તારી સ્ટ્રગલનું તને ગૌરવ હોવું જોઈએ, અફસોસ નહીં – ચિંતનની પળે

તારી સ્ટ્રગલનું તને ગૌરવ

હોવું જોઈએ, અફસોસ નહીં

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએ,

એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ,

એકેક કસોટીમાં છે પાર ઊતરવાનું,

હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઈએ.

-રાજેન્દ્ર શુકલ.

તમે અત્યાર સુધીમાં કેટલો સંઘર્ષ કર્યો છે? કર્યો જ હશે! દરેક પાસે સ્ટ્રગલની પોતાની સ્ટોરી હોય છે. સંઘર્ષના અનુભવો હોય છે. કોઈ પણ માણસ જે જગ્યાએ હોય એ જગ્યાએ પહોંચવા માટે એણે મહેનત કરી હોય છે. એમ ને એમ ક્યાંય પહોંચાતું નથી. કોઈને ઓછી મહેનતે મળ્યું હોય તો કોઈએ અઢળક પ્રયાસો કર્યા હોય છે. દરેકના હિસ્સે થોડોક સંઘર્ષ તો હોય જ છે. સંઘર્ષ તો જિંદગીનો એક મસ્ત મજાનો કિસ્સો છે. જતી જિંદગીએ માણસ પાસે કંઈ બચતું હોય તો એણે કરેલા સંઘર્ષની કથા જ હોય છે.

સૂરજને ઊગવા માટે સંઘર્ષ કરવો પડતો હશે? દરિયાને ભરતી માટે મહેનત કરવી પડતી હશે? ફૂલને ખીલવા માટે પ્રયાસ કરવો પડતો હોય? કૂંપળ ફૂટે ત્યારે તકલીફ પડતી હશે? ઝાકળનું બિંદુ પણ પરસેવાનાં ટીપાં જેટલી મહેનતથી જ બનતું હશે? પર્વતને પોતાની ટોચ ટકાવી રાખવા તાકાત વાપરવી પડતી હશે? ખબર નહીં, પણ હા સૃષ્ટિ પર જેટલા જીવ છે એ બધાએ તો મહેનત કરવી જ પડે છે. આપણે કહીએ છીએ કે કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે. જોકે, કણ શોધવા કીડીએ ભટકવું પડે છે, હાથીએ મણ માટે મહેનત કરવી પડે છે. સિંહે શિકાર કરવો પડે છે અને હરણે બચવા માટે દોડવું પડે છે. કબૂતરે માળો બનાવવા તણખલાં ભેગાં કરવાં પડે છે, સમડીએ શિકાર પર ત્રાટકવું પડે છે. કયો જીવ સંઘર્ષ નથી કરતો?

માણસની જિંદગીનું અંતિમ ધ્યેય શું હોય છે? સુખ અને સફળતાં. સુખની દરેકની પોતાની કામના હોય છે. સુખ માટે દરેકની પોતાની વ્યાખ્યા હોય છે. સુખ એ એવું સુંદર સપનું છે જે જોવાની અને જીવવાની આપણને મજા આવે છે. દરેક સફળતા સુખની ગેરંટી આપતી નથી, પણ સફળતા મળે ત્યારે આપણને આનંદ તો થતો જ હોય છે. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય છે. સંઘર્ષના જુદાં જુદાં રૂપ હોય છે. દરેક માટે એ અલગ અલગ રૂપ લઈને સામે આવે છે. દરેકનો સંઘર્ષ યુનિક હોય છે. કોઈ કહેશે હું તો એવા નાના ગામડામાં જન્મ્યો હતો જ્યાં રોડ પણ નહોતા અને વાહન પણ આવતાં નહીં, કોઈ કહેશે મારી પાસે તો સ્કૂલ અને કોલેજની ફીના રૂપિયાં પણ ન હતા, ટ્યુશન રાખવાની તો મારી ત્રેવડ જ નહોતી, ફી ભરવા માટે મારે ભણવાની સાથે મજૂરી કરવી પડતી હતી, ભણવા કે નોકરી કરવા માટે મારા વતનથી ક્યાંય દૂર જવું પડ્યું હતું, મારા ખાવાનાં કંઈ ઠેકાણાં નહોતાં, કોઈ કહેશે કે હું તો બસ સ્ટેશનમાં કે રેલવે સ્ટેશને સૂતો છું, હોટલમાં વેઇટર તરીકે કામ કર્યું છે, કોઈને તો વળી ઘરમાં જ સંઘર્ષ કરવો પડે છે, મને જે ગમતું હતું એ કરવા માટે મારે મારા પિતા સાથે જ લડવું પડ્યું હતું, મને તો ઘરમાંથી કાઢી મૂક્યો હતો, કોઈ જ્ઞાતિ કે સમાજની મદદથી ભણ્યા હોય છે, ચોપડા પણ માગીને લીધા હતા! દરેક પાસે પોતાની રસપ્રદ કથાઓ હોય છે.

