ત્યારે પગલું ભરી લીધું હોત તો સારું થાત! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ત્યારે પગલું ભરી લીધું

હોત તો સારું થાત!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

એક સંશય આપણી વચ્ચે રહે છે,

ભય વગર ભય આપણી વચ્ચે રહે છે,

જે વિજયને બાનમાં રાખી ઊભો છે,

એ પરાજય આપણી વચ્ચે રહે છે.

-કરશનદાસ લુહાર

આપણું મન બહુ ચંચળ છે. મનની મથરાવટી મૂંઝવી નાખે એવી છે. મન આપણને ક્યારેક ભૂતકાળમાં ખેંચી જાય છે તો ક્યારેક ભવિષ્યમાં વિહાર કરાવે છે. મન જે હોય એને સ્વીકારતું નથી અને જે નથી હોતું એની તરફ આપણને ખેંચતું રહે છે. માણસનું સુખ મનનું કારણ છે. માણસનાં દુ:ખ માટે પણ મન જ જવાબદાર હોય છે. મન મારે છે અને મન જ તારે છે. મન લલચાવે છે. મન તડપાવે છે. મન માનવનો સૌથી મોટો મિત્ર છે અને મન જ સૌથી મોટો શત્રુ છે. જેનું મન મક્કમ છે, જેનું મન મજબૂત છે, જેનું મન સ્વસ્થ છે એ માણસ જ જિંદગીને સાચી રીતે સમજી શકે છે. માંદલું મન માણસને સ્વસ્થ રહેવા દેતું નથી. મનથી મરી જાય એ જીવતો હોય તો પણ જિંદગીને માણી શકતો નથી. મનનું પ્રતિબિંબ ચહેરા પર પડે છે. મન પ્રફુલ્લિત હોય એનો ચહેરો ખીલેલો હોય છે. મૂરઝાયેલું મન ચહેરા પર ઉદાસીના ચાસ પાડી દે છે. તરડાયેલા ચહેરા મરડાયેલા મનનું કારણ હોય છે. મનને લાડ લડાવવા પડે છે. મનને સમજાવતા અને પટાવતા રહેવું પડે છે. મનને મરવા નથી દેતો એ માણસ જ જીવતો, જાગતો અને ધબકતો હોય છે.

માણસ આખી જિંદગી આશ્વાસનો શોધતો હોય છે. જે થાય છે એ સારા માટે થાય છે, જે થયું એ પણ સારા માટે જ થયું હશે, જે થવાનું છે એ પણ સારા માટે જ થવાનું છે. આપણું મન દરેક સ્થિતિ, દરેક સંજોગ, દરેક ઘટના અને દરેક અસ્તિત્વને એના એ જ રૂપમાં સ્વીકારી શકતું નથી. આપણે સુંદર કલ્પનાઓ કરી હોય છે. જિંદગીને રૂપલે મઢેલી અને સોળે કળાએ ખીલેલી કલ્પી હોય છે. દરેક માણસે ભવિષ્ય માટે સારા વિચાર જ કરવા જોઈએ. તકેદારી એટલી જ રાખવાની કે ધાર્યું ન થાય અને કલ્પેલું ન મળે ત્યારે વિચલિત ન થઈ જવાય. દરેક કલ્પના સાચી સાબિત થતી નથી. કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે જંગ ચાલતો રહે છે. વાસ્તવિકતા દરેક વખતે કલ્પના મુજબની હોવાની જ નહીં. કલ્પનાનો રંગ ગુલાબી જ હોય છે, જ્યારે વાસ્તવિકતાની પ્રકૃતિ તો રંગ બદલતા રહેવાની હોય છે. દરેક રંગ આપણને માફક ન પણ આવે. આ રંગ પણ ઊતરી જવાનો છે, આ રંગ પણ બદલવાનો છે એ જે સમજી શકે છે એના માટે જ સુખ હાથવેંતમાં હોય છે.

માણસ સૌથી વધુ ‘જો’ અને ‘તો’માં અટવાતો રહેતો હોય છે. જો આમ થયું હોત તો સારું થાત. જો તેમ થયું ન હોત તો વાત જુદી હોત. એ મારી જિંદગીમાં જ ન આવી હોત તો સારું હોત. એ મળ્યો ત્યારથી મારી જિંદગી આડા પાટે ચડી ગઈ. જિંદગીમાં ઘણું સારું પણ થયું હોય છે. જોકે, આપણે એના વિશે વિચારો કરતા નથી, જે નથી થયું એના તરફ વિચારોની વણઝાર ચાલતી રહે છે. આપણાં દુ:ખનું એક અને સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે જે હોય એને સ્વીકારી શકતા નથી. જે છે એ છે, જે નથી એ નથી. જેની હાઇટ ઓછી છે તેને એવું થતું રહે છે કે ઊંચાઈ થોડીક વધુ હોત તો? એક જોકર હતો. સાવ બટકો. સામાન્ય માણસના ગોઠણ સુધી તો માંડ પહોંચે. રોજ ટીલાંટપકાં કરી અને ચિત્રવિચિત્ર કપડાં પહેરીને લોકોનું મનોરંજન કરે. એક વખત એક માણસે તેને પૂછ્યું, તને એવું નથી થતું કે કુદરતે તને અન્યાય કર્યો હોય? સાવ ઠીંગણું શરીર આપીને તારી મજાક કરી હોય? જોકરે ફિલસૂફની અદામાં કહ્યું, જરાયે નહીં! ઊલટું મને તો એવું થાય છે કે ભગવાને મારી માથે કૃપા કરી છે! બધા માણસોને એકસરખા બનાવ્યા છે, ઈશ્વરે માત્ર મને જ જુદો બનાવ્યો છે. હું બધા જેવો હોત તો મારામાં ફરક શું હોત? હું તો કુદરતની અનોખી અને અલૌકિક રચના છું. મને તો ક્યારેક એવા પણ વિચાર આવે છે કે ઈશ્વર એકસરખા માણસોને બનાવી બનાવીને થાકી ગયો હશે. કંટાળી ગયો હશે. ઉદાસ થઈ ગયો હશે. એને પણ હસવાનું મન થયું હશે એટલે ખાસ પ્રયત્નો કરીને મારું સર્જન કર્યું હશે. મારા હાવભાવ જોઈને ઈશ્વર રાજીના રેડ થઈ ગયો હશે. છેલ્લે એણે મને કહ્યું હશે કે, દોસ્ત તું હવે પૃથ્વી પર જા. તારી ત્યાં બહુ જરૂર છે. લોકો બહુ દુ:ખી છે. તું એ બધાને હસાવજે. તને જોઈને એ બધા પોતાનાં દુ:ખ-દર્દ ભૂલી જશે. હવે તમે કહો જોઈએ, મારા જેવું નસીબદાર બીજું કોણ હોય? અલ્ટિમેટલી તો આપણે આપણી જિંદગીને કેવી રીતે જોઈએ છીએ એ જ મહત્ત્વનું હોય છે. ફરિયાદ કરવી હોય તો હજાર કારણો મળી આવશે, સુખી થવું હોય તો એક જ કારણ બસ છે. આપણી પાસે સુખી થવાનાં અનેક કારણો હોય છે, પણ આપણે એની તરફ નજર નથી નાખતા. દુ:ખનું એક કારણ પકડીને બેઠા રહીએ છીએ. નવ્વાણું રૂપિયા હોયને તો પણ એ વિચારે જ દુ:ખી થતા રહીએ કે એક રૂપિયો ઘટે છે, એક હોતને તો સો પૂરા થઈ જાત. આ એક નથી એના કારણે જે નવ્વાણું છે એની મજા આપણે માણી શકતા નથી. જે દુ:ખ છે એને થોડી વાર બાજુમાં મૂકી દો, બીજું ઘણું બધું સુખ હાજર જ હોય છે.

માણસનો સ્વભાવ જ એવો છે કે જે નથી મળ્યું એ હંમેશાં એને સુંદર જ લાગતું હોય છે. એનું કારણ એ હોય છે કે એના વિશે આપણે સુંદર વિચારો જ કર્યા હોય છે. જ્યાં સુધી અનુભવો ન થાય ત્યાં સુધી બધું ઉમદા જ લાગતું હોય છે. એક છોકરીની આ વાત છે. એને એક છોકરા સાથે પ્રેમ હતો. બંનેએ સાથે જીવવાની કલ્પનાઓ કરી હતી. થયું એવું કે બંને મેરેજ ન કરી શક્યાં. છોકરીનાં લગ્ન બીજા યુવાન સાથે થઈ ગયાં. પતિ સારો અને સમજુ હતો. પત્નીને સરસ રીતે રાખતો હતો. જોકે, પત્નીને એનો જૂનો પ્રેમી વારંવાર યાદ આવી જતો હતો. એને થતું કે જો એ મારી જિંદગીમાં હોત તો જિંદગી કદાચ જુદી હોત! એક વખત તેની જૂની બહેનપણી એને મળી. તેણે એ જ વાત કરી કે, એની સાથે હોત તો કદાચ લાઇફ જુદી હોત. બહેનપણીએ કહ્યું, માની લઈએ કે તારી વાત સાચી છે. જોકે, એક વાત એ પણ છે કે જો એ હોત તો તારી લાઇફ અત્યારે છે એવી ન હોત. તને એ સવાલ કેમ નથી થતો કે અત્યારે જે લાઇફ છે એ સારી છે. મળી ગયો હોત તો લાઇફ જુદી હોત, પણ એ સારી જ હોત એવું થોડું જરૂરી છે? બહેનપણીએ પછી પોતાની વાત કરી. તને તો ખબર છેને કે મેં લવમેરેજ કર્યા છે. મને મારી ગમતી વ્યક્તિ મળી છે. મને પણ ઘણી વખત એવું થયું છે કે આ ક્યાં મળી ગયો? આના કરતાં બીજો માણસ હોત તો કદાચ વધુ સારું હોત! જોકે, પછી હું જ એવું વિચારું છું કે જે છે એ જ યોગ્ય છે. તું પણ એવું વિચાર કે તારી જિંદગીમાં છે એ માણસ જ સારો છે. એ તારા માટે બન્યો છે અને તું એના માટે. તું તો તારા પતિની એવી વ્યક્તિ સાથે સરખામણી કરે છે જેનો પતિ તરીકે તને અનુભવ જ નથી. પ્રેમની સરખામણી દાંપત્ય સાથે ન કર. બાળક માટે તો આપણે એવો વિચાર નથી કરતાં કે મારાં આ દીકરા કે દીકરી કરતાં બીજા હોત તો સારું હોત. એવું આપણે એટલા માટે નથી કરતાં, કારણ કે એને આપણે સ્વીકારી લીધા છે, એને આપણે પ્રેમ કરીએ છીએ, એ મારા છે એવું કહીએ છીએ! પતિ પણ તારો છે. જે છે એને માણસ સુખનું કારણ ન સમજે તો માણસ દુ:ખી જ રહે છે.

આપણે માણસ છીએ. ક્યારેક એવું પણ થાય કે જો એ સમયે આવું પગલું ભરી લીધું હોત તો સારું થાત. આપણે એ પગલું ભર્યું હોતું નથી. ભર્યું હોત તો ખબર પડત કે એ સાચું હોત કે ખોટું હોત, વાજબી હોત કે ગેરવાજબી હોત, યોગ્ય હોત કે અયોગ્ય હોત. જે પગલું ભર્યું જ નથી એ સારું જ હોત એવું કેમ માની લેવાનું? આપણે એવું માની લઈએ છીએ, કારણ કે આપણને આશ્વાસન જોઈતું હોય છે. આવા વિચારોનો કોઈ મતલબ હોતો નથી. આવા વિચારો મોટાભાગે ગૂંચવણ અને અસમંજસ સર્જતા હોય છે અને આપણે જ એમાં અટવાયેલા રહીએ છીએ.

જે નિર્ણયો કર્યા હોય છે અને જે નિર્ણયો નથી કર્યા હોતા એના વિશેના વિચારોનું કોઈ પરિણામ હોતું નથી. આમ જુઓ તો નિર્ણય ન કર્યો હોય એ પણ એક નિર્ણય જ હોય છે. મારે આમ કરવું છે એ નિર્ણય છે તો મારે આમ નથી કરવું એ પણ નિર્ણય જ છે. આપણે ઘણી વખત આપણા નિર્ણય નિષ્ફળ જાય ત્યારે એને ભૂલ માની લેતા હોઈએ છીએ. કોઈ નિર્ણય માણસ ભૂલ કરવા કે નિષ્ફળ થવા માટે લેતો હોતો નથી. નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ ઉપરથી ખબર પડે છે. પરિણામ સારું ન હોય એટલે નિર્ણયને ખોટો ઠરાવી દેવો એ આપણે લીધેલા આપણા નિર્ણયનું જ અપમાન છે. આપણા નિર્ણયની જવાબદારી આપણી જ હોય છે. આપણે કેવું કરતા હોઈએ છીએ? નિર્ણય સાચો ઠરે તો એને એન્જોય કરીએ છીએ અને ખોટો ઠરે તો એવું કહીએ છીએ કે ખોટા નિર્ણયની સજા ભોગવું છું! નિર્ણય સાચો ઠરે ત્યારે તો આપણે એવું નથી કહેતા કે સાચા નિર્ણયની મજા ભોગવું છું! ત્યારે તો આપણે આપણી મહેનત અને સમજણની જ દુહાઈ દેતા હોઈએ છીએ! જિંદગીમાં સરવાળે તો જે હોય છે એ જ સત્ય હોય છે. તમારા આજના સત્યને તમે ગઈ કાલના ઇતિહાસ સાથે ન સરખાવો. જો એવું કરશો તો આજનું સત્ય પણ કદાચ તમને અસત્ય લાગવા માંડશે! અત્યારે જે છે એ જ સત્ય છે, અત્યારે જે છે એ જ શ્રેષ્ઠ છે, અત્યારે જે છે એ જ જીવવા જેવું છે. જે ભૂતકાળ સાથે જે ઝઝૂમતો રહે છે એ વર્તમાનમાં ક્યારેય જીવી શકતો નથી, યાદ રાખો તમારે આજમાં જીવવાનું છે, આજને એન્જોય કરો. જે ગઈ કાલનાં ગીતો ગાતા રહે છે એ જિંદગીમાં આજના સૂર અને આજના સંગીતને માણી શકતા નથી.

છેલ્લો સીન :

જો અને તો એક ભ્રમણા છે. ભ્રમણામાં એવાં શમણાં હોય છે જે સાચાં હોતાં નથી.         -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 11 જુલાઇ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply