હવે અમારા સંબંધો ‘વર્ચ્યુઅલ’ થઈ ગયા છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે અમારા સંબંધો

વર્ચ્યુઅલથઈ ગયા છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મોહબ્બત કા જબ કિસીને લિયા નામ રો પડે,

અપની વફા કા સોચ કે અંજામ રો પડે,

હર શામ યે સવાલ મોહબ્બત સે ક્યા મિલા,

હર શામ યે જવાબ હર શામ રો પડે.

-સુદર્શન ફાખિર

સંબંધોને ક્યારેય પૂરેપૂરા સમજી શકાય છે? કદાચ હા અને કદાચ ના! અચાનક કેમ કોઈ એટલું નજીક આવી જાય છે કે એ આપણને આપણો જ હિસ્સો લાગવા માંડે છે? ક્યારેક કેમ એવું થાય છે કે જે લગોલગ હોય એ અલગ થઈ જાય છે? આપણે ઝંખતા હોઈએ કે એ આપણી નજીક રહે એ જ કેમ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવા લાગે છે? અમુક લોકો કેમ સ્વાર્થ પતે પછી દૂર ચાલ્યા જાય છે? સવાલ થાય છે કે, ફૂલ અને પતંગિયાનો સંબંધ માત્ર મધ પૂરતો જ મર્યાદિત હતો? જ્યોતની હાજરી કેમ માત્ર તેલ હોય ત્યાં સુધીની જ હોય છે? દરિયા અને કિનારાનો સંબંધ પણ ભરતી પૂરતો જ સિમિત રહી જાય છે? આકાશ અને મેઘધનુષનો સંબંધ રંગો હોય ત્યાં સુધી જ ટકતો હોય છે? કોઈને કેમ એવો વિચાર નથી આવતો કે પાણી ખૂટે પછી જમીન જેમ સુકાય એમ જ પ્રેમ ખૂટે ત્યારે જિંદગી પણ થોડીક તરડાતી હોય છે? જિંદગી ક્યારેક કેમ એવા જવાબો લઈને આવે છે જેના કોઈ સવાલો જ નથી હોતા? અઢળક રેખાઓ હોવા છતાં હાથ કેમ ખાલી જ રહી જાય છે? અમુક નંબરો કેમ મોબાઇલમાં દફન થઈને કબરો જેવા બની જાય છે?

સંબંધોમાં ઋણાનુબંધ જેવું કંઈ હોતું હશે? ગયા ભવનું કંઈ બાકી રહી ગયું હોય છે? આ ભવનાં અધૂરાં સપનાં આવતા ભવમાં પૂરાં થતાં હશે? આ ભવમાં જે સપનાં પૂરાં થાય છે એ ગયા ભવમાં અધૂરાં રહી ગયાં હશે? ભવને અને ભાવને કોઈ સંબંધ હશે ખરો? ભવ, ભાવ, અભાવ, લગાવ અને બદલાવ કેમ આપણને વિચારતા કરી દે છે? આંખમાં વસેલા હોય એ દિલમાં કેમ ખટકવા લાગે છે? એક છોકરીનું બ્રેકઅપ થયું. તેણે કહ્યું, એ તો મારી આંખોમાં વસેલો હતો. દૂર થયો ત્યારે રડવું આવતું હતું. ખૂબ રડી. મને થયું કે આંસુ વાટે બધું જ વહાવી દઉં! મને ખબર ન હતી કે બહાર કંઈ વહેતું હોય છે ત્યારે દિલની અંદર પણ કંઈક ઊતરતું હોય છે. દિલમાં ઊતરેલું ઘણું ક્યારેક અજંપો બની જાય છે. શ્વાસનાં નસીબ ખરાબ હોય ત્યારે એ નિસાસો બની જાય છે. એવું લાગે જાણે નસીબ જ નાસવા લાગ્યું છે. મારું નસીબ મારાથી દૂર ભાગી રહ્યું છે. તરસ હોય ત્યારે ઘણી વખત ઘૂંટડો મળતો નથી. એક એક બુંદ બુંદ મળે ત્યારે ખબર નથી પડતી કે તરસને કોસવી કે એકાદ બુંદનો આભાર માનવો? કિતને દિનોં કે પ્યાસે હોંગે, યારોં સોચો તો, શબનમ કા કતરા ભી જિનકો દરિયા લગતા હૈ!

સંબંધો વિશે એવું પણ ક્યાં નથી કહેવાતું કે દરેક સંબંધ એક્સપાયરી ડેટ લઈને આવતા હોય છે! એક પ્રેમી અને પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા એક વખત પ્રેમી માટે એક ડબામાં નાસ્તો લઈને ગઈ. આ લે ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે. પ્રેમિકા ગઈ. પ્રેમીએ નાસ્તો કર્યો. પ્રેમીને થયું કે આ ડબો હવે તેને ખાલી નથી દેવો. તેણે ચોકલેટ્સ લઈ આખો ડબો ભરી રાખ્યો. એને થયું કે હવે એ મળશે ત્યારે આ ચોકલેટ્સ ભરેલો ડબો આપીશ. ગમે તે થયું, પણ પ્રેમિકાએ મળવા આવવાનું બંધ કરી દીધું. અચાનક લાંબા સમય પછી બંનેને મળવાનું થયું. પ્રેમિકા જતી હતી ત્યારે બાઇકની ડેકીમાંથી પ્રેમીએ સાચવી રાખેલો ચોકલેટ ભરેલો ડબો આપ્યો. તેણે કહ્યું, તને ખબર છે તું ગઈ ત્યારથી આ ડબો ભરેલો છે. તારી રોજ રાહ જોતો હતો! પ્રેમિકા ડબો લઈને ઘરે ગઈ.

ઘરે જઈ પ્રેમિકાએ ડબો ખોલ્યો. તેની આંખો ભીની થઈ ગઈ. ચોકલેટ હાથમાં લીધી, રેપર ખોલવા જતી હતી ત્યાં એનું ધ્યાન ચોકલેટની એક્સપાયરી ડેટ પર ગયું. એક્સપાયરી ડેટ તો ચાલી ગઈ હતી! તેણે પ્રેમીને ફોન કર્યો. તેં જે ચોકલેટ્સ આપી છે, એની ડેટ તો એક્સપાયર થઈ ગઈ છે! પ્રેમી એટલું જ બોલ્યો કે, હવે મળવાનું એટલું ન લંબાવતી કે ‘એક્સપાયરી ડેટ’ આવી જાય! આપણે આપણા સંબંધો ખોરા થવા નથી દેવા. એક્સપાયરી ડેટ અંતે તો એ જ સૂચવે છે કે, એ ડેટ આવે ત્યાં સુધીમાં જીવી લો. પ્રોડક્ટ ઉપર તો ડેટ લખેલી પણ હોય છે, જિંદગી ક્યાં ‘ડેટ’ લઈને આવે છે? એ તો અચાનક આવી જાય છે! એવું કંઈ ન કરો જે કોઈ અફસોસ કે આઘાત છોડી જાય!

સંબંધો ક્યારેક આપણી સમજની બહાર ચાલ્યા જાય છે. સંબંધો આપણને સમજાતા નથી. સંબંધ ક્યારેય એક વ્યક્તિથી ટકતા નથી. લગાવ બંને તરફ હોવો જોઈએ. આત્મીયતા અને ઉત્કટતા ક્યાં કાયમ સરખી રહેતી હોય છે? બધું આપણા હાથમાં પણ ક્યાં હોય છે? સામેની વ્યક્તિ ઉપર પણ ઘણો આધાર હોય છે. એનો મૂડ, એની માનસિકતા, એની માન્યતા અને એની મહેચ્છા બદલાય તો આપણે શું કરી શકીએ? અમુક સંજોગોમાં આપણે માત્ર ને માત્ર મૂક પ્રેક્ષક બની જઈએ છીએ. સંબંધોને તૂટતા, વિખરાતા અને ભુક્કો થતા જોવાની વેદના અઘરી હોય છે. અત્યારનો જમાનો વર્ચ્યુઅલ રિલેશનનો છે. ઢગલાબંધ સંબંધો માત્ર મોબાઇલની સ્ક્રીન પર જિવાય છે. એમાં કેટલી સંવેદનાઓ હોય છે? આપણે વર્ચ્યુઅલ વ્યવહારો નિભાવતા થઈ ગયા છીએ. એણે લાઇક કર્યું એટલે આપણે લાઇક કરીએ છીએ. એણે કેવી કમેન્ટ કરી તેના પરથી આપણી કમેન્ટ્સના શબ્દો નક્કી થાય છે. એણે સ્ટેટસ અપલોડ કર્યું એટલે આપણે પણ કરવાનું! શબ્દો અને તસવીરો અપલોડ થાય ત્યારે સંવેદના કેટલી ખીલેલી હોય છે! પીડા તો ત્યારે થાય છે જ્યારે અમુક રિયલ સંબંધો વર્ચ્યુઅલ થઈ જાય છે! સાચા સંબંધો પણ ક્યારેક સ્ક્રીન પૂરતા મર્યાદિત થઈ જાય છે.

એક પ્રેમી અને પ્રેમિકા હતાં. બંને વચ્ચે ખૂબ સારું બને. આપણો સંબંધ આખી જિંદગી રહેશે એવી બંને વાતો કરતાં હતાં. જોકે, બંને વચ્ચે ડિસ્ટન્સ આવ્યું. એક સમય એવો આવ્યો કે બંનેએ વાત કે મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. હજુ એટલો સંબંધ હતો કે બંનેએ એકબીજાને બ્લોક કર્યાં ન હતાં! એ પછીના સંબંધો માત્ર સ્ક્રીન પર જોવા પૂરતા રહી ગયા હતા. એ છેલ્લે ક્યારે ઓનલાઇન હતી કે ક્યારે ઓનલાઇન હતો? ફોટો જોઈને માની લેવાય છે કે એ તો મજા કરે છે, એને ક્યાં કોઈની પડી છે? એક યુવાને કહ્યું કે, હવે બસ હું તેને સોશિયલ મીડિયા પર જ જોઉં છું. વોટ્સએપ સ્ટેટસ મૂકીને જોતો રહું છું કે એણે જોયું કે નહીં? ક્યારેક જોઉં છું કે એ ઓનલાઇન છે કે નહીં? ઓનલાઇન હોય તો સવાલ થાય છે કે એક સમયે તેને ઓનલાઇન જોઈને તરત જ મેસેજ કરતો કે, શું કરે છે? ક્યારેક એવો વિચાર આવી જાય છે કે ઓનલાઇન હોય કે ન હોય, શું ફેર પડે છે? એક સમયે સૌથી પહેલી લાઇક એની જોઈતી હતી, હવે છેલ્લી લાઇક પણ તેની હોતી નથી! તેના અપડેટ્સને લાઇક કરવાનું મન થાય છે, પણ અંગૂઠાના નિશાન સુધી ટેરવું જતું નથી. થોડા દિવસ પ્રોફાઇલ પિક્ચર ન બદલ્યું હોય તો હું કહેતો કે હવે ફોટો બદલને! હવે ફોટો બદલે છે ત્યારે એવો વિચાર આવી જાય છે કે, એ પણ કેટલી બદલાઈ ગઈ છે! અગાઉના ઘણા ફોટા ડિલીટ કરી

દીધા છે.

એક યુવતીની આ વાત છે. તેનું બ્રેકઅપ થયું. એની સાથેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. તેને મન થયું કે બધા ડિલીટ કરી દઉં. મારી વોલ સાફ કરી નાખું. તેને વિચાર આવ્યો કે, શું વોલ ઉપરથી બધું હટાવી દીધા પછી દિલમાંથી નીકળી જવાનું છે? દિલમાંથી ન નીકળે તો પછી વોલ પર હટાવવાથી શો ફાયદો? એમ પણ થાય છે કે એ સમય સારો હતો. સારું હતું એને જીવવા દેવામાં શું વાંધો છે? જવા દે, કંઈ નથી હટાવવું! જે હતું એ હતું અને જે નથી એ નથી! સંબંધો કરવટ લેતા હોય છે. કંઈ જ કાયમી નથી. જિંદગી પણ ક્યાં કાયમી છે! સંબંધો હોય ત્યારે કેવી રીતે જિવાય છે એના કરતાં પણ વધુ મહત્ત્વનું એ હોય છે કે સંબંધો ન હોય ત્યારે એ કેવી રીતે જીરવાય છે!

છેલ્લો સીન :

સંબંધો તૂટે ત્યારેપણ સંવેદના અને સાત્ત્વિકતા ન ખૂટવી જોઈએ. વહાલ વૈમનસ્યમાં બદલાઈ જાય તો સમજવું કેસંબંધને સમજવામાં આપણે ક્યાંક થાપ ખાઈએ છીએ.            -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 09 જાન્યુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

2 Comments

Leave a Reply