એને મારી સાથે પ્રેમ નથી, પણ મને તો છે ને! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એને મારી સાથે પ્રેમ નથી,

પણ મને તો છે ને!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

નીંદ રાતોં કી ઉડા દેતે હૈં, હમ સિતારોં કો દુઆ દેતે હૈં,

રોજ અચ્છે નહીં લગતે આંસૂ, ખાસ મૌકોં પે મજા દેતે હૈં,

હાય વો લોગ જો દેખે ભી નહીં, યાદ આએ તો રુલા દેતે હૈં,

આગ અપને હી લગા સકતે હૈં, ગૈર તો સિર્ફ હવા દેતે હૈં.

-મોહમ્મદ અલવી 

તમે તમારા સંબંધો ક્યારેય બારીકાઈથી નિહાળ્યા છે? કેટલા સંબંધો તૂટ્યા છે? કેટલા સંબંધો સક્ષમ છે? કેટલા સંબંધો ડગુમગુ થઈ રહ્યા છે? ધ્યાનથી જોઈએ તો આપણી નજર સામે કેટલાક તૂટેલા સંબંધોનો કાટમાળ હોય છે. બીજી તરફ થોડાક સંબંધોની ઇમારત ખડી હોય છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે સંબંધોનો ઢગલો મોટો છે કે ઇમારત? ઇમારત છે તો એ કેવી છે? એમાં કેટલી રોશની છે? એ ઇમારતમાં આશરો મળે એમ છે ખરો? ઇમારત કરતાં કાટમાળનો ઢગલો મોટો હોય તો આપણને સવાલ થવો જોઈએ કે, આ સંબંધો કેમ તૂટ્યા? એના પાયા તકલાદી હતા? એના માટે ક્યાંક હું તો કારણભૂત નથી ને? મારી તો ક્યાંય ભૂલ નથી ને? અલબત્ત, દરેક વખતે આપણી ભૂલના કારણે જ સંબંધ તૂટ્યો હોય એવું જરૂરી નથી. સંબંધ સાચવવાની જવાબદારી બંને પક્ષે એકસરખી હોય છે. સંબંધમાં અપેક્ષાઓ પણ એકસરખી હોવી જોઈએ. અપેક્ષા સંતોષાય એવી હોવી જોઈએ. સંબંધમાં કોઈ પણ બાબતે અતિરેક થાય ત્યારે જ તેનો અંત આવે છે. કોઈ સંબંધ એકઝાટકે નથી તૂટતા. સંબંધ પહેલાં ધીમે ધીમે ઘસાય છે પછી એક ક્ષણ એવી આવે છે જ્યારે ધડાકાભેર સંબંધ તૂટે છે. રસ્તા ફંટાય છે અને દિશાઓ બદલાય છે.

કોઈ સંબંધ તૂટવા માટે બંધાતા હોતા નથી, સિવાય કે બેમાંથી એકની દાનત જ ખોરી હોય. સિંગ ખાતી વખતે એકાદ દાણો ખોરો આવી જાય તો એને થૂંકી નાખવો પડે છે. અમુક સંબંધો પણ એવા જ હોય છે. સંબંધની લેણદેણ અનપ્રિડેક્ટેબલ હોય છે. કયો સંબંધ કેટલો ટકશે એ કહી શકાતું નથી. ક્યારેક તો સ્વાર્થની બુનિયાદ પર ઊભો થયેલો સંબંધ પણ સાત્ત્વિક સાબિત થાય છે. એક યુવાનની આ વાત છે. તેને એક ભાઈનું કામ હતું. એની પાસેથી શીખવું હતું. એ નાટક કરતો હતો. પેલો માણસ એને પ્રેમથી બધું શિખવાડતો હતો. એક સમય એવો આવ્યો જ્યારે યુવાને જે શીખવું હતું એ શીખી લીધું. હવે એ માણસનું તેને કંઈ કામ ન હતું. જોકે, જેટલો સમય એની સાથે વિતાવ્યો એ અદ્્ભુત હતો. યુવાનને થયું કે આ સંબંધ મારે તોડવો નથી. પેલા માણસ પાસે એણે કબૂલાત કરી કે હું મારા સ્વાર્થને જોઈને તમારી સાથે સંબંધ રાખતો હતો. જોકે, હવે મને થાય છે કે તમે ખરેખર સારા માણસ છો. મારે તમારી સાથે સંબંધ જાળવવો છે. પેલા માણસે કહ્યું, તેં સ્વાર્થથી સંબંધ બાંધ્યો હતો અને મેં સ્નેહથી સંબંધ નિભાવ્યો હતો. સંબંધમાં જો સ્નેહ હોયને તો એ ટકી જતો હોય છે. સ્નેહનો પડઘો પડે છે. સ્નેહની અસર હોય છે. સ્નેહ સંબંધને તૂટવા દેતો નથી. તારામાં સ્વાર્થ હતો, પણ હવે એ સ્નેહમાં પરિવર્તિત થયો છે. સાચો સંબંધ અને સાચો સ્નેહ એ જ છે જે માણસને બદલવા મજબૂર કરે.

સંબંધ તૂટી ગયા પછી પણ આપણે ઘણી વાર એવું કહીએ છીએ કે, ના એની સાથે હું કંઈ ખોટું કરી ન શકું. અત્યારે ભલે સંબંધ નથી, પણ એક સમયે એ સંબંધ સ્વસ્થ હતો. પ્રેમ છૂટતો હોય છે. દોસ્તી તૂટતી હોય છે. છેડા ફાટતા હોય છે. દિશાઓ બદલાતી હોય છે, એ બધું થયા પછી આપણે કેવા છીએ એનાથી આપણી કક્ષા મપાતી હોય છે. આપણે વામણા છીએ કે વિરાટ એ નક્કી થતું હોય છે. આપણે છીછરા છીએ કે છલોછલ એ ખબર પડતી હોય છે. આપણી કક્ષા નક્કી બીજા કરતા હોય છે, પણ સરવાળે તો એ આપણાં વર્તન, આપણી માનસિકતા, આપણા ઇરાદા, આપણી દાનત અને આપણી લાયકાતથી જ નક્કી થતું હોય છે. આપણે જેવા હોઈએ એવી જ આપણી કક્ષા હોય છે. આપણી છાપ, આપણી ઇમેજ, આપણી આબરૂ અને આપણી પ્રતિષ્ઠા માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. ફૂટપટ્ટી કોઈની હોય છે, માપ તો આપણે હોઈએ એટલું જ નીકળવાનું છે.

દરેક સંબંધ કાયમી હોતા નથી. સંબંધની પણ અવધિ હોય છે. સંબંધની પણ આવરદા હોય છે. સંબંધની એક ડેડલાઇન હોય છે. સંબંધની એક્સપાયરી ડેટ હોય છે. કોઈ લગ્ન ડિવોર્સ માટે નથી થતાં. કોઈ દોસ્તી દુશ્મની માટે નથી થતી. કોઈ પ્રેમ નફરત માટે નથી થતો. સંબંધમાં પણ નીવડે વખાણ હોય છે. સંબંધ શરૂ કેવી રીતે થયો એ મહત્ત્વનું નથી હોતું. પૂરો કેવી રીતે થયો એ મહત્ત્વનું હોય છે. દરેક સંબંધને તોડવો પણ જરૂરી નથી હોતો. એ સંબંધને છૂટો મૂકી દેવાનો હોય છે અને જીવવાનો હોય ત્યારે માણી લેવાનો હોય છે. દરેક સંબંધ ક્યાં તોડી પણ શકાતા હોય છે? અમુક સંબંધો આપણી સાથે એવી રીતે જોડાયેલા હોય છે કે એ પેઇન આપે તો પણ એને પંપાળવા પડે છે. લોહીના સંબંધો તોડી શકાતા નથી. તોડીએ તો પણ એ પેઇન આપતા રહે છે. એક યુવતી ફિલોસોફેર પાસે ગઈ. તેણે કહ્યું, મારા પોતાના જ લોકો નિષ્ઠુર છે. એ બધા સાથે તો મારે લોહીના સંબંધો છે. ફિલોસોફર હસવા લાગ્યા. તેમણે કહ્યું, આપણું લોહી પણ ક્યારેક દૂષિત નથી થતું? આપણા શરીરનું લોહી દૂષિત હોય ત્યારે આપણે સૌથી પહેલાં તો શુદ્ધ કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એ કરી જો, બાકી બ્લડ કેન્સર જેવા લોહીના સંબંધોથી તો છેલ્લે મુક્તિ મેળવવી પડે.

દરેક માણસ સંબંધ બચાવવા માટે પોતાનાથી બનતા પ્રયાસ કરતો હોય છે. કરવા પણ જોઈએ. સંબંધ તૂટે ત્યારે આપણે પણ વેદના અનુભવતા હોઈએ છીએ. એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને પૂછ્યું કે, મારે સંબંધ બચાવવા માટે ક્યાં સુધી ફાંફા મારવાં જોઈએ? સાધુએ કહ્યું, જ્યાં સુધી એ સંબંધમાં જરાયે સત્ત્વ બચ્યું હોય ત્યાં સુધી. શેરડીમાં રસ હોય ત્યાં સુધી આપણે તેને ચિચોડામાં પીલીએ છીએ. એવું લાગે કે હવે આમાં એકેય ટીપું બચ્યું નથી ત્યારે ડૂચાને ફેંકી દઈએ છીએ. ફેંકીએ એ ડૂચો હોવો જોઈએ, શેરડી નહીં! અમુક સંબંધો એવા હોય છે જેનાથી બને એટલી ઝડપે મુક્તિ મેળવી લેવી જોઈએ.

સંબંધમાં ક્યારેક તો આપણે નક્કી કરી શકતા નથી કે આ સંબંધમાં કંઈ દમ છે કે નહીં? સંબંધને સમજવો પડે. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ. એ છોકરો જ્યારે મળે ત્યારે છોકરીને એવું થાય કે એ સાતમા આસમાને છે. દુનિયાનું બધું સુખ એની પાસે છે. જોકે, એ છોકરો અચાનક ગુમ થઈ જાય. સાતમા આસમાનેથી એ છોકરી ધડામ દઈને જમીન પર પછડાય. એ વિરહ અને વેદનામાં સબડતી રહે. દરેક વખતે છોકરીને એવું થાય કે એની સાથે ચિટ થાય છે. આપણે પણ ક્યારેક આવું કરતા હોઈએ છીએ. આપણને ખબર હોય કે આપણે છેતરાઈએ છીએ, આપણો ઉપયોગ થાય છે, છતાં પણ એ છોડતા હોતા નથી. સંબંધ સુખ આપવો જોઈએ, શાંતિ આપવો જોઈએ. જો એ વેદના જ આપે તો એક તબક્કે આપણે નક્કી કરવું પડે કે, હવે વધારે નહીં. મારે વધુ મૂર્ખ બનવું નથી. પ્રેમ થઈ જાય એટલું પૂરતું નથી, પ્રેમ સાર્થક થવો જોઈએ. એ મને પ્રેમ નથી કરતો, પણ હું તો કરું છું ને? એ વાત પણ ઘણી વખત વાજબી નથી હોતી. પ્રેમ બંને પક્ષે હોવો જોઈએ. બે પૈડાંથી જ ગાડી ચાલે. એક પૈડું ન હોય તો ગાડું ઢસડાતું જ હોય છે, ચાલતું હોતું નથી.

પ્રેમ મહાન છે, પ્રેમ પવિત્ર છે, પ્રેમ અલૌકિક છે, એ બધું સાચું, પણ પ્રેમ જો એ બંને તરફે હોય તો. એક તરફ થોડોક ઓછો અને બીજી તરફ થોડો વધુ હોય તો ચાલે, પણ પ્રેમ હોવો જોઈએ. પ્રેમ એક તરફે હોય ત્યારે શોષણ અથવા તો મજબૂરીનો ફાયદો લેવાની શરૂઆત થતી હોય છે. હું ભલે પ્રેમ ન કરું એ તો મને પ્રેમ કરવાનો જ છે કે પ્રેમ કરવાની જ છે. આપણે આપણા પ્રેમને એટલો સસ્તો બનાવવો ન જોઈએ કે કોઈ ગમે તેમ કરે એનો વાંધો નહીં. આગ બંને તરફ હોવી જોઈએ. મને તારું ગૌરવ છે તો તેને પણ મારી કદર હોવી જોઈએ. આપણે ક્યારેક ધરાર પકડી રાખતા હોઈએ છીએ. જો ધ્યાન ન રાખીએ તો વેદનામાં પણ આપણને મજા આવવા માંડે છે. આપણે ઘણી વખત વેદનાને પણ પેમ્પર કરતા હોઈએ છીએ. પેમ્પર પ્રેમને કરવાનો હોય, વેદનાને નહીં. દરેક માણસે એ વિચારવું જોઈએ કે હું જેને પ્રેમ કરું છું એ ખરેખર પ્રેમ છે ને? મારો વહેમ તો નથી ને? આકર્ષણ ક્યારેક આપણામાં વહેમ સર્જતું હોય છે. એ ભ્રમ જ્યારે ભાગે ત્યારે આકરું લાગે છે. આપણે જ્યારે ભ્રમમાં હોઈએ ત્યારે મુખ્યત્વે વાંક આપણો જ હોય છે, કારણ કે ભ્રમ આપણે સેવ્યો હોય છે.

સંબંધ વિશે તટસ્થતાથી વિચારવું એ આવડત છે. જે સંબંધમાં સત્ત્વ હોય એના માટે બધું કરી છૂટો. તમને પ્રેમ કરતા હોય, તમારી કેર હોય, તમારી દરકાર હોય, તમારા સુખ કે દુ:ખ સાથે જેને લાગતુંવળગતું હોય, જે તમને હેપી જોવા ઇચ્છતું હોય તેના માટે કંઈ જ બાકી ન રાખો. સંબંધ જ જિંદગીની અમૂલ્ય મૂડી છે. સાવધાની એ રાખો કે તમારી હાલત ગમે તે હોય, તમે મજામાં છો કે નહીં એની જેને પરવા ન હોય એનાથી દૂર રહો. પ્રેમ પણ ક્યારેક આભાસી હોય છે. ભ્રમ જેટલો વહેલો ભાંગે એટલી ઝડપથી આપણે વાસ્તવિકતામાં આવીએ છીએ. પ્રેમ સાત્ત્વિક હોવો જોઈએ અને વાસ્તવિક પણ હોવો જોઈએ. હું દુ:ખી હોઉં ત્યારે તારા મોઢામાંથી પણ ‘આહ’ નીકળવી જોઈએ, હું સુખી હોઉં ત્યારે તારા મોઢામાંથી પણ ‘વાહ’ નીકળવું જોઈએ, કારણ કે તું હસતો હોય છે ત્યારે મારો ચહેરો પણ થોડોક ખીલે છે, તું રડે ત્યારે મારી આંખોમાં પણ ભીનાશ વર્તાય છે. તને ધ્રાસ્કો પડે ત્યારે મારી ધડકન પણ તેજ થઈ જાય છે. પ્રેમને ભરપૂર જીવો, પણ જો એ બંને તરફ તરબતર હોય તો, એક તરફ સુકાયેલો હોય તો આપણે તરસતા જ રહેવાના છીએ!

છેલ્લો સીન :

પ્રેમ પાગલની જેમ કરો, પણ મૂરખની જેમ તો નહીં જ!     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 30 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply