્સ્ક સ્થિતિ એ જીવની કામચલાઉ ગેરહાજરી જ હોય છે. આપણે આપણા જીવની હાજરી પણ પૂરતા રહેવું જોઈએ. હું હાજર છું. મારી જાત સાથે મારી હયાતી મોજૂદ છે. એબસન્ટ માઇન્ડ એ આજના સમયની સૌથી મોટી વિપદા છે.

આપણા સંબંધમાં, આપણા સંવાદમાં અને આપણા સાંનિધ્યમાં આપણો જીવ કેટલો હોય છે? નથી હોતો તો કેમ નથી હોતો? આપણને ક્યારેક કેમ એવું લાગે છે કે, મારો જીવ ક્યાંય લાગતો નથી? જીવ લાગતો ન હોય ત્યારે આપણો જીવ ક્યાં લાગેલો હોય છે? આપણે જીવતા હોવાની ખાતરી શું હોય છે? શ્વાસ ચાલવો એ જ જીવતા હોવાનો પુરાવો છે? કે જિંદગી જિવાતી હોય અથવા તો જીવવા જેવી લાગતી હોય એ અસ્તિત્વનો એવિડન્સ છે? એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમિકા ઉત્સાહથી બધી વાતો કરતી હતી. વાતવાતમાં પ્રેમિકાએ કોઈ સવાલ પૂછ્યો. કંઈક પૂછ્યું એવું લાગ્યું ત્યારે પ્રેમીએ સામો સવાલ કર્યો, શું કે છે? પ્રેમિકાએ કહ્યું, કંઈ નહીં! મારી વાતમાં તારો જીવ જ ક્યાં હોય છે! મને લાગે છે તને કોઈ રસ જ નથી! તારું ધ્યાન જ ન હોય તો વાત કરવાનો મતલબ જ શું છે? સંવાદમાં જીવ ન હોય ત્યારે સંબંધ મરણપથારીએ હોય છે. આપણે ઇચ્છતા હોઈએ કે મરણપથારીએ પડેલો સંબંધ મરી ન જાય તો સંવાદમાં જીવ ઉમેરવો જોઈએ.

સંબંધ ધીરે ધીરે પૂરો થતો હોય છે. આપણે ઘણી વખત એવું કહીએ કે માનીએ છીએ કે એની સાથેનો સંબંધ એકઝાટકે પૂરો કરી નાખ્યો. આવું હોતું નથી. એવું લાગે ત્યારે તો એ છેલ્લો ઝાટકો હોય છે. એ પહેલાં ઘણા નાના-નાના ઝાટકા લાગ્યા હોય છે. શરૂઆતમાં એવું લાગે છે કે, અમે થોડાક દૂર થયા છીએ. ક્યારેક એવું આશ્વાસન લઈએ છીએ કે હમણાં બિઝી રહેવાય છે. સમય આપી શકાતો નથી. ધીમે ધીમે એવું લાગે છે કે, હવે આ સંબંધમાં કોઈ રસ રહ્યો નથી. મજા આવવાની ઓછી થાય છે. ઉત્કંઠા ઓસરતી જાય છે. તડપ ઘટતી જાય છે. તરસ જેવું કંઈ રહેતું નથી. કોઈ ફેર પડતો ન હોય તેવું લાગે છે. છેલ્લે એ સંબંધ તૂટે છે. તૂટેલા સંબંધ વર્તાઈ આવે છે. ઉષ્મા તરત જ છતી થાય છે. ઉપેક્ષા પણ ઘડીકમાં વર્તાઈ જાય છે.

બે મિત્રો હતા. એકની લાઇફમાં મોટી ઘટના બની. આ વાતની તેના મિત્રને ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, આવડી મોટી વાત હતી તો પણ તેં કહ્યું નહીં? પહેલાં તો તું નાનામાં નાની વાત કરતો હતો! પ્રેમ, સંબંધ કે દોસ્તી પરાકાષ્ઠાએ હોય ત્યારે નાની-નાની વાતોનું પણ મહત્ત્વ હોય છે. જરાક અમથી વાત હોય તો પણ કહેવાનું મન થાય છે. સંબંધ ઓસરે પછી મોટી વાત કરવાનું મન પણ થતું નથી! મિત્રની વાત સાંભળીને બીજા મિત્રએ સામો સવાલ કર્યો, તને કોઈ ફેર પડે છે? મને તો એવું નથી લાગતું! મને એવું લાગતું હોત કે તને ફેર પડે છે તો કદાચ મને વાત કરવાનું મન થયું હોત! ઘણા લોકો એટલા સમજુ હોય છે કે જ્યારે એને એવું લાગે કે એને હવે મારામાં રસ રહ્યો નથી ત્યારે એ ધીરેથી સરકી જાય છે. અણસાર પણ આવવા દેતા નથી કે એ તમારાથી દૂર ચાલ્યા ગયા છે.

બે બહેનપણીઓ લાંબા સમય પછી મળી. એકે પૂછ્યું, ક્યાં ખોવાઈ ગઈ હતી? તારા તો કોઈ ખબર જ નથી! આ વાત સાંભળીને બીજી ફ્રેન્ડે કહ્યું, હું તો જ્યાં હતી ત્યાં જ હતી, તું ધીરે ધીરે દૂર ચાલી ગઈ! તું તારી લાઇફમાં મસ્ત હતી. તારા અપડેટ્સ હું જોતી રહેતી હતી. એક તબક્કે મને એવું લાગ્યું કે તને હવે મારી કોઈ જરૂર નથી. આપણને જ્યારે એવું લાગે કે હવે મારી કોઈ જરૂર નથી ત્યારે દૂર ચાલ્યા જવું એ પણ સંબંધની ગરિમા જાળવવા જેવું જ કામ છે. સારા લોકો કોઈ ફરિયાદ કરતા નથી. એ બસ અદૃશ્ય થઈ જાય છે. એ કોઈ આક્ષેપો કરતા નથી, કોઈ નારાજગી વ્યક્ત કરતા નથી. એને કોઈ વાંધા હોતા નથી. હા, દિલમાં થોડુંક દર્દ હોય છે. દરેક વખતે આપણે ગેરહાજર હોઈએ એવું જરૂરી નથી, આપણે જેને ચાહતા હોઈએ એ પણ ગેરહાજર થઈ જતા હોય છે. એ ચાલ્યા જાય ત્યારે એ આપણા દિલમાં તો હાજર હોય જ છે. એને ધીરે ધીરે હટાવવા પડે છે. કોઈને દિલથી દૂર કરવામાં થતી વેદના વિચિત્ર હોય છે. હસતા ચહેરે કોઈને જવા દેવામાં હિંમતની જરૂર પડતી હોય છે.

સંબંધોમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. એ અપ-ડાઉન્સને સ્વાભાવિક રીતે જ લેવા જોઈએ. આપણી જિંદગીમાં અમુક લોકો એવા હોય છે જેની લાગણી કાયમ એકસરખી રહે છે. કેટલા સમયે એ આપણને મળે છે, કેટલી વખત વાત કરે છે, કેટલી વખત મેસેજની આપ-લે થાય છે, એ બધું ગૌણ બની જતું હોય છે. સાચો સંબંધ એ છે કે આપણે જ્યારે મળીએ ત્યારે આપણી આત્મીયતા અકબંધ હોય. હાથ મળે કે હગ થાય ત્યારે વચ્ચેનો બધો જ સમય એક ક્ષણમાં ઓસરી જાય. આપણે હવે તરત જ પ્રત્યુત્તરની આશા રાખવા માંડ્યા છીએ. પ્રતિસાદ પણ આપણને ત્વરિત જોઈએ છે. ઇન્સ્ટન્ટના આ યુગમાં ધીરજ લુપ્ત થતી જાય છે. આપણે કોઈને મેસેજ કર્યો, બ્લૂ ટિક થઈ ગઈ અને જો એ આપણને જવાબ ન આપે તો આપણને માઠું લાગી જાય છે. મને જવાબ દેવાનો પણ એની પાસે સમય નથી. આપણે એવું માનવા લાગીએ છીએ કે આપણાથી દૂર થઈ ગયા છે. કોઈ માણસ કંઈ એવી પરિસ્થિતિમાં હોય કે એ જવાબ ન આપી શકે, એની દાનત હોય તો પણ એનાથી જવાબ ન આપી શકાય તો આપણે તરત જ માઠું લગાડી દઈએ છીએ.