ઇન્ટરવ્યૂ આપવા ગયા હોઈએ ત્યારે હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યા હોય છે. દરેક વ્યક્તિ એકલી એકલી અનેક વાર રડી હોય છે. દરેકને સવાલ ઊઠ્યા હોય છે કે, શું હું કંઈ નહીં કરી શકું? મારી મહેનત સાવ એળે જશે? અચાનક કંઈક થાય છે અને જિંદગી પાટે ચડતી હોય એવું લાગે છે. ક્યારેક કંઈક એવું બને છે કે આપણને ચમત્કાર જેવું જ લાગે. કોઈ સાવ અજાણ્યું મળી જાય અને કહે છે કે તારે કરવું હોય એ કર, બીજી ચિંતા ન કર! અમુક લોકોનો સંઘર્ષ તો એટલો તીવ્ર હોય છે કે બે ટાઇમ જમવાનું અને સરખું સુવાનું મળી જાય તો પણ પોતાને નસીબદાર માને છે. વરસાદમાં ઘરમાં પાણી ટપકતાં હોય અને ડોલ કે તપેલી મૂકી દીધી હોય પછી આવતો ટપ ટપ અવાજ આખી જિંદગી સંભળાતો હોય છે. આલિશાન મકાનમાં રહેનારાઓ માટે સંઘર્ષની કથા જુદી હોય છે. ઘરથી દૂર રહીને ભણતા લોકો પાસે ઘર, મા, પતિ, પત્ની કે બાળકોથી દૂર રહેવાની વેદના હોય છે.

એક યુવાને નોકરી માટે બહારગામ રહેવું પડે છે. એને પૂછ્યું કે સૌથી અઘરું શું લાગે છે? તેણે કહ્યું, પત્ની અને દીકરી દૂર રહે છે. દીકરી બીમાર હોય અને એની પાસે જઈ ન શકું ત્યારે બહુ આકરું લાગે છે. ફોન પર તમે દીકરી સાથે મીઠી-મીઠી વાતો કરી શકો, પણ ખોળામાં બેસાડી માથે હાથ ફેરવતાં ફેરવતાં તમે એને સુવડાવી ન શકો! શહેરમાં રહેતી એક સિંગલ મધરે પોતાના દીકરાને દૂર ગામડે મા-બાપ સાથે રહેવા મોકલ્યો છે. તેણે કહ્યું કે, મને ખબર છે કે મારાં મા-બાપ એનું મારાથી પણ વધુ ધ્યાન રાખતાં હશે, એ ભૂખ્યો નહીં જ હોય, છતાં પણ જમતી વખતે કોળિયો ગળે નથી ઊતરતો એનું શું કરવું? કોઈના બાળકને રમાડી અને આઇસક્રીમ ખવડાવીને મેળવાતા આશ્વાસન પાછળ પણ નાનકડો અફસોસ હોય છે! આંખો ભીની થઈ જાય પછી એ લૂછવા પાછળ થતો સંઘર્ષ ઘણી બધી કથાઓ કહી જતો હોય છે!

ઘણા લોકો એવું કહે છે કે, રૂપિયા માટે બધું કરવું પડે છે. વાત સાચી હોય છે, પણ આ વાત સો ટકા સાચી હોતી નથી. માણસને માત્ર રૂપિયા નથી જોઈતા હોતા. દરેકને પોતાની ઓળખ પણ જોઈતી હોય છે. દરેકને એ સાબિત કરવું હોય છે કે મારું પણ કોઈ વજૂદ છે. મારામાં પણ આવડત છે. દરેકમાં પોતાને પ્રૂવ કરવાનું એક ઝનૂન હોય છે. દરેક કોઈ ને કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા જ હોય છે. આ કોમ્પ્રોમાઇઝ એ જ સંઘર્ષ છે. મન મનાવે છે, કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડતું હોય છે. બંને હાથમાં લાડું હોય તો પણ જો મોઢે પટ્ટી ચીપકેલી હોય તો ખાઈ શકાતું નથી. પટ્ટી ઉખેડવા એક લાડુ નીચે મૂકવો પડે છે. ઓપ્શન હોય છે, પણ એની સાથે સવાલો હોય છે કે શું ગુમાવવું પડશે? પ્રમોશન નથી લેવું યાર, પ્રમોશન લઉં તો બહારગામ જવું પડે, છોકરાંવના સ્ટડીનું શું? લાઇફ પાછી ડિસ્ટર્બ થઈ જશે.

સંઘર્ષ અઘરો હોય છે. સંઘર્ષ થકાવી દે છે. સંઘર્ષને બહુ ઓછા લોકો એન્જોય કરી શકે છે. સંઘર્ષ જો સહજ હોય તો સંતાપ લાગતો નથી. સંઘર્ષની સામે ફરિયાદ ન હોવી જોઈએ. આપણો સંઘર્ષ આપણને મોટો જ લાગતો હોય છે. આપણે એ અનુભવ્યો હોય છે. એમાંથી પસાર થયા હોઈએ છીએ. સંઘર્ષનો રસ્તો સીધો અને સરળ હોતો નથી. એ આપણને પછાડી દે એવો હોય છે. છોલાઈ જવું પડતું હોય છે છતાં એ જિંદગીનો અમૂલ્ય હિસ્સો હોય છે. એક યુવાનની વાત છે. ખૂબ મહેનત પછી એને જોબ મળી. સારી જોબ હતી. એની સાથે જ કામ કરતી એક છોકરી સાથે તેને પ્રેમ થયો. એક વખત છોકરીએ પૂછ્યું કે તું ક્યાં ક્યાં ફર્યો છે? શું જોયું છે? કઈ ગેમ્સ રમ્યો છે? છોકરાએ કહ્યું, વાત જવા દેને યાર, મારી જિંદગી તો ભંગાર રહી છે. મોટો થયો ત્યાં સુધી તો મારા ગામનીય બહાર નીકળ્યો નહોતો. હજુય મેં આપણા રાજ્યના થોડાંક શહેરો અને સ્થળો સિવાય કંઈ જોયું જ નથી. રમવાની વાત ક્યાં કરે છે, મેં તો મજૂરી કરી છે. સાચું કહું, મારી અત્યાર સુધીની જિંદગી તો સાવ વેડફાઈ જ છે! અહીં સુધી કેમ પહોંચ્યો છું એ મારું મન જાણે છે! આ વાત સાંભળીને તેની પ્રેમિકાએ કહ્યું કે અરે! તું તો કેવી વાત કરે છે! તને તારી સ્ટ્રગલનું ગૌરવ હોવું જોઈએ અને એના બદલે તું તો અફસોસ કરે છે. તું તારી મહેનતે આગળ આવ્યો છે. તને તો પ્રાઉડ ફીલ થવું જોઈએ. તું એમ કેમ નથી કહેતો કે, હું જે કંઈ છું એ મારા લીધે છું. કંઈ જોયું ન હોય કે કોઈ ગેમ્સ રમ્યો ન હોય તો શું થયું? તેં જિંદગીમાં જે જોયું છે એ કેટલું અનોખું છે. રમતો ન રમ્યો, પણ તું તારી જિંદગીની ગેમ જીત્યો છે. અફસોસ કરીશ તો રડતો જ રહીશ! હવે જે છે એને એન્જોય કર!

આપણા સંઘર્ષ માટે માત્ર આપણે જ જવાબદાર અને કારણભૂત હોઈએ છીએ. કેટલાક તો વળી તેના સંઘર્ષની વાતો કરી બીજા પાસેથી આશ્વાસન મેળવવા ઇચ્છે છે, ઘણા પોતાના સંઘર્ષની દુહાઈઓ દે છે. તને ખબર નથી મેં કેટલી મહેનત પછી આટલું મેળવ્યું છે! રાત-દિવસ એક કર્યાં છે ત્યારે અહીં સુધી પહોંચ્યો છું! તમારે બસ, વાતો કરવી છે. અમારી જેમ આગળ આવો તો ખબર પડે કે કેટલી વીસે સો થાય છે. એક વાત એ પણ સમજવા જેવી છે કે આપણા સંઘર્ષ સાથે બીજાને કંઈ ખાસ લેવાદેવા હોતી નથી. કોઈ તમારા સંઘર્ષને સમજે અને સન્માન કરે તો એ સારી વાત છે, પણ આપણે આપણા સંઘર્ષ માટે ધરાર સન્માનની આશા ન રાખી શકીએ. તમે કર્યું છે, સારી વાત છે, તમારી સ્થિતિ હતી, તમારા સંજોગો હતા, તમે ઓવરકમ કર્યા, ગ્રેટ, સારી વાત છે, પ્રાઉડ, પણ તો શું થઈ ગયું? બધા કરે છે! સંઘર્ષને સતત ગાતા રહેવું એ પણ ભૂલ છે. સંઘર્ષની કદર કોઈને કરવા દો, કોઈ એમાંથી પ્રેરણ લે એવું થવા દો, પણ તમે જ તમારી જાતને એવી રીતે રિપ્રેઝન્ટ ન કરો કે તમે જ બધું કર્યું છે.

બાય ધ વે, તમારા સંઘર્ષની શું કથા છે? યાદ કરો, જે તે વખતે એ સમય અઘરો હશે, પણ આજે એને વાગોળવાની સૌથી વધુ મજા આવશે. કેવા હતા એ દિવસો, કેટલી મહેનત કરી હતી, અત્યારે સંઘર્ષ કરતા હોય તો પણ યાદ રાખજો કે અત્યારનો સમય જ જિંદગીનો યાદગાર સમય બનવાનો છે. અફસોસ ન કરો, સંઘર્ષને એન્જોય કરો, પરસેવાની પણ એક સુગંધ હોય છે, એનો એક અહેસાસ હોય છે. ગૌરવ કરો કે તમે તમારા સંજોગો સામે લડીને અહીં સુધી પહોંચ્યા છો. દરેકને પોતાનું ગૌરવ પણ હોવું જોઈએ કે મેં મહેનત કરી છે, મેં મારી જિંદગી એળે જવા દીધી નથી. તમે જે કંઈ છો એના માટે તમે પ્રયાસો કર્યા છે. તમને એનું ગૌરવ હોવું જોઈએ!

છેલ્લો સીન :

તમારી સફળતા, તમારી મહેનત, તમારી આવડત અને તમારા કાર્યને બોલવા દો, એના માટે મોઢું બંધ રાખવું પડે છે!    –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 17 જાન્યુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Be the first to comment

Leave a Reply