તું ઇરાદાપૂર્વક મને અવોઇડ કરે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું ઇરાદાપૂર્વક મને

અવોઇડ કરે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,

ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ,

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,

તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

-રમેશ પારેખ

‘તું  મને અવોઇડ કરે છે. તારી ઇરાદાપૂર્વકની અવગણના મારા આયખાને ખળભળાવી નાખે છે. મારું અસ્તિત્વ જ ન હોય એવું તારું વર્તન મને અસ્તવ્યસ્ત કરી દે છે. તારી ઉપેક્ષા મારી હયાતી સામે સવાલો ઊભા કરે છે. પ્રેમ ન કરે તો કંઈ નહીં, નફરત કરે તો પણ વાંધો નહીં, પણ મારી ઉપેક્ષા તો ન કર. મને ‘હેટ’ કર, પણ ‘ઇગ્નોર’ ન કર. મને નફરત કરીશ તો કદાચ હું તારા દિલમાં નહીં હોઉં, પણ તારા દિમાગના કોઈ ખૂણામાં તો હોઈશ. તને ખબર છે, પ્રેમની વિરુદ્ધની લાગણી નફરત નથી. પ્રેમની વિરુદ્ધની લાગણી તો ઉપેક્ષા છે. ઉપેક્ષા એટલે હયાતીનો જ ઇન્કાર. નફરત હોય તો એ બહાને પણ યાદ તો કરતા જ હોઈએ છીએ. નાલાયક, બદમાશ કે બેવફા કહીએ ત્યારે પણ એક ચહેરો તો સામે હોય જ છે. તીખી કે તીરછી નજરે જુએ તો પણ એમ થાય કે ગમે તે કારણે તું જુએ તો છે, સાવ નજર જ ન નાખે ત્યારે અઘરું લાગે છે. આંખોમાં આંખો પરોવીને વાતો થતી હતી એ શું હતું? જીવ જેવા વહાલા હોય એનું વર્તન કેમ જીવલેણ બની જતું હશે?’

‘પડઘા પણ નેગેટિવ હોતા હશે? તારા વગર એક સન્નાટો ઊભો થાય છે. પડઘા તો સન્નાટામાં જ પડે. કોલાહલમાં પડઘા ન હોય. તારી હાજરી વખતે પણ એક સન્નાટો તો હતો જ. એ સન્નાટો ભરેલો હતો. ક્યારેક હું એ સન્નાટામાં ખડખડાટ હસતી ત્યારે મને હસવાના પડઘા સંભળાતા. મને થતું પડઘા તો પોઝિટિવ જ હોય. તારી ગેરહાજરીમાં રચાયેલા સન્નાટામાં ચીસ, ડૂસકાં, નિસાસા છે, આહ છે અને એ ચીસ, ડૂસકાં, નિસાસાના પડઘા વધુ ઉગ્ર અને તીવ્ર હોય છે. મેં સન્નાટાને પૂછ્યું કે આવું? સન્નાટાએ કહ્યું, મને તો જે મળે એ આપું! મેં કોઈ પ્રતિભાવ ન આપ્યો. જોકે, ત્યારે મને સમજાયું કે મૌનના પણ પડઘા હોય છે. મૌનના પડઘા કાન ફાડી નાખે એવા હોય છે. મૌનના પડઘા પડે ત્યારે સન્નાટો શેતાન બની જાય છે. શાંતિ પણ કાતિલ બની જાય છે. બહારના પડઘા સામે તો હજુયે કાન બંધ કરી દઈએ, પણ અંદર જે પડઘા ઊઠે છે એનું શું? ધબકારા જ ઢોલ થઈ જાય તો એનો અવાજ કેમ રોકવો? તારી ઉપેક્ષા એવા સવાલો ઊભા કરે છે જેના જવાબ મળતા નથી, પણ સામા સવાલો ઊભા કરે છે. શું હતું એ બધું જે આપણી વચ્ચે હતું? હવે નથી તો શું નથી? શું કંઈ જ નથી? નજર મિલાવવાનો સંબંધ પણ ગયો? એક હળવા હાસ્યને પણ અવકાશ નહીં? આપણા સંબંધો સાવ દરિયાની રેતી જેવા હતા કે એક મોજું આવે અને બધું ભૂંસાઈ જાય? પાન પણ ખર્યા પછી સૂકું થાય છે અને ધીમે ધીમે તેની લીલાશ ગુમાવે છે, ફૂલ પણ ખર્યા પછી તરત જ એની સુગંધ ગુમાવતું નથી, ઝરણું પણ સુકાઈ ગયા પછી તરત જ ભીનાશ છોડતું નથી, મેઘધનુષ પણ ધીમે ધીમે ઓગળે છે, ઝાકળનું બિંદુ પણ છેક સુધી નજાકત જાળવી રાખે છે, તો પછી સંબંધ કેવી રીતે ખટ દઈને તૂટે?’ કોઈનો હાથ છૂટે, દિલ તૂટે અને ઇગ્નોરસ શરૂ થાય ત્યારે કેટલા બધા વિચારો એકસાથે જન્મતા હોય છે!’

સંવેદના પણ એક સંપત્તિ છે. હળવાશ પણ એક ખજાનો છે. બધા એ વહેંચી શકતા નથી. ઘણા બહુ કંજૂસ હોય છે. ઘણા લોકો પાસે તો એ સંપત્તિ હોતી જ નથી. ખજાનો ખૂટી ગયો હોય છે. સાવ તળિયું આવી ગયું હોય છે. ઘણા તો તળિયું પણ ખોદી નાખે એવા હોય છે. તળિયું ખોદીએ તો તલસાટ અને તડફડાટ જ મળે. સંવેદના એવી સંપત્તિ છે જે વહેંચો તો વધે. પ્રેમ આપો તો મળે. કોઈને ફફડાવીએ ત્યારે આપણામાં પણ એક ફફડાટ જન્મતો હોય છે. કોઈને તરસાવીએ ત્યારે આપણે પણ થોડાક તરસ્યા રહી જતા હોઈએ છીએ. નિસાસાનો ભરાવો ગૂંગળામણ સર્જે છે. ચડેલાં મોઢાં આપણું ચારિત્ર્ય બયાન કરે છે. અબોલાં ઉત્પાત સર્જે છે. ઉત્પાત હોય ત્યાં ઉકળાટ જ થાય. ઉકળતું હોય ત્યાં વરાળ જ સર્જાય. વરાળ આગથી વધુ દઝાડે છે. આગ તો દેખાતી હોય છે. વરાળ દેખાતી નથી. વરાળ વેદના જ આપે.

આ દુનિયામાં કોણ તમને નફરત કરે છે? કોણ તમને ઇગ્નોર કરે છે? એને યાદ કરો. એની નફરત, ઇગ્નોરન્સ, ઉપેક્ષાથી તમારા પર શું વીતે છે? કોના માટે એવું થાય છે કે આ વ્યક્તિ મારી સાથે બોલે તો મને સારું લાગે? કોના દૂર હોવાથી એવું લાગે છે કે એ નથી તો કંઈક ખૂટે છે? એની સાથેના પ્રસંગો યાદ કરો. કેટલી મજા કરી હતી. કેટલું હસ્યા હતા. કેટલું જીવ્યા હતા! આ બધું વિચારીને હવે તમારી જાતને સવાલ પૂછો કે, હું કોને નફરત કરું છું? હું કોને ઇગ્નોર કરું છું? યાદ રાખજો, અગાઉના વિચારથી તમને જેવું ફીલ થતું હશે એવું જ એને થતું હશે કે તમે હોવને તો બધું હોય! આપણે પણ ક્યારેક કોઈને ઇગ્નોર કરતા હોઈએ છીએ! કયું વેર વાળવું હોય છે આપણે? આપણને પ્રેમ કર્યો હતો એનું? આપણું ધ્યાન રાખ્યું હતું એનું? આપણા માટે સતત હાજર હોય એના માટે ક્યારેક આપણે જ ગેરહાજર થઈ જતા હોઈએ છીએ!

એક દીકરીની આ વાત છે. તેણે પોતાની ગમતી વ્યક્તિ સાથે લગ્ન કર્યાં. ઘરના બધા લોકોએ એની સાથે બોલવાનું બંધ કરી દીધું. તદ્દન ઉપેક્ષા. પરિવારમાં એલાન કરી દેવાયું કે કોઈએ એની સાથે સંબંધ નથી રાખવાનો. કોઈએ એનું નામ પણ નથી બોલવાનું. નામ બોલવાનું બંધ થાય ત્યારે વ્યક્તિ ‘ઓલી’ કે ‘ઓલો’ બની જાય છે! નામ બોલવાથી પણ જાણે આભળછેટ ન લાગી જવાની હોય! એક્સ-રે જોઈને પણ ઓળખી જનારા ફોટામાં પણ ઓળખવાનો ઇન્કાર કરી દેતા હોય છે! એ છોકરીને એક દિવસ એના કાકા રોડ પર મળી ગયા. જે દીકરીને લાડથી મોટી કરી હતી, ખૂબ જ લાડકી રાખી હતી એને જોઈને કાકા ગળગળા થઈ ગયા. કેમ છે દીકરા એવું પૂછતાં જ દીકરી જાણે આખેઆખી ઓગળી ગઈ. ‘મારા ઘરે ચાલોને કાકા’, દીકરીથી કહેવાઈ ગયું. કાકાએ ના પાડી કે ઘરે તો હું નહીં આવું. મને તો આવવામાં કંઈ વાંધો નથી, પણ તને તો બધી ખબર છેને! એના કરતાં ચાલ આપણે કોફીશોપમાં થોડી વાર બેસીએ. બંનેએ થોડી વાર વાતો કરી. છૂટા પડતી વખતે દીકરીએ ગળે વળગીને કાકાને થેંક્યૂ કહ્યું, તમે મારી સાથે વાત તો કરી. મારા પપ્પા તો સામા મળે ત્યારે મારી સામું પણ નથી જોતા! સામે હોય અને સામું ન જુએ ત્યારે સર્જાતા શૂન્યવકાશમાં શ્વાસ રૂંધાતો હોય છે.

ઘણા લોકો કહેતા હોય છે, વેર વાળવું હોય તો એને એવી રીતે ઇગ્નોર કરો કે એની હયાતીથી તમને કોઈ ફેર પડતો નથી. કોઈ વાત કાઢે તો પણ કહી દો કે બંધ કરો એની વાત, મારે એની વાત પણ નથી સાંભળવી. ક્યાંય એનું નામ પણ ન ઉચ્ચારો. એ જ ભૂલી જાવ કે એનું કોઈ અસ્તિત્વ હતું. તમારી જિંદગીમાંથી એનો સાવ એકડો જ કાઢી નાખો. એને એવું ભાન કરાવો કે તું તો મારી નફરતને પણ લાયક નથી. ક્યારેક આવા વિચાર પણ આવી જાય. જોકે, આવા વિચાર આવે ત્યારે માત્ર એટલું વિચારવાનું કે આપણે કોના માટે આવું વિચારીએ છીએ? દુશ્મન હોય તો ઠીક છે, આપણે મોટાભાગે આપણા લોકો સાથે જ આવું કરતા હોઈએ છીએ. આવું પણ આપણે કેવા કારણસર કરીએ છીએ? માત્ર એટલા ખાતર કે એણે આપણને ગમતું હોય એવું ન કર્યું? એણે પોતાને ગમતું હોય એવું કર્યું? એણે મારી વાત ન માની અને કોઈની વાત માની! આપણાં કારણો આપણી કક્ષા નક્કી કરતાં હોય છે! તમારી કક્ષાને એટલી નીચી ન બનાવો કે તમારું ગૌરવ ઓછું થાય. આપણે આપણી ગરિમા કેટલી રાખવી એ આપણે જ નક્કી કરવાનું હોય છે! દુનિયાને જે કરવું હોય એ કરે.

ઘણાના તો સંબંધો પણ ‘શરતી’ હોય છે. એની સાથે સંબંધ રાખ્યો છે તો આપણો સંબંધ પૂરો! જે સંબંધો દાવ પર લાગતા હોય છે એ સંબંધો લાંબા ટકતા નથી. સાચો સંબંધ કોઈને બાંધે નહીં, એ તો મુક્ત રાખે. આપણને કોઈ ઝંખતું હોય, કોઈ સતત યાદ કરતું હોય, આપણને પ્રેમ કરતું હોય, આપણું સાંનિધ્ય ઇચ્છતું હોય અને આપણે એની ઉપેક્ષા કરીએ એ પણ કોઈ આત્માની સાથે થતો એક અપરાધ જ છે! કોઈને બતાડી દેવાની હોડમાં ઘણી વખત આપણે જ ઘણું બધું જોઈ શકતા નથી! દરેકે ક્યારેક એવું વિચારવું જોઈએ કે હું તો ક્યાંય એવું કરતો કે કરતી નથી ને! જરાક વિચારી જોજો!

છેલ્લો સીન :

જ્યાં કંઈ સાબિત કરવાનું ન હોય ત્યાં ધરાર કંઈક સાબિત કરાવવું એ આપણી નબળી મનોવૃત્તિ જ સાબિત કરે છે.   -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 એપ્રિલ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

[email protected]

Be the first to comment

Leave a Reply