બે મિત્રોની આ વાત છે. બંને વચ્ચે પાક્કી દોસ્તી. એક મિત્રને નવી જોબ મળી. નવું કામ હતું એટલે એ થોડો બિઝી રહેતો. જવાબ આપવામાં પણ ક્યારેક મોડું થઈ જાય. જોકે, જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે એ તકેદારી રાખીને જવાબ આપવાનું ન ચૂકતો. એક વખતે તેના મિત્રએ તેને મેસેજ કર્યો કે, યાર થોડું ટેન્શન છે. ખબર નથી પડતી શું થશે? આ મેસેજ વાંચતાંની સાથે જ એને ધ્રાસ્કો પડ્યો. મેસેજનો જવાબ આપવાને બદલે એને થયું કે, ચાલ હું ફોન જ કરી લઉં. એ ડાયલ કરવા જતો હતો ત્યાં અકસ્માતે તેના હાથમાંથી મોબાઇલ છટકી ગયો. ફોન નીચે પડ્યો એ સાથે જ બંધ થઈ ગયો. મિત્રનો મોબાઇલ નંબર મોઢે ન હતો એટલે એ બીજા ફોનથી પણ વાત ન કરી શક્યો. ઓફિસેથી તાત્કાલિક નીકળાય એમ પણ ન હતું. સાંજે ઓફિસ પતી કે એ તરત જ તેના મિત્ર પાસે દોડી ગયો.

મિત્રને જોતાંવેંત એનો મિત્ર તાડૂક્યો. તને હવે છેક આવવાનો સમય મળ્યો? તને કંઈ ફિકર ન થઈ કે આને શું થયું હશે? તારી પાસે હવે મારા માટે જવાબ આપવાનો પણ સમય નથી? મિત્રને બળાપો ઠાલવી લેવા દીધો. તેણે પછી શું થયું હતું એની વાત કરી. આપણે ઘણી વખત વાત સાંભળ્યા વગર આક્રમક થઈ જતા હોઈએ છીએ. તેના મિત્રએ બધી વાત સાંભળીને છેલ્લે એમ જ કહ્યું કે યાર, મારો જવાબ ન આવ્યો એ પછી તને એકેય વાર એવું ન થયું કે, કંઈક થયું હોવું જોઈએ, બાકી એ જવાબ આપ્યા વગર કે ફોન કર્યા વગર ન જ રહે! તને કેમ આપણા સંબંધમાં શ્રદ્ધા ન રહી? માન્યું કે તું તકલીફમાં હતો, મારો ફોન બંધ થઈ ગયો પછી મને પણ મજા આવતી ન હતી. આપણી સાથે આવું બને એ પછી અમુક વખતે તો આપણે એવું પણ માનવા લાગીએ છીએ કે એ બહાનાં કાઢે છે, ખોટું બોલે છે, પોતાનો બચાવ કરે છે! સંબંધમાં સાચી સ્થિતિ જાણ્યા વગર ઉગ્ર થઈ જવાથી જ ક્યારેક સંબંધ અંત તરફ ઢસડાઈ જતો હોય છે! વાહિયાત કારણસર સંબંધ તૂટે તો સમજવું કે આપણા સંબંધમાં ઊંડાણનો અભાવ હતો!

છેલ્લો સીન :

સંબંધમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધામાં ઘટાડો થાય એ સાથે સંબંધનું પોત પાતળું પડવા લાગે છે. સંબંધને સક્ષમ રાખવા માટે એને સ્નેહથી સીંચતા રહેવું પડે છે.                             -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 માર્ચ 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply