હવે તું અને હું સાથે રહી શકીએ એમ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે તું અને હું સાથે

રહી શકીએ એમ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

નિજના તમામ દોષને આગળ ધરી ગયા,

એના ગુનાઓ એમ અમે છાવરી ગયા,

લો દાઢ ગઈ, દંશ ગયા, દંશવું ગયું,

ઉત્પાત બધા ઝેરની સાથે ઝરી ગયા.

-ધ્રુવ ભટ્ટ

દરેક માણસ કોઈ ‘તલાશ’માં જીવે છે. દરેકને લાઇફમાં કંઈક ‘મિસિંગ’ લાગે છે. એક એવી અધૂરપ આપણા બધામાં તરફડે છે જે ક્યારેય ભરાતી જ નથી. બધાને એવું લાગે છે કે કોઈને કંઈ પડી નથી. કોઈને મારી પરવા નથી. બધાને એવું જોઈએ છે કે કોઈ એનું ધ્યાન રાખે. મારા વિશે એને બધી ખબર હોય. આંખમાં ભીનાશ છવાઈ તો એને ખબર પડી જાય કે એ આંસુ ખુશીનાં છે કે ગમનાં. મારા મૂડને એ ઓળખે, એ મારા વિચારોમાં હોય અને એના ખયાલોમાં હું સજીવન હોઉં. કોઈ એવું મળી પણ જાય છે. થોડોક સમય એવું લાગે છે કે જિંદગી જીવવાનું કારણ મળી ગયું. લાઇફ હવે જીવવા જેવી લાગે છે. આંખોમાં એક મદહોશી છવાઈ જાય છે. શ્વાસ થોડોક વધુ કૂણો હોય એવું લાગે છે. જોકે, થોડા જ સમયમાં બધા જ ભ્રમ ભાંગી જાય છે. એકલા હોવું એ અઘરું નથી, પણ કોઈ આપણી લાઇફમાં હોય, એ ચાલ્યા જાય પછી એકલા હોવાનો અર્થ બદલાઈ જાય છે. આપણને પછી એકલા હોઈએ એવું લાગવાને બદલે એકલા પડી ગયા હોય એવું લાગે છે. હાથ ખાલી હોય ત્યાં સુધી કંઈ વાંધો આવતો નથી. કોઈનો હાથ હાથમાં હોય અને પછી હાથ ખાલી થાય ત્યારે જિંદગીમાં એક ખાલીપો સર્જાતો હોય છે.

સાથ છૂટતો હોય છે. સાથ અગાઉ પણ છૂટતા હતા, અત્યારે પણ છૂટે છે. સાથ છૂટવાની ફ્રીક્વન્સી હવે વધી ગઈ છે. આપણને કંઈ પૂરતું કે સંપૂર્ણ લાગતું નથી. બ્રેકઅપની સંખ્યા હવે એક-બે નથી હોતી, ઘણી હોય છે. કોઈ છોકરા કે છોકરીને પૂછીએ કે તારે કેટલાં બ્રેકઅપ થયાં? તો એ ગણવા બેસશે! આટલાં બ્રેકઅપ થયાં! વિચિત્રતા તો જુઓ, આપણે આવું પૂછીએ ત્યારે પણ સવાલ તો એવો જ કરીએ છીએ કે કેટલાં બ્રેકઅપ થયાં? આપણે એવું નથી પૂછતા કે કેટલા પ્રેમ થયા? પ્રેમ કરતાં બ્રેકઅપના કિસ્સા વધુ રંગીન લાગે ત્યારે સમજવું કે આપણી સંવેદનાઓ થોડીક આડા રસ્તે ફંટાઈ ગઈ છે. લગ્ન કરતાં ડિવોર્સના કિસ્સા ચર્ચવામાં આપણને મજા આવવા લાગી છે.

દિલના તાર હવે ઓછા ઝણઝણે છે. દિલમાં સ્પંદનો જાગે છે, પણ એ લાંબાં ટકતાં નથી. સંવેદનાઓ તરવરે એના કરતાં વધુ તરફડે છે. આપણને બધું ઇન્સ્ટન્ટ જોઈએ છે. બધું સતત જોઈએ છે. નાનકડો અભાવ પણ અજંપો બની જાય છે. રોમાંચ કેમ લાંબો ટકતો નથી? સ્નેહનાં ઝરણાં કેમ ઝડપથી સુકાઈ જાય છે? હમણાંની એક વાત છે. બે મિત્રો હતા. એક મિત્ર મળવા ગયો ત્યારે બીજા મિત્રના ટેબલ પર કંકોતરીનો ઢગલો હતો. મેરેજ સિઝન પૂરબહારમાં ખીલી હતી. મિત્રએ પૂછ્યું, આટલા બધા મેરેજમાં જવાનું છે? બીજા મિત્રએ જવાબ આપ્યો, હા, જવાનું તો છે. તને ખબર છે, હવે મેરેજમાં જાઉં ત્યારે જાતજાતના વિચારો આવી જાય છે. કપલના ચહેરા પર ખુશીની લકીરો જોઈને આનંદની આવરદા સામે સવાલો થાય છે. ક્યાં સુધી ટકશે આ પ્રેમ, આ રોમાંચ, આ લાગણી અને આ સંવેદના? લગ્નના ડેકોરેશનમાં લગાવાયેલાં ફૂલો મૂરઝાય એ પહેલાં સ્નેહ સુકાઈ જતો હોય છે. વોટ્સએપ પર પ્રોફાઇલ પિક્ચર બદલાય એ પહેલાં માણસ બદલાઈ જતો હોય છે. હનીમૂન પૂરું થાય એ પહેલાં મધ મોળું થઈ જાય છે. એ મિત્રએ પછી આવા વિચારો આવવા પાછળનું કારણ કહ્યું.

મિત્રએ કહ્યું કે, ગયા વર્ષે આવી જ મેરેજ સિઝન હતી. ઘણી કંકોતરીઓ આવી હતી. જે નજીકનાં હતાં એવાં અગિયાર લગ્ન મેં એટેન્ડ કર્યાં હતાં. હજુ એક વર્ષ થયું છે. એ અગિયારમાંથી નવની મેરેજ લાઇફ ડિસ્ટર્બ છે. પાંચના ડિવોર્સ થઈ ગયા છે. ચાર કપલ જુદાં પડવાની તૈયારી કરે છે. એ બધાંનાં લગ્નમાં તેમનાં મા-બાપે ચાલીસથી પચાસ લાખનો ખર્ચ કર્યો હતો. અમુક કિસ્સામાં તો હું વચ્ચે હતો. કારણો કેવાં હતાં? એની પાસે મારા માટે સમય નથી. તેને મારી કોઈ કેર જ નથી. મારા કરતાં એ પોતાના મિત્રોને વધુ ઇમ્પોર્ટન્સ આપે છે. એને બીજા છોકરા કે છોકરી સાથે સંબંધ છે. એ મારાથી કઈક છુપાવતો કે છુપાવતી હોય એવું લાગે છે. એનો પાસ્ટ એની માથે સવાર છે. ઘરમાં મને પૂરતી ફ્રીડમ નથી. મને મારી લાઇફ જેવું કંઈ લાગતું જ નથી. એને મારી પ્રાઇવસીની કોઈ કિંમત જ નથી. મારી પણ લાઇફ છે. મારે મારું કંઈ નહીં વિચારવાનું? લગ્ન થયાં એટલે પોતાનું વજૂદ જ ભૂલી જવાનું? આવી વાતો સાંભળીને મને તો એવું લાગે છે કે સહજીવનની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. એડજસ્ટમેન્ટ હવે બધાને અતિક્રમણ જેવું લાગે છે. દરેક પોતાનો વિચાર જ કરતા હોય ત્યારે પોતાની વ્યક્તિનો વિચાર ક્યાંથી આવે?

સાંનિધ્ય અને સહવાસમાં પણ જ્યારે સ્વાર્થ ભળે ત્યારે સાથ ક્યાંથી લાંબો ટકવાનો છે? આપણું ધ્યાન જ બદલાઈ ગયું છે. એક યુવાને કહેલી આ સાવ સાચી વાત છે. એ યુવાન અત્યંત સંવેદનશીલ હતો. તેણે કહ્યું કે, હમણાં મારા એક અંગત મિત્રના મેરેજ થયા. હું નજીકનો દોસ્ત હતો એટલે મારે વરરાજા સાથે કારમાં આવવા-જવાનું હતું. લગ્ન ધામધૂમથી થયાં. જાન વિદાય થઈ. વર-વધૂ સાથે હું પણ એની કારમાં ગોઠવાયો. જાન હજુ શહેરની બહાર નીકળી ન હતી ત્યાં નવાં પરણેલાં પતિ-પત્નીએ પોતાના મોબાઇલ કાઢ્યા. બંને મેરેજના ફોટા અપલોડ કરવા લાગ્યા. એ સ્ટેટસ લખતાં હતાં. નવી જિંદગીની શરૂઆત. પ્રેમના પથ ઉપર પ્રયાણ. તારો હાથ હાથમાં છે તો સાથ સંગીન લાગે છે. જેવું લખતાં હતાં એવું તો બંનેમાંથી એકેયના ચહેરા પર વર્તાતું નહોતું. મને કહેવાનું મન થયું કે, અત્યારે ફોન મૂકી દો ને. લગ્ન પછી બંને પહેલી વાર એકાંતમાં છો. કંઈક વાત તો કરો. એકબીજાના શ્વાસની સુગંધ તમને કેમ નથી સ્પર્શતી? તમારે દુનિયાને બતાવવું છે, પણ એકબીજાને કંઈ નથી કહેવું? નવોઢાએ તો તેની ફ્રેન્ડને ખાસ સૂચના આપી હતી કે જાનની વિદાય થાય ત્યારે મારા પર્સમાં મારા ફોન સાથે પાવર બેન્ક મૂકવાનું ન ભૂલતી! બંને ફોનમાં એટલાં મશગૂલ હતાં કે ક્યાંય સુધી વાત જ ન કરી! બોલ્યાં ત્યારે પણ એવું જ બોલ્યાં કે, મેરેજની ભાગદોડમાં શાંતિથી ફોન જોવાનો સમય જ નથી મળ્યો. મને થયું કે, આ શાંતિનો સમય તમારા માટે વાપરો ને! અપલોડ કર્યા પછી પણ બંને એ જ જોતાં હતાં કે કોણે શું લખ્યું? કેટલી લાઇક મળી? કોણે કેવી કમેન્ટ કરી? કયો ફોટો સારો છે અને કયો નબળો. આપણે સાથે હોઈએ ત્યારે કેટલા સાથે હોઈએ છીએ? સાંનિધ્ય એટલે માત્ર તનની હાજરી જ નહીં, પણ મનનું સામિપ્ય! સાંનિધ્ય સંવેદનાઓથી સર્જાય છે, શરીરથી નહીં!

આપણને આપણી વ્યક્તિની કેટલી ખેવના હોય છે? તેની વેદના આપણી સંવેદનાને કેટલી સ્પર્શે છે? આપણી વ્યક્તિના મનમાં શું ચાલે છે એનો આપણને કેટલો અંદાજ કે અહેસાસ હોય છે? આપણને આપણાં જ વર્તનનું કેટલું ભાન હોય છે? હમણાં એક ડૉક્ટર મિત્રએ કહેલી અને તેણે પોતે અનુભવેલી આ સાવ સાચી વાત છે. તેના ક્લિનિકમાં સીસીટીવી કેમેરા હતા. તેણે કહ્યું કે વેઇટિંગ રૂમમાં પોતાના વારાની રાહ જોઈને બેઠેલાં યંગ કપલ્સને હું ઘણી વખત મારી ચેમ્બરમાં બેસીને ધ્યાનથી જોતો હોઉં છું. કપલ આવે છે. ચેર પર બેસે છે અને પોતપોતાના મોબાઇલમાં ખોવાઈ જાય છે! એ કપલને હું તપાસ માટે મારી ચેમ્બરમાં બોલાવું છું. જે બીમાર હોય એ છોકરો કે છોકરી સ્ટૂલ પર બેસે છે. સાથે આવેલો તેનો લાઇફ પાર્ટનર ટેબલની સામે મૂકેલી ચેરમાં ગોઠવાય છે. હું પૂછું કે, શું થાય છે? એ પહેલાં જ ચેર પર બેઠેલો છોકરો કે છોકરી ફોનમાં મચી પડે છે. એનું ધ્યાન એ વાત પર જરાયે હોતું નથી કે એની પત્ની કે એનો પતિ ડૉક્ટરને શું કહે છે કે એને શું થાય છે. દવા લખી દઉં ત્યારે પણ એનું ધ્યાન હોતું નથી કે કઈ દવા ક્યારે અને કેટલી વાર લેવાની હોય છે. મને વિચાર આવે છે કે, આ શું ચાલી રહ્યું છે? એની સામે એક દાદા-દાદી સારવાર માટે આવ્યાં હતાં. દાદીની તબિયત સારી ન હતી. દાદાએ બધું કહ્યું કે, એને શું થાય છે. દાદા થોડાક ગુસ્સે પણ થઈ ગયા. એ ખાવા-પીવામાં ધ્યાન જ નથી રાખતી. મારું કંઈ માનતી જ નથી. ડાયાબિટીસ છે તો પણ ગમે તે ખાઈ લે છે. દાદી બોલ્યાં, તમે અહીં પણ શરૂ થઈ ગયા. દાદાએ કહ્યું, તું માને નહીં તો શું કરું? મારા ચહેરા પર હાસ્ય હતું. એના આ ઝઘડામાં પણ પ્રેમ છલકતો હતો. ચિંતા દેખાતી હતી. મને એવો વિચાર આવ્યો કે, શું એ વૃદ્ધ કપલ ‘ઓલ્ડ ફેશન’ હતું? કદાચ હા, પણ આજની જનરેશનની ‘હાઇટેક ફેશન’ કરતાં એ વધુ ઉમદા, રળિયામણું અને આંખ ઠરે એવું હતું!

હવે હું અને તું સાથે રહી શકીએ તેમ નથી એવું કહી દેવું બહુ સહેલું છે. જુદા પડી જવું તો કદાચ એનાથી પણ વધુ સરળ છે. સવાલ એટલો જ છે કે, આપણે કરવું છે શું? સાથે જીવવાનો મતલબ આપણને ક્યારેય સમજાશે જ નહીં? આપણે દિશા જ ભૂલી ગયા છીએ? આપણા સંબંધો સૂકા ભઠ્ઠ થવા લાગ્યા છે. જિંદગી એટલે જ આપણને બધાને તરડાયેલી અને મરડાયેલી લાગે છે!

છેલ્લો સીન : 

આપણને આપણી વ્યક્તિમાં જે પ્રેમ, લાગણી, સ્નેહ અને સંવેદનાની તલાશ છે એ આપણને ત્યારે જ મળશે જો આપણે એની એ જ અપેક્ષાઓને ઓળખી અને તેને સંતોષવા પ્રયાસ કરીશું. જે જોઈતું હોય એ આપીએ તો જ મળે!          -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 ફેબ્રુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

2 Comments

Leave a Reply