અત્યાચાર સહન ન કરવો એ પણ સંસ્કાર જ છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

અત્યાચાર સહન ન કરવો

એ પણ સંસ્કાર જ છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

ક્ષણિક સુખના અનુભવની વાત લંબાવો,

અડી ગયેલ એ પાલવની વાત લંબાવો,

બધીય ખાનાખરાબીની વાત ટૂંકાવી,

મળ્યો જીવનમાં તે વૈભવની વાત લંબાવો.

-ભરત વિંઝુડા

અત્યાચાર એટલે શું? સાવ સાદી વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે જે આપણા શારીરિક કે માનસિક અસ્તિત્વને અવરોધે એ અત્યાચાર છે. જ્યારે કંઈક સહન ન થાય ત્યારે આપણને સવાલ થવો જોઈએ કે મારી સાથે શું થઈ રહ્યું છે? હું શું કરું છું? મારી સાથે જે થાય છે એ વાજબી છે? પોતાનું સુખ, પોતાની ખુશી, પોતાનો આનંદ, પોતાનો ઉત્સાહ, પોતાની પ્રેરણા અને પોતાના અસ્તિત્વ વિશે માણસે પોતે જ જવાબ મેળવવાના હોય છે. દરેક વખતે જિંદગી જેમ ચાલતી હોય એમ ચાલવા દેવી વાજબી હોતી નથી. દુનિયામાં એવા ઘણા લોકો, ઘણા સંજોગો અને કેટલાંયે પરિબળો હોય છે જે આપણને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કરતા રહે છે. શું સ્વીકારવું અને શેનો ઇન્કાર કરવો એ આપણે નક્કી કરવાનું હોય છે. મોટાભાગે કોઈ આપણને ગુલામ, લાચાર, મજબૂર કે અસહાય બનાવતા હોતા નથી, આપણે એવા બનતા હોઈએ છીએ. છૂટ આપીએ તો છૂટછાટ લેવાવાની જ છે.

સંસ્કાર એટલે માત્ર સારી સારી વાતો જ નહીં, અયોગ્યનો અસ્વીકાર અને અત્યાચાર સામે આક્રમણ એ સંસ્કાર જ છે. એક યુવતીની આ વાત છે. પિયરમાં ખૂબ લાડકોડથી ઉછરેલી. એનાં લગ્ન થયાં. થોડો સમય બધું બરાબર ચાલ્યું. ધીમે ધીમે બધાનું પોત પ્રકાશવા લાગ્યું. એક પછી એક બંધનો લદાતાં ગયાં. આમ જ કરવાનું, આમ તો નહીં જ કરવાનું! યુવતીને ખબર પડતી હતી કે શું વાજબી છે અને શું ગેરવાજબી છે, પણ એ કંઈ બોલતી ન હતી. યુવતીના પિતાને બહારથી ખબર પડી કે દીકરીને સાસરે ત્રાસ છે. એક વખત પિયર આવી ત્યારે પિતાએ શાંતિથી પૂછ્યું કે મેં બહારથી જે વાતો સાંભળી છે એ સાચી છે? દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પિતાને બધી જ સાચી વાત કરી દીધી. પિતાએ છેલ્લે એક સવાલ કર્યો, આવું હતું તો અમને અત્યાર સુધી કેમ ન કહ્યું? દીકરીએ જવાબ આપ્યો કે, મારા સંસ્કાર મને રોકતા હતા. પિતાએ આઘાત સાથે કહ્યું કે દીકરા, અત્યાચાર સહન કરવો એવા સંસ્કાર મેં તને ક્યારે આપ્યા? તું તારી રીતે સંસ્કાર કેમ નક્કી કરી લે છે? મારા સંસ્કાર આવા ન હોય, મારા સંસ્કાર તો અત્યાચાર કે અન્યાય સહન ન કરવાનું જ કહે! આબરૂ, ઇજ્જત અને સમાજમાં ઇમેજ આપણા અસ્તિત્વ કરતાં વધુ ન હોય! સંસ્કારને પણ સમજવા પડે.

ઘણા લોકો તો મજબૂરી, ભય અને હિંમતના અભાવને પણ સંસ્કાર ગણાવતા હોય છે. એક યુવતીની જ આ વાત છે. ઓફિસમાં એની સાથે સારું વર્તન થતું ન હતું. એ સહન કર્યે જતી હતી. એક વખત તેના મિત્રએ કહ્યું કે તું શા માટે બધું ચલાવી લે છે? તેણે કહ્યું કે, મને મારા સંસ્કાર આડા આવે છે. હું કંઈ આછકલી નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તારી મજબૂરી અને તારા ડરને સંસ્કારનું નામ ન આપ. તારામાં સામનો કરવાની હિંમત નથી. આપણે સાચા હોઈએ છતાં જેમ ચાલતું હોય એમ ચાલવા દઈએ એ દરેક વખતે યોગ્ય હોતું નથી. જ્યારે લડવાની જરૂર હોય ત્યારે લડી લેવું પડતું હોય છે.

એક યુવાન સારી કંપનીમાં જોબ કરતો હતો. તેને કોઈ પ્રોબ્લેમ ન હતો. એક વખત એને ખબર પડી કે ઓફિસમાં અમુક લોકો ગોલમાલ કરે છે. એ દ્વીધામાં હતો કે શું કરવું? એ લોકોની ગોલમાલ બહાર આવે તો એને કોઈ પ્રોબ્લેમ થવાનો ન હતો. એ આખા ષડ્યંત્રમાં સામેલ જ ન હતો. ઘરે આવીને પત્નીને વાત કરી. અંતે તેણે જ કહ્યું, જવા દેને, આપણું શું જાય છે? હું કંઈ કરીશ તો બધા મને જ હેરાન કરશે. કદાચ નોકરીમાંથી પણ કાઢી મૂકે. આપણે કંઈ નથી કરવું. આખી વાત સાંભળીને પત્નીએ કહ્યું કે, તું તો જબરો છે. આવું શિખવાડ્યું છે તને આપણા પરિવારે? આપણે પાપમાં ભલે ભાગીદાર ન હોઈએ, પણ પાપને ચાલવા દેવું એ પણ પાપનો જ એક ભાગ છે. તારો અંતરઆત્મા તો એમ જ કહે છેને કે આવું ન હોવું જોઈએ? જે થાય છે એ વાજબી નથી. તારા આવા વિચાર એ જ તારા ખરા સંસ્કાર છે. તું પછી કંઈ ન કરવાની વાત કરે છે એ તારો ભય છે. એક વાત યાદ રાખ, સાચું કરવાની સજા ભોગવવી પડે ને તો એ પણ વાજબી છે. સારા થવું અઘરું છે અને સંસ્કારની ત્યાં જ જરૂર પડે છે. સત્યનો સાથ આપવાનું સ્વીકારે એ સંસ્કાર. આપણે ક્યારેક જેને સંસ્કાર સમજતા હોઈએ એ પણ સંસ્કાર છે કે કેમ એ વિશે વિચારવું જોઈએ. ક્યારેક ખોટી વાતો, ખોટા નિયમો, ખોટાં બંધનો અને ખોટી પરંપરાને આપણે સંસ્કાર સમજી લેતા હોઈએ છીએ.

સંસ્કારને પણ માણસે પામતા પહેલાં માપવા જોઈએ. આપણને વારસામાં મળતા હોય છે એ સંસ્કાર પણ સાચા છે કે નહીં એના પર બિલોરી કાચ માંડવો જોઈએ. એક પરિવારની આ વાત છે. પિતા દરેક વખતે સંસ્કારની વાતો કરે. એનું વર્તન પણ એવું જ. પરિવારમાં કોઈ કંઈ ઘસાતું બોલે તો એને જાહેરમાં ખખડાવી નાખે. મોઢામોઢ બધું કહી દે. તે એવું જ કહે કે જે હોય તે કહી દેવાનું. એક વખત એના પુત્ર સાથે એવું થયું. એના વિશે પરિવારનો એક સભ્ય નબળું બોલ્યો. પિતાને આ વાતની ખબર પડી. એણે દીકરાને કહ્યું કે તું એને મોઢામોઢ બધું કહી દે. રોકડું પરખાવી દેવું એ જ આપણા સંસ્કાર છે. દીકરાએ નમ્રતાપૂર્વક કહ્યું કે, માફ કરજો, પણ હું એને સંસ્કાર નથી સમજતો. શું કહે છે એના કરતાં પણ કોણ કહે છે એ વધુ મહત્ત્વનું હોય છે. જેણે મારા વિશે ઘસાતું કહ્યું એને બધા ઓળખે છે. હું કેવો છું એ પણ બધાને ખબર છે. મારે એને કહીને મારી એનર્જી બગાડવી નથી. મારી એનર્જી સારા કામ માટે છે. ક્યારેક ઇગ્નોર કરવું એ પણ સંસ્કાર જ છે. મારે મારું મગજ બગાડવું નથી. મારે એવું કંઈ નથી કરવું જેનાથી મારું ધ્યાન મારા કામ પરથી હટી જાય. સંસ્કાર માત્ર બોલવાનું જ નહીં, ક્યાં ચૂપ રહેવું એ પણ શિખવાડતા હોવા જોઈએ.

સંસ્કાર આપણને સારા બનાવવા જોઈએ. નબળા નહીં. સંસ્કાર આપણને ખરાબ બનતા અટકાવવા જોઈએ. દરેક માણસને ક્યારેક નબળા વિચાર આવ્યા જ હોય છે. દુનિયાના લોકો જે રીતે રૂપિયા કમાય છે, જે રીતે બદમાશી કરે છે, ખોટી વાહવાહી કરાવી નામના મેળવે છે એ જોઈને આપણને પણ ક્યારેક એવું થાય છે કે, આવું જ કરવું જોઈએ. આપણે એવું કરી પણ શકતા હોઈએ છીએ. જોકે, કંઈ ખોટું કરવાની વાત આવે ત્યારે આપણું દિલ આપણને રોકે છે. ના, મારાથી આવું ન થાય. આ મને ન શોભે. કોણ રોકતું હોય છે આપણને? આપણને જે રોકે છે એ આપણા સંસ્કાર હોય છે.

આપણે એવું કહીએ છીએ કે, એ તો મારા લોહીમાં છે. લોહીના સંસ્કાર એટલે શું? આજે વિજ્ઞાને જબરદસ્ત પ્રગતિ કરી છે. લેબોરેટરીમાં રિપોર્ટ કઢાવીએ તો બધી જ ખબર પડી જાય કે લોહીમાં કેટલું હિમોગ્લોબીન છે, કેટલા વ્હાઇટ સેલ્સ છે, કેટલા રેડ સેલ્સ છે, કયા વાઇરસ છે અને બીજું શું શું છે? હજુ એવો કોઈ રિપોર્ટ નથી થતો જે બતાવી દે કે આના લોહીમાં કેટલી ખાનદાની છે! કેટલી દયા છે, કેટલી કરુણતા છે, કેટલી સારપ છે. એ તો આપણું વર્તન, આપણી વાણી, આપણો વ્યવહાર અને આપણી વૃત્તિ જ કહી શકે કે આપણા લોહીમાં કેટલી ખાનદાની છે! લોહીનો લેબોરેટરીનો રિપોર્ટ બીમારી જણાવી શકે, બહાદુરી નહીં. જીવલેણ તત્ત્વોની વાત બતાવી શકે, જિંદાદિલી નહીં. બીપીનું મશીન પ્રેશર માપી શકે, પ્રામાણિકતા નહીં. શ્વાસની ગતિ માપી શકાય, તડપ નહીં.

જે મપાતું નથીને એ બધું જ વર્તાતું હોય છે. જિંદગીમાં ઘણું બધું ગણતરીઓથી પર હોય છે. લોજિકથી પણ ઉપર હોય છે. સાયન્સ તો દિલ વિશે પણ એવી જ વાત કરે છે કે એ તો શરીરમાં લોહી ફેરવતો એક પંપ છે, બીજું કંઈ જ નથી. જો એવું જ હોય તો પછી જે વેદના થાય છે એ શું છે? સંવેદના જાગી જાય છે એ શું છે? કંઈક તો છે જે આપણને માત્ર ચાલતા રાખતું નથી, પણ જીવાડે છે, રડાવે છે, હસાવે છે, કોઈની યાદ અપાવે છે, કોઈને ભૂલવા મજબૂર કરે છે. કેટલું બધું વ્યક્તિગત હોય છે. દુનિયામાં મોટાભાગની માન્યતાઓ વ્યક્તિગત હોય છે. આપણે જેને ખરાબ સમજીએ એ કોઈને ખરાબ ન પણ લાગે, આપણે જેને સારું સમજીએ એ ઘણાને વેવલાવેળા પણ લાગે. સત્ય પણ દરેકનું પોતાનું હોય છે. ક્યારેક તો એવું પણ લાગે કે દુનિયામાં કંઈ જ સાર્વત્રિક નથી, બધું જ વ્યક્તિગત છે. સુખ અને દુ:ખ પણ, વેદના અને સંવેદના પણ, પ્રેમ અને નફરત પણ. એવી જ રીતે સંસ્કાર પણ વ્યક્તિગત હોય છે. આપણા સંસ્કાર આપણે જ નક્કી કરવાના હોય છે. સંસ્કારને સમજવા સહેલા નથી. સુખ, શાંતિ અને શ્રેષ્ઠ જિંદગી માટે સારા સંસ્કાર સહાયરૂપ બને છે. સંસ્કાર એ પણ છે કે ક્યાં સુધી નમવું અને ક્યારે માથું ઊંચું કરીને આંખ સામે આંખ માંડવી! આપણને આપણી નજરમાં જ ટટ્ટાર ઊભા રહેતા શીખવે એ જ ખરા સંસ્કાર.

છેલ્લો સીન :

સમર્પણ અને ગુલામીમાં બહુ મોટો ફરક છે. સમર્પણ સહજ, સાત્ત્વિક, સંતોષ અને સુખ આપનારું હોવું જોઈએ. જો સમર્પણની સમજ ન હોય તો ગુલામ બનવાની શક્યતાઓ વધી જાય છે.     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 27 જુન 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

2 Comments

Leave a Reply