આપણે રિટાયર્ડ લોકોનું ધ્યાન રાખવામાં ઊણા ઊતરીએ છીએ – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે રિટાયર્ડ લોકોનું ધ્યાન

રાખવામાં ઊણા ઊતરીએ છીએ

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં 34 દેશોમાં

થયેલા અભ્યાસમાં આપણા દેશનો નંબર સૌથી

છેલ્લો એટલે કે 34મો આવ્યો છે. રિટાયર

થયા પછી લોકોની હાલત ખરાબ થઇ જાય છે!

વૃદ્ધો તરફ જે ધ્યાન અપાવું જોઇએ

એ અપાતું નથી. સરકાર અને પરિવાર

બંનેએ આ મુદ્દે વિચારવાની જરૂર છે.

આપણા દેશમાં એવા વૃદ્ધોની સંખ્યા બહુ ઓછી છે જેના ચહેરા ઉપર રોનક હોય, જે એનર્જીથી છલોછલ હોય અને જે જિંદગી ભરપૂર જીવતા હોય. આખી જિંદગી તનતોડ મહેનત કરી હોય, ઘર અને પરિવાર માટે પોતાનાથી થાય એ બધું જ કરી છૂટ્યા હોય એવા લોકો જતી જિંદગીએ સાવ એકલા પડી ગયા હોય એવું અનુભવે છે. ડાહ્યા લોકો ભલે એવું કહેતા હોય કે મોટી ઉંમરે પણ મસ્તીમાં રહેવું જોઇએ, પોતાને ગમતું હોય એ કરવું જોઇએ, કંઇક શોખ પાળવો જોઇએ, જૂના મિત્રોને મળવું જોઇએ, જે કરવાનું બાકી રહી ગયું હોય એ કરવું જોઇએ, ખુશ રહેવા માટે કોઇ કારણ શોધવું જોઇએ પણ મોટી ઉંમરના બધા લોકો આવું કરી શકતા નથી. કોઇ કામ ન હોય. તબિયત પણ સરખો સાથ આપતી ન હોય, ઘરમાં કોઇ પાસે સમય ન હોય અને સમય કેમ પસાર કરવો એ સમસ્યા હોય ત્યારે ભલભલા વૃદ્ધો હતાશ થઇ જાય છે. એ લોકોને એવું ફીલ થાય છે કે અમારી તો કોઇને પડી જ નથી. પોતે જાણે વધારાના હોય એવું મહેસૂસ કરે છે. આખી જિંદગી મર્દાનગીથી જીવ્યા હોય એવા લોકો કોઇને કંઇ કહેતા નથી પણ અંદરથી શોષવાતા હોય છે.

રિટાયરમેન્ટ બાદ આપણા લોકોની હાલત સૌથી વધુ ખરાબ થઇ જાય છે. કામના બોજમાંથી મુક્તિ મળ્યાનો આનંદ થોડાક દિવસો તો રહે છે પણ પછી સવાલ થાય છે કે હવે કરવું શું? લેડિઝ હજુ પણ ઘર, પરિવાર અને સંતાનોનાં સંતાનોમાં બીઝી થઇ જાય છે પણ પુરુષો એવું કરી શકતા નથી. જે લોકો ધાર્મિક પ્રકૃતિના છે એને હજુ પણ વાંધો નથી આવતો, અમુક લોકો જ્ઞાતિની પ્રવૃત્તિ અથવા તો કોઇ સામાજિક કાર્યોમાં વ્યસ્ત થઇ જાય છે. જે લોકો શેમાંય વ્યસ્ત નથી થઇ શકતા એ લોકો અસ્તવ્યસ્ત થઇ જાય છે.

ફ્રાંસમાં નૈટિક્સસ નામની એક કંપની છે. એ દર વર્ષે દુનિયાના દેશોમાં રિટાયર્ડ લોકોની લાઇફ વિશે અભ્યાસ કરે છે અને એ આધારે ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ તૈયાર કરે છે. દુનિયાના 34 દેશોમાં આવો અભ્યાસ કરવામાં આવ્યો, તેમાં આપણા ભારત દેશનો નંબર સૌથી છેલ્લો એટલે કે 34મો આવ્યો છે. બ્રિક્સના ચાર દેશ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇનામાં પણ આપણે સૌથી છેલ્લા છીએ. આ વર્ષે જ નહીં, એના અગાઉનાં વર્ષોમાં પણ આપણો નંબર લાસ્ટ જ હતો. મતલબ કે આટલા વિકાસ છતાં વૃદ્ધ લોકોના મામલામાં આપણે હતા ત્યાંના ત્યાં જ છીએ. સ્વિટ્ઝર્લેન્ડ, નોર્વે, આઇસલેન્ડ આ ઇન્ડેક્સમાં સૌથી મોખરે છે. 

રિયાયર્ડ લોકોની હાલત વિશે ચાર તબક્કા તપાસવામાં આવે છે. સૌથી પહેલા આવે છે, મટિરિયલ વેલબીઇંગ. મતલબ કે આરામથી રહેવા અને જીવવાની સુવિધાઓ કેવી છે? 43માં આપણો નંબર 41મો આવ્યો હતો. એ પછી હેલ્થ સર્વિસની વાત આવે છે, તેમાં આપણે છેલ્લા 43મા નંબરે છીએ. આર્થિક સ્થિતિના સંદર્ભમાં આપણે 43માંથી 39મા નંબરે છીએ. એમાં કદાચ થોડાક આગળ એટલા માટે છીએ કારણ કે આપણા લોકો રિટાયરમેન્ટ બાદનું આર્થિક પ્લાનિંગ સારું કરે છે. આપણે ત્યાં પાછલી લાઇફમાં દવાના ખર્ચની મોટી ચિંતા હોય છે. સમૃદ્ધ દેશોમાં હેલ્થ સર્વિસ સરકાર તરફથી આપવામાં આવે છે, અમુક દેશો વૃદ્ધોને પેન્શન પણ આપે છે એટલે ત્યાંના વૃદ્ધોને આર્થિક ચિંતા ઓછી હોય છે. ક્વોલિટી ઓફ લાઇફ એટલે કે ક્લીન અને સેઇફ વાતાવરણમાં પણ આપણે સૌથી છેલ્લા એટલે કે 34મા ક્રમે છીએ. ઓવરઓલ એવું કહેવાય છે કે ભારત એ રિટાયરમેન્ટ પછી રહેવા જેવો દેશ નથી. તમને આ વાત કદાચ સાચી ન લાગે તો કોઇ રિટાયર વ્યક્તિ હોય એને પૂછી જોજો. આપણા રસ્તાઓની હાલત પણ એવી છે કે વૃદ્ધો એકલા બહાર જતા ડરે. ટ્રાફિકના કારણે મોટી ઉંમરના લોકોની વાહન ચલાવવાની હિંમત જ નથી થતી. કોઇ લઇ અને મૂકી જાય તો એ બહાર જઇ શકે છે. અમુક લોકો અપવાદ હશે, જોકે મોટાભાગના વૃદ્ધોની હાલત તો આવી જ છે.

સરકારે વૃદ્ધો માટે જે સુવિધાઓ ઊભી કરવી જોઇએ એ પૂરા પ્રમાણમાં થતી જ નથી. આપણી સરકાર ટ્રેન અને બીજી સેવાઓમાં સિનિયર સિટિઝન્સને થોડુંક કન્સેશન અને પ્રાયોરિટી આપીને સંતોષ માની લે છે. આપણે ત્યાં બગીચાઓ માત્ર બાળકોને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. વૃદ્ધોને જે માન-સન્માન મળવું જોઇએ એ પણ ઓછું મળે છે. માત્ર બસ કે ટ્રેનમાં વૃદ્ધોને બેસવા માટે જગ્યા આપી દઇને આપણે એવું માની લઇએ છીએ કે આપણે આપણી ફરજ બજાવી લીધી. વૃદ્ધો સાથે વાતો કરવાવાળું કોઇ હોતું નથી.

માત્ર આપણા દેશમાં જ નહીં, દુનિયાના મોટાભાગના દેશોમાં માર્કેટિંગનું પણ જે પ્લાનિંગ થાય છે એ યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને જ થાય છે. યંગ પીપલ રિયલ ખરીદાર છે. યંગસ્ટર્સને શું ગમે છે એ ટ્રેન્ડ પરથી જ બધું નક્કી થાય છે. એડ, સિરિયલ કે ફિલ્મોનું ટાર્ગેટ ઓડિયન્સ પણ યંગ પીપલ જ હોય છે. પરિવારમાં પણ ક્યાંક એવું થાય છે કે વૃદ્ધોને નિગલેક્ટેડ ફીલ થાય. તમને કંઇ ખબર ન પડે, અમને અમારી રીતે કરવા દો, અમારી વાતોમાં દખલ ન કરો એવી વાતો વૃદ્ધોને વેદના આપે છે. વૃદ્ધો એની માન્યતાઓ છોડી શકતા નથી, એને બદલવાની કોશિશ પણ ન કરવી જોઇએ, જરૂર માત્ર ને માત્ર એમનું જતન કરવાની છે. એમને બસ એટલો અહેસાસ થવા દો કે તમે એને પ્રેમ કરો છો, તમને એમની કદર છે, તમને એમના માટે આદર છે. એમને આદર અને સન્માન સિવાય કંઇ જોઇતું હોતું નથી. એટલું આપણે આપી ન શકીએ?

પેશ-એ-ખિદમત

હુસ્ન કે દિલ મેં જગહ પાતે હી દીવાના બને,

હમ અભી રાઝ બને હી થે કે અફસાના બને.

કિતને દીવાને મોહબ્બત મેં મિટે હૈં સીમાબ’,

જમા કી જાયે ખાક ઉન કી તો વીરાના બને.

-સીમાબ અકબરાબાદી

(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 19 ઓગસ્ટ 2018, રવિવાર)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *