પ્રેમનું ભૂત લગ્નના એક જ વર્ષમાં ઊતરી જાય છે! : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

પ્રેમનું ભૂત લગ્નના એક

જ વર્ષમાં ઊતરી જાય છે!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

પ્રેમ, લગ્ન અને દાંપત્યજીવન

સફળ કેવી રીતે થાય એની કોઇ

ફુલપ્રૂફ ફોર્મ્યુલા નથી. દરેકે પોતાના સુખને

પોતાના હાથે આકાર આપવાનો હોય છે.

બાંધછોડની તૈયારી જ લગ્નજીવનને સાબૂત રાખે છે.

લવમેરેજ હોય કે એરેન્જ મેરેજ કમિટમેન્ટ

સૌથી વધુ મહત્ત્વનું છે. પ્રેમ, વિશ્વાસ અને વફાદારી

હોય તો જ જિંદગી જીવવા જેવી લાગે.

‘એ બંનેએ તો લવમેરેજ કર્યાં હતાં, તોયે કેવું થયું નંઇ? વાત ડિવોર્સ સુધી પહોંચી ગઇ છે! કેવાં સરસ લાગતાં હતાં બંને? જાણે મેઇડ ફોર ઇચ અધર! બંનેને જોઇને આંખો ઠરતી હતી. એકબીજા પાછળ કેવાં ગાંડાં થયાં હતાં? એવું લાગતું હતું કે આ બંને તો ભરપૂર જિંદગી જીવશે.’ ઘણાં યુગલોના કિસ્સાઓમાં આપણે આવી વાતો સાંભળી હોય છે. એકબીજા વગર જીવવા ન માંગતાં હોય એવાં કપલ એકબીજાનો જીવ લેવા તૈયાર થઇ જાય છે. પ્રેમમાં ગળાડૂબ રહ્યા પછી જ્યારે મેરેજ થાય ત્યારે પતિ-પત્ની સાતમા આસમાને વિહરતાં હોય છે, વાસ્તવિકતાનું ભાન થાય પછી એ સાતમા આસમાનથી ઘડામ દઇને ધરતી પર પછડાય છે. આવું કેમ થાય છે? સાત સાત ભવ સાથનાં સપનાં જોયાં હોય એ થોડા જ સમયમાં કેમ એક-બીજાથી કંટાળી જાય છે? એક સંશોધનથી એ સાબિત થયું છે કે પ્રેમનું ભૂત લગ્ન પછી માત્ર એક વર્ષમાં જ ઊતરી જાય છે.

આપણે ત્યાં એ વિશે બહુ વાતો થાય છે કે લવમેરેજ સારા કે એરેન્જ મેરેજ? દરેક પાસે એના માટે પોતપોતાની દલીલો હોય છે. પ્રેમ હોય તો પહેલેથી એકબીજાની સારી-નરસી બાબતોથી પરિચિત હોઇએ છીએ. એકબીજાને અગાઉથી જાણતાં હોઇએ તો એડજસ્ટ થવામાં વાંધો ન આવે. એરેન્જ મેરેજમાં એક-બીજા પ્રત્યેનો આદર હોય છે. ફેમિલી વચ્ચે હોય એટલે એક જવાબદારીનું તત્ત્વ પણ હોય છે. આવી જાતજાતની દલીલો આપવામાં આવે છે. જોકે સરવાળે તો એવું જ કહેવાય કે લવમેરેજ હોય કે એરેન્જ મેરેજ સફળતાની કોઇ ગેરંટી નથી હોતી.

જૂના સમયની થોડીક વાત કરીએ તો અગાઉના સમયમાં પ્રેમલગ્નની શક્યતા બહુ ઓછી રહેતી. છોકરા કે છોકરીએ એક-બીજાને જોયાં પણ ન હોય, મા-બાપ લગ્ન નક્કી કરી આવે પછી કહે કે તારું નક્કી થઇ ગયું છે. લગ્ન પતી જાય પછી એક-બીજાનું મોઢું જોવા મળે કે લાઇફ પાર્ટનર કેવો છે કે કેવી છે. આપણને ક્યારેક આશ્ચર્ય થાય કે એ વખતનાં લગ્નો તો પણ નભી જતાં. હવેના સમયમાં એરેન્જ મેરેજ હોય તો પણ છોકરો અને છોકરી મળે છે, એકબીજાને સમજવાનો પ્રયાસ કરે છે, એકબીજાની પસંદ નાપસંદ પૂછવામાં આવે છે અને પછી જ લગ્ન નક્કી કરવામાં આવે છે. એરેન્જ મેરેજમાં પણ ઘણા લોકો એટલો સમય લે છે કે બંનેને પ્રેમ થઇ જાય. ઘણાં કપલ એટલે જ એવું કહે છે કે અમારાં મેરેજ લવ કમ એરેન્જ  છે. એરેન્જ મેરેજ કરનારાં ઘણાં કપલ પણ એ રીતે રહેતાં હોય છે કે આપણેને પૂછવાનું મન થાય કે તમારા લવમેરેજ છે?

લવમેરેજ અંગે થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, મેરેજ બાદ એક વર્ષમાં પ્રેમનું ભૂત ઊતરી જાય છે. જર્મનીની મ્યુનિચ યુનિવર્સિટી દ્વારા 25થી 41 વર્ષનાં ત્રણ હજાર કપલ પર થયેલા અભ્યાસમાં એ વાત બહાર આવી છે કે એક વર્ષમાં બધું જ આકર્ષણ ખતમ થઇ જાય છે. પ્રેમનો બુખાર જેટલી ઝડપથી ચડે છે એની અનેકગણી ઝડપે ઊતરી જાય છે. જોકે એનો મતલબ જરાયે એવો નથી કે લવમેરેજ નિષ્ફળ જાય છે. કહેવાનો મતલબ એ છે કે એક વર્ષમાં કપલ વાસ્તવિક જિંદગીમાં આવી જાય છે. એ પછી લગ્નજીવન બચાવવામાં સમજદારી અને એક-બીજા પ્રત્યેની લાગણી જ કામ આવે છે. એક મનોચિકિત્સકનું કહેવું તો એમ છે કે, લગ્ન ગમે એ રીતે કરો, સરવાળે તો એ જ મહત્ત્વનું છે કે તમને એકબીજા પ્રત્યે કેટલો આદર છે, કેટલી કેર છે. એકબીજાને જેવા છે એવા સ્વીકારવા એ જ સૌથી મહત્ત્વનું સાબિત થાય છે.

આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે લગ્ન એ બે વ્યક્તિ જ નહીં પણ બે ફેમિલી વચ્ચેનું જોડાણ છે. જોકે એમાં પણ પાયાની શરત એ છે કે બે વ્યક્તિને બનતું હોવું જોઇએ. જો પતિ-પત્નીને ન બને તો ફેમિલી સમાધાનના પ્રયાસ કરે પણ એ બંનેને સુખી તો ન જ કરી શકે, એ તો એણે પોતાની રીતે જ થવું પડે. પ્રેમ વ્યક્તિગત હોય છે પણ લગ્ન સામાજિક હોય છે. લગ્ન થાય એટલે છોકરી માત્ર પત્ની બનતી નથી, એ વહુ બને છે, ભાભી બને છે, કાકી બને છે અને ફેમિલીના દરેક વ્યક્તિ સાથે એક સંબંધ સ્થપાય છે. સામાપક્ષે છોકરો પણ જમાઇ બને છે, બનેવી બને છે અને એ પણ અનેક સંબંધો સાથે જોડાય છે. મતલબ બંનેની જવાબદારીઓ વધે છે.

આ બધા વચ્ચે સૌથી વધુ જરૂરી તો એકબીજા સાથેની સંવાદિતા જ હોય છે. લગ્ન થાય પછી એક વર્ષમાં શારીરિક આકર્ષણ પણ ઘટે છે. એ પછી જે હોય છે એ તો પ્રેમ અને લાગણી જ હોય છે. શારીરિક આકર્ષણ વિશે પણ એક સમાજશાસ્ત્રીનું કહેવું છે કે, જાતીય આવેગ વધુમાં વધુ અડધો કલાકમાં શમી જાય છે. ફિઝિકલ રિલેશનની અવધિ વધુ હોતી નથી. અડધો કલાકને બાદ કર્યા પછી જે બાકીના સાડા ત્રેવીસ કલાક રહે છે એમાં તો એકબીજા પ્રત્યેની હૂંફ, કેર અને સ્નેહ જ દાંપત્યને સુદૃઢ અને સમૃદ્ધ રાખે છે.

લવ કે એરેન્જ, મેરેજ કોઇપણ રીતે થયેલાં હોય, એકબીજાને પૂરેપૂરા સમજવા જરૂરી બને છે. દરેકમાં પ્લસ પોઇન્ટ્સની સાથે થોડાક માઇનસ પોઇન્ટ્સ પણ હોવાના જ, સંપૂર્ણ તો કોઇ જ હોતું નથી. પરફેક્ટ કપલ હોતું નથી, બનવું પડે છે. પ્રેમ કરો છો, તો ભરપૂર કરો. એરેન્જ મેરેજમાં માનો છો તો પણ કંઇ ખોટું નથી. યાદ એટલું જ રાખવાનું છે કે સાથે ચાલવાનું છે, ક્યારેક તકલીફો પણ થવાની છે, ક્યારેક ઝઘડા પણ થવાના છે, એ બધું પણ સાથે મળીને જ ઉકેલવાનું છે. ભલે એવું કહેવાતું કે એક વર્ષમાં પ્રેમનું ભૂત ઊતરી જાય છે, જોકે જેને દરરોજ પ્રેમને જીવતો રાખવાની ફાવટ છે એના માટે પ્રેમ તો આજીવન ટકતી અવસ્થા છે. વૃદ્ધાવસ્થામાં પણ વહાલ અટકવું ન જોઇએ. સુરેશ દલાલની કવિતાની પંક્તિ છે ને.. કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજુ વહાલ કરે છે…

પેશ-એ-ખિદમત

ક્યા ક્યા દિલોં કા ખૌફ છુપાના પડા હમેં,

ખુદ ડર ગયે તો સબ કો ડરાના પડા હમેં,

અપને દિએ કો ચાંદ બતાને કે વાસ્તે,

બસ્તી કા હર ચરાગ બુઝાના પડા હમેં.

-જલીલ ‘આલી’

 (‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 27 મે 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

[email protected]

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: