વીતેલો સમય ક્યારેક પીછો કરતો હોય છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

વીતેલો સમય ક્યારેક

પીછો કરતો હોય છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

અગર તલાશ કરુ કોઇ મિલ હી જાયેગા,

મગર તુમ્હારી તરહ કૌન મુજકો ચાહેગા,

મૈં અપની રાહમેં દીવાર બન કે બૈઠા હૂં,

અગર વો આયા તો કિસ રાસ્તે સે આયેગા.

-બશીર બદ્ર.

હવે એ ધૂળમાં તારાં પગલાં દેખાતાં નથી. કદમોં કે નિશાં મિટ જાતે હૈં. એ સમયે હવામાં એક ગજબની ખુશબૂ હતી. આજે તો એ હવા પણ નથી, તો પછી ખુશબૂ તો ક્યાંથી હોય? હતું એવું કંઈ જ નથી, છતાં દિલમાં કેવું બધું એવું ને એવું તાજું છે! દિલ પર નજર માંડું છું ત્યારે માત્ર પગલાં દેખાતાં નથી, પગરવ પણ સંભળાય છે. મહેક પણ વર્તાય છે. જૂનો સમય રિવાઈન્ડ થઈને અમુક વખતે તાજો થઈ જતો હોય છે. એક ઇતિહાસ દિલમાં સચવાયેલો હોય છે. અચાનક કોઈ પાનું ઊઘડી જાય છે. આંખો અતીતમાં ખૂલે છે અને કોઈ દૃશ્ય ખડું થઈ જાય છે. વીતેલો સમય આપણો સતત પીછો કરતો રહે છે અને આપણને ખબર ન પડે એમ આપણને ઝડપી લે છે. તાણી જાય છે એ વીતેલા સમય સુધી. એક સાક્ષીની જેમ હાજર થઈ જાય છે. આપણી સામે આપણી જ ગવાહી આપે છે. આ રસ્તો યાદ છે? અહીં જ ક્યાંક તું દોડ્યો હતો, તું કૂદ્યો હતો, નાચ્યો હતો અને અહીં જ તેં ઠેસ પણ ખાધી છે. હાથ અહીં મળ્યા હતા, પગલાં સાથે પડ્યાં હતાં, ધડકન થોડીક તેજ થઈ ગઈ હતી, આંખો થોડીક ભીની થઈ હતી, ધ્રાસ્કો અહીં વાગ્યો હતો, નિસાસો અહીં નાખ્યો હતો.

માણસ માત્ર વર્તમાનમાં જ નથી જીવતો. માણસ વીતેલા સમયમાં પણ જીવતો હોય છે. પરિચિત હોય એ બધું જ અપરિચિત થઈ ગયું હોય છે. વર્ષો પછી જૂના મકાનમાં જઈએ ત્યારે બધી વસ્તુઓ ઉપર ધૂળ જામી ગઈ હોય છે. કરોળિયાએ કળા કરી જાળાં બનાવી દીધાં હોય છે. એ ધૂળ ખંખેરીએ ત્યારે નાનકડી ડમરી ઊડે છે. શ્વાસ થોડોક તરડાય છે. એ પછી જૂની વસ્તુ, જૂના ફોટા, જૂની ડાયરી સાથે જૂનો સમય પાછો જીવતો થઈ જાય છે. એક પછી એક પાનાંઓ ઊઘડે છે. જૂના મિત્રોના ચહેરા ધીમે ધીમે સ્પષ્ટ થાય છે. કોઈને મળવાનું મન થાય છે. દિલ ક્યારેક અવઢવમાં મુકાય છે. મળવું કે નહીં? જે વીતી ગયું છે એ તાજું કરવું કે નહીં? સ્મરણોને સ્મરણ જ રહેવા દેવા કે પછી એને ફરીથી જીવતાં કરવાં?

એક છોકરીની આ વાત છે. મેરેજ કરીને એ વિદેશ ચાલી ગઈ હતી. 15 વર્ષ પછી પિયર આવી. વિદેશ ગઈ ત્યારે બધી જ યાદો એક બેગમાં સંકેલીને મૂકી ગઈ હતી. એની ચાવી વિદેશમાં પણ જતનથી સાચવી હતી. પાસપોર્ટ રાખતી હતી એ જ પર્સમાં એ ચાવી મૂકી રાખી હતી. અમુક ચાવીઓ પણ પાસપોર્ટ અને પાસવર્ડ જેવી હોય છે, એ તમને તમારે જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે અને તમારે જોવું હોય એ ઉઘાડે છે. ઘરે આવી માળિયેથી એ બેગ ઉતારી. જૂની યાદોનો એક ખજાનો નીકળ્યો. આને ખજાનો કહું કે દફનાવી દીધેલી યાદોની કબર? શું મળવાનું હતું આ બધું જોઈને? કેટલીક બહેનપણીઓની તસવીર અને તેણે આપેલી ગિફ્ટ્સ! એક સ્કાર્ફ હાથમાં આવ્યો. કોણે આપ્યો હતો આ? યસ, પેલી ફ્રેન્ડે આપ્યો હતો. એ દિવસે મારો બર્થડે હતો. હું એને વળગી ગઈ હતી. કેટલી બધી વાતો કરી હતી. થોડીક યાદ છે અને બીજી ભુલાઈ ગઈ છે. એને યાદ હશે? ક્યાં હશે એ? મારી પાસે તો એનું એડ્રેસ પણ નથી! કોલેજની ફેરવેલનો એક ગ્રૂપ ફોટો નીકળ્યો. એક પછી એક ચહેરા પર નજર કરી. એક ચહેરા પર નજર રોકાઈ ગઈ. અરે! આ તો એ જ. એણે મને પ્રપોઝ કર્યું હતું. મેં ના પાડી હતી. મને એવી કોઈ ફીલિંગ્સ નથી તારા માટે. સોરી પણ કહ્યું હતું. સારો હતો એ. સરસ મ્યુઝિક વગાડતો હતો. ગાતો પણ ઠીકઠાક હતો. કોલેજની છોકરીઓમાં પણ પ્રિય હતો. જોકે, મને એમાંથી કંઈ ટચ કરતું ન હતું. ક્યાં હશે એ? એને મળું? ના, નથી મળવું, કોઈને નથી મળવું, થોડીક યાદો મમળાવી લીધી એ બસ છે. મજા આવી બધું વાગોળીને.

એ સાંજે એ ફરવા નીકળી. એકલી જ. એ જ જૂના રસ્તાઓ ઉપર. જોકે, સ્મૃતિઓ સિવાય જૂનું તો ત્યાં કંઈ હતું જ નહીં, રસ્તાઓ પણ નવા થઈ ગયા હતા. બધું જ બદલાઈ ગયું હતું. એ દુકાનો ન હતી અને એ મકાનો પણ ન હતાં. શોપિંગ મોલ અને મલ્ટિપ્લેક્સ ઘણાં જૂનાં સ્થળોને ગળી ગયું હતું. અહીં આ હતું અને ત્યાં તે હતું. હવે કંઈ જ નથી. એને વિચાર આવ્યો કે ન જ હોય ને! બધું કંઈ એવું ને એવું થોડું રહે? હું પણ ક્યાં એવી રહી છું! અચાનક એક ચહેરો સામે આવી ગયો. આ કોણ? એણે યાદ કર્યું, અરે! આ તો એ જ છોકરો છે. કેટલો બદલાઈ ગયો છે! આંખો મળી અને હાય બોલાઈ ગયું. ચલ થોડી વાર બેસીએ. એક કોફીશોપમાં ગયાં.

‘મ્યુઝિક વગાડે છે? ગીત ગાય છે?’ સવાલ પુછાઈ ગયો. જવાબ મળ્યો, ના. હવે એ કંઈ જ નથી રહ્યું. જિંદગી જ આખી બદલાઈ ગઈ છે. જવાબદારીઓ અને બિઝનેસ… વાતો થતી રહી. કંઈ જ ટચ થાય એવું ન હતું. સાવ શુષ્ક. એની આંખોમાં વીતેલી એક ક્ષણ પણ તાજી ન થઈ. માણસ કેમ આવો થઈ જતો હશે? એને વિચાર આવ્યો. હશે, હોય એવું. મને તો પહેલાં પણ ક્યાં કંઈ સ્પર્શ્યું હતું. જોકે, આજે એ લાઇવ હોત તો મને સારું લાગ્યું હોત. છૂટા પડ્યાં. છોકરીને થયું, આને ન મળવાનું થયું હોત તો સારું હતું. રુઝાઈ ગયેલા ઘાને ખોતરવા ન જોઈએ, વધુ વકરે. ફેર તો જોકે કંઈ પડતો ન હતો. કેવું છે, ફેર પડતો ન હોય છતાંયે થોડોક ફેર પડતો હોય છે. અમુક ક્ષણ પૂરતો, અમુક વિચાર પૂરતો અને અમુક યાદ પૂરતો.

કેટલીક નવી છબીઓ સામે આવે ત્યારે એ તરડાયેલી હોય છે. આપણને થાય કે આના કરતાં જૂની છબી સારી હતી. છોકરીને થયું, હવે કોઈ જૂનાને મળવું નથી. જૂની છબીઓ જ સારી હતી. જતી હતી ત્યાં જ એક છોકરી સામે મળી. એ ચહેરો તરત જ યાદ આવી ગયો. થયું કે આ ક્યાં મળી ગઈ? આની સાથે તો મારે કોઈ દિવસ બન્યું જ નથી. ઓલવેઝ મારી સાથે ઝઘડતી હતી. મારતી પણ હતી. સામે આવી જાય પછી ઘણું આપણે અવોઇડ કરવું હોય તો પણ કરી શકતા નથી. નજર મળી તો પેલી છોકરીની નજરમાં એકદમ ચમકારો થયો. અરે વાહ, તું! એણે એકદમ ઉષ્માથી હગ કર્યું. આંખોમાં આંખો પરોવીને કહ્યું, તને જોઈને મજા પડી ગઈ. આપણે કેવા ઝઘડતાં નંઈ? કોઈ દિવસ આપણે બન્યું જ નહોતું, છતાં અત્યારે તને જોઈ ખૂબ આનંદ થાય છે. છોકરીને આશ્ચર્ય થયું. આ એ જ છે, જે એક નંબરની વાયડી હતી. હાથ ઊંચો કરી તેણે કાંડું બતાવ્યું. એક નિશાન હતું. આ યાદ છે ને? એક વખત તેં મારો હાથ મચકોડ્યો હતો. મેં પહેરેલી કાચની બંગડી તૂટીને મારા હાથમાં ઘૂસી ગઈ હતી. હજુ એ નિશાન છે. જ્યારે જોઉં છું ત્યારે તું યાદ આવતી રહે છે. તને ધિક્કારી છે. પેલી છોકરીએ એ હાથ હાથમાં લઈ હળવેકથી એ ડાઘ ઉપર કિસ કરી. આંખ ઊંચી કરી તો દેખાયું કે એ થોડીક ભીની હતી. એણે કહ્યું, સોરી ડિયર, ત્યારે ક્યાં કંઈ સમજ હતી? એની આંગળી ડાઘ પર ફરતી રહી, ડાઘ તો ઝાંખો ન થયો, પણ દિલમાં કંઈક ઊજળું જરૂર થયું. એ ગળે વળગી ગઈ. એને થયું, સમયના ચહેરા પણ કેટલા બદલાઈ જતા હોય છે!

આપણે બે સમયની વચ્ચે જીવતા હોઈએ છીએ. ચાલી ગયેલો સમય અને આવનારા સમય વચ્ચે ઊભા રહીએ ત્યારે ઘણી વખત સવાલ થાય કે, પાછળ વળીને જોવું કે નહીં? દરેક વખતે તો ક્યાં કંઈ આપણને પૂછીને થતું હોય છે? અચાનક જ આપણે વીતેલા સમયમાં સરી જઈએ છીએ. એક પતિ-પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. આમ તો લાઇફમાં કોઈ ફરિયાદ ન હતી. બધું ફાઇન હતું. હા, અગાઉ જે રોમાંચ હતો એ ક્યાંક ગાયબ થઈ ગયો હતો. જિંદગી રોજ ચાલતી હતી. ચાલતી જિંદગી જીવાતી હોય એવું જરૂરી નથી. નફરત ન હોય એટલે પ્રેમ હોય જ એવું જરૂરી નથી. પતિ એક દિવસ જોબ પર ગયો હતો. પત્ની ઘરમાં સફાઈ કરતી હતી એ દરમિયાન પતિની એક ડાયરી એના હાથમાં આવી. બંને પ્રેમમાં હતાં એ સમયની એ ડાયરી હતી. પત્ની એક પછી એક પાનું પલટાવતી ગઈ. ક્યાંક કાલીઘેલી ભાષામાં લખાયેલી કવિતાઓ હતી. એનો ચહેરો મલકી ગયો. અરે! આ તો મારા માટે જ લખાયેલી છે. એણે સંભળાવી હતી એ સમય તાજો થઈ ગયો. મિલનનું થોડુંક વર્ણન પણ હતું. તું મળવા આવી ત્યારે મને શું થયું હતું. તારા પહેલાં સ્પર્શે મને કેવો ખીલવી દીધો હતો. બધું તાજું કરીને એ રાજી રાજી થઈ ગઈ. અમુક પાનાંની તસવીરો એણે મોબાઇલમાં ખેંચી. પતિને વોટ્સએપથી મોકલી. સમય મળ્યો ત્યારે પતિએ એ વાંચ્યું. મારા જ અક્ષર, મારી સંવેદના, મારી જ અનુભૂતિ, મારો જ અહેસાસ. કેવા સરસ હતા એ દિવસો! એને મજા પડી ગઈ. ઘરે જતી વખતે એણે વેફરનું એક પડીકું અને કોલ્ડ્રિંકનું ટીન લીધાં. ઘરે જઈ પત્નીને હગ કરીને એ આપ્યાં ત્યારે પત્નીની આંખોમાં ભેજ છવાયો. જ્યારે મળવા આવતો ત્યારે તારા માટે વેફર અને કોલ્ડ્રિંગ લાવતો હતો. એ જ સ્વાદ હતો, બંને ખોવાઈ ગયાં. જૂના સમય ઉપર સંવેદનાનો થોડોક છંટકાવ કરો ત્યારે બધાં જ સ્મરણો જીવતાં થઈ જતાં હોય છે.

સરી ગયેલા સમય પર ચાંદીનો વરખ હોય છે. થોડોક હરખ હોય છે. દરેક વખતે સંવેદના જ હોય એવું જરૂર નથી, ક્યારેક થોડીક વેદના પણ હોય છે. પાનાંઓ ઊઘડે ત્યારે થોડાંક પાનાં જીર્ણ પણ થઈ ગયાં હોય છે. ભીની આંખોની યાદો પણ હોય છે. વીતેલું બધું ભુલાતું નથી છતાં અમુક વાતો ભૂલવી પણ પડતી હોય છે. યાદ તો આવવાનું જ, બધું જ, સારું પણ અને ખરાબ પણ, આનંદ પણ અને આઘાત, ધબકારા પણ અને ધ્રાસ્કો પણ, અહેસાસ પણ અને આક્રંદ પણ, બધું જ યાદ આવવાનું. યાદ આવે પછી પણ શું યાદ રાખવું અને શું ભૂલી જવું એ નક્કી કરવું પડતું હોય છે. વીતી ગયેલો સમય પણ જીવાઈ ગયેલો સમય હોતો નથી એ થોડો આપણી સાથે રોજેરોજ જીવાતો હોય છે.

છેલ્લો સીન :

વીતેલો સમય પણ વસવસો નહીં, વિસામો આપવો જોઈએ. સારાં સ્મરણોને સજીવન રાખવા માટે ઘણી ઘટનાઓને દફનાવી દેવી પડે છે.      –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 જુન 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply